સ્તોત્ર સિન્ધુ
૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્
શિખરિણી વૃત્તમ્
યદ્રોમવિવરે લીના અંડાનાં કોટ્યઃ પૃથક્ ।
તદક્ષરં ગુણાતીતં ગુણાતીતં નમામ્યહમ્ ॥૧॥
જેમના એક એક રોમછિદ્રમાં કરોડો બ્રહ્માંડો અલગ અલગ રહ્યાં છે અને સત્ત્વ, રજસ્ તથા તમસ્ એ ત્રણે ગુણોથી જે રહિત છે, પર છે, એવા મૂળ અક્ષરમૂર્તિ શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમસ્કાર કરું છું. (૧)
મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવતઃ
પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરૈ-કાન્તિકવૃષે ।
સદાનન્દં સારં પરમહરિવાર્તા – વ્યસનિનં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૨॥
નિરંતર ભગવાનના ધ્યાનના મહા અભ્યાસી; પવિત્ર અને અતિશય શ્રેષ્ઠ એવા એકાંતિક ધર્મમાં સારી રીતે સ્થિતિ પામેલા - સર્વ કાળ ભગવાનના આનંદવાળા, સારસ્વરૂપ (પૂર્ણપણે સિદ્ધ) છતાં શ્રીહરિની સર્વોત્તમ વાતો કરવાના પરમ વ્યસની એવા મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમન કરું છું. (ર)
પરં માયોપાધે ર્વિશદહૃદયે સ્વે પ્રતિદિનં
નિજાત્માનં શાન્તસ્ફુરદુરુ-મહોમંડલવૃતમ્ ।
પ્રપશ્યન્તં શુદ્ધાક્ષર – મતિતરાનન્દ – નિલયં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૩॥
પોતાના અતિશય નિર્મળ હૃદયમાં માયાની ઉપાધિથી પર, શાંત અને પ્રકાશમાન એવા મોટા તેજના મંડળની વચ્ચે રહેલા પોતાના આત્માને નિરંતર સાક્ષાત્કારરૂપે જોનારા, અને સર્વોત્કૃષ્ટ પરમાનંદના પરમ આશ્રયસ્થાન એવા શુદ્ધ અક્ષર મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમન કરું છું. (૩)
શુભાવિર્ભાવાનાં સ્વહૃદિ સહજાનન્દમનિશં
નિદાનં પશ્યન્તં પ્રકૃતિપુરુષાદે-રધિપતિમ્ ।
હરિં તૈલાસાર-પ્રતિનિભમથાગ્રે નિજ દૃશોર્
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૪॥
પ્રકૃતિપુરુષાદિકના અધિપતિ અને સર્વ અવતારના કારણ એવા શ્રી સહજાનંદ સ્વામીને નિરંતર પોતાના હૃદયને વિષે તેમ જ બંને નેત્ર સન્મુખ તેલની અસ્ખલિત ધારાની પેઠે અખંડ જોનારા (અર્થાત્ શ્રીહરિના અખંડ સાક્ષાત્કારવાળા) એવા મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર વંદન કરું છું. (૪)
હરિ ર્યસ્યોદાર – પ્રણયરશના – બદ્ધચરણો
યતો નૈતિ પ્રેષ્ઠાત્ ક્વચિદપિ પૃથગ્ભાવમજિતઃ ।
યથા શબ્દાદર્થો નિજવિમલચિત્તાદપિ વિયત્
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૫॥
જેમ શબ્દથી અર્થ છૂટો પડતો નથી અને નિર્મળ ચિત્તથી આકાશ જેમ અલગ થતું નથી તેવી રીતે કોઈથી પણ નહીં જિતાયેલા એવા શ્રીહરિ જેમના ઉદાત્ત પ્રેમપાશ વડે બદ્ધ ચરણવાળા થઈને જેમનાથી કોઈ કાળે વિખૂટાપણું પામતા નથી (સમીપ જ રહે છે), તે મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું સર્વકાળ નમું છું. (૫)
સ્થિતો માતુર્ગર્ભે હરિમવિરતં યોઽક્ષરપરં
ચિદાનન્દાકારં લલિતવસનાલંકૃતિધરમ્ ।
અપશ્યત્પુણ્યાક્ષં વિધુમિવ ચકોરઃ શુચિરુચિં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૬॥
