૧૫. એકાંતિક સત્પુરુષ

 

ભક્તિમાતાને શ્રીહરિએ મોક્ષના દ્વારરૂપ એકાંતિક સત્પુરુષનો મહિમા કહેતાં કહ્યું, “સત્પુરુષના સંગથી ભગવાનનું દૃઢપણે માહાત્મ્ય જાણવામાં આવે છે. અને ત્યારે જ સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય સહિત ભક્તિનો ઉદય થાય છે. હે માતા! ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણે અંગ સહિત ભગવાનની ભક્તિ ઉદય થવાનું કારણ સત્પુરુષ છે. એ ત્રણ અંગસહિત એવી ભક્તિ વિના કાલમાયાના ભયથી રહિત એવું અક્ષરબ્રહ્મધામ કોઈથી પમાતું નથી.”1

ભક્તિમાતાએ શ્રીહરિને મોક્ષના દ્વારરૂપ સત્પુરુષનાં લક્ષણ પૂછ્યાં ત્યારે શ્રીહરિ તે વિસ્તારથી કહેવા લાગ્યા:

શ્રીહરિ કહે, “એવા સંત પર - અપરાધને ક્ષમા કરનાર, જીવપ્રાણીમાત્ર પર દયા રાખનાર, સર્વ જીવનું હિત ઇચ્છનાર, ઠંડી-ગરમી વગેરે સહન કરનારા, અસૂયારહિત હોય છે. ગુણમાં ક્યારેય દોષ ધારતા નથી. શાંત સ્વભાવે વર્તે છે. જેને કોઈ શત્રુ હોતો નથી. ઈર્ષ્યા રહિત વર્તે છે. માન રહિત, મત્સર રહિત હોય છે. બીજાની મોટપ દેખી પ્રસન્ન થાય છે. જેવું ઘટે તેવું બીજાને માન આપી રાજી થાય છે. નિર્વૈર, સત્ય અને પ્રિયવાણી બોલનારા, કામ, ક્રોધ, મદ અને લોભ રહિત, દેહમાં અહંબુદ્ધિ અને દેહના સંબંધીમાં મમત્વબુદ્ધિએ રહિત, સ્વધર્મમાં દૃઢ વર્તનવાળા હોય છે. દંભ રહિત, અંદર બહાર પવિત્ર, શરીર-ઇન્દ્રિયોને દમનારા, સરળ સ્વભાવવાળા, મિતભાષી, ઇન્દ્રિયોના ગણને જીતનારા, પ્રમાદ રહિત હોય છે. સુખ-દુઃખ, માન-અપમાન, હર્ષ-શોકમાં વિકાર રહિત, ધીરજવાન, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની ચપળતાએ રહિત હોય છે. ક્ષોભ રહિત, પદાર્થ સંગ્રહ નહિ કરનારા, ધર્મબોધ આપવામાં ચતુર, આત્મનિષ્ઠ, હરિસેવામાં તત્પર હોય છે. પરોપકારી, નિર્ભય, નિઃસ્પૃહ, નિર્વ્યસન, શ્રદ્ધાવાન, ઉદાર હોય છે. તપમાં નિષ્ઠાવાળા, કોઈ પણ પ્રકારના પાપકર્મે રહિત, ગ્રામ્યવાર્તા નહિ કરનારા, સત્શાસ્ત્રના વ્યસની, માયિક પંચવિષયની આસક્તિથી રહિત હોય છે. આસ્તિક, બુદ્ધિવંત, સત્-અસત્‌ના પરમવિવેકી, મદ્ય-માંસ આદિના સંસર્ગ રહિત સાત્ત્વિક ભોજન જમનારા, બીજાની ગુપ્ત વાત પ્રસિદ્ધ નહિ કરનારા, ચૌર્યવૃત્તિ રહિત, આહાર અને નિદ્રાને જીતનારા હોય છે. સંતોષી, નિજધર્મમાં સ્થિર મતિ રાખનારા, અહિંસક, તૃષ્ણા રહિત, અમૃત દૃષ્ટિવાળા, બીજાનાં સુખદુઃખને જોઈ સુખીદુઃખી થનારા, અઘટિત કાર્ય કરવામાં લજ્જાશીલ હોય છે. પોતાના મુખે કરીને ક્યારેય પોતાનાં વખાણ નહિ કરનારા, બીજાની નિંદા નહિ કરનારા, સત્શાસ્ત્રમાં કહેલા નિષ્કામધર્મનું દૃઢ પાલન કરનારા બ્રહ્મચર્યનિષ્ઠ હોય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે યોગકળા જાણનારા, ભગવાનનો દૃઢ આશ્રય રાખનારા, ભગવાનની નવધાભક્તિ કરનારા, અવતાર ચરિત્ર કહેવા-સાંભળવામાં પ્રીતિવાન, ભગવાનની મૂર્તિમાં ધ્યાનપરાયણ, ભગવાનની ભક્તિ વિના ક્ષણમાત્ર વ્યર્થ સમય જવા નહિ દેનારા, સર્વ પ્રકારના દોષે રહિત એવાં લક્ષણયુક્ત ભગવાનના એકાંતિક સાધુના સમાગમે કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત માહાત્મ્ય-જ્ઞાનયુક્ત ભક્તિ ઉત્પન્ન થાય છે. હે માતા! એવા સત્પુરુષ મુમુક્ષુજનને મળે છે ત્યારે નિશ્ચય કરીને માનવું કે, એને કોઈ વસ્તુ અપ્રાપ્ય રહી નથી. હે માતા, એવા સાધુ મળે ત્યારે ભગવાન સાક્ષાત્ મળ્યા છે એમ જાણજો.

“તેમના મુખે ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવું. તો ભગવાનનું તથા ભગવાનનાં ધામોનું માહાત્મ્ય અને ઐશ્વર્ય જાણ્યામાં આવે છે. ભરતખંડમાં રહેલાં તીર્થોનું માહાત્મ્ય પણ તેમના દ્વારા સમજાય છે. તેમની પાસેથી શ્રવણ કરવાની રીતે જે ભક્તિ વગેરેનું શ્રવણ કરે તેને અપાર ફળ મળે છે. અપાર પુણ્ય વિના એવા સાધુ મળવા દુર્લભ છે. તેમનાં દર્શન, સ્પર્શ, નમસ્કાર, સેવન, ભોજન અને પૂજનથી અનેક જન્મનાં પાપ નાશ પામે છે. એવા સાધુને ભગવાને પોતાના હૃદય સમાન ગણ્યા છે. તેમનાં ચરણમાં બધાં તીર્થ નિવાસ કરીને રહે છે. એવા સાધુનો પ્રસંગ મન, કર્મ અને વચનથી કરે તો મુમુક્ષુ જનોને કાંઈ પણ દુર્લભ નથી.”

‘એસે સાધુ તાકે, ચરણ રહે જો તિન મહિં,

તીર્થ સમુહ હિ વાકે, નિવાસ કરિકે રહે યહ.

સાધુ તાકે પ્રસંગ, મન, કર્મ, બચન હિ કર તેહિ,

મુમુક્ષુ જનકું અભંગ, સિદ્ધિ હોત દુર્લભ જેહિ.’2

શ્રીહરિએ માતાને ઉપદેશ આપતાં એકાંતિક સત્પુરુષનો મહિમા કહેતાં કહ્યું, “હે માતા! સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રીહરિની માહાત્મ્ય સહિત ભક્તિમાં જેની દૃઢ નિષ્ઠા હોય છે તેને એકાંતિક ભક્ત કહેવાય છે. એકાંતિકમાં દંભ, કપટ લેશ પણ હોતાં નથી તેના જેવો કોઈ શ્રેષ્ઠ નથી. એવા એકાંતિક ભક્તમાં શ્રીહરિ નિરંતર વાસ કરીને રહે છે. તેમાં રંચ પણ સંદેહ નથી. શ્રીહરિના વાસને લીધે એકાંતિક ભક્ત શ્રેષ્ઠ કહેવાય છે. એકાંતિક ધર્મમાં જેટલી કસર રહે તેટલો તે ઊતરતો ભક્ત જાણવો. એકાંતિક ધર્મ જેમાં જેટલો ઉત્કૃષ્ટ હોય તેટલો શ્રીહરિનો વાસ તેમાં વિશેષ જાણવો.”3•

બરેલીમાં નીલકંઠવર્ણીએ પુરજનોને વાત કરતાં કહ્યું, “સત્પુરુષ હોય તે ધર્મનો ભંગ ન કરે. જીવનું અજ્ઞાન ટાળી તેને શુદ્ધ કરે. જીવની કુસંગમાં જેટલી રુચિ રહે તેટલો તે અશુદ્ધ છે. સત્પુરુષના સંગે જેટલો તે શુદ્ધ થાય તેટલો પ્રગટ ભગવાનનો નિશ્ચય તેને થાય. સત્પુરુષનો યોગ જેટલો રહે તેટલો તેને સત્સંગ કરવાનો ભાવ જાણવો. ભગવાન વિના કોઈ વાત કાને ન ધરે તે સત્પુરુષનું લક્ષણ છે. ભગવાનના સ્મરણ વિનાની જે પળ ગઈ તેને હાનિ સમજે. અધર્મ સર્ગનો દૂરથી ત્યાગ કરે, ભગવાન વિના બીજું વ્યસન હોય નહિ. હરિનાં ચરિત્રોને અમૃતસિંધુ તુલ્ય જાણે. તેને કહેવા-સુણવામાં સદા અનુરાગ ધરે.”4

નીલકંઠવર્ણીએ પૂનામાં બાજીરાવ નૃપને સત્પુરુષની ઓળખ આપતાં કહ્યું, “સત્પુરુષ ચિંતામણિ સમાન હોય છે. તેની સમીપ જઈને મનુષ્ય, જેવું ચિંતવે તેવું તેને મળે છે. એ ચિંતામણિ એવી છે જે બધાનું ભલું ઇચ્છે છે. સત્પુરુષ કદી કોઈને દુઃખી કરતા નથી.

“જેમ નાવનો સ્વભાવ તારવાનો છે, તેમાં ઊંચ-નીચ જે કોઈ બેસે તેને નાવ તારે છે. સત્પુરુષ નાવ સમાન છે, તેનો આશ્રય કરે તો અપાર ભવસાગરથી તે જીવને પાર ઉતારે છે.”5

લોજમાં શ્રીહરિએ સંતોને કહ્યું, “ધ્યાન દઈને સાંભળો, જેને પૂર્વ જન્મનાં ભાગ્ય ઉદય થયાં હોય તેને સંતની સેવા કરવાની ઇચ્છા થાય છે. મનમાન્યાં જપ, તપ, તીરથ, વ્રત આદિ તો સૌ કોઈ કરે છે પણ તેનો ઉદ્ધાર થતો નથી. એવા જન ભવસિંધુમાં ડૂબીને દુઃખી થાય છે. પરંતુ ભગવાનના સંત એ ભવસિંધુમાં નાવ સમાન છે. જીવના ઉદ્ધાર માટે તેઓ પ્રવર્તે છે. અગમ-નિગમમાં આ વાત લખેલી છે.”6

શ્રીહરિએ ગોંડલના રાજા હઠીસિંહને એકાંતિક સંતની વાત કરતાં કહ્યું, “અન્યલોકનાં બધાં સુખો કરતાં પરમ એકાંતિક સંતની પદવી ઊંચી છે. અમને એ સંતમાં સર્વથી અધિક પ્રીતિ છે. એ સંતની પદવી જેવી અમને ગમે છે તેવી બીજી કોઈ પદવી ગમતી નથી. સંતની આગળ અમે દીન થઈ જઈએ છીએ.

“સંતની પાસે હું અખંડ રહું છું, કારણ કે એ સંતને મારા સિવાય બીજા કોઈની આશા મનમાં નથી, એવા સંતના ગુણોનો કોઈ અંત લઈ શકે તેમ નથી. અમે પરમ એકાંતિક સંતથી કોઈને પર જાણતા નથી. જીવોને એ પરમપદની પ્રાપ્તિ કરાવવા માટે હવે હું સંત થયો છું.”

‘પરમ એકાંતિક સંત કહાઈ, ઈનસેં પર ન કોઈ રહાઈ.

સો પરમપદ દેવ હિ કાજા, અબ મેં ભયો હુઁ સંત હિ આજા.’7

શ્રીહરિએ ગોંડલ પુરવાસીઓને વાત કરતાં કહ્યું, “મોક્ષનો અંકુર પ્રગટે ત્યારે સંતનો સંગ શોધે છે. અનંત પ્રકારની વિદ્યા છે, પણ તે બંધનરૂપ કહેવાય છે. એક બ્રહ્મવિદ્યા જન્મ-મરણથી છૂટવાનું દ્વાર છે, તે શુદ્ધ સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે.

“સંત મળતાં મોક્ષનું દ્વાર પ્રાપ્ત થાય છે. સંત બતાવે તે માર્ગે ચાલવું. એનું નામ જ જપ, તપ અને વ્રત છે. સત્સંગ કરીને સંત-અસંતને ઓળખવા. સંત હોય તે ધન ત્રિયામાં પ્રીતિવાન ન હોય. અષ્ટ પ્રકારે તેનો ત્યાગ રાખે. હરિ વિના બીજામાં પ્રેમ રાખે નહિ. બીજાને પણ હરિમાં પ્રેમ કરાવે. જગતમાં અરુચિ થાય તેમ વાત કરે. જેવી પ્રીતિ જગતમાં છે તેવી સંત અને ભગવાનમાં હોય તો અભય પદને પમાય.”8

બંધિયાથી પીપળિયા જતાં શ્રીહરિએ રાજાઓને વાત કરતાં કહ્યું, “અમારા નિર્માની સંત અમારા વચનની મહત્તાને સમજે છે. આવા સંત જગતમાં ક્યાંય નથી. દેખાય છે મનુષ્ય જેવા પણ એ મનુષ્ય નથી. તેના ગુણો વર્ણવવામાં આવે તેવા નથી. તેમની સામર્થિ અપાર છે, પણ અમે તે છુપાવીને રાખી છે. અક્ષરધામમાંથી મુક્તોએ પણ અવતાર ધર્યા છે તે એકે એક સાધુ પલકારે બ્રહ્માંડ ઊભું કરે એવા છે, તેને અમે જ જાણીએ.”9

સરધારમાં શ્રીહરિએ સભામાં વાત કરતાં કહ્યું, “ભગવાન સિવાય વસ્તુમાત્ર દુઃખદાયી છે. એમ જાણ્યા વગર અનંત જન્મે પણ તેનો અભાવ થાય નહીં. જેને સત-અસતનું જ્ઞાન છે તેનું તાન ભગવાનમાં લાગે છે.

“ભગવાનમાં જીવ જોડાય એવી જે કંઈ પ્રવૃત્તિ છે તે નિવૃત્તિ જ છે - એમ એકાંતિક ભક્ત જાણે છે. તે એકાંતિક ભક્ત વિના બીજા તેને એક સમાન માને છે. એકાંતિક ભક્ત અને અભક્તની રીત હંસ અને બગલા જેટલી ભિન્ન છે.”

‘હરિ મેં તાન મિલાવન કાજા, જો જો કરહિ પ્રવૃત્તિ સાજા.

સો નિવૃત્તિ સુખ હિ જાનો, ઓર નિવૃત્તિ દુઃખ પ્રમાનો.

યું એકાંતિક ભક્ત હિ જાને, ભક્ત બિન સબ એક હિ માને.’10

શ્રીહરિ ખાંભડા ગામના ગ્રામજનોની અપાર મુમુક્ષુતા જોઈને વાત કરવા લાગ્યા. જેમાં શ્રીહરિએ સૌને મોક્ષનું દ્વાર ઓળખાવી દીધું.

શ્રીહરિ કહે, “આ લોકમાં જે અધર્મ અને પાપ આચરે છે તે મરીને જમપુરીમાં અતિ અપાર દુઃખ ભોગવે છે. એક એક જણને શિરે જન્મ જન્મનાં જે પાપ ચઢ્યાં છે તેનું માપ નીકળી શકે નહિ. પાપને ગણકારતાં નથી તે અજ્ઞાની છે. કેટલાય યુગ પછી મનુષ્યતન મળે છે. મનુષ્યતનમાં તેને આત્માનું શુદ્ધ જ્ઞાન થાય પછી અજ્ઞાન ટળે છે. રાતનું અંધારું સૂર્ય વિના ટળે નહિ. કરોડ આગિયા ભેગા થઈને પ્રકાશ કરે તોપણ રાતનું અંધારું ન હટે. તે પ્રગટ સૂર્યથી જ હટે. ચિતરામણના કોટિ સૂર્ય શા કામના? સાચા ગુરુ એ સૂર્ય તુલ્ય છે. એવા ગુરુ મળે ત્યારે અનંત જન્મનાં પાપ ટળે છે. સાચા ગુરુ કેવા હોય કે જેમના દ્વારા જ્ઞાનનો સાક્ષાત્કાર થાય, તેની ઓળખ દઈએ તે સાંભળો - પ્રથમ તો ધન અને નારી - બેઉનું બંધન તોડવું મુશ્કેલ છે. એ બન્ને બંધનો જેમણે કાપ્યાં છે. સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે. જગતથી સાચો વૈરાગ્ય જે પામ્યા છે.

“જેટલું કંઈ સ્વાદુ ભોજન કહેવાય છે તે પ્રથમ ભગવાનને ધરાવે છે. પછી પોતે એક પાત્રમાં ભેગું કરી, જળ મેળવી તેને સ્વાદ રહિત કરીને ઔષધની જેમ આહારમાં લે છે. જેઓ દૈહિક સુખને લેશમાત્ર કદી ઇચ્છતા નથી. જેને દેહસંબંધી વિચાર જ ટળી ગયો છે. કોઈ અપમાન કરે તો તે દેહને છે, એમ માનતા થકા હર્ષ પામે છે. કોઈ સન્માન કરે તો મનમાં ગ્લાનિ-શોક પામે છે. જેમને ભગવાનસંબંધી જ ઘાટ-સંકલ્પ નિરંતર થયા કરે છે. ભગવાન સિવાય બીજો ઘાટ થાય તો ઝેર તુલ્ય માની તેનો ત્યાગ કરી દે છે. ભગવાનસંબંધી ઘાટને અમૃત તુલ્ય ગણે છે. અમૃત તજી વિષપાન કરે તેને મલિન શબ તુલ્ય ગણે છે. ભગવાનની મૂર્તિનું અમૃત રસપાન નિરંતર કરતા હોય આવાં લક્ષણે યુક્ત સંતને સાચા સંત જાણવા. એમનું સાંનિધ્ય મળે એ સાક્ષાત્ ભગવાનનું સાંનિધ્ય માનવું. એવા સંત પંચવિષયને વિષ તુલ્ય સમજે છે, અને એટલે જ તેનું ક્યારેય પ્રતિપાદન કરતા નથી. એવા સાચા સંતને વેદપુરાણ વખાણે છે.

“ભગવાનની ભક્તિ સિવાય જેમણે કોઈ વ્યસન રાખ્યું નથી. જે પોતાના મનની વૃત્તિ અહોનિશ ભગવાનમાં જોડી રાખે છે. એવા લક્ષણે યુક્ત સંતને ઓળખી તેમના સંગમાં નિરંતર રહેવું. તો જન્મોનાં ભયંકર પાપ પણ નાશ પામે છે ને જમપુરીનો ત્રાસ મટે છે. પાપ અને જમપુરીનાં દુઃખનો વિચાર કરી આવા સાચા સંતનો સદા સંગ કરવો.

“બ્રહ્માંડનાં જીવ-પ્રાણીમાત્રને બે દિવસ આગળ-પાછળ પણ મરવાનું નિશ્ચિત છે. આવું મનુષ્ય તન વારંવાર મળતું નથી. જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય, તેણે સાચા સંતનો સત્સંગ કરવો.”11•

ભેંસજાળમાં કાયાભાઈને ત્યાં શ્રીહરિ પધાર્યા. રાજભવનની પરસાળમાં સભા થઈ. ત્યારે જીવેન્દ્રે પ્રશ્ન પૂછ્યો, “જીવને મોક્ષનો અંકુર ક્યારે ઉદય થાય?” તેનો ઉતર આપતાં શ્રીહરિ કહેવા લાગ્યા:

‘શુક સનકાદિક નારદ જૈસે, સાચે સંત મિલે જબ ઐસે.

સત્ય પ્રતીતિ આવે જબ તામેં, અતિ પ્રીત પ્રથમ કરે યામેં.’

“શુક-સનકાદિક, નારદ જેવા સાચા સંત જ્યારે મળે ને તેમનામાં સાચી પ્રતીતિ આવે, પછી પ્રથમ તેની સાથે અતિ દૃઢ પ્રીતિ, આત્મબુદ્ધિ કરે. તેમનાં વચનને હિતકારી માની તે મુજબ વર્તે, બીજો સ્વાર્થ રાખે નહિ, એ સંતને પરમ પરમાર્થી માને, તેની સાથોસાથ પોતાની બુદ્ધિને તુચ્છ માનીને દીન-આધીનપણે નમતો રહે.

