share
☰ prastavana

॥ સ્વામીની વાતો ॥

નિવેદન

 

અનાદિ અક્ષરબ્રહ્મ સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતું એટલે શ્રીજીમહારાજના ‘વચનામૃત’ ઉપરનું ભાષ્ય. શ્રીજીમહારાજે કહેલા વચનામૃતની પરાવાણી યથાર્થ સમજવી હોય તો સ્વામીની વાતુંનું અધ્યયન કરવું જ રહ્યું. જેમ વચનામૃત એ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે, તેમ સ્વામીની વાતું એ પણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ જ છે. બંને ગ્રંથોના અધ્યયનથી શુદ્ધ ઉપાસના, સંપ્રદાયનું તત્ત્વજ્ઞાન અને બ્રાહ્મીસ્થિતિ સિદ્ધ કરવા માટે આવશ્યક એવાં સાધનોની સૂઝ પડે.

‘સ્વામીની વાતો’નો મહિમા તો સ્વામીએ પોતે જ કહ્યો છે: “આ તો અક્ષરધામની વાતું છે. આ વાતું ફરી જન્મ ન થવા દે તેવી છે. આ વાતું તો અનંત સંશયને છેદી નાંખે એવી ભગવાન પુરુષોત્તમની વાતું છે. આ વાતુંની ગતિ તો કાળના જેવી છે તે દેખાય નહિ પણ અજ્ઞાન ટાળી નાંખે એવી છે.”

આવી અદ્‌ભુત પરાવાણી સમ આ વાતું સ્વામીશ્રી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્‌ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ લખી લીધી હતી અને સ્વામીએ પણ તેમના સમયમાં આ વાતુંની કથા કરાવી હતી.

એક સાધુએ સ્વામીને ફરિયાદ કરી કે, “આ શામજી વાતું લખે છે પણ તે છાશમાં કેટલું પાણી નાંખે છે?”

ત્યારે સ્વામીએ તેમણે લખેલી વાતુંના ખરડા મંગાવ્યા અને તેની કથા અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કરાવી. કથા દરમિયાન સ્વામી વારંવાર કહેતા કે, “આ વાતુંમાં તો એકે શબ્દ આઘોપાછો નથી.”

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્વામી જાગા ભક્ત સંપાદિત ત્રીજા પ્રકરણની કથા મુંબઈમાં કરાવી હતી અને તે ઉપર સ્વામીના પ્રસંગોનું અદ્‌ભુત નિરૂપણ કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે તો ‘સ્વામીની વાતો’ કંઠસ્થ કરી હતી, એટલે આ વાતું પ્રાસાદિક અને પ્રમાણભૂત છે.

આ વાર્તાનું પ્રથમ સંપાદન સદ્‌ગુરુ બાલમુકુન્દદાસજીએ કર્યું હતું અને સં. ૧૯૬૬માં ઠા. દામોદર ગોરધનદાસના પ્રેસમાં છપાવી હતી. ત્યારબાદ નરનારાયણ દેવ(અમદાવાદ)ની ગાદીના આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજની આજ્ઞાથી મંદિરના માનત પુરાણી નંદકિશોરદાસજી સ્વામીએ સંવત ૧૯૬૭માં છપાવેલી, જેમાં પાંચ પ્રકરણ મૂક્યાં હતાં.

ત્યારબાદ બીજી આવૃત્તિ સંવત ૧૯૭૫માં ધ.ધુ. આચાર્ય શ્રીપતિપ્રસાદજી મહારાજની આજ્ઞાથી શ્રી સત્સંગ હિતવર્ધક મંડળ તરફથી રાજકોટમાં પાંચ પ્રકરણમાં છપાયેલી, જેની મૂળ પ્રસ્તાવના આ પુસ્તકમાં છે.

ત્યારબાદ સંવત ૧૯૮૧માં પૂજ્ય શ્રીકૃષ્ણજી અદાએ સાત પ્રકરણ છપાવેલાં.

આ આવૃત્તિમાં શરૂઆતમાં સંવત ૧૯૬૬ અને ૧૯૭૫માં છપાવેલાં પ્રકરણોમાં ૧લું પ્રકરણ તે ૧લું છે. ૨જું પ્રકરણ તે ૩જું, ૩જું પ્રકરણ તે ૨જું છે, ૪થું પ્રકરણ તે ૭મું છે, ૫મું પ્રકરણ તે ૬ઠ્ઠું છે. ને આગળ જણાવ્યા પ્રમાણે પ્રકરણ ૪ અને ૫ પૂજ્ય કૃષ્ણજી અદાના છપાવેલા પુસ્તક પ્રમાણે છે.

સ્વામી અને મહારાજની સ્મૃતિએ સહિત આ વાતુંનું અધ્યયન કરવાથી સબીજ જ્ઞાન અંતરમાં ઉદય થાય છે, એકાંતિક સંતનો મહિમા સમજાય છે, અને જીવમાંથી કારણ શરીરના ભાવ નાશ પામે છે.

તમામ હરિભક્ત આ ગ્રંથનું અધ્યયન કરી સ્વામીની કૃપાથી આત્યંતિક કલ્યાણના અધિકારી બનો!

 

લિ.