જે માતાના ગર્ભમાં (રહ્યા થકા) પણ ચકોર જેમ ચંદ્રને જુએ છે તેમ અક્ષરથી પર, સચ્ચિદાનંદ સ્વરૂપ અને સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરતા શ્રીહરિનાં અવિચ્છિન્ન (અવિરત) દર્શન કર્યા કરતા, તે જ કારણે જેમનાં નેત્રો (સર્વ ઇન્દ્રિયો) પવિત્ર જ રહે છે, તે ઉજ્જવળ કાંતિવાળા મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમું છું. (૬)
અનાકૃષ્ટાત્મા યો ભુવનવિષયૈ-રપ્યતિવરૈ-
રલિપ્તત્વેનાસ્થાદિહ મતિમુષસ્તાનધિગતઃ ।
યથા વાયુશ્ચાભ્રં વડવદહને વાબ્ધિનિલયો
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૭॥
જેમ વાયુ, આકાશ અને સમુદ્રમાં રહેલો વડવાનળ (અગ્નિ) સર્વકાળ નિર્લેપ જ રહે છે, તેમ ત્રિલોકીના અતિ ઉત્તમ વિષયોથી પણ જેમનું મન આકર્ષાતું નથી, અને બુદ્ધિને મોહ પમાડે એવા શ્રેષ્ઠ વિષયોને પ્રાપ્ત કર્યા છતાં જે નિર્લેપ ભાવે જ રહે છે, તે મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમસ્કાર કરું છું. (૭)
જનૌઘેષ્વેકાન્તં વૃષમખિલ – દોષાર્તિશમનં
સુભદ્રં સચ્છાસ્ત્રપ્રતિભણિત-નિર્વાણસરણીમ્ ।
તતાનાત્મપ્રેષ્ઠં પુરુકરુણયા મોહદલનં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૮॥
સમગ્ર દોષો અને દુઃખને શમાવનાર, અત્યંત કલ્યાણકારી તથા સત્શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા મોક્ષના એકમાત્ર માર્ગરૂપ અને અતિશય પ્રિય તથા મોહનાશક એવા એકાંતિક ધર્મને જેમણે અત્યંત કરુણાથી જનોના સમૂહમાં વિસ્તાર્યો તે મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું સતત પ્રણામ કરું છું. (૮)
સ્ફુરત્સ્ફારજ્ઞાનામૃત-વિપુલવૃષ્ટ્યાતિ-સુખદો
દુરાપૈર્યુક્તો યઃ શ્રુતિનિગદિતૈઃ સદ્ગુણગણૈઃ ।
વિધું નિન્યે લજ્જાં જનવિવિધ-તાપોપશમને
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૯॥
સ્કુરાયમાન થતા વિશાળ જ્ઞાનરૂપ અમૃતની વિપુલ વૃષ્ટિ વડે અત્યંત સુખ આપનારા, વેદોમાં વર્ણવેલા દુર્લભ સદ્ગુણોના સમુદાયોથી યુક્ત અને લોકોના વિવિધ સંતાપોને શાંત કરવામાં ચંદ્રમાને પણ જેમણે લજ્જા પમાડી હતી એવા મુનિવરશ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમન કરું છું. (૯)
જનાજ્ઞાનધ્વાન્ત – ક્ષપણકરણાત્ તીક્ષ્ણકિરણં
હ્રિયં નિન્યે સ્વેક્ષા-દુરિતદલનો યો મૃદુમનાઃ ।
મહૈશ્વર્યૈર્યુક્તો હરિપર – તરાનુગ્રહતયા
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૦॥
લોકોના અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવાથી ઉગ્ર કિરણોવાળા સૂર્યને પણ જે લજ્જા પમાડતા હતા, વળી પોતાનાં દર્શન માત્રથી જ (અનેક જન્મનાં) પાપનો નાશ કરનારા, શ્રીહરિના સર્વોત્કૃષ્ટ અપાર અનુગ્રહથી જે મહા ઐશ્વર્યોથી યુક્ત હોવા છતાં કોમળ મનવાળા (અહંકારથી રહિત) તે મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિત્ય નમન કરું છું. (૧૦)
પ્રસંગં યસ્યૈત્યાજગતિ નનુ જાતા જનગણા
બૃહદ્રૂપા ભૂપા હરિપુરુતરધ્યાન – નિરતાઃ ।
વિરક્તા રાજ્યાદૌ શુભગુણયુતાશ્ચાતિસુખિનો
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૧॥
જેમનો સમાગમ (પ્રસંગ) પામીને જગતની બધી બાજુના અનેક લોકોના સમુદાયો, સર્વાધિક રૂપવાન રાજાઓ વગેરે પણ પોતાના રાજ્યાદિકમાં (વૈભવોથી) વૈરાગ્ય પામ્યા થકા શ્રીહરિના શ્રેષ્ઠ ધ્યાનમાં અત્યંત આસક્ત અને પવિત્ર ગુણોથી યુક્ત થઈ અત્યંત સુખિયા થયા તે મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમસ્કાર કરું છું. (૧૧)