“વ્યાવહારિક બુદ્ધિ અપાર હોય પણ લગારેય મોક્ષના કામમાં ન આવે, એ બુદ્ધિનું એટલું ફળ કે ખાન, પાન ને સન્માન મળે, પણ એ બુદ્ધિ દૂષિત છે. તેનું દુઃખરૂપી ફળ અહીં જ મળે છે. પરલોકનું વિચારે એ બુદ્ધિ સાચી એમ વિચારી સાચા સંતનો સમાગમ પ્રીતિપૂર્વક કરે તો સત્સંગના પ્રતાપે કરીને ધર્મ ને અધર્મનો ભેદ જાણ્યામાં આવે છે. ધર્મનું ફળ સુખ છે ને અધર્મનું ફળ દુઃખ છે - એમ જાણી ધર્મને માર્ગે ચાલે ત્યારે મોક્ષનો અંકુર પ્રગટે. એ અંકુરને વિઘ્ન કરનારનું પછી ધ્યાન રાખે, રાત-દિવસ તેનું જતન કરે. એમ કરતાં તેમાંથી ઉત્તમમાં ઉત્તમ વૃક્ષ બની આવે છે. વૃક્ષ મોટું થાય છતાં પણ તેને કુસંગરૂપી ઊધઈનો ભય રહે છે, માટે કુસંગનો વિશ્વાસ કદી ન કરે. સત્સંગમાં નિર્દોષબુદ્ધિ રાખે, દિન દિન પ્રત્યે સૌમાંથી ગુણ ગ્રહણ કરતો રહે ત્યારે તેને મોક્ષરૂપી અંકુર ઉદય થયાનું મહાફળ મળે છે.” એમ શ્રીહરિએ ઉત્તર કર્યો.12•

અમદાવાદમાં સાંજના સમયે શ્રીહરિએ ચીમનરાવને વાત કરતાં કહ્યું, “સત્પુરુષનો દ્રોહ કરનારને હિરણ્યાક્ષ, કંસ અને રાવણ તુલ્ય જાણવા. આકડાના તૂરની જેમ તે ઊડી જાય છે. સત્પુરુષનો દ્રોહ કરનારની મતિ મોહાંધ થાય છે ને અંતે તે નાશ પામે છે.”13

શ્રીહરિ રાજકોટમાં લાખાજી નૃપને ત્યાં એકાંતિક સંતનો મહિમા કહેવા લાગ્યા, “અતિ ભાગ્ય ઉદય થયાં હોય, તેને સંતનો મહિમા જાણ્યામાં આવે છે. ભાગ્ય વિના ભેગા રહે, તોપણ સંતનો અવગુણ લે. સંતમાં રહેલા અપાર ગુણને તે દેખે નહિ. જેમ ઇતરડી ગાયના સ્તનમાં રહેવા છતાં દૂધ ત્યજી રુધિર પીએ છે, તેમ એવાને સાધુના સંગમાં પણ ઇતરડી જેવા જાણવા. ભગવાનનાં વચન યથાર્થ ન પાળે, તે મરીને રાક્ષસ થાય છે. પોતાને આત્મારૂપ માને ને સંતને દેહરૂપ માને, તે ખળ અને પાપી છે.

“સંતનાં વચન અનેક ભવની પીડા મટાડે એવાં નિર્મળ છે. તેમાં દોષ દેખાડે તેને માયાવી ખલ જાણવા. સંત નટના ખેલની પેઠે વચનરૂપી દોર ઉપર ચાલે છે, શૂરા અને સતીથી પણ અધિકપણે મરણ હાથમાં લઈને વર્તે છે. ભવ, બ્રહ્માદિ દેવો ને નારદ જેવા દેવર્ષિઓ સંતનું વર્તન જોઈ કંપે છે. પ્રકૃતિ-પુરુષ ને અક્ષરમુક્ત સુધીના સૌ ધન્ય ધન્ય ઉચ્ચારે છે. ભગવાનના જેટલા અવતારો થયા છે, તે પણ આવા સંતને ધન્ય ધન્ય કહે છે. તેવા સંતનું અક્ષરરૂપે વર્તન હોય છે, તેને નિર્મળ હૃદયવાળા દેખે છે. દેહરૂપ મેરુગિરિ આડે બેઠેલાને તે દેખ્યામાં આવતું નથી. મારા ભક્તે કીડી જેવાનો પણ દ્રોહ ન કરવો, એવી અમારી આજ્ઞા છે. સંતનો દ્રોહ કરે તે પાપીમાં પાપી છે. અક્ષરમુક્ત પણ આવા સંતની તુચ્છતા કહે તો તે નીચમાં નીચ છે. આ અમે સંતના સોગંદ દઈને કહીએ છીએ. તેમાં જરા પણ જૂઠ નથી. સંતની વારંવાર પ્રાર્થના કરવી અને સંતના દાસ થઈને વર્તવું.

“સનકાદિકનું અપમાન જયવિજયે કર્યું તો રાક્ષસ થવું પડ્યું. ભગવાનના સેવક હતા તોપણ એવું થયું. ભગવાને તેમને કહ્યું કે હું સંતને આધીન છું. સંતનો અપરાધ પળમાત્ર સહન કરું નહિ. સંતનો દ્રોહ કરે છે તે મારો કંઠ છેદે છે. કોટિ કલ્પ સુધી પણ હું તેનું મુખ જોવા ઇચ્છતો નથી. મારો હાથ અપરાધ કરે તો તેને પણ કાપી નાંખું લક્ષ્મીથી પણ અધિક મને સંત પ્રિય છે. સંત મારું હૃદય છે, સંત મારો કંઠ છે, સંત મારાં નેત્ર છે. સંતનો થોડો દ્રોહ થાય તોપણ મને કરોડ ઘણો ડર લાગે છે. એવો ડર તો શિવનું ત્રિશૂલ કે ઇન્દ્રનું વજ્ર જોઈને પણ ક્યારેય લાગતો નથી. મારો અપરાધ કોઈ કોટિ વાર કરે તોપણ હું દુખાતો નથી, પરંતુ સંતનો અલ્પ અપરાધ કરે તેના પર કરોડ ઘણો દુખાઈ જાઉં છું. હું તેને કદી માફ ન કરું. સંત માફ કરે તો ભલે. સંત માફ કરે તો જ તે અપરાધનું પાપ ટળે છે.”

‘સંત કરે જબ માફ, તબ હોવત હે માફ તેહિ,

તા વિન ટરત ન પાપ, સંત હિ કે દ્રોહિહુ કો.’14

“સંતના દ્રોહથી હું કરોડગણો ડરું છું. એવા સંતનો મુખ્ય ગુણ એ છે કે તેને મારા વિના કોઈનામાં સ્નેહ નથી. વળી, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એક એક ગુણ કરોડગણા તેનામાં રહેલા છે. એવા સંતની ચરણરજ હું ઇચ્છુ છું.” આવી કેટલીક વાતો શ્રીહરિએ રાજકોટમાં લાખાજીને ત્યાં ડુંગરજી અને અલર્ક રાજાને કરી.15

મોડા ગામે શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “સત્પુરુષની સેવા એ જ મોક્ષ છે. મોક્ષનો બીજો અર્થ નથી. એમ સમજનારા બહુ થોડા હોય છે. એમ સમજીને સત્પુરુષની સેવા કરે તેને અનાદિ મુક્ત જાણવા. તેઓ સત્પુરુષની સેવાને મોક્ષપદથી પણ અધિક માને છે. સ્વાર્થથી સેવા કરે તેને આધુનિક મનુષ્ય જાણવા.”16•

શ્રીહરિએ પૂરના નૃપ પ્રત્યે વાત કરતાં કહ્યું, “આ સંતનું ચિંતવન પ્રીતિ પૂર્વક કરવું. જે તેનું ચિંતવન કરે છે તેને ચારેય દુઃખ ટળી જાય છે. જન્મ-મરણ, જમપુરી, ચોરાશી તેને માથે રહેતી નથી. આ સંતને જે ભાવથી જમાડે છે અને ચંદન, પુષ્પો, વસ્ત્રોએ કરીને વેળા-વેળાએ પૂજે છે એ મનુષ્ય જે જે લોકમાં જાય છે ત્યાં દેવતાઓ તેનું પૂજન કરે છે, આ વાત તે સત્ય જ છે અને તેનું ફળ સમય આવે દેખાય છે. સંતનું વચન જે માને છે તેનું ધર્મમાં વર્તન થાય છે. આવા સંતની મધ્યે પ્રગટ શ્રીહરિ બિરાજે છે, એવી પ્રતીતિ જેને આવે છે તે તત્કાળ અક્ષરધામ પ્રાપ્ત કરે છે. સંત-સમાગમ કરે છે તેને અક્ષરધામ દૂર રહેતું નથી.”17•

કચ્છમાં તેરા ગામે શ્રીહરિ જમી રહ્યા પછી સંતો અને નૃપને વાત કરતાં કહ્યું, “જેમ જેમ સત્સંગ કરે છે, તેમ તેમ જીવની માયા ટળતી જાય છે. સત્પુરુષ તેને હરિનું શરણું લેવડાવે છે. નિયમ ધરાવી શુદ્ધ કરે છે. પછી જેમ જેમ સત્સંગ કરે, તેમ તેમ તેનામાં મુક્તપણું પ્રગટતું જાય.

“વર્તમાન ધાર્યા એટલે તત્કાળ ‘સત્સંગી’નું વિશેષણ મળ્યું, કુસંગના માર્ગથી દૂર રહ્યો. પછી સત્પુરુષનો સંગ તજી કુસંગ કરે તો તે ઘટતો ઘટતો નીચ યોનિને પામી જાય છે, માટે ઉત્તમનો સંગ કરવો. જે કંઈ માયિક વસ્તુ કહેવાય છે તે બંધો કુસંગ સમજવો. સત્પુરુષ માયાથી મુક્ત છે, અન્ય જીવ બદ્ધ છે. બદ્ધનો સંગ કરે તો અમાયિક પણ માયિક થઈ જાય. મુક્તનો સંગ કરે તો માયિક પણ અમાયિક થઈ જાય.”

‘માયિક અમાયિક હોત હે, અમાયિક માયિક હોત;

બધ અબધ કો સંગ કર, દેખાત અંતર મેં જોત.’18

શ્રીહરિએ નવાનગરના રાજાએ શ્રીહરિને પૂછ્યું કે, “તીર્થમાં જવાથી મોક્ષ થાય છે એમ શાસ્ત્રો કહે છે પણ મને સંશય થાય છે કે તીર્થમાં જ પાપ થતાં હોય ત્યાં શું સમજવું?” શ્રીહરિએ તેનો ઉત્તર કરતાં કહ્યું, “સત્પુરુષના સંગ વિના તીર્થો ફળીભૂત થતાં નથી. જેમ લાકડામાં અગ્નિ છે, પણ ચકમકના ઇલમથી પુરુષ તેને પ્રગટ કરી આપે છે. તેમ સત્પુરુષ મળે ને તેમાં પ્રતીતિ લાવીને તેમની સેવા કરે, તેમના વચનમાં ટૂકટૂક વર્તે તો તેનો મોક્ષ થાય છે.

“એટલે સત્પુરુષને ઓળખવા એ સાધનમાત્રમાં મુખ્ય સાધન છે, કારણ કે સત્પુરુષના સંગ વિના તીર્થથી કોઈનો મોક્ષ થતો નથી. તીર્થનું ફળ એટલું જ છે કે કોઈક વખત ત્યાં સંત મળી જાય. સંત જીવના સંશય છેદી ભગવાનનો મેળાપ કરાવી દે છે. અનાદિ અજ્ઞાન કે જે જીવને કારણ શરીરરૂપે વળગ્યું છે, તેને સંત ઓળખાવી ટાળી દે છે. સત્પુરુષ વિનો પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન થતું નથી, પછી ભલે વેદાદિ શાસ્ત્રોને ભણે તોય તે અજ્ઞાની રહે છે. મોક્ષની વાત તો તેમાં પડી છે, પણ પોતાની મેળે તે સમજાતી નથી, જ્યારે સત્પુરુષ મળે છે ત્યારે તત્કાળ મોક્ષની વાત બતાવી દે છે.

“સત્પુરુષના સંગ વિના વેદાદિ શાસ્ત્રો ભણે તોય તે મોક્ષના માર્ગથી દૂર થતો જાય છે. તેના હૃદયમાં વિશેષ વિભ્રાન્તિ પેદા થાય છે.

“ટૂંકમાં, અનંત વાતોનો ગલિતાર્થ એ છે કે સત્પુરુષને ઓળખી લેવા. જ્યારે સત્પુરુષ ઓળખાશે ત્યારે સાધન બધાં સંપૂર્ણ થયાં જાણવાં.

“સંત જ્યાં સુધી ઓળખાયા નથી, ત્યાં સુધી મનુષ્યદેહ મળ્યો, તે ન મળ્યા તુલ્ય છે. પછી રાજા કે પંડિત થયો કે ન થયો, અનંત તીર્થ ફર્યો કે ન ફર્યો - બધું સરખું છે. અમે આટલો સિદ્ધાંત દૃઢ માન્યો છે, તે તમારી પાસે કહ્યો.”

‘સંત જ્યાં લગી ના ઓલખાય, ત્યાં લગ સો ન કછુ કરાય,

મનુષ્ય દેહ આઈ સો ન આઈ, નૃપતિ ભયે કહા કહાએ,

પઢે ગ્રંથ સો ન પઢે કાઉ, તીર્થધામ અનંત કરે તાઉ,

હમ સિદ્ધાંત માને હૈ ઇતના, તુમ આગે કહે જાનત જિતના.’19

કચ્છમાં માંડવી બંદરે હરિજનો પ્રત્યે વાત કરતાં શ્રીહરિ કહે, “વિષયમોહરૂપી મહા સમુદ્ર છે, તેમાં જગત બધું ડૂબ્યું છે. ડૂબતા જીવોનો ઉદ્ધાર સંત કરે છે. સંત તેની બાંહ ગ્રહે છે. મહાસમુદ્રમાંથી બહાર કાઢે છે. જગત મહાકાળના મુખમાં ગરક થતું જાય છે તેની કોઈને ગમ નથી. તેથી જીવ દુઃખ પામે છે. કોઈ એક જીવને કાળના મુખમાંથી ઉગારી લે ને તેનો ઉદ્ધાર કરે તો એક બ્રહ્માંડના ઉદ્ધારનું ફળ તેને મળે છે.”20

કચ્છમાં કોટડા ગામે શ્રીહરિએ નૃપ તથા સંતો-ભક્તોને વિવેકની વાત કરતાં કહ્યું, “જન્મ-મરણ, નરક-ચોરાશીના દુઃખથી મુક્ત થઈ સુખ પ્રાપ્ત કરવું હોય તો તેણે વેદ-શાસ્ત્ર-પુરાણોમાં આસ્તિક મતિ રાખવી. ભગવાન કે ભગવાનના પ્રગટ સંત મળે ત્યારે જીવમાં આસ્તિક મતિ આવે છે. અમારા આશ્રિતે અધર્મ કરવામાં ડરવું. જેને મોક્ષ માર્ગે ચાલવું છે તેમણે અમારું વચન અંતરમાં દૃઢ કરવું. જેટલું વિષમાત્ર કહેવાય છે તેનું મૂળ પારખવું. બે દિવસ પણ જીવવું હોય તેણે એ વિષનો હૃદયથી ત્યાગ કરવો. ભગવાન અને ભગવાનના સંતો-ભક્તોનો અભાવ લેવો એ વિષ છે. જે અભાવ લેતો હોય તેનો વિશ્વાસ કરે તેને પણ અસુર જાણવો. પરિપક્વ અસુરને સાચા સંત ગમતા નથી. સંત વાત કરે તો તે તરત ત્યાંથી ઊઠી જાય છે. અસુરનું બળ હોય ત્યાં સંતે વિચાર કરીને બોલવું. દેશકાળ પરખી નીકળી જવું.”21

શ્રીહરિ તેરાપુરના જનોની સંત પ્રત્યે પ્રીતિ જોઈને તેમને વાત કરવા લાગ્યા, “સાચા સંત જ્યારે આવીને મળે છે ત્યારે જીવને બંધનથી મુક્ત કરે છે. ભગવાન વિના બીજે પ્રીતિ એ જ બંધન છે. જીવ અજ્ઞાનવશ હોઈ તેની દૃષ્ટિમાં આ બંધન જણાતું નથી. વળી, પૂર્વે અનંત પાપ કરીને આવ્યો છે એટલે સહજે વિષયમાં રાગ થાય છે, જે મૂઆ સુધી જીવને છોડતો નથી.

“વિષયવાસનાને કારણે લખચોરાશીમાં જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકનાં દુઃખ ભોગવ્યાં છે છતાં વિષયનો અભાવ થતો નથી. જ્યારે તેને સાચા સંત મળે છે ત્યારે વિષયના રોગથી મુક્ત કરે છે. કારણ કે એ સંત ધન્વંતરિ વૈદ્ય જેવા છે. અસાધ્ય રોગને પણ મટાડે છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન આપીને અજ્ઞાન-અંધારું ટાળે છે. સંત વિના અન્ય કોઈ મોક્ષના દાતા નથી. પોતે વિષયથી મુક્ત છે. જે મુક્ત હોય તે બીજાને મુક્ત કરે, જે બંધાયેલો છે તે શું છોડાવે? સંત માયાથી મુક્ત છે તો તેની વાત જીવને માન્યામાં આવે છે. જેને ધન, સ્ત્રી ને રસાસ્વાદમાં આસક્તિ હોય ને તે જનોને ઘણો બોધ કરે, પણ તેની વાત માન્યામાં આવતી નથી. જેને વિષયનો ત્યાગ નથી તેના બોધથી ક્યારેય બીજાને ત્યાગ ઉદય થતો નથી. વિષયનો ત્યાગ કરનાર સંત બડભાગી છે.

“જગતમાં સાર વસ્તુ જણાતી હોય, પણ તેમાં જો ભગવાનનો સંબંધ ન હોય તો તે અસાર છે. સત્પુરુષ ભગવાન વિના બધું અસાર સમજે છે. હરિભજનમાં સાર માનીને ભગવાનમાં દૃઢ પ્રીતિ રાખે છે.”22•

પીપળી ગામે દાદાભાઈને ત્યાં શ્રીહરિએ સંત-અસંતની ઓળખ આપતાં કહ્યું, “બધા પથ્થર કંઈ પારસમણિ હોતા નથી. ચિંતામણિ પણ પથ્થર છે, તેના ગુણ તો વળી બહુ જુદા છે. ધાતુ પણ ઘણી જાતની છે અને દૂધ પણ ઘણી જાતનાં છે, પણ બુદ્ધિશાળી જનો તેના ભેદને સમજે છે. તેમ સંત-સંતમાં પણ ભેદ છે.

“વિવેક વિનાના દરેકની સાથે સરખો વ્યવહાર કરે છે, તે બુદ્ધિહીન છે. તે ક્યારેય સુખી થાય નહિ. જગતમાં રાજા-રાજામાં જેમ ભેદ છે તેમ સંત સંતમાં પણ ભેદ છે. તે વિવેકી માણસને સમજાય છે. વિવેકીને અનુભવજ્ઞાન છે. સૂર્ય જગતમાં બહાર પ્રકાશ કરે છે, પણ જ્ઞાનરૂપી સૂર્ય અંતરમાં પ્રકાશ કરે છે. અંતરમાં અજ્ઞાન અંધારું હોય ત્યાં સુધી મોક્ષનો માર્ગ સૂઝતો નથી. જ્ઞાની-વિવેકી હોય તે સાચા સંતને ઓળખી લે છે. સંત સંતના ભેદ કહેતાં પાર ન આવે એટલા છે. નામે રૂપે સમાન દીસે પણ વર્તને કરી ભેદ નજરમાં આવે છે.

‘સંત સંત મેં ભેદ અતિ, કહત ન આવે પાર;

નામ કરિ નહિ ભેદ કછુ, વર્તન કરિ ભેદ અપાર.’

“જીવમાં મોક્ષનો અંકુર પ્રગટાવી દે તેને ખરા અર્થમાં સાધુ જાણવા. તેની દૃષ્ટિ અજાણતાં પણ રમણીય વિષયમાં જતી નથી. લોકોને મન અતિ રમણીય વિષય છે, તે સત્પુરુષને મન અત્યંત અસાર છે, વિષ્ટાની પણ વિષ્ટા છે ને તેની પણ વિષ્ટા છે.

‘મોક્ષ અંકુર ઉપજાહિ, સો જથાર્થ સંત તેહિ;

અજાનન દૃષ્ટિ તાહિ, રમણિક વિષય કું દેખકર.

જ્યું જ્યું રમણિક સાર, વિષય દેખહિ નજર કર;

જાનહિ અતિ અસાર, મલ કે મલ તેહિ મલ.’

“ભગવાન વિના ક્યાંય માલ ન માને તેને સાચા સંત જાણવા. સાચા સંત છાના રહેતા નથી, વર્તનથી તે ઓળખાઈ જાય છે. સાચાનું વર્તન છુપાવ્યું છુપાતું નથી. અંધ હોય તેને ન દેખાય. સાચા સંતનું વર્તન જોવા છતાં તેને જ ન માને તે આંધળા ને બહેરા સમજવા.”23•

કારિયાણીમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સંતનો યોગ થાય છે ત્યારે સત્ય વાત હૃદયમાં ઠરે છે, અંતર નીરોગી બને છે ત્યારે શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન થાય છે.”

‘સંત કો હોવે જોગ, સત્ય વાત તબ ઠરે ઉર;

અંતર હોય નિરોગ, હરિ કો જ્ઞાન તબ હોત ઉર.’24

સાયલાથી શ્રીહરિ જેઠસુર વિપ્રને ગામે પધાર્યા. ગ્રામજનોને વાત કરતા કહેવા લાગ્યા, “સંતની ઓળખાણ થાય છે ત્યારે જીવ જન્મમરણના બંધનથી છૂટે છે. સાચા સંત પારખ વિના ઓળખાતા નથી. જીવનું કલ્યાણ કરનાર સંત જગતથી સદા નિઃસ્પૃહ હોય છે. નારી અને ધનમાં કદી લપટાતા નથી. ઉપદેશમાં પણ નારી અને ધનની જે નિંદા કરતા હોય તેને સાચા સંત જાણવા. વિષયમાત્રને ઝેર સમાન જાણીને તેનો ક્યારેય સંગ થવા દેતા નથી. દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આ મુજબ વર્તન રાખે છે.”25•

શ્રીહરિ માંગરોલમાં સર્વ સભાજનોને કહે, “આ પુરમાં અમે પૂર્વે ઘણા ચમત્કારો બતાવ્યા, સમાધિ કરાવી હતી. હવે અમે જુદી રીત રાખી છે. ચમત્કારને છોડી દીધો છે. ચમત્કાર જોઈ અલ્પમતિ જનનું ચિત્ત વિભ્રાંત થઈ જાય છે. માયિક દેહના યોગે કરીને સત્ય પણ માયિક થઈ જાય છે. અમે કરેલી વાત અપાર છે, પણ તુચ્છમતિ તેને સમજી શકતો નથી. સમાધિ, ધ્યાન, ધારણા દેવોને પણ દુર્લભ છે. યોગાભ્યાસ કરે તોપણ સમાધિ થાય નહીં. ખરના (ગધેડાના) અંગ પર કેસર-ચંદનનો લેપ કરે, કપૂરના હાર પહેરવે પણ શબ્દ કરે ત્યારે તેનું ખરપણું ઉઘાડું થઈ જાય છે. મોટાનો પ્રતાપ અપરંપાર છે. જેનો પાર ભવ, બ્રહ્માદિ દેવતાઓ પણ લઈ શકતા નથી. જેમ ફૂટેલા પાત્રમાં પાણી સ્રવી જાય, તેમ તે પ્રતાપ દેખીને તેને તરત ભૂલી જાય છે.”

‘બડે઼ મેં પ્રતાપ હે અપરમપારા, ભવબ્રહ્માદિક લહત ન પારા.

પ્રતાપ દેખિ તરત ભૂલ જાવે, ફુટે ભાજન મેં નીર ન રહાવે.’26

જૂનાગઢમાં શ્રીહરિએ સંતોનાં મંડળ બાંધ્યાં અને ઉપદેશ આપતાં કહ્યું, “હે સંતો! તમારો દ્રોહ કર્યા વિના અધર્મીનો નાશ થતો નથી. સાચા સંતનો જે દ્રોહ કરે છે તેનો તરત જ વિનાશ થાય છે.”

‘એધર્મી ન હોવહિ નાસ, તુમારો દ્રોહ અતિ કરે બિન;

તર્ત હોવહિ વિનાસ, સાચે સંત કે દ્રોહ કર.’27

ગાલોલના માવા ભક્તને શ્રીહરિએ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું, “સત્સંગનો અર્થ છે શાસ્ત્રમાં વર્ણવેલા એવા સાચા સંત. એવા સંતમાં તીર્થમાત્ર સમાયાં છે ને તપનું ફળ પણ એ જ છે.” એમ કહી શ્રીહરિએ એ સંતની ઓળખ આપતાં કહ્યું:

“એ સંત સરળચિત્ત છે. એ બધાને ગમતા હોય છે, એટલે જ મુમુક્ષુજન તેનામાં પ્રીત કરે છે. એ સંત બધાના મિત્ર છે. કંઈ કહેવાનું હોય તે મિત્રપણે રહીને સૌને કહે છે, ને હિત કરે છે. ગંગા નદી જેમ જગતને પવિત્ર કરે છે, તેમ એવા સંત ત્રણે લોકને પવિત્ર કરે છે. એવા સંત સ્વયં અંતરથી પવિત્ર છે તો પોતાના સંબંધમાં આવનાર સૌને પવિત્ર કરે છે. વળી, પોતામાં જે ગુણો છે તે ગુણો બધામાં તેઓ જુએ છે.

“અન્યમાં અનંત અવગુણ હોવા છતાં સાચા સંત તે અવગુણને લેશમાત્ર જોતા નથી. અવગુણ જોવો તે અસંતનું લક્ષણ છે. એટલે જ અસંત પર કોઈને ભાવ થતો નથી. અસંત શ્વાન, શૂકર, ગર્દભ અને કાક સમાન છે. જે ઊંચાં ખાન-પાન તજી વિષ્ટાનો આહાર કરે છે!

“હંસ અને બગલા રંગે સરખા લાગે, પણ બન્ને જુદા છે તેમ સંત અને અસંત જુદા છે. સાચા સંત ક્યારેય કઠોર વચન ઉચ્ચારે નહિ. એમની વાણીમાં અમૃત વરસતું હોય છે. તેમની વાત જે સાંભળે તેની મતિ પવિત્ર થાય છે ને સૌનાં હૃદયમાં તેમના ગુણો વસે છે. અનંત અવગુણો ધોવાઈ જાય છે. દોષોનો નાશ થાય એવો હિતકારી અભ્યાસ સાચા સંત શીખવે છે. બીજાને સુખ પમાડે એવાં વચન ઊચરે છે. સંત થઈને કટુવાણી બોલે તેને સંત ન કહેવાય. સંત છે કે અસંત - તે વાણી પરથી માલૂમ પડે છે. વાણી ક્યારેય છૂપી છુપાતી નથી.

“સંતનો વેષ લીધો પછી સંતના ગુણ ન આવે તો તે વૃથા છે, તેનાથી મનુષ્યને ત્રાસ ઊપજે છે. સાધુતા વગર સંત કહેવાય જ નહિ, પછી ભલે તે કોટિ પ્રકારે વાત બનાવતો હોય! સંતમાં નિષ્કપટપણાનો ગુણ દેખી જગત તેમાં આકર્ષાય છે. જે નિષ્કામી વ્રતનું દૃઢ પાલન કરતા હોય, અંદર-બહાર નિષ્કપટ (દંભ રહિત) હોય, શાંત ગુણને સદા ધારણ કર્યો હોય, શત્રુનું છિદ્ર પણ ક્યારેય પ્રકાશિત ન કરતા હોય - એવા સંત જગતનો આધાર છે. આવા સંતમાં રહેલા શુભ ગુણો સર્વે ભગવાનના ગુણ છે. એવા સંત અનંત જીવોના મોક્ષ કરવા પ્રગટ થાય છે. અને એવા શુભગુણોથી શોભતા એ સંત શ્રીહરિનું અક્ષરધામ છે.

“એવા શુભ ગુણે યુક્ત અક્ષરધામરૂપ સંતને શ્રીહરિ ક્યારેય તજી શકતા નથી. (અર્થાત્ શ્રીહરિ એવા સંતથી ક્યારેય પૃથક્ રહી શકતા નથી) અનંતકોટિ બ્રહ્માંડોમાં અનંત નામરૂપે ભગવાન પ્રકાશે છે, જ્યાં જેવું કામ ત્યાં તેવું અવતાર-ચરિત્ર કરે છે. તેમનું આવવું-જવું ને અદૃશ્ય થવું કોઈના કળ્યામાં આવતું નથી. અહીં પ્રગટ થાય છે, પણ અક્ષરધામમાં તેવા ને તેવા જ સદા રહે છે.

“એમનાં ચરિત્રો ભક્તને કાજે છે. જીવનું અનાદિ અજ્ઞાન આવાં ચરિત્રો કરીને તેઓ ટાળે છે. અને ‘ચરિત્રો દ્વારા અનાદિ અજ્ઞાન ટાળવું’ એવો ધારો - નિયમ પણ નથી. પોતે પ્રત્યક્ષ હોય ત્યારે પોતે ટાળે છે, ને પછી પોતાના (અક્ષરધામરૂપ) સંતને એ જીવનું અનાદિ અજ્ઞાન ટાળવા આ ભૂમંડળ પર રાખે છે. એ પુરુષોત્તમનો મહિમા જેવો ને જેટલો છે, તેવો ને તેટલો યથાર્થપણે એ સંત દ્વારા જાણ્યામાં આવે છે.

“શ્રીહરિ જે કરે તેમાં કોઈ ભૂલ-ખામી હોય નહીં. - આ રીતે જે સમજે તે એકાંતિક છે. ‘હરિ કરે તામેં ભૂલ ન કોઈ, એસે સમજે એકાંતિક સોઈ’ પછી તેનામાં દુનિયાદારીની સમજ આવે કે ન આવે - એ માટે શ્રીહરિને કોઈ દાવો નથી. એવા સંતને જે ઓળખે છે તેનું કલ્યાણ થાય છે. જે નથી ઓળખતા તેને લખચોરાસીમાં અનંત દુઃખ ભોગવે છે.

“પાકા હરિભક્તની પરખ એ છે કે તેને ભગવાન ને ભગવાનના સંતમાં જેવી પ્રીતિ છે તેવી બીજામાં પ્રીતિ થતી નથી. વળી, બીજું એ કે ભગવાન અને સંતનો આશ્રય કરવામાં જે કોઈ વિઘ્ન કરે તેને શત્રુ જાણીને તેનો ત્યાગ કરી દે. વળી, ચૌદ લોકના સર્વ સુખને સત્સંગ આગળ તુચ્છ ગણે છે. એનો એકનો એક રંગ કહે ને તે દિનદિન વૃદ્ધિ પામતો રહે, પણ લેશમાત્ર મોળો ન પડે. આવા સંત-હરિજનથી શ્રીહરિ અળગા રહેતા નથી. માટે જેને મોક્ષની ઇચ્છા હોય એવા મોક્ષભાગી મનુષ્યે એવા સંતને ઓળખીને તેમનામાં અનુરાગ (હેતપ્રીત) કરવાં. જે કંઈ સામાન્ય કે વિશેષ વચનો ભગવાન કે સંતે કહ્યાં હોય તે જ વચનો ભક્ત માટે વિધિ-નિષેધ બની જાય છે.

“એવા સંત મન-વચન-કર્મે અનંતકોટિ બ્રહ્માંડોમાં જૂ કે લીખ સુધીનાં જંતુને ભૂલ્યે પણ ક્યારેય દુખવતા નથી. જગત બધું એ સંતનો ઉપહાસ કરે, પરંતુ તેઓ પોતાની ધર્મ ને ભક્તિ સંબંધી ક્રિયામાં ક્યારેય ઊણપ આવવા દેતા નથી.” આમ, શ્રીહરિએ એકાંતિક સંતના જેટલા ગુણો હતા તે યથાર્થપણે કહી દેખાડ્યા.28•

માવા ભક્તે મહારાજને પૂછ્યું, “દરેક સંતના ગુણ એક સરખા જણાતા નથી.”

ત્યારે શ્રીહરિ કહે, “જ્યાં સુધી સંત-અસંતને એક જાણે છે ત્યાં સુધી તેનામાં બુદ્ધિ નથી એમ જાણવું. અને એવા બુદ્ધિહીનનો મોક્ષ પણ થતો નથી, તેણે જાતે જ પોતાનું મોક્ષદ્વાર બંધ કરી દીધું! વ્યાવહારિક વાત પણ બુદ્ધિ વગર સિદ્ધ થતી નથી. બુદ્ધિ હોય તે જ સાર-અસાર ગ્રહણ કરી શકે છે; બીજી અનેક પ્રકારની બુદ્ધિ મનુષ્ય શીખે, પણ મોક્ષની બુદ્ધિ જ્યાં સુધી શીખે નહિ ત્યાં સુધી નકામું છે. સત્સંગ વિના મોક્ષની બુદ્ધિ આવતી નથી. બધાં શાસ્ત્રોમાં મોક્ષની વાત કરી છે, પણ મોક્ષનો ખપ ન જાગે ત્યાં સુધી તે વાત સમજાતી નથી.

“સંસારનાં સુખ માટે લોકો જપ, તપ, તીર્થ, વ્રત કરે છે; દાન, પુણ્ય, યજ્ઞયાગ કરે છે; હઠયોગ સાધે છે, પણ તે સુખ મળીને ટળી જાય છે. ભગવાનના ધામનું સુખ ક્યારેય નાશ પામતું નથી, પરંતુ એ સુખને કોઈ ઇચ્છતું નથી, એટલે આખા જગતની એકમતિ થઈ ગઈ છે. ભગવાન કાં ભગવાનના સંત જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમના મુખે શાસ્ત્રની વાત શ્રવણ કરે ને ભગવાનના સુખનો નિશ્ચય કરે પછી તે ભવપાર થાય છે.”29•

ગાલોલમાં મહારાજે સંતોને વાત કરતાં કહ્યું, “સૂર્યને પ્રકાશતો જોઈ કોઈ દુર્જન તેના પ્રત્યે ધૂળ ઉછાળે તો સૂર્ય ટળી જતો નથી, પરંતુ દુર્જનની આંખોમાં જ તે ધૂળ પડે છે. પૂર્વે જે જે અવતાર થયા તેને પણ વિરોધ કરનાર અસુરો મળ્યા છે. તેમ સત્પુરુષ પ્રગટ થાય ત્યારે પણ દુર્જનની દુર્મતિ રહે જ છે. પૂંઠને સો વાર શુદ્ધ પાણીથી ધૂઓ તોપણ તે શુદ્ધ થઈ દીઠી?

જેમ ગધેડો ભૂંકે કે કૂતરો ભસે તેના તરફ હાથી લક્ષ્ય આપતો નથી, તેમ સત્પુરુષ ક્યારેય દુર્જનના શબ્દોને ધ્યાનમાં લેતા નથી. દુર્જનને અંતર્દૃષ્ટિ થાય અને સત્પુરુષનો ગુણ અંતરમાં ધરે તો તત્કાલ શુદ્ધ થઈ જાય. મનુષ્ય જે પ્રકારનો ભાવ સત્પુરુષમાં દાખવે છે તેવું તેનું રૂપાંતર થાય છે. નારદ-સનકાદિકની વાર્તા પુરાણમાં પ્રસિદ્ધ છે. સત્પુરુષ અમે તેને કહીએ છીએ જે કુમાર્ગથી ડરીને સત્માર્ગે ચાલે છે, પ્રત્યક્ષ ભગવાનનું ભજન કરે છે, ભગવાન વિના જેને બીજું કોઈ વ્યસન નથી.”

‘સત્મારગ ચલે જોઈ કે જોઈ, પ્રત્યક્ષ હરિ કું ભજે સોઈ.

હરિ વિન વ્યસન નહિં કેહા, સત્પુરુષ કહત હમ તેહા.’30

બાબરા ગામમાં મધ્યરાત્રિ સુધી શ્રીહરિએ કીર્તન ગવડાવ્યાં. સવારે ચાલવાની તૈયારી કરી, ત્યારે પુરજનોએ નિયમ ધાર્યા. તેમને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “હવે સંતોનો યોગ રાખજો. યોગ વિના સત્સંગ દૃઢ થતો નથી. જેમ શેરડી જતન વગર મળતી નથી ને વળી, જેમ વિદ્યા ભણ્યા પછી તેનો અભ્યાસ ન રાખે તો તે લુપ્ત થાય છે, તેમ સત્સંગનું નામ બ્રહ્મવિદ્યા છે. તે આદર વગર પ્રાપ્ત થતી નથી. જેમાં મોક્ષનો અંકુર પ્રગટે છે તેને બ્રહ્મવિદ્યા વરે છે. બ્રહ્મવિદ્યા જે પ્રાપ્ત કરે છે તેણે વિદ્યામાત્રને પ્રાપ્ત કરી લીધી. બ્રહ્મવિદ્યામાં અપાર તેજ છે. તેનાથી પાપમાત્ર દૂર ભાગે છે.”31•

શ્રીહરિ કુંડમાં નહાઈને બહાર આવીને બોલ્યા, “જીવમાત્ર સમજણ વિના લખચોરાશીનાં દુઃખ ભોગવે છે. તેને સંત મળે છે ત્યારે દુઃખના સમુદ્રમાંથી તેને ઉગારે છે. કોઈ અનંત કળાઓ દેખાડે કે આખી ભૂમિ પર રાજ કરે, પણ તેને બુદ્ધિ કહેવાય નહિ. જીવનો ઉદ્ધાર કરે તે જ ખરી બુદ્ધિ છે.

“પૃથ્વીનું રાજ કરે તે બુદ્ધિશાળી નહિ પણ આત્મઘાતી છે. સ્વર્ગ ને પાતાળનું રાજ કરે ને દેવતાના નિયંતા બને તોપણ તેની બુદ્ધિ માયિક છે. ભગવાન ભજવાની બુદ્ધિ જ્યાં સુધી આવતી નથી, ત્યાં સુધી બધી બુદ્ધિ માયિક છે. એ સંતને અસંત કહે છે ને અસંતને સંત ઠરાવે છે. સંત પાતાળથી પ્રકૃતિપુરુષ સુધીના ભોગમાત્રને ઝેર સમાન જાણે છે.

“પરમાર્થને માટે કેટલાક લોકો કૂવા, કુંડ, વાવ, વૃક્ષ, નદી-તળાવના ઘાટ, અન્નક્ષેત્ર, ધર્મશાળાઓ વગેરે બંધાવે છે. તે ક્યારેક સત્પુરુષના કામમાં આવી જાય છે ત્યારે તે કૃતાર્થ થઈ જાય છે. અને તે પુણ્યે કરીને ઉત્તમ મનુષ્યતન પામી પ્રભુનો ભક્ત બને છે. અને અંતે સંસાર તરીને ભગવાનના ધામને પામે છે.”32

કરિયાણામાં રંગોત્સવ પછી શ્રીહરિ કહે, “ભગવાન અને સંત બે નિર્બન્ધ છે, બાકી સર્વે બંધનમાં છે, નિર્બન્ધનો વિશ્વાસ કરે તો નિર્બન્ધ થવાય. માયા કરતાં જીવ સમર્થ છે, પણ જ્ઞાનનાં નેત્ર નથી, તેથી સર્વત્ર અંધારું છે. સત્પુરુષ તેને જ્ઞાનરૂપી નેત્ર આપે છે ને અજ્ઞાન અંધકાર દૂર કરે છે. જ્ઞાનનેત્ર મળવાથી તે નિર્બંધ થઈ જાય છે. નિર્બંધ પુરુષ મળ્યા વિના કોટિ ઉપાયે પણ મોક્ષ થતો નથી. વળી, નિર્બંધ પુરુષ મળે પણ તેના વચનમાં જો વિશ્વાસ ન આવે, ને વચન મનાય નહિ તોપણ મોક્ષ થાય નહિ.”33•

ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં શ્રીહરિએ સંતોને પીરસ્યું, પછી વાત કરતાં કહ્યું, “અક્ષરધામની સુખ-સંપત્તિ બધી એક એક સંતમાં રહી છે. તે સંપત્તિ એક સંત બીજા સંતમાં જોઈ શકતા નથી તેને ઈશ્વર ઇચ્છા જાણવી. જે સંત ઈશ્વરની પેઠે વર્તે છે, તે તેને જાણે છે. બધા જો ઈશ્વર પેઠે વર્તવા લાગે, તો બ્રહ્માંડની સ્થિતિ એક સરખી ન રહે, કારણ કે પ્રભુતા જીરવવી કઠણ છે. એમ જાણી અમે સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. વચનમાં વર્તવું તે મોટી પ્રભુતા છે. જેના હૃદયમાં ભગવાનની ઉપાસના દૃઢપણે હોય તે સેવક થઈને વર્તે. ભગવાનના જે દાસ તેનો પણ દાસ થઈને વર્તે. ભગવાન સિવાય તેને બીજી કોઈ આશા જ ન હોય.

“ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે અને તેનાથી પળમાત્ર દૂર રહેતા નથી. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી હોય છે. તેને આ જગતના લોકો માને કે ન માને પણ પોતે સૌ સાથે સામે ચાલીને નેહ બાંધે છે. જગતના બધા જીવોનો ઉદ્ધાર કરવા તેણે ધાર્યું છે અને એટલે જ કોઈ અપમાન કરે તેનાથી હારતા નથી. પાછો પગ ભરતા નથી. જેમ મેઘ વર્ષા કરે છે, તે સારી કે નરસી ભૂમિ, પાપી કે પુણ્યશાળી જન સામે જોતો નથી ને સમયે સમયે વર્ષા કર્યા કરે છે તેમ આવા એકાંતિક સાધુ પણ પાપી જનના દોષો સામે લેશ પણ જોતા નથી. જીવ જન્મોજન્મ પાપ કરતો રહે, પણ કોઈક દિવસ તેને ભગવાનના ઉપાસક આવા સાચા સંત મળી જાય છે, ત્યારે તેણે નિત્ય બ્રહ્માંડ ભરાય તેટલાં પાપ કર્યાં હોય તોપણ તે પલકારામાં નાશ પામે છે.

“સાચા સંત જીવને મળે છે ત્યારે અધિકારી પ્રમાણે તેના સ્વરૂપનું જ્ઞાન આપે છે. આ સંત શ્રીહરિનાં વચનના દ્વાર પર ઊભા છે, કોઈ અલૌકિક આનંદ અંતરમાં ભરીને શ્રીહરિના હૃદયમાં વસી ગયા છે - આમ, મહિમા સમજી સંતમાં જોડાય તેનાં અનંત પાપ પળમાં નાશ પામી જાય છે ને તરત જ સત્સંગ થઈ જાય છે. જ્યાં સાચો સત્સંગ છે ત્યાં મોક્ષનો માર્ગ પાકોજ આ વાત બને છે. સાચા સત્સંગ વિના કોટિ વ્રત-તપ કરો, પણ મોક્ષ થતો નથી. વેદ પુરાણ ને મોટા સંતો પણ આ વાત કરી ગયા છે, તે સિદ્ધાંત વાત છે.”34•

ગઢપુરમાં શ્રીહરિ જીવેન્દ્ર ભૂપને કહેવા લાગ્યા, “અજ્ઞાનીના વચનને એક સત્પુરુષ જ સહન કરે છે, ને એટલે જ તે સર્વથી શ્રેષ્ઠ છે. સંત બાવના ચંદનથી પણ અધિકપણે શીતળ અને અત્યંત શાંત હોય છે. સંત નિષ્કલંક હોવાથી તેનાં દર્શનથી લોકો શુદ્ધ થાય છે. વસ્ત્ર સૂઝે તેટલું ગંદું-મેલું હોય પણ શુદ્ધ નીર તેની સઘળી મલિનતા ધોઈ શુદ્ધ કરે છે. સત્પુરુષના યોગે પણ જીવની મલિન વાસના ટળે છે ને તે જન્મમરણના દુઃખથી છૂટે છે. બુદ્ધિશાળી જન આ વાત જાણે છે.”35•

શ્રીહરિએ શ્રીનગરમાં હરિજનો પ્રત્યે વાત કરતાં કહ્યું, “સંસાર છોડી ભગવાન ભજવા વનમાં જાય, પણ જો ત્યાં કોઈ ટોકનાર ન મળે તો મન બદલાઈ જાય. શૃંગી, ચ્યવન, અને સૌભરિ ઋષિ મહા સમર્થ હતા ને એકાકી વનમાં બેઠા હતા, પરંતુ વિષયનો જોગ થતાં મનમાં રોગ પેઠો ને તપથી પડ્યા અને સંસારમાં પ્રીતિ કરી. તપમાં જેટલો ભાવ હતો તેથી અધિક સંસારમાં ચોંટ્યા. એટલે સત્સંગ જેવું કોઈ વન નથી, એમ રામાનંદ સ્વામી કહેતા. સત્સંગમાં સમજણ છે તેવી ચૌદ લોકના બ્રહ્માંડમાં નથી.”36

જેતલપુરના મહોલમાં સંતની પંક્તિ થઈ. શ્રીહરિ પીરસવા પધાર્યા ત્યારે વાત કરતાં કહ્યું, “જ્યાં સત્સંગ નથી ત્યાં ધર્મનું પાલન કથનમાત્ર છે. ઉપરથી ધર્મ રહ્યા છે, ઉપરથી ધર્મ પાળે છે તે પણ સારા છે. કારણ, તેમનો વહેવાર ભ્રષ્ટ થાય નહિ. ઉપરથી નિયમ રાખશે તો અંતરમાં પણ આવશે. જનોનું અંતર તો ધોળા કપડા જેવું છે, જેવો પાસ લાગે તેવું થઈ જાય, પણ સુવર્ણ જેવા જીવ છે તેનો તો ફાવે તેવી પરિસ્થિતિમાં પણ વર્ણ ફરે નહિ. ઘાટ બદલાય પણ જાત એકની એક રહે.

“સાચા સાધુ પારસમણિ અને મલિયાગર (ચંદન) જેવા છે. પારસના સંબંધથી લોખંડનું સોનું થાય, પણ કાટ ન ચઢ્યો હોય તો થાય, પરંતુ ચિંતામણિનો સંગ થાય ત્યારે તેવો નિયમ ન રહે, પણ તે ચિંતામણિય ચિંતવન કર્યા વિના સોનું ન કરે. ભગવાન ચિંતામણિ તુલ્ય છે. તેની પાસે પ્રાર્થના કરવી પડે.”37

જેતલપુરના મહોલમાં શ્રીહરિએ પૂજા કરી રહેલા સંતોને કહ્યું, “હવે અમારે તમને પૂજવા છે. સંતને પૂજે નહિ તેને ઈશ્વર કોઈ કહે નહિ. સંતને પૂજે તે જ સાચા ઈશ્વર છે. ઈશ્વરના ગુણો આવવાનું દ્વાર અમે સંતને માનીએ છીએ. સંતને પૂજવામાં જ અમે મોટપ માની છે. સંતને અમે પ્રાણથી પણ વિશેષ પ્યારા માનીએ છીએ.”

‘સંત કું પૂજે સો ઈશ્વર સાચે, પૂજે નહિ સો કહાવે કાચે.

સંત હમ માનત પ્રાન પ્યારા, ઈશ્વર ગુણ આવન કે દ્વારા.’38

જેતલપુરના મહોલમાં શ્રીહરિએ સંતને ઓળખી સત્સંગ કરવાની રીત હરિજનોને કહેતાં કહ્યું, “જેની ક્રિયા દેખીને સત્સંગીને પ્રેમ થાય એવા સંતને મોટા જાણવા. તે કુસંગીને સત્સંગમાં વાળીને સમાસ કરે એવા હોય અને તેને ભગવાન વશ વર્તતા હોય.

“સંત-હરિજનોને ભગવાનમાં પ્રીતિ રાખવાની કળા શીખવી. તુચ્છ પદાર્થ અને સ્વભાવને લીધે પ્રીતિ તૂટે છે, તે ન તૂટે તે માટે સંતનો સમાગમ રાખવો. કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ અને માન એ મુક્તમાં પ્રવેશ કરે તોપણ સુધ ભુલાવે છે, તો પ્રાકૃતમતિની સુધ ભુલાવે તેમાં શું કહેવું? માટે પ્રથમથી નિયમ ઉલ્લંઘન ન થાય તેવો અભ્યાસ રાખવો. શુક-સનકાદિકની પેઠે બ્રહ્મસ્થિતિ પામેલા હોય તે પણ પ્રાકૃત દેહનો સંબંધ હોય ત્યાં સુધી ઉન્મત્ત થઈને ફરે નહિ, પણ ત્યાગીના નિયમમાં જ વર્તે અને બ્રહ્મચર્ય જ રાખે.”39•

કણભામાં ઝવેરીદાસના ભવનમાં શ્રીહરિએ સત્પુરુષની વાત કરતાં કહ્યું, “સત્ મારગ મેં ચલત જેહુ સત્પુરુષ સો કહાવત તેહુ. સત્યને માર્ગે ચાલે તેને સત્પુરુષ કહેવાય. સત્પુરુષમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ ચારે પરિપૂર્ણ હોય. આમાંથી બહાર સત્પુરુષ કદાપિ ન વર્તે. વળી, માંસ-મદિરા, કેફ, વ્યસન કે ફેલ ક્યારેય ન કરે. દેહભાવ તજીને વર્તે. પાતાળથી પ્રકૃતિપુરુષના લોક સુધીના વિષયમાત્રને તે કાકવિષ્ટા તુલ્ય જાણે. ક્યારેય ચોરી-અવેરી ન કરે. ભગવાન સિવાય બધું કાળનું ભક્ષ સમજે. ભગવાન સિવાયના ભોગમાત્રને વિષથી પણ અધિક જાણીને ત્યાગે. સત્પુરુષ પોતે પ્રથમ સત્યમાર્ગે ચાલે ને પછી શિષ્યને ચલાવે.”40•

શ્રીહરિએ વડતાલમાં રામનવમીનો ઉત્સવ કરવા માટે દેશોદેશના હરિભક્તોને નિમંત્રણ પત્ર લખ્યો અને લખ્યું કે: “જીવનું હિત સત્પુરુષ વિના કોઈ કરી શકે તેમ નથી. સાંસારિક સંબંધીઓ છે તે ભગવાનના ભક્ત ન હોય તો સંસારને જ હિતકારી માને અને મોક્ષના માર્ગમાં સમજે નહિ. માત-તાત, બંધુ અને નારી પણ મિથ્યા સ્નેહને લીધે જીવને મોક્ષને માર્ગે ચાલવા દેતાં નથી. મોક્ષના માર્ગમાં ચાલવામાં અસુરો વિઘ્ન કરે છે. જેને સત્સંગનું બળ હોય તે અસુરને ગણતા નથી. સંસારનું જ્ઞાન કરનારા ગુરુથી અજ્ઞાન ટળે નહિ. જગતના સંત અને વિપ્ર વેદપુરાણ ભણ્યા હોય, પણ જગતમાં આસક્તિ હોવાથી શિષ્યોને પણ જગતમાં જોડે. તેનાથી જન્મમરણ છૂટે નહિ. સત્પુરુષના યોગ વિના જગતમાં કોઈને આ વાત સમજાય નહિ.”41•

વડતાલમાં શ્રીહરિ કહે, “જેવો યુગ તેવો ધર્મ રહે. જે વખતે પૃથ્વી પર સમર્થ સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે પ્રજામાં તપ અને ધર્મ પ્રગટ કરે છે. ભૂપ અને ગુરુઓ જેટલા નીતિમાં દૃઢ રહે તેટલા જ તે વૃદ્ધિ પામે નહિ તો સ્થાનભ્રષ્ટ થઈ જાય.”42

વડતાલમાં શ્રીહરિ ભક્તોને કહે, “તમારાં ભાગ્ય અપાર છે. ફળની ઇચ્છાથી કરોડો રૂપિયા વારંવાર ખર્ચે તોપણ માયિક ફળમાં આશારૂપી મગરથી પકડાયેલા તે જનને અમાયિક સંત મળે નહીં. માયિક સત્સંગ તો ઘરોઘર જનો કરે છે પણ એથી કુસંગ મટતો નથી. માયિક સુખમાં જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી અમાયિક સુખ ન જ મળે. જે પળ ગઈ તે ફરી આવતી નથી.

“સત્પુરુષની જેટલી સેવા બની આવે તેટલું જ ધનનું ફળ છે, બીજું તો મળરૂપ છે. અતિ પુણ્યનું ધન જેને મળે તેનું ધન સત્પુરુષને મુખે જાય.”

‘અતિ પુણ્ય કો ધન મિલે જેહા, સત્પુરુષ મુખ જાવે તેહા.

પાપ કો ધન હિ કોટિ ભંડારા, સંત કે મુખ ભાવે ન લગારા.’43

વડતાલમાં હરિભક્તોને આનંદ પમાડી શ્રીહરિએ સત્સંગની રીત દેખાડી, પછી શીખ આપી કે, “સંતના વર્તનની, ધર્મ-નિયમની વાતો કહેવી અને સાંભળવી જેથી મનનાં પાપ બળી જાય. હરિજનના નિયમો નિત્ય કહેતા રહેવા પણ છુપાવવા નહિ.”44

ઝીંઝરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જેનું મોટું ભાગ્ય હોય તે જ સંતને પોતાનું મન અર્પણ કરી શકે છે. એવા સંત ભગવાનમાં રાગ કરાવે છે, પણ પોતામાં ક્યારેય જોડતા નથી.”

‘જાકો બડો બડ઼ભાગ, સંતકું દેખત મન જેહિ,

હરિ મેં કરાવત રાગ, આપમેં ન બંધાવત કબુ.’45

શ્રીહરિએ જેતપુરમાં મૂળુવાળાને વાત કરતાં કહ્યું, “જ્યાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તેનું વાણી અને વર્તનમાં પ્રતિપાદન હોય, ભગવાનને પ્રત્યક્ષ માની તેનું ભજન થતું હોય, હરિને પોતાની પાસે સમજીને યોગ્ય ક્રિયા કરે પણ લોકોને દેખાડવા કરે નહીં, અને પોતાના મોક્ષ માટે જ ધર્મનું આચરણ કરતા હોય, તથા સન્માર્ગને અનુસારે યોગ્ય વાત કરતા હોય, એવા જનોનો સંગ તે સત્સંગ કહેવાય. ગમે તેટલો ધર્મ પાળે પણ જો લોકને દેખાડવા માટે હોય તો અંતે તે વિમુખની ગતિને પામે છે. ભગવાન તેને સહાય કરે નહીં. પણ નિર્દંભપણે વાત કરે તથા ભગવાનનાં વચન નિર્દંભ થઈને પાળે તેનું નામ સત્સંગ છે. સત્પુરુષ વિના સત્સંગ ઓળખાય નહીં.”46

જેતપુરમાં શ્રીહરિ કહે, “જ્ઞાનીજન ક્યારેય અજ્ઞાનીના નોરમાં ચાલે નહિ. આ લોકના અનિત્ય ભોગમાં બંધાય નહિ તથા પંચવિષયને નીરસ માને છે. એક ભગવાનમાં જ યથાર્થ રસ માને છે. મોટા જ્ઞાની કહેવાય છે તે તો ભગવાનના સંબંધ વિનાના સુખમાત્રને ઘોર જમપુરીનાં દુઃખ માને છે. ભગવાનની મૂર્તિમાં રસ લાગે છે ત્યારે તેને ખાવું-પીવું પણ ગમતું નથી. અણુના કોટિ કટકા કરો તોપણ અણુથી આકાશ જુદો પડતો નથી. તેમ આવા જ્ઞાની છે તેને ભગવાનની મૂર્તિ એક પળ પણ જુદી થતી નથી.”47

શ્રીહરિએ મોડા ગામના પુરજનોનો ભાવ જોઈને વાત કરી કે, “જીવના મોક્ષની વાત એવી છે કે તે અભ્યાસ વિના સ્રવી જાય છે, હાથ આવતી નથી. જેને મોક્ષનો જેટલો ખપ હોય તે તેટલો અભ્યાસ રાખે છે. ખપ જાગે તો સંતની વાત સમજ્યામાં આવે. કેટલાંક બીજ એવાં હોય છે કે તેનો અંકુર ફૂટતાં લાંબો સમય લાગે, પરંતુ સંતની વાતરૂપી બીજ એવું છે કે તે કાને પડે કે તરત અંકુરિત થઈ ઊઠે છે. સંતનાં દર્શન જાણે-અજાણે પણ કોઈ કરે તો નેત્ર દ્વારા તેનું દર્શનરૂપી બીજ અંકુરિત થઈ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. આમ, સંતનું દર્શન અને કથાશ્રવણ એ બે પ્રકારનાં બીજમાં મોક્ષનો અંકુર સમાયેલો છે. એ અંકુરનો નાશ કાળરૂપી પક્ષી પણ કરી શકતો નથી.”48•

ધોરાજીમાં નિત્યવિધિથી પરવારી શ્રીહરિ સભામાં આવીને બેઠા, પછી વાત કરતાં કહ્યું, “સાધુમાં સાત્ત્વિક ગુણ અખંડ રહેલો છે. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય વાતનું જ્ઞાન તેમને હોય છે. તેઓ મનુષ્યમાત્રને પોતાના મિત્ર સમજે છે. ભગવાનના સુખે કરીને જ તે સુખિયા હોય છે. તેમને પદાર્થને માટે કદી ક્ષોભ થતો નથી, અને ભગવાન વિના બધું દુઃખરૂપ સમજે છે. સહેજે પદાર્થ મળે તેને ધર્મ અનુસારે ભોગવે. કારણ, ધર્મ વિનાનાં સાધન ફળીભૂત થાય નહિ.”49

ઝીંઝરમાં શ્રીહરિ હરિજનોને કહે, “ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિયુક્ત સંતની સેવા કરે તો તે અમારી સેવા કર્યા બરાબર છે. આ અમે તમને હિત લાવીને વાત કરી છે. તે કોઈ દિવસ ભૂલવી નહીં.”50

જૂનાગઢમાં શ્રીહરિએ વર્ણીને વાત કરતાં કહ્યું, “જ્યારે અધર્મનું બળ વધે છે ત્યારે શ્રીહરિ અક્ષરધામથી સાચા સંત (અક્ષરબ્રહ્મ) સહિત પધારે છે ને (એકાંતિક) ધર્મનું સ્થાપન કરે છે. શ્રીહરિ અને તેમના સાચા સંત (અક્ષરબ્રહ્મ) છે તે જ ભક્તિ સહિત ધર્મનું સ્થાપન કરે છે. બીજા કોઈથી એ એકાંતિક ધર્મનું સ્થાપન થઈ શકતું નથી, આ સત્ય વાત છે.”51•

માંગરોળમાં શ્રીહરિએ અરુણોદય થતાં વાત કરતાં કહ્યું, “ભાગવત ધર્મનિષ્ઠ (એકાંતિક) ત્યાગી-ગૃહી સૌ કોઈ શ્રીહરિને પ્રસન્ન કરવા જે કંઈ સાધન કરે છે તે અન્ય સર્વે સાધન પાસે લવ સમાન તુચ્છ છે. અપાર સાધન પણ એકાંતિક ધર્મની તુલનામાં ક્યારેય આવતાં નથી. જેને શુદ્ધ વિચાર પ્રાપ્ત થયો છે, તેને આ વાતની ગમ પડે છે.”

‘ભાગવત ધર્મનિષ્ઠ હિ, ત્યાગીગૃહી જેતે,

શ્રીહરિ પ્રસન્ન કરન હિત, સાધન કરત હેં તેતે.

તેહિ સાધન કી લવ સમ ઓર સાધન અપાર,

સમતા લહે નહિ કબહુ, જાનત શુદ્ધ વિચાર.’52

શ્રીહરિએ ભુજમાં વિપ્રોની સભામાં વાત કરતાં કહ્યું, “સત્પુરુષની વાત સર્વ જીવનું હિત કરે છે, કારણ કે સત્પુરુષ રાગ-દ્વેષથી પર ને મેઘ સમાન પરોપકારી હોય છે.

“સ્વાતિ નક્ષત્રમાં વર્ષાનું બુંદ છીપમાં પડે તો મોતી પાકે અને સર્પના મુખમાં પડે તો ઝેર બને છે. તેમ સત્પુરુષની વાત પણ દૈવી જીવને અમૃત સમાન થાય છે ને આસુરી જનને વિષ સમાન લાગે છે. જવાસાના જેવા સ્વભાવના જીવ હોય તે મેઘને દેખીને સુકાવા લાગે છે, અન્ય વનસ્પતિ પોષણ પામીને ફળે છે.”53

કચ્છ-ભૂજમાં હીરજીભાઈને શ્રીહરિ કહે, “તમારે જગતનો જેટલો અભાવ છે એટલું અમારે તમારી સાથે હેત રહે છે. ભક્ત હોય પણ તેની જગતમાં આસક્તિ જોઈને તેનાથી અમે દૂર રહીએ છીએ. ભગવાનમાં પ્રીતિ અને ધર્મના પાલન વગર મોક્ષ થતો નથી. જેમ ભૂમિ અને નીરના સંયોગ વગર બીજ અંકુરિત થતું નથી તેમ પ્રગટ ભગવાન અને સંત વિના ભગવાનનો નિશ્ચય થતો નથી અને ધર્મમાં પણ રહેવાતું નથી.”54

શ્રીહરિએ અલર્ક રાજાને વાત કરતાં કહ્યું, “ભગવાન અને સાચા સંત જે રીતે પ્રસન્ન થાય તે રીતે પોતાના શરીરને વરતાવવું. જે શુભમતિ પુરુષ આ પ્રમાણે વર્તે છે તેનો સત્સંગ દૃઢ રહે છે.”55

શ્રીહરિએ મુક્તમુનિને જે વાત કરેલી તે તેમણે ઉત્તમ નૃપને કહી, “સાચા સંત સરળ હોય છે. અંદર અને બહાર એક સરખું વર્તે છે. પ્રત્યેક પ્રાણી પર પ્રેમ રાખે છે. પોતાનાથી બીજા સંતને અધિક ગુણવાન દેખે છે અને પોતાનામાં રહેલા ગુણોમાં દોષ દેખે છે. અને બીજાના ગુણ થોડા હોય તેને અધિક કહે છે. સાધુના ગુણ જે સાધુ હોય તે જ અધિકપણે કહી શકે છે. સંતના દ્રોહી હોય તે સંતના અધિક ગુણને તુચ્છ કરી દેખાડે છે.

“દંભી, કપટી, ઈર્ષ્યાવાળા તો સંતપણા પાસે મળરૂપ છે. તે સાચા સંતનું અપમાન કરવા બધાં વચનામૃત કંઠે કરે, શ્વાસોચ્છ્‌વાસે હરિનામ રટે, ધ્યાનમાં અખંડ રહે, વાતમાં પંચવિષયની ઊલટી કરાવી દે, રાત-દિવસ કથાવાર્તા સૌથી અધિક કરે, ફાટ્યાં તૂટ્યાં વસ્ત્ર પહેરે, લોટ પીને રહે, એકાંતરે ઉપવાસ કરે, તેમાં એકવાર જળ પીએ તો ઉપવાસનો ભંગ થાય - એમ વાત કરે. છતાંય મળરૂપ છે.

“કોઈ અપમાન કરે તોપણ વિચલિત થાય નહિ એવા સત્પુરુષની ઓળખાણ જે સંત-ભક્તને થાય છે પછી તેના ગુણ ગાવા લાગે છે.”56

શ્રીહરિએ માનકુવાથી પત્ર લખાવ્યો. એમાં લખ્યું કે: “સંત- હરિજનને જે પડે છે તે કળિયુગના અસુર કહેવાય છે. સંતની સેવા કરવા માટે તો અમે ઘર છોડ્યું છે. જેણે સંતની સેવા નથી કરી, અને અપરાધ કરે છે તે ઘોર-નર્કમાં પડે છે. જેનાં તન, ધન સંતને અર્થે કામ નથી આવતાં તેનો જન્મ અમે નિષ્ફળ જાણીએ છીએ, ને તે જન્મોજન્મ દુખિયો રહે છે. એ ફરીવાર મનુષ્યનું તન પામતો નથી.

“ભગવાનના અક્ષરધામ તુલ્ય કોઈ શ્રેષ્ઠ ધામ નથી, તે ધામને યજ્ઞ-યાગથી પમાતું નથી. જપ, તપ, તીર્થ, વ્રત, ચાહે તેટલાં કરો તોપણ તે ધામ મળતું નથી. તે સંતસેવાથી પ્રાપ્ત થાય છે. બીજાં સાધન કરે તો દેવલોક પામે, કાં તો ધનાઢ્ય થાય, કાં તો પવિત્ર બ્રાહ્મણ થાય, પરંતુ સંતની સેવાથી ભગવાનનું ધામ મળે છે. સંત સિવાય હરિધામને પામવા કોઈ દ્વાર નથી. એવું શાસ્ત્રો વારંવાર કહે છે.”57•

કચ્છ દેશમાં માનકુવાથી શ્રીહરિએ પત્ર લખ્યો તેમાં સંતમહિમા વર્ણવતાં લખ્યું કે: “જગતમાં મહાનથી મહાન સંત છે. પૂજ્યોમાં પૂજ્ય સંત છે. સંત એ ભગવાનની ઉપાસના-ભક્તિ છે, ને સૌ જનનાં પાપ હરે છે. ભગવાન પણ સંતને પૂજે છે ને સંતની રક્ષા માટે જ વારંવાર પૃથ્વી પર અવતરે છે.

“આ લોકમાં કોઈ દેવ, ભૂપ કે મનુષ્યોને માન ઘટે છે તેના કરતાં વિશેષ માન-સન્માન સંતને આપવું જોઈએ, તેને પૂજવા જોઈએ.

“અનંતકોટિ બ્રહ્માંડોમાં દેવ, દૈત્ય, મનુષ્ય સર્વે ધન અને સ્ત્રીમાં સુખ માને છે ને તેમાં રચ્યાપચ્યા રહે છે. સ્ત્રી-ધનથી અધિક કોઈને દેખતા નથી ને તેને અર્થે દેશવિદેશ ફરીને કોટિ સાધન ને ઉદ્યમ કરે છે કે જાણે ધન, સ્ત્રી ક્યારેય મળ્યાં ન હોય! જ્યાં સુધી તેમાં બંધાયા છે, ત્યાં સુધી તેને સંત ન કહેવાય.

“સાચા સંત તો ધન રાખે-રખાવે નહિ. ધનને તો તે જગતનો મળ કહે છે. ધન કાજે સંત બને તે સ્ત્રી-ધનના ત્યાગી સાચા સંતને દેખીને બળી મરે છે. સાચા સંત ધન અને સ્ત્રીમાં પ્રીતિ કરતા નથી. ધન-સ્ત્રીને નકારાં જાણી તેનો ત્યાગ કર્યો છે. આવા સંત છે તે જગતના ઉદ્ધારનું નાવ છે. દેવ-મનુષ્યથી તે અધિક છે. કેફ, વ્યસન કે ફેલ તો તેણે દૂરથી જ ત્યાગ્યાં છે. આમ, સાચા સંતનાં લક્ષણ તપાસીને જુએ તો તે ઓળખ્યામાં આવે છે. સોનાની કસોટી અગ્નિમાં થાય છે, તેમ સાચા સંત વર્તનથી ઓળખાય છે. ઉપરથી સંત હોય ને ભીતર અસંત હોય તેનું વર્તન છૂપું રહેતું નથી. સંત અવગુણ તજી ગુણ ગ્રહણ કરે છે અને અસંત અવગુણ ગ્રહણ કરે છે. સંતનું મુખ્ય લક્ષણ અપમાન સહન કરવું એ છે.”

‘અપમાન સહન કરના જોઉ, સંત કો મુખ્ય લછન હેં સોઉ.’58•

જાલમસિંહ પ્રત્યે શ્રીજીમહારાજે કહ્યું કે, “તીર્થમાત્રના સેવનનું ફળ કે સર્વે મૂર્તિઓનાં દર્શન-પૂજનનું ફળ ધર્મનું પાલન કરે તો મળે છે. ધર્મ મૂકી તીર્થ કરે તો દુર્ગતિ થાય છે. તીર્થમાં કરેલું પાપ વજ્રલેપ થાય છે. તીર્થો ને મૂર્તિઓ સત્પુરુષ વિના ફળતાં નથી, સત્પુરુષ તીર્થમાત્રનું ફળ આપે છે.”59

શ્રીજીમહારાજ જૂનાગઢમાં દાદાભાઈના દીવાનખાનામાં સંઘ સહિત ઊતર્યા. સામે ગિરનાર પર્વતની શોભા જોઈ અપાર પ્રસન્ન થયા ને કહ્યું, “અમે મોટાં મોટાં શહેર જોઈને મનમાં અતિ ઉદાસ થઈએ છીએ. પરંતુ વન-પર્વત દેખીને અંતરમાં આનંદ થાય છે. પંચવિષયનું સુખ ભગવાનના ધામના સુખ પાસે અધિક માને તેને વિમુખ જાણવો. સાચા સંતની લેશ પણ સેવા કરે તેને મહાસુખ મળે છે. જો અધિક સેવા કરે તો તેનાથી પણ વિશેષ ઘણું સુખ પ્રાપ્ત થાય છે. જેમ સેવા અધિક તેમ લાભ પણ અધિક મળે છે. સાચા સંતની સેવાથી ક્યારેય ખોટ જતી નથી.

“સાચા કેવી રીતે ઓળખવા! તો પ્રથમ ખોટા ઓળખવા પડે. જે માયામાં અંધધંધ રહેતા હોય, વારંવાર માયા(જગત પદાર્થ, સમૃદ્ધિ, ધન, સુવર્ણ, સ્ત્રી આદિ)નાં વખાણ કરે. ને તેને જે મળે તે શિષ્યને પણ અપાર માયા મળે એવું ઇચ્છે. જેની પાસે ભગવાન સંબંધી કે ભગવાનના ધામના સુખ સંબંધી કોઈ વાત ન હોય તેને અસંત જાણવા.

“સાચા સંતની સમજણ કેવી હોય? તો એવા સંત ભગવાનના ધામને માયાથી પર સમજે છે. ધામના નિવાસી મુક્તોને દિવ્ય જાણે છે. ધામના સુખ આગળ અવાંતર લોકનાં સુખ કે અનંતકોટિ બ્રહ્માંડનાં સુખને તુચ્છ ગણે છે. ધામ(અક્ષરબ્રહ્મ)ના એક રોમના સુખ આગળ એ સમગ્ર સુખ ભેળું કરીને મૂકીએ તોપણ તેની તુલનામાં આવતું નથી, અક્ષરધામનું સુખ ક્યારેય કોઈ પ્રમાણિત કરી શકતું નથી. સાચા સંત-હરિજનની આવી સમજણ હોય છે.”

‘ધામ કે સુખ કે આગે સુખ ઓરા, અનંત બ્રહ્માંડ કે કરે એક ઠોરા,

ધામ કે એક હિ રોમ સમાના, નાહીં હોવત કબુ પ્રમાના.’60

શ્રીહરિએ ગઢપુરમાં મુક્તમુનિને વાત કહેતાં કહ્યું, “ઉદ્ધવ મતને આશરેલા સંત-હરિજન હોય તેને દિન દિન પ્રત્યે પરસ્પર અધિક અધિક ભાવ વધતો રહે. ગૃહસ્થ હોવા છતાં સંતથી અધિક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને ત્યાગ તે રાખતો હોય, કથાવાર્તા ને ધ્યાન અધિક કરતો હોય, પણ સંતનો ભાર ન હોય, હરિજન-હરિજન વચ્ચે ક્લેશ કરાવતો હોય, કુસંગીની જેવું સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તેના બધા ગુણો ગજસ્નાનની જેમ દોષ બની જાય છે. સંત સાથે પ્રીતિ તોડવે એ તો હડકાયા શ્વાન જેવો જાણવો.

“જે હરિભક્ત શુક્લ પક્ષના ચંદ્રમાની પેઠે દિન દિન પ્રત્યે સંત-ભક્તોમાં પ્રીતિ વધારતો રહે, ગુણનું ગાન કરે, મહિમા કહે, એવા હરિભક્તનાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, કથાવાર્તા, ધ્યાન, કીર્તન થોડાં હોય તોપણ બધાને સુખદાયક થાય છે; એવા આકાશ પેઠે નિર્લેપ રહેનાર સંત-હરિજનને એકાંતિક જાણવા.” આ પ્રકારે શ્રીહરિએ બહુ વાતો કરી. તેને સાંભળીને મોટા રાજાઓએ કુમતિનો ત્યાગ કર્યો.61•

ગઢપુરમાં શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ કરતાં કહ્યું, “ધર્મવંશનો પરિવાર જેટલો કહેવાય છે તે (ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ સહ એકાંતિક ધર્મ) મોક્ષનું દ્વાર છે અને સત્સંગ ત્યાં જ વધતો રહે છે. જેમાં ભક્તિ, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય જેટલાં ન્યૂન રહે તેટલા તેને ન્યૂન જાણવા. દારૂ, માંસ, કેફી દ્રવ્યનું સેવન, વ્યભિચાર, અભક્ષ્યનું ભક્ષણ વગેરે અધર્મવંશ કહેવાય છે. અધર્મવંશ પરિવાર એ જમપુરીનું દ્વાર છે ને ચોરાશીની ભટકણ છે.”

‘ધર્મવંશ પરિવાર, જિતનો જો કહાત તેહિ.

મોક્ષ કે હેં સો દ્વાર, સત્સંગ તિહાં રહત હૈ.

અધર્મવંશ પરિવારહિ જેતા, જમપુરિ કે દ્વાર રહે તેતા.

જન્મ-મરણ કે દ્વાર હૈ તેહા, ચોરાશિ ભમત હેં એહા.’62

બુધેજ ગામમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “જે સંતનું વર્તન અંદર-બહાર એક સરખું હોય અને સરળપણે વર્તે તેને અમૃત સમાન જાણવા. એવી સરળ પ્રકૃતિવાળા સંતને કોઈ પર ક્યારેય ખેદ, ઘૃણા થતાં નથી. વાત કરે તેમાં પણ ખેદનો ભાવ લાવે નહિ. હૃદય ઉત્સાહથી ભર્યું ભર્યું રહે. બધા સંતોના ગુણ વારંવાર કહેતા હોય. અવગુણનો ક્યારેય ઉચ્ચાર ન કરે એ સાચા સંત જાણવા. એવા સંત ક્યાંય છુપા રહેતા નથી. સાચા સંત-હરિજનના નિયમ ધર્મ નિત્ય કહેવા.”63•

જ્યારે જ્યારે સંતોનાં મંડળ ભેગાં મળતા ત્યારે શ્રીહરિ તેમને સાથે રાખી પોતાના હૃદયની એક વાત ખાસ કરતા. વૌઠામાં શ્રીહરિ કહે, “પૂર્વે જે આચાર્ય થયા છે, તે બધાની રુચિ ભિન્ન ભિન્ન જણાય છે. તેમાં જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ પર તાન હોય તે જ મોટા થયા છે ને તેની કીર્તિ વધી છે. વાટમાં દીવેલ ચઢે તેટલો પ્રકાશ થાય. દીવા કરતાં મશાલનો પ્રકાશ વધુ છે. વીજળીનું દૈવત તેથી વધુ છે તો વધુ પ્રકાશ જણાય છે. વડવાનળ તો સમુદ્રમાં જ રહે છે. તે પાણીમાં પણ પ્રજ્વલિત રહે છે. સિંધુનો પવન તેને ઠારી શકતો નથી. તેમ દીવા જેવા ભક્તો ઘરને અજવાળું આપે, પણ ફૂંક લાગે તો બુઝાઈ જાય, તેને થોડો કુસંગ થાય તોપણ સત્સંગ ટળી જાય.

“મોટા રાજા-મહારાજાનાં સન્માન મળે ત્યારે તેની સમજ-સ્થિતિ ફરી જાય, એવા સંતો મશાલ જેવા છે. તે મેઘના વાયુથી બુઝાઈ જાય. મોટા સાધુ સંતદાસ, રામદાસ કે મુક્તાનંદ સ્વામી જેવા હોય તે વીજળી તુલ્ય છે. વીજળી મેઘમાં રહેવા છતાં બુઝાતી નથી, તે રાજાના સન્માનથી લેવાતા નથી.

“ભગવાન, ભગવાનના ધારક સંત ને ભગવાનના અવતાર એ વડવાનળ જેવા છે. જે ચારે અગ્નિમાં શ્રેષ્ઠ અગ્નિ કહેવાય છે. વડવાનળ જેવા હોય તે દેવના પણ દેવ છે. તે ક્યારેય માયાના બંધનમાં આવતા નથી, અન્ય સર્વે તેની પાસે રંક તુલ્ય જણાય છે.

“અનંત બ્રહ્માંડના દેવો બ્રહ્માદિક સર્વે રંક જેવા છે. સર્વોપરી શ્રીહરિ મનુષ્ય તન ધારે, વર્ણીનો વેશ લે પણ સામર્થિ ઢાંકીને વર્તે છે. પોતાની ઇચ્છાથી ગમે તે યોનિમાં પ્રગટ થાય, પણ અન્ય સર્વે તેમની આગળ રાંક જેવા ભાસે છે. અણુ જેવા તનમાં આવે તો પણ બ્રહ્માદિક દેવો તેના આગળ રંક છે. જે કોઈને મળ્યા નથી તે તમને મળ્યા છે.” એમ શ્રીહરિએ સર્વે હરિજનને કહ્યું. ને વળી કહ્યું કે, “હવે તો પોતાનું મન ડગાવે તોપણ સત્સંગ છોડવો નહિ. કારણ, અંત સમે એ હરિજનને દર્શન દઈ અમે તેડી જઈએ છીએ.”64•

મોટેરા ગામમાં શ્રીહરિ કહે, “જન્મમરણ, જમપુરી, લખચોરાશી જેવા અસાધ્ય રોગ એક સત્પુરુષ સિવાય કોઈ મિટાવી શકતું નથી. સત્પુરુષ મળે ને ઓળખાય છે ત્યારે મોક્ષનો માર્ગ યથાર્થ દેખાય છે ને મનાય છે. પૂર્વના સુકૃત વિના સત્પુરુષ મળતા નથી ને મળે તો તેમાં જીવ ચોંટતો નથી. સત્પુરુષ તો ચમકનો પહાડ છે. લોહ જેવા કેટલાય જીવો તેમની સમીપ આવતાં ખેંચાઈ જાય છે. તેમનાં અમૃત સમાં વચનો સાંભળી જીવ જડી દે છે. પછી તેમને કોઈ વાતે છોડતા નથી. કારણશરીર નાશ થાય તો જ સત્પુરુષ વળગે છે. જે નિદ્રા, આળસ, પ્રમાદ (દેહભાવ) તજીને સત્સંગ કરે, ભગવાનના વચન મુજબ જીવે ને વચનને ધારે વિચારે તો તેનું કારણદેહ ટળે છે.”65•

શ્રીનગરમાં શ્રીહરિએ દીવાનને ઉદ્દેશીને કહ્યું, “સાચો સત્સંગનો સંગ મળે તો પામર પશુ જેવો જીવ દેવકોટિનો થઈ જાય છે વિષયમાત્ર છૂટી જાય છે ને મતિ ઉત્તમ થાય છે. વિષયમાં રાગ રહે ત્યાં સુધી ભગવાનમાં ચિત્ત ચોંટે નહિ. સાચા સંત કેવા હોય તો જેને ભગવાન સિવાય કોઈ વિષયમાં રાગ ન હોય, દ્રવ્ય અને સ્ત્રીનો ત્યાગ અષ્ટપ્રકાર પાળતા હોય, વ્યસનમાત્રથી દૂર રહેતા હોય. જે કોઈ જીવ પોતાની સમીપે આવે તેને ભગવાનમાં જોડતા હોય તેને સાચા સંત જાણવા. ભગવાન વિના બીજામાં જોડે તેને શિશ્નોદર પરાયણ જાણવા.”66

ગઢપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જેનામાં જેટલું સામર્થ્ય હોય તેટલું દેખાઈ આવે છે. અંદર રહેલા ગુણ છૂપા રહેતા નથી, સોનામહોર અને રૂપિયાની કિંમત તેના પારખુને હોય છે. હીરા-માણેકની સાચી કિંમત ઝવેરી કરી આપે છે. તેમ ભગવાન સૌમાં રહ્યા છે તે જેટલું દૈવત અધિક જણાવે તેમાં અધિકપણે રહ્યા છે એમ જાણવું. ભક્તોમાં, સંતોમાં ને બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુમાં જે ભગવાનનો વાસ છે, તે તેમના દૈવતથી જાણ્યામાં આવે છે. એ ગુણ છિપ્યા છિપાતા નથી. સંત અને અસંત પણ તેમના વર્તનથી પરખાય છે. તેના વર્તન વિષે ગ્રંથોમાં ઠેર ઠેર લખ્યું છે. જેને મોક્ષનો ખપ હોય તેને મોક્ષદાતા સંત રુચે છે. વિષયીજનને વિષયી ગુરુ ગમે છે. દુષ્કાળ પડે છે, તે આવા મિથ્યા ગુરુનું ફળ છે.” એમ વાત કરતાં શ્રીહરિ ઝિંઝાવદર પધાર્યા.67•

વડતાલમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “લોકને ઠગવા માટે ત્યાગ, ધ્યાન વગેરે કરે છે તે પોતે જ ઠગાય છે અને અંતે વિમુખ થાય છે. આ નક્કી વાત છે. સાચા સંત તો અંદર-બહાર સરખા જ હોય છે. એવા સંત ઉપર અમે દિન દિન પ્રસન્ન રહીએ છીએ, એવા નિષ્કપટ (નિર્દંભ) સંત, વર્ણી, પદાતીને અમારી સેવામાં સદાય રાખીએ છીએ.”68•

ગઢપુરમાં શ્રીહરિએ સંતો-ભક્તોને ભાત-ભાતનાં ભોજન જમાડ્યા પછી વાત કરતાં કહ્યું, “અમે વિચાર કરીને જોયું કે અપાર તીર્થ કરે, વ્રત કરે, અપાર યોગ સાધે, યજ્ઞો કરે, અનંત જન્મ લગી દાન પુણ્ય કરે તોપણ જે પુણ્ય ન મળે તે ભગવાનના સંતને એકવાર ભાવથી જમાડે ને પૂજે તેમાં મળે છે. એવા સંતને તીર્થાદિકથી પણ અધિક અમે માન્યા છે.”69•

શ્રીહરિએ સર્વે સંતોને પત્ર પાઠવ્યો. જેમાં સાચા સંતનાં લક્ષણ આ રીતે લખાવ્યાં: “સાચા સંતને બ્રહ્મવેત્તા કહેવાય છે. તે સત્ય વચન બોલે છે. દયા, દાન ને કોમળ અંતરવાળા હોય છે. હિંસા રહિત, કોઈની અવગણના કરે નહિ એવા, કૃપાળુ, દ્રોહ રહિત, સહિષ્ણુ, નિર્મળ મનવાળા, કામનાથી રહિત, ચતુર, પવિત્ર, અકિંચન, ભગવાનમાં પ્રીતિવાળા, જગતના નાશવંતપણાને જાણનારા, દેહની અયોગ્ય ચેષ્ટાથી રહિત, યુક્ત આહાર-વિહારવાળા, સ્થિર મનવાળા, ભગવાનના શરણાગત, સદા શુભ વિચાર કરવાવાળા, મુનિ, શુભ વર્તનમાં સાવધાન, ધીરજવાન, નિર્માની, માન આપનારા, રાગદ્વેષથી રહિત, દીનપણાથી રહિત, મૈત્રી ભાવવાળા, ગ્રંથના તત્ત્વને જાણનારા એવાં અનંત લક્ષણે યુક્ત સાચા સંત જાણવા.”70

શ્રીહરિએ પત્રમાં લખાવ્યું: “મારા સાધુની સેવા અપવિત્ર પાપીજને ક્યારેક થોડી કરી હશે તો તે પવિત્ર નિષ્પાપ થઈ જશે. અને જો તેનો દ્રોહ કો’ક દિન થઈ ગયો તો પવિત્ર જન પણ અપવિત્ર પાપી થઈ જશે.”71