સાધુ કેશવજીવનદાસજીના (મહંત સ્વામીના)

ઘણા હેતથી જય શ્રી સ્વામિનારાયણ

 

 

સદ્‌ગુરુ સ્વામીશ્રી બાલમુકુન્દદાસ સ્વામીએ સંગ્રહ કરી સંશોધન કરેલી અને

ધ.ધુ. આચાર્યશ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજની આજ્ઞાથી

સં. ૧૯૭૫માં છપાવેલ,

 

‘અક્ષરસ્વરૂપ સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો’ની

 

પ્રસ્તાવના

 

આ પુસ્તક જો કે પ્રાકૃત ભાષામાં ગૂંથાયેલું છે તોપણ સાંખ્ય અને વેદાંતના અભ્યાસીઓએ ખાસ મનન કરવા યોગ્ય છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપદેશથી ભરપૂર પ્રાકૃત ભાષાનાં પુસ્તકોમાં ‘વચનામૃત’થી દ્વિતીય પંક્તિનું આ પુસ્તક છે એમ કહ્યા વિના ચાલશે નહિ. આ પુસ્તક ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયને લગતું દેખાય છે, પરંતુ સઘળા જિજ્ઞાસુઓની વૃત્તિને પરમ સંતોષ આપનારું છે. કિં બહુના, વાચકવર્ગને પોતાની યોગ્યતા કેટલે અંશે ઉત્તમ છે તે આ પુસ્તક પોતે જ બતાવી આપે છે.

આ પુસ્તકની પહેલી આવૃત્તિ (સં. ૧૯૬૬) વખત શરૂઆતમાં વાતોના આંક બિલકુલ હતા નહિ. તેમ જ અંદર શ્લોક, સવૈયા વિગેરે પણ લેખક દોષથી અશુદ્ધ રહેલા હતા. તે સઘળો ભાગ સુધારવા સદ્‌ગુરુ સ્વામી શ્રી બાલમુકુંદદાસજીએ ઘણો જ શ્રમ લીધેલો છે, તેથી તેમાં કાંઈ પણ ફેરફાર કરવાની અમારે જરૂર પડી નથી; પરંતુ બીજી આવૃત્તિ છપાવવાનો જ્યારે વિચાર થયો ત્યારે સદ્‌ગુરુ પુરાણી શ્રી ગોપીનાથદાસજીએ પુસ્તકમાં રહેલા અધૂરા શ્લોક વિગેરે પૂરા કરવા તથા તુરત ધ્યાનમાં આવે તેમ મધ્યમાં મૂકવા અને બની શકે તેટલા શ્લોકના અર્થ કે કેટલીક ઉપયોગી બાબતો પણ ફૂટનોટમાં આપવા જણાવ્યું હતું અને છપાવવા માટે જોઈતું પુસ્તક ખાસ પોતાને નિત્ય પાઠ કરવાનું હતું તે જ આપ્યું જેથી અમોએ આ બીજી આવૃત્તિ વખતે પુરાણીશ્રીના સંકલ્પાનુસાર શ્લોક વિગેરે સંપૂર્ણ કરી તેમના અર્થ તથા કેટલીક ઉપયોગી બાબતો ફૂટનોટમાં આપી વાચકવર્ગની સગવડતા કરી આપવા પુરાણીશ્રીએ જે સંકલ્પ કરેલો તે સિદ્ધ કર્યો છે.

શરૂઆતમાં અમે જાહેર કર્યા મુજબ દરેક વાતે પેરેગ્રાફ પાડવા શરૂ કર્યા છે. પરંતુ પાછળથી કેટલાએક વિદ્વાન સત્સંગી ભાઈઓની સલાહથી એ વિચાર મુલત્વી રાખ્યો છે.

પ્રથમ આવૃત્તિના (સં. ૧૯૬૬, સન ૧૯૧૦, ઠા. દામોદરદાસ ગોરધનદાસના પ્રેસમાં છપાવેલ) પહેલા પ્રકરણમાં ૩૪૫ વાતો જોવાય છે. જ્યારે આ બીજી આવૃત્તિમાં ૩૪૨ છે. તે સંબંધમાં જણાવવા રજા લઈએ છીએ કે પ્રથમ આવૃત્તિમાં પહેલા પ્રકરણમાં વાતોના આંક ૧૩૧ પછી ૧૩ર નહિ કરતાં ૧૩૩ કરેલા હતા તેમ જ ૨૩૭ તથા ૨૪૩ના આંક પડતા મૂકી પછીના લેવામાં આવ્યા હતા એટલે ૨૩૬ પછી ૨૩૮ અને ૨૪૨ પછી ૨૪૪ હતા જેથી છેવટની સંખ્યામાં તફાવત થયેલો હતો તે સુધારી આ આવૃત્તિમાં ખરા આંક ચઢાવેલા છે. સ્વામીશ્રીનું જીવનચરિત્ર મેળવવા અમોએ બનતો પ્રયાસ કરી બની શક્યું તેટલું તે પણ આ આવૃત્તિમાં આપેલું છે વિગેરે વિગેરે વાચકવર્ગની સગવડતા ખાતર જે શ્રમ લેવામાં આવ્યો છે, તેથી સહુ અમારા ઉપર પ્રસન્ન થશો એ અમારી વિનંતી છે.

 

– લિ. પ્રકાશક

અષાઢ શુક્લ, ગુરુપૂર્ણિમા, સં. ૧૯૭૫

close

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading