કીર્તન મુક્તાવલી
2-1349: આજ કળિયુગમાં સાચા સાધુને પામ્યો
આજ કળિયુગમાં સાચા સાધુને પામ્યો
સાધુ કેશવકીર્તનદાસ
આજ કળિયુગમાં સાચા સાધુને પામ્યો,
આજ કળિયુગમાં પ્રમુખસ્વામીને પામ્યો,
જાણે પાનખરે ફૂલોનો મેળો જામ્યો. આજ કળિયુગમાં સાચા. ધ્રુવ
ઓસરતી ભક્તિના ટમટમતા દીવડા,
માયાના અંધારે અટવાતા જીવડા,
વાસનાના રંગોની હોળીમાં શ્રીજીની, ભક્તિનો કેસૂડો જામ્યો.
આજ કળિયુગમાં. ૧
ભવમાં બાંધે એવાં બંધન શું કામનાં,
પળમાં છૂટે એ તો સગપણ છે નામનાં,
મુક્તિના પગથારે કાયમના સથવારે, સ્વામીએ હાથ મારો થામ્યો.
આજ કળિયુગમાં. ૨
ગોતે સૌ નભમાં ધરતી ને ચહુદિશમાં,
ભેટ્યા ભગવંત મને પ્રમુખજીના વેશમાં,
ધન્યતાના સાગરમાં ઝબકોળી આતમનો, ભવભવનો રોગ આજ વામ્યો.
આજ કળિયુગમાં. ૩