પત્રમાં શ્રીહરિ કહે, “હરિવિમુખમાં કળિયુગ પ્રગટ દેખાઈ આવે છે. સંતના યોગ વિના ભાગ્યનો ઉદય થાય નહિ. જ્યારે સાચા સંત મળે છે, ત્યારે તેની કીર્તિ બધા લોકમાં છવાઈ જાય છે. એ સંતે નારી અને ધન મળની પેઠે ત્યાગ કર્યાં છે. ફેલ-વ્યસન કરતા નથી. કારણ કે સાચા સંત ભગવાન વિના બીજી વસ્તુમાં લોભાતા નથી. લોકોને દેખાડવા જે ત્યાગ રાખે છે, તે કપટયુક્ત સંત કહેવાય.”72

શ્રીહરિએ પત્ર લખાવ્યો: “સત્પુરુષનો જે સંગ કરે છે તેનામાં સત્પુરુષના ગુણ આવે છે. સત્શાસ્ત્રમાં રુચિ થાય છે. તીર્થ-વ્રતાદિકમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અસત મતમાંથી વૃત્તિ ઊખડે છે. ભગવાનની સાકારપણે ઉપાસના થાય છે. ભગવાન સત્ય છે અને અધર્મ અસત્ય છે એ જીવમાં દેખાય છે. ભગવાનને અંતર્યામી સમજે છે. પ્રતિમામાં શ્રદ્ધા બેસે છે. એવા જનનો દેહ છૂટ્યે મોક્ષ થાય છે.”73

શ્રીહરિએ સાંખ્યયોગી બાઈ-ભાઈને પત્રમાં જણાવ્યું: “જેને ધન-સ્ત્રીનો ત્યાગ છે, મોક્ષનો ખપ છે ને ભગવાનમાં દૃઢ અનુરાગ છે એવા સંતના યોગ વિના સુમતિ પુરુષ પણ કુમતિ થઈ જાય છે. ભરતજી તો ભગવાનના પુત્ર હતા ને પૃથ્વીની સંપત્તિ ત્યજી દીધેલી, પરંતુ સંતના યોગ વિના એમને વિઘ્ન થયું.”74

શ્રીહરિએ પત્ર લખાવ્યો: “અમારા ભક્તોએ એકાદશી આદિ વ્રતનું જાગરણ એક પહોર સુધી અવશ્ય કરવું. જગતનો ડર હોય તેણે ગુપ્ત જાગરણ કરવું. મનમાં ભજન કરવું. પરમહંસો અને સાંખ્યયોગી બાઈ-ભાઈઓએ ચાર પહોરનું જાગરણ અવશ્ય કરવું. જે આ વચન ન માને તેને દેહરૂપ જાણવો. એ બ્રહ્મરૂપ નથી. સત્સંગના જેટલા નિયમ-ધર્મ છે તેમાં તત્પર થઈને વર્તવું. વચનમાં નથી વર્તતો તેને નર્ક મળે છે. વ્યાસજીએ ભાગવતના ગદ્યમાં નર્ક ગણાવ્યાં છે તે અમે પત્રમાં લખ્યાં છે. નિયમમાં વર્તી જે હરિજન ભજન સ્મરણ કરે છે તેને અમે પ્રગટ દર્શન દઈએ છીએ.

“વ્યાસજીએ વેદ-પુરાણ રચ્યાં, પણ જેને જેવી રુચિ તે મુજબ તેમાંથી ગ્રહણ કરે છે. જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ રહ્યાં હોય તે ચારેનું પ્રતિપાદન કરે. કોઈમાં જ્ઞાન અંશ વધુ હોય તો એકલા જ્ઞાનનું પ્રતિપાદન કરે. અમારા હૃદયમાં અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન પ્રગટ પ્રમાણ વિરાજે છે. એ મૂર્તિને નખશિખ દેખીએ છીએ ને અક્ષરધામને પણ ભેળું જ દેખીએ છીએ. અક્ષરધામ અને પુરુષોત્તમની મૂર્તિ એ જેટલાં બ્રહ્માંડ છે તેમાં એક એકમાં દેખાય છે. આ અતર્ક્ય વાત છે. જીવને એ તર્કમાં લાવવી તે અતર્ક્ય સ્થિતિ (બ્રાહ્મી સ્થિતિ) સિવાય બને નહિ. અમારી બધી જ વાત અતર્ક્ય છે. જેમાં વેદનું રહસ્ય સમાયેલું છે.

“અમે પરબ્રહ્મ પુરુષોત્તમ પરમાત્મા છીએ. બે રૂપે યોગકળાથી રહીએ છીએ. એક ધામમાં ને બીજે રૂપે અનંતકોટિ બ્રહ્માંડમાં પ્રકટ દેખાઈએ છીએ. જેવો અધિકારી તેવી વાત જીવમાં ઠરે. નાવ વિના સિંધુ પાર ન થાય, ને પાંખો વિના આકાશમાં ગતિ ન થાય, તેમ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કર્યા વિના અમારી આ યોગકળા જાણ્યામાં આવે નહિ. ચ્હાયે તેવો પંડિત હોય, પણ શાસ્ત્રમાં રહેલી આવી વાતને યોગકળા વિના જેવી છે તેવી જાણી શકતો નથી. બુદ્ધિમાં બેસે નહિ તેથી આસ્થા થતી નથી, ને શાસ્ત્રને ભણવા છતાં નાસ્તિક થઈ બ્રહ્મરાક્ષસ થાય છે ને મનુષ્યજન્મ હારે છે.”75•

ધરમપુર-વાંસદાના રાજાને શ્રીહરિ કહે, “આવા સંતને એકવાર પગે લાગે છે તેમનો ઉદ્ધાર થઈ જાય છે. એમાં સંશય નહિ. સંતની પૂજા સેવા કરે કે જમાડે, સંભારે તેનાં પાપ નાશ પામે છે.

સંતનો પ્રતાપ અનલથી પણ અધિક છે. જેનાં ભાગ્ય ઉદય થાય તેને સંત મળે છે. તેમનો અભાવ લેનારા ફરી મનુષ્ય જન્મ પામતા નથી. અર્થાત્ ભૂત-પ્રેતાદિ યોનિમાં ભટક્યા કરે છે.”76

ગઢપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપ અને હરિજનોને વાત કરતાં કહ્યું, “ભગવાન અથવા ભગવાનના સંત મળે ને એ જીવ પર અત્યંત દયા કરે ને જીવનો ઉદ્ધાર કરે ત્યારે તે ઉદ્ધરે છે. તે સિવાય જીવનાં મુક્તિનાં દ્વાર બધાં બંધ જ રહે છે. આપમેળે કોઈ માયાના બંધનથી છૂટ્યો હોય તેમ આજ દિન સુધી દેખ્યામાં આવ્યું નથી. સિંહ જેવો પ્રતાપી બળવાન કોઈ નથી તોપણ લોઢાના પાંજરામાં પડ્યો પછી તે ફાવે તેટલા ઉપાય કરે, પણ પોતાના બળથી તે મુક્ત થઈ શકતો નથી, તેમ પાપ અને અજ્ઞાન-અંધકારના કૂપમાંથી બહાર નીકળવા જીવને સંત વિના બીજો ઉપાય જ નથી. માટે સંતને દુખવતાં થકા રાત-દિવસ મનમાં ડરવું.

“વ્રત વગેરે ચાહે તેટલાં સાધન કરે, પણ સંત મળ્યા વિના નકામું. જે કરે તેમાં અધિક અધિક બંધન થાય છે, તેની તેને ખબર રહેતી નથી. જે દી તે દી સાચા સંતનો સંગ કરશે ને તેના વચનમાં વિશ્વાસ લાવી મંડશે ત્યારે સંત તેને બંધનથી મુક્ત કરશે. આ સિદ્ધાંત વાત છે. સિદ્ધાંત હોય તે કોઈ દિવસ ફરે નહિ. સંત વિના જીવનું બંધન ટળતું નથી, એમાં તલમાત્ર ફેર નથી. અગણિત જીવોનો મોક્ષ કરવા આ વખતે અમે સાચા સંતને જુદા રાખ્યા છે. જો મિથ્યા સંતોમાં સાચા સંત ભળી જાય તો બધાનું એક મૂળ થઈ જાય પછી સાચા-ખોટાનો વિભાગ જ ક્યાં રહ્યો? માટે બન્ને એક-બીજામાં ભળી શકતા નથી. જેમ દિવસમાં ક્યારેય રાત ભળે નહિ ને રાતમાં દિવસ ભળે નહિ. આ વખતે અમે આ પ્રકારનો ચોખ્ખો વિચાર કરી રાખ્યો છે જે રાત ને દિવસની જેમ કુસંગ અને સત્સંગની રીત જુદી છે. સાચા સંતનું વર્તન દેખી મુમુક્ષુને તેની પરખ પડે છે.

“સાચા સંત સાચા સત્સંગમાં છે. જ્યાં સત્ય વર્તન છે ત્યાં તેટલો ભગવાનનો વાસ છે અને અસત્ય વર્તન છે ત્યાં અધર્મ વસે છે. આ સિદ્ધાંત વાત છે, તેમાં રતિભર જૂઠ નથી. અને સાચો સિદ્ધાંત પણ તેને જ કહેવાય કે જેમાં લેશપણ ફેરવણી ન રહે. બ્રહ્મા જેવા અપાર આવે તોય લગાર પણ આ વાતને ફેરવીને જૂઠી કરી શકે નહિ. આવી વાત સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત કદી ફરે નહિ. ફરે તે સિદ્ધાંત રહે નહિ. મનુષ્યો જ્યાં સુધી સત્સંગના નિયમમાં વર્તે છે ત્યાં સુધી અમારા વચને કરીને તેનો મોક્ષ થશે.” આવી વાત શ્રીહરિએ કરી તે હરિજનો સાંભળી જ રહ્યા.77•

શ્રીહરિએ પીપળાવમાં કહ્યું, “જે ભગવન્નિષ્ઠ સંત છે તેને ભગવાનની સાથે જ તાન છે. ભગવાન કહે તેનો જ સંગ રાખે છે. ભગવાનને પણ એવા સંતથી બીજું અધિક નથી, એવા સંતને અર્થે ભગવાન અહીં પ્રગટ થાય છે. એવા ભગવન્નિષ્ઠ સંતની સેવા કરવાનો અમને ઉરમાં અત્યંત ભાવ જાગે છે.”78

પંચાળામાં શ્રીહરિએ સોરઠના હરિજન પ્રત્યે કહ્યું કે, “અમારી જેવી રુચિ છે તે તમને યથાર્થ જણાવીએ છીએ. સાચા સંત વિના કોઈથી જીવનો ઉદ્ધાર ક્યારેય થતો નથી. જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ હોય તે સાચા સંત છે. રામાનંદ સ્વામીમાં અમે આ ચારે ગુણો શુદ્ધપણે જોયા ત્યારે મન ઠર્યું. મોક્ષનો ખપ હોય તે આવા સત્પુરુષને ઓળખી તેના ભેગો રહે ત્યારે યથાર્થ દેખ્યામાં આવે છે. ઘી અને ખીર અમૃત તુલ્ય છે, પણ કીટ અને શ્વાનને તે વિષ જેવાં છે.”79

વડનગરમાં શ્રીહરિએ વિદ્વાન વિપ્રોને વાત કરતાં કહ્યું, “ભગવાન તથા ભગવાનના એકાંતિક સંતના શરણ (આશ્રય) વિના ભગવાન સંબંધી જ્ઞાનની ગમ ક્યારેય પડતી નથી. ભગવાન અને ભગવાનના સાચા સંત તે જ્ઞાનનાં બે નેત્ર છે. બંને નેત્ર વિના પ્રાણી અંધ કહેવાય છે. બંનેમાંથી એકનો યોગ ન હોય તોપણ સાચા જ્ઞાનને પામતો નથી. બંનેના જોગ વિના બ્રહ્મા જેવો સમર્થ હોય તોપણ શું થયું? તેના અજ્ઞાનપાશનો નાશ થતો નથી.”

એ સાંભળી સભામાં જેટલા વિદ્વાનો બેઠા હતા તેઓ મનમાં અતિ આશ્ચર્ય પામ્યા. અને કહ્યું કે, “તમે ભગવાન સાચા.”80•

શ્રીહરિએ દક્ષિણી વિપ્ર જનુબા હાકેમને સંતમહિમા કહેતાં કહ્યું, “જેના જીવમાં કાન્તા અને કનકનો ત્યાગ હોય અને એક કેવળ ભગવાનમાં અનુરાગ હોય એવા સંત જન્મમરણ-સંસૃતિથી જીવને મુકાવે છે. મોટાં ભાગ્ય હોય તેને જ આવા સંત ગમે છે. આવા સંત મોક્ષનું દ્વાર છે. આવા સંતનાં દર્શન દુર્લભ છે. જેના જીવમાં કાન્તા અને કનકનો ત્યાગ ન હોય એવા સાધુ હોય તે અપાર જન્મમરણનું દ્વાર છે.”

‘કનક કાન્તા ત્યાગ, હરિમેં રહે અનુરાગ એક.

જાકે હોય બડ ભાગ, એસે સંત રૂચત તેહિ.

એસે સંત હિ જેઉ, મોક્ષ તાકે મગ રહેઉ.

એહિ વિન મગ જે તેઉ, સંસૃતિ અપાર દ્વાર રહેઉ.’81

વડતાલમાં શ્રીહરિએ સત્સંગમાં દંભી અને સાચા હરિજનની રીત બતાવતાં કહ્યું, “સાચા સંતના પ્રસંગ વિના ભગવાનની વાત અંતરમાં ચોંટતી નથી. સાચા સંતની જ્યારે ભાવથી સેવા ને પ્રસંગ કરે છે, ત્યારે ભગવાનની વાત સમજાય છે. સંતનો પ્રતાપ અગ્નિ જેવો છે. ચાહે તેટલો ડુંગર જેવડો દારૂનો ઢગલો હોય તો પણ એક તલ જેટલો તણખો તેને ઉડાડી દે છે. જનનાં પાપ જન્મ-જન્મનાં ભેગાં થયાં હોય તે જ્યારે સાચા સંત મળે છે ત્યારે ટળે છે. ભગવાન મળ્યા, સંત મળ્યા હવે ભાવમાં કસર તેટલી મોક્ષમાં કસર જાણવી.”82

ગઢપુરમાં શ્રીહરિ કહે, “જેને ભગવાન સિવાય બીજી વાસના ન હોય અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને અતિશય સ્નેહે કરીને શ્રદ્ધા સહિત ભગવાનની ભક્તિ કરે, તેને એકાંતિક ભક્ત જાણવા.”83

ગઢપુરમાં શ્રીહરિએ ભગવાનનાં દર્શન તુલ્ય જેનું દર્શન છે એવા સંતનો મહિમા કહેતાં કહ્યું, “જેને ભગવાનની ભક્તિ હોય અને એમ સમજે કે પુરુષોત્તમ ભગવાન, અક્ષરધામ અને મુક્તો આત્યંતિક પ્રલયમાં નાશ પામતા નથી અર્થાત્ એ દિવ્ય છે, અવિનાશી છે. વળી, એ ભગવાન સદા સાકાર છે, સર્વકર્તા છે. તેમના સિવાય આ જગતનો કરનારો બીજો કોઈ નથી અને એ ભગવાનની મરજી વિના સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. આવી પ્રગટ ભગવાનને વિષે જેની દૃઢ ભક્તિ હોય તે ભક્ત સાધારણ જેવો દેખાતો હોય તોપણ તે અમને પ્રિય છે. તેના માથે કાળ, કર્મ કે માયાનો હુકમ ચાલતો નથી. તેને દંડ દેવો હોય તો સ્વયં ભગવાન દંડ દે છે, પણ બીજાનો અધિકાર નથી. એવા નિષ્ઠાવાન સંતની ચરણરજ તો અમે માથે ચઢાવીએ છીએ, એ રખે દુખાઈ જાય! એમ અંતરમાં ડરીએ છીએ, એમનાં દર્શનને ઇચ્છીએ છીએ. એ સંત સાધનનું બળ લેશ પણ રાખતા નથી. વળી, ભવસિંધુ તરવા નાવ રૂપી ભગવાનનો આશ્રય રાખી કલ્યાણ ઇચ્છે એવા પ્રવીણ હોય છે. ને દેહત્યાગ પછી ભગવાનની હજૂરમાં બેસે છે. એવા ભક્તનું દર્શન ભગવાનનાં દર્શન તુલ્ય છે. વળી, એ સંતનાં દર્શનથી અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે, એવા એ મોટા છે.”84

ગઢપુરમાં શ્રીહરિએ સાચા સાધુની ઓળખ આપતાં કહ્યું, “સાચો સાધુ એ છે કે જે દેહ અને દેહનાં સંબંધીજનો પ્રત્યેનો અહં-મમત્વ ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માને. ભગવાન સિવાયની વાસનામાત્ર ત્યાગ કરે અને સ્વધર્મમાં રહીને ભગવાનની ભક્તિ કરે. એવું સાધુપણું જેનામાં આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને અણુ જેટલું છેટું રહેતું નથી. જે એવો સાધુ છે તે હું છું, અર્થાત્ એ મારું સ્વરૂપ છે.”85

ગઢપુરમાં રામનવમીના ઉત્સવ પછી શ્રીહરિ કહે, “ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ - આ ચારેય નિષ્ઠા એક પુરુષમાં આવી મળે, અને તે બધાથી અધિક વર્તતા હોય તે પુરુષને પરમ ભાગવત જાણવા અને એકાંતિક ભક્ત પણ તેને જ જાણવા.”86

શ્રીહરિએ ગઢપુરમાં જીવના મોક્ષની વાત કરતાં કહ્યું, “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા ને માહાત્મ્યજ્ઞાને સહિત ભગવાનની ભક્તિએ યુક્ત હોય તેને ભગવાનના એકાંતિક સાધુ જાણવા. એવા એકાંતિક સાધુનો નિશદિન પ્રસંગ કરે તો ભાગવત ધર્મનું પોષણ થાય છે અને જીવના મોક્ષનું દ્વાર પણ એવા સાધુના પ્રસંગથી ઊઘાડું થાય છે.”87

નિર્વાસનિક એવા એકાંતિક ભક્તને ભગવાન વશ વર્તે છે.88

ગઢપુરમાં શ્રીહરિએ સંતનો મહિમા કહેતાં કહ્યું, “સંતના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે માટે સંતની મર્યાદા રાખવી જોઈએ. જે ભક્ત ભગવાનની મૂર્તિને ચિત્રની કે પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા મનુષ્ય જેવા જાણે છે તેને ભગવાન અને સંતમાં નાસ્તિકભાવ અવશ્ય આવે છે.”89

ગઢપુરમાં ઉત્તમ રાજાના દરબારમાં શ્રીહરિએ સંતનાં લક્ષણ કહેતાં કહ્યું કે, “જે સંતમાં કોઈ અપેક્ષા નથી, જેને કોઈ સાથે વેર નથી, જે મત્સર રહિત છે, બધા સાથે મિત્રતા રાખે છે, અંતરથી નિષ્પાપ છે, સૌનું હિત ઇચ્છે છે, પોતા કરતાં બીજાને અધિક માને છે, પોતાના ગુણોથી એક ગુણ પણ જેનામાં અધિક દેખે છે તેને પોતા કરતાં મોટો ગણે છે અને તેને જીવે ત્યાં સુધી ગુરુ માને છે - એવા અનંત શુભ ગુણ જેમાં રહ્યા હોય તેને અમે વિવેકી સાચા સંત કહીએ છીએ. સંતમાં લોભ આવે છે ત્યારે વિચાર અને ધીરજ તે ધારી શકતો નથી, લોભનો પ્રવેશ તેનું સંતપણું હરી લે છે. પોતાને નિર્દોષ માને છે અને અન્યમાં દોષ દેખે છે તેનું અંતર અતિશય મલિન થઈ જાય છે.”90

ગઢડામાં શ્રીહરિએ સંત-હરિજનો પ્રતિ વાત કરતાં કહ્યું, “જો સૂર્યની હાજરીમાં અંધારું થાય, જળ વિના અન્ન થાય, રાજા વિનાની પ્રજા સુખી થાય તો સંત વિના મોક્ષ થાય. સંતને તજીને મોક્ષને ઇચ્છે છે તે ભૂમિનો ત્યાગ કરીને કોઈ ચાલવાને ઇચ્છે તેના જેવો જ મૂર્ખ છે.”91

જળઝીલણી ઉત્સવ પર સભામાં શ્રીહરિએ સત્સંગ અને ભગવાનના નિર્ગુણપણા સંબંધી તથા ખપ સંબંધી ઘણીક વાતો કરી અને કહ્યું કે, “પરમ ભાગવત સંત ભગવાનમાં જ બધું સુખ જુએ છે. ત્યાગી અને ગૃહી જે કોઈ એવી સમજણવાળા હોય તે બધા ભાગવત સંત છે, અને ભવસાગર તારે છે.”92

