॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૫: પ્રકૃતિ મરોડ્યાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું

નિરૂપણ

તા. ૨૬/૭ની રાત્રે સ્વામીશ્રી મુંબઈ પધાર્યા... કથામૃતની આ હેલીમાં તેઓ મોક્ષમાર્ગનું સચોટ નિદર્શન કરતા. તેમાં એક વાર ગઢડા અંત્ય પ્રકરણના ૩૫મા વચનામૃત પર નિરૂપણ કરતાં તેઓએ જણાવેલું કે:

“હીરાનું પારખું ઝવેરી જ કરી શકે. બાકી તો ચિંતામણિ ને પથરા સરખાં જ લાગે. રામપરા ગામની અંદર લાલ ધૂળ નીકળે છે. તેથી ત્યાંના લોકોનાં ભગવાં કપડાં હોય છે. તેથી એ બધા સાધુ ન કહેવાય. બનાવટી સંતની જાળમાં લોકો ફસાય છે. મહાત્મા સમજી તેની પાસે જાય અને અંતે ખુવાર થાય.

“એક જંગલમાં સિંહ રહેતો હતો. તેને કંઈ ખાવાનું ન મળ્યું તેથી ભૂખ્યો થયો. પછી શિકારની શોધમાં ફરતાં ફરતાં એક ઝાડ પર દૂરથી વાંદરાને જોયો. સિંહે મનમાં વિચાર્યું કે આમ તો આ વાંદરાનો શિકાર થશે નહીં. તેથી તેણે મનમાં યુક્તિ ગોઠવી. પોતે મહાત્મા બની ગયો. જમીન પર ફૂંક મારીને ધીમે ધીમે પગલું મૂકે.

“વાંદરાએ ઝાડ પર બેઠાં બેઠાં આ જોયું. તે વિચાર કરવા લાગ્યો કે: ‘આ સિંહ જેવું હિંસક પ્રાણી અને એ આ પ્રમાણે ફૂંક મારીને જમીન પર પગલાં ભરે!’ તેને બહુ નવાઈ લાગી. અનેક પ્રકારના વિચારો તેના અંતઃકરણમાં ચાલવા લાગ્યા. તે આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં તો સિંહ તેની નજીક આવી ગયો. વાંદરાએ તેને પૂછ્યું કે, ‘તમે તો વનના રાજા કહેવાઓ અને તમે આ પ્રમાણે જમીન પર ફૂંક મારીને પગલાં ભરો છો તેનું કારણ શું છે?’

“સિંહે જવાબ આપ્યો કે, ‘સાંભળો, હું જાત્રાએ ગયો હતો. ત્યાંનાં પવિત્ર સ્થાનોનાં દર્શન કર્યાં, ત્યાંનું વાતાવરણ જોયું, બધા લોકો કંઈક ને કંઈક નિયમ લેતા હતા. મેં પણ ત્યાં વિચાર કર્યો કે હું પણ કંઈક નિયમ લઉં. પછી એક મોટા મહાત્મા હતા તેની પાસે મેં વર્તમાન ધરાવ્યાં અને નિયમ લીધો કે કોઈ પણ પ્રાણીમાત્રની હિંસા ન કરવી. કીડી જેવા જીવની પણ હિંસા ન કરવી. તેથી કીડી-મકોડી ન મરી જાય તેટલા માટે હું આમ ચાલું છું.’

“આ સાંભળી વાંદરાએ વિચાર કર્યો કે: ‘આવા હિંસક પ્રાણીમાં પણ આ પ્રમાણે ફેરફાર થઈ ગયો? તે જરૂર મહાત્મા બની ગયા! હવે હું જો તેને પગે લાગું તો મારા જીવનું કલ્યાણ થાય.’ આમ તેને સિંહની વાતમાં વિશ્વાસ આવી ગયો.

“પછી વાંદરો ઝાડ પરથી નીચે ઊતરી સિંહ પાસે આવ્યો. સિંહને તો ગમે તેમ કરીને વાંદરાને પકડવો હતો તેથી તેણે આ ઢોંગ ધારણ કર્યો હતો. વાંદરો પાસે આવ્યો અને વાંદરાની બોચી પકડી. પણ વાંદરો બુદ્ધિશાળી હતો. વાંદરો આ પ્રમાણે પકડાયો તો પણ હસવા લાગ્યો. આથી સિંહે વિચાર કર્યો: ‘આને મરવાનો સમય આવ્યો છે છતાં પણ તે કેમ હસે છે?’ તેથી સિંહે તેને પૂછ્યું કે, ‘તું શા માટે હસે છે?’ ત્યારે વાંદરાએ કહ્યું, ‘તું મને છૂટો મૂકે તો હું મારા આનંદનું વર્ણન કરી શકું.’ સિંહે આ રહસ્ય જાણવા વાંદરાને છૂટો કર્યો. ત્યારે જેમ બંદૂકમાંથી ગોળી છૂટે તેમ વાંદરો છૂટતાંની સાથે જ છલાંગ મારીને ઝાડ પર ચડી ગયો અને રડવા લાગ્યો. તે જોઈ સિંહે રડવાનું કારણ પૂછ્યું ત્યારે વાંદરાએ વાત કરી, ‘મારા જેવા હજારો વિશ્વાસીનો તું ઘાણ કાઢી નાંખીશ એનું મને રડવું આવે છે.’ એમ કહીને પછી વાંદરો તો ચાલ્યો ગયો.

“એમ જગતમાં આવા કેટલાય મહાત્માઓ હોય છે. દુકાનોમાં બહારથી કાચનાં ઘણાં ડેકોરેશન કરેલાં હોય પણ અંદર જઈએ ત્યારે ખ્યાલ આવે કે શું માલ છે, શું ભાવ છે ને કેવો માલ મળે છે! તેમાં સોનું લેવા જઈએ ને પછી તેને બદલે પિત્તળ લઈ આવીએ તો રડવાનું જ થાય. એમ આપણે દીવો હાથમાં લઈને કૂવામાં પડીએ તો પછી આપણા જેવા મૂર્ખ કોણ કહેવાય? તેવી રીતે શ્રીજીમહારાજે આપણને દીવા જેવી ચોખ્ખી વાત બતાવી છે, સાચા સંત ઓળખાવ્યા છે. માટે ખોટા રસ્તા પર ભરમાવું નહીં.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૨૬૦]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase