કીર્તન મુક્તાવલી
2-1260: મને શીખવો તવ આતમ સંગીત
મને શીખવો તવ આતમ સંગીત
સાધુ મધુરવદનદાસ
મને શીખવો તવ આતમ સંગીત હે પ્રમુખસ્વામી,
શીખવો તવ આતમ સંગીત,
મારે રીઝવવા આપને અમિત હે પ્રમુખસ્વામી,
શીખવો તવ આતમ સંગીત. ધ્રુવ.
સાધનાને પંથ હજી ઘૂંટતો જ ષડ્જ અને જોયું તો આંખો થઈ ચાર,
સાતેય સૂર દીઠા એક એક સાગર ને કેમ કરી ઊતરવું પાર,
હવે આપ કહો એ જ રીતે રીત હે પ્રમુખસ્વામી,
શીખવો તવ આતમ. ૧
આપ કહો એ જ સ્વરો વાદી ને સંવાદી, આપ કહો એ જ લય તાલ,
તનના તંબૂરનેય આપ સ્વરે મેળવી હું ઝંકારું આપનું જ વ્હાલ.
મારે ગાવાં નવ ગુણલાનાં ગીત હે પ્રમુખસ્વામી,
શીખવો તવ આતમ. ૨
મનની મુજ મોરલીનાં છિદ્રોને ભરી ભરી રેલાવો રાગ મલ્હાર,
અંતરની રેત ઉપર મેઘ બની ઊતરશે સ્વામી તુજ હૈયાનો હાર,
મારે ભીંજાવું આપ સંગ નિત હે પ્રમુખસ્વામી,
શીખવો તવ આતમ. ૩