ગઢપુરમાં સંતમહિમા કહેતાં શ્રીહરિ કહે, “એકાંતિક ભક્તના ધર્મ વાસુદેવ માહાત્મ્યમાં કહ્યા છે. એકાંતિક હોય તે પોતાને દેહરૂપે ન માને પણ ચૈતન્યરૂપ માને. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભગવાનની ભક્તિ ભાવથી કરે. ભગવાન વિના બીજા કોઈ પદાર્થની ઇચ્છા ન રાખે. આવી રીતે ભગવાનને ભજીને જે (એકાંતિક) સાધુ થયો તેને સાધુથી અધિક બીજી કોઈ પદવી પ્રાપ્ત કરવાની બાકી રહેતી નથી. બધી પદવીઓમાં શ્રેષ્ઠ સાધુની પદવી છે. જેમ રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય કહેવાય છે ને રાજાનો હુકમ ચાલે તેવો રાણીનો હુકમ ચાલે તેમ જેવો ભગવાનનો પ્રતાપ છે તેવો જ પ્રતાપ ભગવાનના સાધુનો કહ્યો છે.”93

લોયામાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “સત્પુરુષનો પ્રતાપ કુબુદ્ધિ જનને દેખાતો નથી. સત્પુરુષ પણ પોતાનો પ્રતાપ છુપાવીને વર્તે છે. ખબર પણ ન પડે તે રીતે સત્પુરુષ ભગવાનના બળથી અસત્યને ઉથાપે છે, સત્ય જ્ઞાનનું પ્રવર્તન કરે છે. સત્સંગ ત્યાં જ રહ્યો છે જ્યાં સત્ય જ્ઞાનનું પ્રવર્તન છે.”94

લોયામાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખે અથવા ભગવાનના મુખે સત્સંગ અને કુસંગનું રૂપ યથાર્થ ઓળખાય છે. સત્પુરુષ અને ભગવાનની ઓળખાણ એનું દૈવત છે અને એ દૈવત વર્તનનું છે. દેશકાળમાં એક સરખું વર્તન રહે તો જાણવું કે તે સત્પુરુષ છે કે ભગવાન છે. જેમ નીતિમાં રહેતો હોય તે પ્રજામાં પણ નીતિપાલન કરાવતો હોય એવા રાજાનું મૂળ અચળ હોય છે. નીતિ નેત્ર છે, નીતિ વિનાના અંધ કહેવાય તેમ નિયમપાલન ન હોય તે અંધ છે. સંતનો તે દ્વેષ કરે છે, પણ ક્યાં રાત્રિ ને ક્યાં સૂર્ય?”95

શ્રીહરિએ મુક્તમુનિને એક વાત કરેલી તે તેમણે ઉત્તમનૃપને કહી કે, “સત્પુરુષ જે જે ક્રિયા કરે છે તેમાં ભગવાનને મુખ્ય રાખે છે. સામાન્યજનને નદીના પ્રવાહની જેમ સંકલ્પ-વિકલ્પનો પ્રવાહ ચાલતો હોય છે. જ્યારે ભગવાનના સાચા હરિજનને ભગવાનના સંકલ્પ થાય છે. કથાવાર્તા, કીર્તન, ભજન, સ્મરણ, ધ્યાન, સેવા વગેરે ભગવાન સંબંધી થયાં કરે છે. જગત સંબંધી સંકલ્પોનું મૂળિયું ઉખાડી નાખે છે.”96

શ્રીહરિએ સુરતમાં અરદેશર કોટવાલ સાથે વાત કરતાં કહ્યું, “સાચો સત્સંગ કર્યા વિના લખચોરાશીનાં દુઃખ તલભર જાણ્યામાં આવતાં નથી. પોતાની રુચિ અનુસાર ગુરુઓ, સાધુઓ અને આચાર્યો ઘર-ઘર મોક્ષ માને છે, પરંતુ તેમ મોક્ષ થતો નથી. જેમ સરકારની મહોરછાપ લાગે તે વસ્તુ સર્વત્ર પ્રમાણ થાય તેમ જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ રહ્યાં હોય એવા ધર્મવંશી ગુરુની મહોરછાપ મોક્ષના માર્ગે પ્રમાણભૂત ઠરે છે. જ્યાં અધર્મ થતો હોય એવા ગુરુ કે આચાર્ય પોતાના શિષ્યો સહિત કોટિ કલ્પો સુધી જમપુરી ને લખચોરાશી ભમે છે. મનમાન્યું વર્તન કરી કલ્યાણ માને ને પેટ ભરવા ગુજરાન કરે તેને યાતનાઓ કેડો છોડતી નથી.”97

સુરતમાં પીરુશાના ભવનમાં શ્રીહરિએ સત્પુરુષનાં લક્ષણ જણાવતાં કહ્યું, “સત્પુરુષનું તે જ લક્ષણ છે કે જેમાં કોઈ દોષ નથી, એવી સત્ય વાતનો સંગ્રહ કરે છે. સંતમાં અનંત તીર્થો સમાયાં છે, એવા સંતનો આશ્રય જે નર-નારી કરે છે ને તેની પ્રેમભાવથી સેવા કરે છે તેનાં પાપમાત્ર નાશ પામે છે, કારણ કે તેમાં ભગવાન પ્રગટ રહ્યા છે. અસદ્‌બુદ્ધિવાળા જન તેનો દ્રોહ કરે છે, પણ સત્પુરુષના જોગ વિના કલ્પેય મોક્ષ થાય નહિ.”98•

શ્રીહરિએ સુરતમાં પીરુશાને વાત કરતાં કહ્યું, “સત્પુરુષની બધી વાતો સત્ય હોય છે. જે જન પોતાના દોષ ઓળખી સત્પુરુષની સેવા-પ્રાર્થના કરે છે તો સત્પુરુષના યોગથી તેની શુભ ગતિ થાય છે. મોટા મનુષ્ય કહેવાતા હોય અને તે અતિ ભાવથી જો સત્પુરુષનો પક્ષ ન રાખે તો તેનાં બધાં કરેલાં કોટિ સાધન પણ પરલોકમાં સહાય કરતાં નથી. આ વાતને જે સમજે તે બુદ્ધિશાળી છે.”99

સુરતમાં શ્રીહરિએ ઇંદરસન સાહેબના બંગલે વાત કરતાં કહ્યું, “સંસારની વાતમાં જેવો ભાવ છે તેવો ભાવ ભગવાનને વિષે સત્પુરુષનો યોગ થયા વિના થતો નથી.”100

મુક્તમુનિ અને નિત્યાનંદમુનિને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાનમાં જ્યાં સુધી જીવ ચોંટે નહિ ત્યાં સુધી વેદ પુરાણ ભણે કે આખી ભૂમિની સમૃદ્ધિ મેળવે તોપણ જન્મમરણથી છૂટે નહિ. ભગવાનમાં ચિત્ત જોડે તેને સત્પુરુષ કહેવાય છે. પોતાનું ચિત્ત ભગવાનમાં જોડવું ને બીજાનું જોડાવવું એ બે વાત પર તેને તાન રહે છે.”101

 

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

સત્પુરુષ નાવ સમાન છે. જેમ કોઈ નાવ સમીપે જઈને તેનો આશ્રય કરે છે તેને નાવ સામે કાંઠે લઈ જાય છે, તેમ સત્પુરુષનો આશ્રય કરવાથી ભવસાગર તરાય છે. સંત વિના પ્રગટ ભગવાનનો નિશ્ચય થતો નથી. સંત ઘરે આવે ને મુમુક્ષુબુદ્ધિ હોય તો નિશ્ચય થાય. જગતનો રાગ ટળે નહિ ત્યાં સુધી મુમુક્ષુતા જાગતી નથી. ચાર પ્રકારના પ્રલયની વાતો સંતમુખે સાંભળે ત્યારે વૈરાગ્ય થાય છે. પછી ભગવાન વિના કંઈ રૂડું લાગતું નથી. મુમુક્ષુ હોય તેના હૃદયમાં ભગવાનનો મહિમા ટકે છે. નાસ્તિકપણું મોટું પાપ છે, તે સંત મળે ત્યારે ટળે છે.

‘નાસ્તિકભાવ સબ પાપ સેં ભારી, સો વહિ જાત લગત ન વારી.’102

સંત પારસમણિ, ચિંતામણિ, કલ્પતરુ અને કામધેનુ સમાન છે. સર્વ સુખનું ધામ - એવા સંત મળે તો રિદ્ધિ અને સિદ્ધિનું શું કામ છે? સાચા સંતની ચરણરજ પાપી જનને દુર્લભ છે. એવા સંતની ચરણરજ જે માથે ચઢાવે છે તેનો ભગવાનની સમીપે વાસ થાય છે.

‘સંત ચિંતામની પારસ જૈસે, કલ્પતરુ કામધેનુ એસે.

ઓરહિ રિદ્ધ સિદ્ધ કો કહા કામા, સંત મિલે જબ સબ સુખધામા.

તિનકી ચરનરજહિ જોઉ, પાપી જનકું દુર્લભ સોઉ.

સંત કી રજ શિર જેહિ બઢાવા, હરિ સમીપ તેહિ વાસ કરાવા.’103

સત્સંગનું કારણ સંત છે. સંત વિચરતા રહે તો સત્સંગનો રંગ તાજો રહે. સંત વિના સત્સંગનો રંગ ઊતરી જાય. જેમ ગંગા કપડાનો મેલ ધૂએ છે, તેમ સંત હૃદયનો મેલ ધુએ છે.

‘સત્સંગ કો કારણ હૈ સંતા, જો રહેવે અખંડ વિચરંતા,

તબ સત્સંગ કો રહે મહારંગા, જ્યું પટ પવિત્ર કરત હૈ ગંગા.’104

દામ-વામથી દૂર રહે તેને સાચા સંત લેખવા. તે ક્યારેય અભક્ષ્ય ન ખાય. પોતાનો આત્મા ભગવાનની હજૂરમાં નિત્ય રહે છે. બધી ઇન્દ્રિયોને તે નિયમમાં વર્તાવે છે. ઇન્દ્રિયોનો આહાર મલિન થવા દેતા નથી. એવા સંતને ભગવાનના ચરિત્રનો આહાર એ જ આહાર છે. એ વિના બીજો આહાર ઇન્દ્રિયોને આપતા નથી. તેઓ ઇન્દ્રિયોને ચોર જાણીને તેનો કદી વિશ્વાસ કરતા નથી. ઇન્દ્રિયરૂપી શત્રુ તેનાથી થર થર ધ્રૂજે છે. ભગવાનના દૃઢ નિશ્ચય યુક્ત એવા એ સંતને સાચા સંત કહ્યા છે. જે મોક્ષની ઇચ્છા રાખે છે તેણે એવા સંત જ્યાં દેખાય ત્યાં જઈ તેમનો સત્સંગ નિઃશંકપણે કરવો.105

ભગવાનમાં અનંત આશ્ચર્ય રહેલાં છે, એકાંતિક ભક્ત સિવાય તે કોઈના કળ્યામાં આવતાં નથી. એકાંતિક વિના અન્ય મોટા મુક્તો ને સિદ્ધોને પણ એમાં મોહ થાય છે. એકાંતિક ભક્ત ભગવાનની અનાદિની રીત બરાબર જાણે છે.

ભગવાન મનુષ્યચરિત્ર કરે છે તેમાં એકાંતિક ભક્તને સુખ ઊપજે છે, અન્યને તે બંધનકારી થાય છે.

લૌકિક મનુષ્યભાવ ને અલૌકિક દિવ્યભાવ બન્ને એકાંતિકને મતે દિવ્ય જ છે, તેમાં તેને ભેદ જણાતો જ નથી. એટલા માટે એકાંતિકપણું પ્રાપ્ત કરવું તે આત્મનિષ્ઠા ને ધર્મનિષ્ઠા કરતાં અનંતગણું અધિક છે.106

જગતના જીવ સત્પુરુષને ઓળખી ન શકે. અસત્પુરુષ ભેટતાં તેના માર્ગે ચાલે છે તેની અસદ્‌બુદ્ધિ થઈ જાય છે. પાપ કરતાં અંતર મૂઢ થાય છે. પછી સત્પુરુષનો દ્રોહ કરીને તે ખુવાર થાય છે.107

જે સાધુમાં શીલ-સદાચાર ને બ્રહ્મચર્યરૂપ ધર્મ નથી અને વિવિધ રસનો યોગ છે તે હળાહળ વિષ ખાય છે ને ભવરોગથી પીડાય છે. જેનામાં શીલ-સદાચાર ને બ્રહ્મચર્યરૂપ ધર્મ છે, જે રસમાત્રને વિષતુલ્ય જાણી તેનાથી દૂર રહે છે, અનન્ય એવા પરમાત્મા સિવાય જેમને બીજો કોઈ રસ નથી એવા સાધુનો સંગ કોઈ કરે તો તેમાં તેના ગુણોનો નિશ્ચય ઉદય થાય છે. તેને પણ ભગવાનના રસ વિના બીજો રસ ઊડી જાય છે ને પ્રગટ મુક્તિ પામે છે.108

જીવ અનંતકાળથી લોઢાથી પણ કઠોર રહેલો છે. તેણે અનેક મોટાં પાપ કરેલાં છે. તેને શુદ્ધ કરવા સત્પુરુષ સિવાય કોઈ ઉપાય નથી.

ભગવાન તો ચિંતામણિ છે, પણ સત્પુરુષ પારસ તુલ્ય છે. જીવ જ્યારે તેનો સંગ કરે છે ત્યારે તે લોઢાનું કંચન કરી મૂકે છે. એવો તેમાં પ્રતાપ રહ્યો છે. એ સત્પુરુષ પાસે કોઈ જાય અને તન-મન તેને સોંપી દે, પોતાની સમજ-ડહાપણ તેની પાસે ન રાખે તો તેનું અંગ પલટે, તે વિના લોઢાનું કંચન ક્યારેય ન બને. તે કરોડ વર્ષ સુધી સંગ કરે તોપણ અવયવ ન ફરે.109

ખમવું એ સાધુનો ગુણ છે. ‘હરિ બિન એસો ગુણ ન આવે.’ આવો ગુણ ભગવાન સિવાય કોઈમાં આવતો નથી. પૃથ્વી અને વૃક્ષનો ગુણ મોટો છે. એકને ખોદે છે ને બીજાને કાપે છે તોપણ દોષ વિના બન્ને ધાન્ય અને ફળ-ફૂલ આપે છે. સહન કરવાનો ગુણ મોટા સત્પુરુષનો છે, તે અલ્પ જનમાં કદી આવતો નથી.

સંતનો પ્રથમ ગુણ સહનશીલતા છે. સિદ્ધનો વેશ લઈ લોકને ડરાવે છે તેમાં આ ગુણ રતી જેટલો પણ નથી હોતો. તિતિક્ષા રહિતપણું અસુરનો ગુણ છે. સત્પુરુષ કામ ક્રોધ, લોભાદિક અધર્મસર્ગને શ્વપચની પેઠે ત્યાગીને વર્તે છે. ભગવાન વિના એમને કશામાં અનુરાગ નથી. એ જગ-ઉપહાસ સહનારા, દયાળુ ને પરમ સુખકારી છે.110

જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ - એકાંતિક ધર્મ નથી ત્યાં કોઈનું ઠેકાણું ન રહે. જ્યાં આ ચારે દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતાં દેખાય, ત્યાં જાણવું જે શ્રીહરિને ભજવાની શ્રદ્ધા અહીં છે. અક્ષરધામ અને સમગ્ર લોક પણ ત્યાં જ વસે છે તેમ નિશ્ચય માનજો. લોક માને કે ન માને, કોઈ વખાણે કે ન વખાણે તેનાથી તેઓ (એકાંતિક) ઝાંખા પડતા નથી કે તેની સાથે વૈર બાંધતા નથી. આવા ભગવાનના એકાંતિક ભક્ત હરિના ધામ(અક્ષરધામ)થી આવેલા જાણવા.111•

હરિજનનાં નેત્ર સમાન સંત છે. જીવોનું આત્યંતિક કલ્યાણ સંત કરે છે. સંત વિના સત્સંગ આંધળો છે. એવા સંત મળ્યા તે અલૌકિક અવસર કહેવાય. ભવ-બ્રહ્માદિક દેવ જેમની પૂજા કરવા ઇચ્છે છે, પણ તેમને લહાવો મળતો નથી. જે સેવા દેવતાને ન મળે, તે તમને મળી છે.112•

ભગવાનની શક્તિ-સામર્થિનું જ્ઞાન, એકાંતિક ભક્તને છે. એકાંતિક ભક્ત સિવાય બીજા શ્રીહરિનું સામર્થ્ય જાણે છે છતાં તે ન જાણ્યા જેવું છે. તેથી તેનાં પાપ ટળતાં નથી ને લખચોરાશીમાં ફરે છે. જ્યાં સુધી તે એકાંતિક સંતને માને નહિ ત્યાં સુધી તેનાં પાપ ટળતાં નથી. સંત નથી ઓળખાતા ત્યાં સુધી પાપ છે એમ જાણવું. સર્વ કારણનું કારણ સંત છે. અસંતને ઓળખે પછી સંત ઓળખાય છે. સંત ઓળખાયા તેનાં દુઃખમાત્ર ટળી જાય છે.113

સ્વાદિષ્ટ ભોજનને એક પાત્રમાં મેળવીને, સ્વાદ રહિત કરીને જમે, હરિ વિના બીજું વ્યસન લેશ પણ ન હોય, સર્વને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરે, નારી અને ધનથી દૂર રહે, અજાણતાં અડી જાય તો ઉપવાસ કરી નાખે! એવા સંતને મનુષ્ય ન જાણવા, પરંતુ ભગવાન તુલ્ય જાણવા.

‘હરિ બિન વ્યસન ઓર ન લેશા, સબહિ કરત સત ઉપદેશા.

નારી ધન કો નિકટ ન જાવે, અજાન અડે ઉપવાસ કરાવે.

    ...યાકુ નહિ મનુષ્ય જાના...’114

સાધુતા અને અસાધુતા વર્તનથી જણાય છે. જેવું વર્તન દેખે તેવો ગુણ લોકો લે છે. જેને શ્રીહરિનો સાક્ષાત્કાર છે, જેના જિવાડ્યા સૌ જીવે છે, એવા મોટા ક્યારેક કટુ વચન કહે તો અસાધુને વસમું લાગે છે. મોક્ષના દાતા માન્યા હોય તોપણ એ સત્પુરુષનો તે દ્રોહ કરે છે.115

ભગવાનના પ્રતાપથી કોઈ મોટી સિદ્ધગતિને પામ્યો હોય તોપણ તે સત્સંગમાં નાના-મોટા સૌ કોઈ સંતો-હરિભક્તોનો મન, કર્મ, વચને દાસ થઈને રહે અને સૌને ઘટતું સન્માન કરે, માન આપે. વળી, જેવો મુખ પર ભાવ તેવો અંતરમાં ભાવ રાખે તેને સત્સંગમાં મોટો જાણવો.

સિદ્ધ-મુક્ત એ જ સાચા કે જે રસમાં લોભાય નહિ. શ્રીહરિની જેટલી આજ્ઞામાં વર્તે તેટલો મુક્ત. રસમાં લોભાય તો તે કાચો છે.

‘સો સિદ્ધ મુક્ત હિ સાચે, રસ મેં લોભાય તિતને કાચે.

શ્રીહરિ આજ્ઞા મેં વર્તે જિતના, સિદ્ધ મુક્ત જાનના તિતના.’116

સંતની કૃપા થાય ત્યારે શ્રીહરિને ઓળખવાની અલૌકિક મતિ પ્રાપ્ત થાય છે. સંતની કૃપા વિના કોટિ પ્રકારે જતન કરે તોપણ અલૌકિક મતિ કોઈ કાળે આવતી નથી.

‘સંત કી કૃપા હોવત જબહિ, અલૌકિક મતિ જન પાવત તબ હિ.

સંત કૃપા વિન કોટિ પ્રકારા, અલૌકિક મતિ ન હોત કોઉવારા.’117

જેને ભગવાન વિના બીજી કોઈ ચાહના-ઇચ્છા નથી, તેને સદા શ્રીહરિ નિકટ વસે છે. જો બીજી ચાહના રાખે તો હરિ તેટલા દૂર રહે છે. જીવનું ખાતું તપાસે ત્યારે આ હિસાબ મળે છે. જ્યારે સંતની સેવા કરે છે, ત્યારે શ્રીહરિ તે જીવનો ઉદ્ધાર તરત કરે છે. સેવા પણ મંદ, મધ્ય ને તીવ્ર એમ ત્રણ વેગથી થાય છે. સમજુ હોય તેણે તીવ્ર વેગથી સંતની સેવામાં મંડી પડવું. મોક્ષ કરવાની ભગવાનની રીત પણ અનંત પ્રકારની છે. અક્ષર મુક્તો પણ તેનો પાર પામતા નથી. શ્રીહરિની મરજી જાણી તે મુજબ વર્તતા હોય તેને પરમ એકાંતિક સંત જાણવા. તેને એક શ્રીહરિનો જ દૃઢ વિશ્વાસ છે ને એટલે જ તેને બધાથી અધિક કહે છે ને ભગવાન જે રીતે રાખે તેમાં સદા મગન રહે છે.