યદુક્તાં સદ્વાર્તાં ભવભયહરાં શ્રોતુમનિશં
સમાયન્ સદ્વ્રાતા બહુજનપદેભ્યો હરિજનાઃ ।
મરાલા ભૂયાંસઃ સમુદમિવ સન્માનસ-સરો
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૨॥
જેમણે સ્વયં ઉચ્ચારેલી અને (જન્મમરણરૂપી) સંસારના ભયને હરનારી એવી સુંદર વાતોને નિરંતર સાંભળવા માટે, ઉત્તમ માનસ સરોવર પ્રત્યે જતા અનેક હંસોની માફક, ઘણાં દેશોમાંથી અનેક હરિજનો તથા સંતનાં વૃંદો ઉત્સાહપૂર્વક આવતાં એવા મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમું છું. (૧૨)
યદાવાસે માર – પ્રણયરસ – લોભાદિરિપવઃ
પ્રવેષ્ટું નો શેકુ ર્વિજિતવિધિમુખ્યા બહુમદાઃ ।
મુનીન્દ્રૈસ્તં માન્યં શુભસકલ – તીર્થાસ્પદપદં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૩॥
બ્રહ્મા આદિ મુખ્ય દેવોને પણ જીતીને અતિશય ગર્વ પામેલા એવા કામ, સ્નેહ, સ્વાદ અને લોભાદિક શત્રુઓ, જેમના નિવાસસ્થાનમાં પ્રવેશ કરવાને સમર્થ નહોતા થતા તે મહામુનિઓને પણ માન્ય એવા, અને જેમના ચરણ સકળ પવિત્ર તીર્થોનું આશ્રયસ્થાન છે તેવા મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર પ્રણામ કરું છું. (૧૩)
મહાશ્રદ્ધોપેતં મુનિગુરુવરં સ્વક્ષરતનું
હરેર્ભક્ત્યાદૌ દ્રાગ્ભવભયભિદં સ્વેક્ષણકૃતામ્ ।
પ્રશાન્તં સાધુત્વા – વધિમતુલકારુણ્ય – નિલયં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૪॥
શ્રીહરિની ભક્તિ આદિમાં અત્યંત શ્રદ્ધાવાળા, મુનિઓના પણ ઉત્તમ ગુરુ, સુંદર અક્ષરમય (ચિરંજીવ-અવિનાશી) તનુવાળા (અર્થાત્ સાક્ષાત્ અનાદિ અક્ષરબ્રહ્મ) અને પોતાનાં દર્શન કરનારાઓના જન્મ-મરણરૂપ સંસારના ભયને તત્કાળ હરનારા, અત્યંત શાંત, સાધુપણાની અવધિરૂપ તથા અપાર કરુણાના એક આશ્રયસ્થાન તેવા મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું પ્રણામ કરું છું. (૧૪)
મુહુર્યસ્મૈ પ્રાદાત્ પુરુમુદમિતો યદ્વરગુણૈર્
હરિર્હારાન્ પૌષ્પાન્નિજતનુધૃતાનંગદમુખાન્ ।
સ્વભુક્તં સદ્ભોજ્યં વરવસનમુખ્યં સ્વવિધૃતં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૫॥
જેમના ઉત્તમ ગુણોથી અતિશય પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ પોતાના શરીર પર ધારણ કરેલાં પુષ્પના હાર તથા બાજુબંધ વગેરે તથા પોતે જમેલ પ્રસાદી અને પોતે ધારણ કરેલ ઉત્તમ વસ્ત્ર વગેરે જેમને વારંવાર અર્પણ કરતા હતા, તેવા મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નમન કરું છું. (૧૫)
અનેકેભ્યઃ સદ્ભ્યો વિમલ-હરિવિજ્ઞાનદદતં
ભુવિ બ્રાહ્મીં વિદ્યાં હરિવચનરૂપામુદયતમ્ ।
હરિધ્યાનાસક્તં શુભગુણમનાદ્યક્ષરમહં
ગુણાતીતાનન્દં સકલગુરુમીડે મુનિવરમ્ ॥૧૬॥
આ પૃથ્વી ઉપર અનેક સત્પુરુષોને પણ શ્રીહરિના સ્વરૂપનો શુદ્ધ જ્ઞાનરસ અર્પણ કરનારા, તેમ જ શ્રીહરિના વચનામૃતરૂપ બ્રહ્મવિદ્યા આપનારા, તેમ જ શ્રીજીમહારાજના ધ્યાનમાં આસક્ત અને શુભ ગુણોથી યુક્ત અને સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ હોઈ સર્વના ગુરુ, એવા અનાદિ અક્ષરમૂર્તિ શ્રીગુણાતીતાનંદ સ્વામીની હું સ્તુતિ કરું છું. (૧૬)