બ્રહ્મા, શેષ વગેરે પોકારીને કહે છે કે શ્રીહરિની મરજી અનુસાર વર્તવું આનાથી વધીને કોઈ મોક્ષ નથી. શ્રીહરિ તેને જ્યાં રાખે ત્યાં અક્ષરધામ જ છે. હરિની મરજીમાં રહેવું તે અનંત અક્ષરધામ કરતાં પણ અધિક છે. હરિ રાખે તેમ રહેવામાં કોટિગણું દુઃખ આવે છતાં અનંતગણું સુખ એમાં છે એમ માનવું. સંતની સેવા કરવામાં જેટલું દુઃખ આવવું હોય તે ભલે આવે, પણ અંતે માયાપારનું દિવ્ય સુખ મળે છે. ભલે તેણે ચિંતવ્યું ન હોય તોપણ એ સુખને પામે છે.118•

સત્પુરુષના સંગ વિના ફાવે તેવું તપ કરે તોપણ હિરણ્યકશિપુની પેઠે તામસ કર્મરૂપે જ તે બને. ચ્યવન ઋષિએ વિષયસુખ માટે શરીરનો રાફડો કર્યો! સૌભરિ ઋષિ પણ તપ કરવા છતાં સત્પુરુષના સંગ વિના ખુવાર થયા. સત્સંગ વિના બીજું જેણે ચિંતવ્યું તે શિવ, બ્રહ્મા, નારદ વગેરેને પણ ખોટ લાગી.

સત્પુરુષ જ્યાં હોય ત્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો નિવાસ હોય, અધર્મ અને ફેલ વ્યસનનો ત્યાં બિલકુલ પ્રવેશ હોય નહિ. વળી, સ્ત્રી-પુરુષો પણ એકરસ ન બનતાં હોય ત્યાં જ મોક્ષ રહે છે એમ જાણવું.

રામ ત્યાં કામ નહિ અને કામ ત્યાં રામ નહિ. રવિ અને રાત્રિ સાથે હોય નહિ. મોક્ષ ત્યાં ફેલ નહિ ને ફેલ ત્યાં મોક્ષ નહિ. ફેલ હોય ત્યાં અધર્મનો ખેલ હોય, તે પાપમાં મોક્ષ મનાવે છે.119

સંતની સેવા ને પ્રસંગથી કોટિ કોટિ પાપ બળે. નારદ દાસીપુત્ર હતા, પ્રહ્‌લાદ દૈત્યપુત્ર હતા, પણ સંતના પ્રસંગથી સંત કહેવાયા. ધામ કરતાં પણ સંતતાનો ગુણ દુર્લભ છે. સૌ સાધન સંતતામાં આવી જાય છે. સાધુતા ન હોય તો ગુણ અને સાધન શોભતાં નથી, અને શ્રીહરિ પણ દૂર રહે છે.120•

સંતની મરજી મુજબ વર્તીને સંતને રાજી કરે એવો જન શ્રીહરિની હજૂરમાં રહે છે એ શાસ્ત્રપ્રમાણ છે. સાચા સંતનો યોગ અલ્પ પુણ્યથી થતો નથી, અનંત જન્મ તપ કરે ને તન ખુએ ત્યારે સાચા સંત મળે છે. એવા સંતનું માહાત્મ્ય શ્રીહરિ વિના કોઈ જાણી શકતું નથી, બીજા કોઈ તેને બુદ્ધિથી જાણવા મથે છે, પણ તેની બુદ્ધિ ત્રિગુણમયી હોવાથી ત્રણે ગુણોથી પર વર્તતા એવા (ગુણાતીત) સંતને તે ઓળખી શકતા નથી. જ્યારે તે સંતને ત્રણ ગુણથી પર દેખે ને તેની સેવા કરે ને એ સેવામાં જ પોતાનું સર્વસ્વ સાર્થક થયું લેખે ત્યારે વાત બને. તે વિના જ્યાં સુધી ગુણનો ભાવ દેખાય છે, ત્યાં સુધી સંત પર ભાવ થતો નથી.121•

સંસારનો મોહ જેને ટળી ગયો છે ને ભગવાન વિના કોઈ વસ્તુ જીવમાં પ્રધાન નથી એવા સંતના મુખેથી સાંભળેલી હરિકથા જીવના મોહનો નાશ કરે છે. રાત્રિદિવસ તેનું શ્રવણ કરી ધારવી, વિચારવી જોઈએ.122

એકાંતિક ભક્ત છે તે પોતાને જે ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થયું હોય તેને જ સર્વોપરી માને છે.123

અનંતકોટિ બ્રહ્માંડમાં જેને શ્રીહરિ સિવાય કોઈ અધિક ન હોય, શ્રીહરિના અક્ષરધામ સિવાયનાં અન્ય લોકના વૈભવમાત્રને મળ સમાન જાણે અને પોતે પણ દેહગુજરાન કાજે ગ્રહણ કરે તોપણ મળ તુલ્ય જાણતા થકા ગ્રહણ કરે, પિંડ-બ્રહ્માંડમાં ભૂલ્યે પણ સુખ ન દેખે - આવું વર્તન જીવમાં જેને હોય તે સત્પુરુષ કહેવાય. અને લોકને દેખાડવા વૈભવને અસત્ય કહે, પણ પોતે સત્ય માનીને દ્રવ્ય-વિત્તનું જતન કરતો હોય તે અસત્પુરુષ છે. તેનું જ્ઞાન દ્રવ્ય ભેળું કરવા માટેનું જાણવું.124•

સંત અને અસંત જુદા જ છે, પરંતુ જે નર-નારીને મોક્ષનો ખપ નથી તે તો ઘરબારીને પણ સંત કહીને પૂજે છે. તે સાચા સંતને અને આવા ઘરબારીને સમાન દૃષ્ટિથી જુએ છે. જેને સમુદ્ર તરવાની ઇચ્છા નથી, તેને સાજી કે તૂટલી નાવની ચિંતા નથી, તેને બેઉ સરખી છે. વહાણનો ખપ ત્યારે જાગે જ્યારે બૂડવાનો ભય લાગે.125

સાચા સંત છે તે ભગવાન સિવાયનાં રૂપમાત્રને અત્યંત ઝેર સમાન માને છે. ભગવાન સિવાય બીજું વહાલું રાખતા નથી. વિષયમાં અતિ દુઃખ જુએ છે. રાત-દિવસ પંચવિષયનાં મૂળ ઉખાડવાની વાતો સમયે-સમયે કર્યા કરે છે. પંચવિષયનાં મૂળ પાતાળથી લઈ પ્રકૃતિપુરુષ સુધી વ્યાપેલાં છે, તેને ઉખેડવાનું કપરું કામ કરે છે. જ્યાં સુધી પ્રકૃતિ પુરુષથી પર (જે અક્ષરબ્રહ્મ છે તે રૂપે) વર્તે તેને પંચવિષય લોપી શકતા નથી. તેમની સઘળી ક્રિયા ભગવાનના સંબંધે કરીને પ્રકૃતિપુરુષથી પરની (ગુણાતીત) જાણવી. એકમાત્ર સંબંધ શ્રીહરિનો અને સત્સંગનો રાખે છે, એવા સંતમાં ગુરુ, સાધુ, હરિભક્ત - સઘળા આવી ગયા એમ સમજવું. એવા સંતની સેવા ‘આ મારો મોક્ષ અવશ્ય કરશે’ એવી મોક્ષમતિ રાખીને કરે તો તેની મતિ ક્યારેય દૂષિત ન થાય.126•

પૃથ્વી પર જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ ધર્મનો વંશ છે ત્યાં શ્રીહરિ પ્રગટ રહે છે. ધર્મવંશને (એકાંતિક ધર્મને) અક્ષરબ્રહ્મ સાથે અખંડ એકતા છે. શ્રીહરિનો મહાબળિયો સંકલ્પ છે તેથી એવો મત કોઈક ઠેકાણે રહેશે ને તે ગુરુમુખી હશે. જેમ આરુણિ, ઉપમન્યુ વેદ વગેરે ગુરુની સેવાથી મોટી પદવી પામ્યા હતા.127•

સત્પુરુષની સેવા છે તે અસત્પુરુષને ક્યારેય મળતી નથી. સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી, એ વિચરતા હોય છે, પણ અસત્પુરુષને દેખ્યામાં આવતા નથી. સત્પુરુષ વિષે દ્વેષભાવે તે જેમ તેમ બોલે તોય સત્પુરુષ તેનો મોક્ષ કરે છે. આ સત્પુરુષનો ગુણ છે.

અસત્પુરુષને તજી ન શકે ને તેની સેવા ભાવ સહિત કરે તો તે પાપે કરીને નરકમાં પડે છે. આ વાત તે એમ જ છે તેમાં જરા પણ જૂઠ નથી. જેમ પ્રગટ દેખ્યામાં આવે છે, તેમ અંતરનો જે વિચાર છે તે કહ્યો. અને એ વાત પણ એટલી જ સત્ય છે કે કરોડો કરોડો પાપ કર્યાં હોય છતાં તે એક જ વાર અતિભાવ લાવીને સત્પુરુષનું સેવન કરે તો સત્પુરુષ તેનો ઉદ્ધાર કરે છે.

સત્પુરુષનું સેવન અગ્નિ કરતાં કરોડગણું પ્રતાપે યુક્ત છે. એ પાપીનાં પાપ તત્કાળ બાળે છે ને ઉદ્ધાર કરવામાં વાર લગાડતા નથી.128•

સત ધર્મ, સત જ્ઞાન, સત વૈરાગ્ય ને સત ભક્તિ - અર્થાત્ એકાંતિક ધર્મ જે સ્થાનમાં વર્તતો હોય (પ્રગટ હોય) ત્યાં સુધી શ્રીહરિ સ્વયં ત્યાં (પ્રગટ) રહે છે.

‘સત ધર્મ સત ભક્તિ જો જેહા, સત વૈરાગ્ય સત જ્ઞાન તેહા.

જિહાં લગ વરતત જેહિ ઠોરા, તિહાં લગ હરિ રહત તેહિ કોરા.’129

મોટા પુરુષને જે દુઃખ દે છે તેના વંશનો ઉચ્છેદ થઈ જાય છે. તે મોટો હોય તો પદવી થકી પડી જાય છે ને દિન દિન પ્રત્યે ઘટી જાય છે. મોટા પુરુષના અપમાનનું ફળ તત્કાળ જાણ્યામાં આવતું નથી, પરંતુ ક્ષય થયો તે નિશ્ચે મરે તેમ અપમાન કરનાર જરૂર દુઃખી થાય છે. મોટા પુરુષનો જે સત્કાર કરે છે તે ચાંડાલથી પણ નીચ કેમ નથી! તે ભૂપનો ભૂપ બને છે. આમાં રંચ પણ મિથ્યા નથી.

અનંત બ્રહ્માંડનાં નાડી-પ્રાણ સત્પુરુષના હાથમાં છે. તેમના જિવાડવાથી જીવો મોજ કરે છે. જેમ બાળક, રોગી અને ગાંડા માણસની અપરાધરૂપી ક્રિયાઓને મોટા માણસો માફ કરે છે, તેમ સત્પુરુષ જીવના દોષ સામું જોતા નથી. જીવના કરોડો ગુના માફ કરે એવી એમની મોટાઈ છે. સત્પુરુષનાં વચન અસત્પુરુષને સુદર્શન ચક્ર જેવાં છે. સત્પુરુષનું જેટલું અપમાન કરે, તેટલું અપમાન કરનારાનું માન ઘટી જાય છે. પછી તે ઇન્દ્ર, બ્રહ્માદિક જેવા પણ કેમ ન હોય!130

સત્પુરુષ અને સત્સંગનો મહિમા જેવો દેવતાઓ યથાર્થપણે જાણે છે તેવો મનુષ્ય કોઈ જાણતું નથી. સંતના સમાગમથી હરિભક્તો થોડો જાણે છે. કોઈ વેદ-પુરાણ ભણે તોપણ તેનો ભવરોગ સાચા સંતના જોગ વગર મટતો નથી.131•

નિર્વાસનિક પુરુષ હોય તેને ભગવાન ગોલોક, વૈકુંઠ, આદિ ધામના અપાર ભોગ આપે તોપણ તે તેને અસાર માને છે.

‘ગોલોક વૈકુંઠધામ કે, દેવત ભોગ અપાર,

નિર્વાસનિક જન જીતને, માનત તેહિ અસાર.’132

મોટા સંતના પ્રતાપે પાપીજન તરત નિષ્પાપ થઈ જાય છે. જે કંઈ પ્રતાપ જણાય છે તે બધો ભગવાનનો છે એમ સાચા સંત સમજે છે. એ સંતમાં બીજાને અપાર પ્રતાપ જણાતો હોય, તે પ્રતાપને બુદ્ધિશાળી મનુષ્ય દેખે ત્યારે તેને આ પ્રતાપ સંતનો છે એમ સમજે છે, પણ તે ભગવાનનો પ્રતાપ છે તે સમજી શકતો નથી, પણ જે ખરેખરા સાચા સંત છે તે બધો પ્રતાપ ભગવાનનો માને છે. જે પોતાનામાં પ્રતાપ છે એમ માને તે અતિ મલિન સંત જાણવો.

મૂઆને વચને કરીને જિવાડે, કેટલાક વાંઝિયાને પુત્ર આપે, એવો અપાર પ્રતાપ જણાવે તોપણ બધો પ્રતાપ શ્રીહરિનો છે એમ અપાર મહિમા ગાય એ સાચા સંતની સનાતન રીત છે. સમર્થ છતાં કોઈ વાતનો લેશ પણ ગર્વ કરે નહિ ને નાનામાં નાના સંતના દાસ મન, કર્મ, વચને થઈને રહે, આખા બ્રહ્માંડના મનુષ્યો માને, દેવતા માત્ર આવીને તેમનું ભાવથી પૂજન કરે તોપણ સાચા સંત છે તેને એ વાતનો ક્યારેય ગર્વ હોય નહીં, પોતે એવો ગર્વ કોઈને દેખાડે પણ નહીં. એવા સંત જે કંઈ મનમાં ધારે છે, સંકલ્પ કરે છે તે પૂર્ણ થયા વિના રહેતો નથી. એવા સંત કોઈના કળ્યામાં આવતા નથી.

જે દંભી છે તેને આવા સંત ‘શિર ફર્યા’ લાગે છે. તે સાચા સંત ભેગો રહેતો હોય, ને જોતો હોય કે આ સંતનાં ચરણોમાં લોકો ભેટ-સામગ્રી ઉપરાઉપર ધરે છે. ભાવથી હાથી પર બેસારે છે. સવારી કાઢે છે - તોપણ તે (સાચા સંત) તેનાથી નિઃસ્પૃહ રહે છે. આવું જાણવા છતાં દંભી એમને ઓળખી શકે નહિ.

ભક્તોનો ભાવ જોઈ સાચા સંત પ્રસન્ન થાય છે. એમને કોઈ સાથે દ્વેષભાવ નથી, એવો એમનો પ્રબળ ઠરાવ રહે છે. તે અહોનિશ પિંડ-બ્રહ્માંડથી પર વર્તે છે. તેઓ દુઃખ-સંતાપને તરી ગયા છે.133•

સત્પુરુષમાં દિવ્યભાવ રાખી તેમના શરીરને પણ દિવ્ય જાણે, અને ભગવાનની પેઠે જ એવા સંતના ગુણોનું ગાન કરે તો એવા જનની જીભ અમૃત જેવી અને પૂજવા યોગ્ય છે.134

પ્રગટ ભગવાન મળે કે ભગવાનના સાક્ષાત્કારવાળા સંત મળે એ બન્ને અલૌકિક છે ને મોક્ષના દાતા છે. તેમના સ્વરૂપનું જ્ઞાન જેને થાય છે તેનું આવાગમન ટળે છે.

‘ભગવાન સંત પ્રગટ સાક્ષાતા, અલૌકિક મોક્ષ કે દાતા.

તાકે જ્ઞાન ભયે અબ જિનકું, આવાગમન છુટ ગયે તિનકું.’135

ભગવાનને મળેલા સાધુને જેટલા દુભાવે છે તેટલું તે પોતાનું બૂરું કરે છે અને તે પાપ વજ્ર સમાન છે. ભગવાનને મળેલા ને મળેલાને મળેલા એ બન્ને ભવસાગર તરવાના વહાણરૂપ છે, તેને જ દુભાવે પછી તેની કરેલી સેવા નિષ્ફળ જાય છે.136

સાચા સંત ભગવાનમાં જોડે છે. તેમનામાં જેટલો ભગવાનનો પ્રત્યક્ષ ભાવ તેટલો તેનો મોક્ષ થાય. પ્રત્યક્ષ ભાવની દૃઢતા વિના મોક્ષ થતો નથી. પરોક્ષ કરીને દેખે તેને તેવું ફળ થાય.137

મનુષ્યનું અજ્ઞાનરૂપી આવરણ સંત હટાવે છે ત્યારે મહિમા સમજાય છે. સાચા સંતના યોગ વિના ભવસાગર કોઈ તરી શકતું નથી. તે કોટિ ઉપાય કરે તો પણ નિષ્ફળ જાય છે.

‘સાચે સંત કે જોગ વિન હિ, ભવસાગર ન તરત હેં કિનહિ.’138

મુમુક્ષુના હૃદયમાં મોક્ષનો અંકર સત્પુરુષના સંગે કરીને જ પ્રગટ થાય છે. અસત્પુરુષ મળી જાય તો ઉદય થયેલો અંકુર પણ બળી જાય છે.139

અનંત બ્રહ્માંડના જીવમાત્રને જમાડવા કે દેવતાઓ, ઋષિઓને જીવનભર જમાડવા તે કરતાં પણ એક ભગવાનના સાચા સાધુતાવાળા સંતને જમાડવા તેનું ફળ અપાર ને અધિક છે. આ વાત બુદ્ધિથી સમજાતી નથી. જે શ્રદ્ધાથી નિષ્કપટ ભાવથી સત્સંગ કરે છે તેને સમજ્યામાં આવે છે. એવા ભક્તો તો એમ સમજે છે કે ભગવાનના સાધુ માટે જેટલું કંઈ બની આવે તેટલો પરમ લાભ છે ને સંત માટે ઉપયોગમાં ન આવે એ પદાર્થ ઘરમાં રહ્યો છે તે પણ શોક કરવા યોગ્ય છે.140

જસદણના રાજા ચેલાખાચરે શ્રીહરિને કહ્યું, “તમે અમારો હાથ ગ્રહ્યો છે એટલે અમારો ઉદ્ધાર તમારા હાથમાં છે.” ત્યારે શ્રીહરિ કહે, “તમારો ભાવ જેવો અમારામાં છે તેવો અમારા સાચા સંતમાં થાય તો એ ફળ મળે. સાચા સંત નારી અને ધનથી દૂર રહે છે, ને હૃદયમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તથા ધર્મ, ભક્તિ ને વૈરાગ્યથી યુક્ત છે. એવા સંત ચિંતામણિ ને કલ્પતરુ સમાન છે.”141•

સત્પુરુષના યોગ વિના જિતેન્દ્રિયપણું આવતું નથી ને ચ્હાયે તેવો પ્રવીણ હોય તોપણ તેને ભગવાનની ગમ પડતી નથી. ભગવાન, ભગવાનનું ધામ, ને ભગવાનના ભક્ત-આ ત્રણેની મોટપ સર્વોપરી છે. તેના જેવી કોઈની મોટપ નથી.142

હરિ-વિમુખ જન સત્પુરુષનાં વચનને પ્રમાણ ન કરે તેણે કરીને સત્પુરુષ મટી જતા નથી. અસત્પુરુષ ક્યારેય સત્પુરુષ થઈ શકે નહિ ને સત્પુરુષ મટીને ક્યારેય અસત્પુરુષ થાય નહિ. સત્પુરુષ ક્યારેય નીંદિત કર્મ કરતા નથી. અસત્પુરુષને નીંદિત કર્મ કરવામાં જ ઉત્સાહ રહે છે. તેના હૃદયમાં દયા તલભાર પણ હોતી નથી.143

ભગવાનના વચન મુજબ ચાલે તે સત્પુરુષ કહેવાય. સત્પુરુષ ત્યાગી પણ હોય ને ગૃહસ્થ પણ હોય. તે ક્યારેય ભગવાનના વચન વિરુદ્ધ પગ ન ભરે. અસત વાણી ન વદે. ભગવાનનું નાનું વચન પણ તે મોટું કરીને માને છે.144

સંતપણાની પિછાણ ન હોય તેને સંતની ગમ ક્યાંથી હોય? સંતના અપમાનથી ભગવાન દુખાય છે, તેની પણ તેને ગમ હોતી નથી. સંતનો અનાદર થતાં ભગવાનનો કોપ થાય છે. અપમાન સહન કરવું તે સંતનું ભૂષણ છે, પણ અપમાન કરનારનું તેથી બહુ ભૂંડું થાય છે.145

સત્પુરુષની મરજી ઉલ્લંઘાય તેટલો તેમનો અપરાધ કહેવાય. જીવને તે દેખાતો નથી, એટલું અજ્ઞાનરૂપી અંધારું છે, પણ તેને મોટાપુરુષ ગણતા નથી. શરણે આવેલાનો ગુણ માને છે.146

ભગવાન અને સત્પુરુષના સંકલ્પમાં બળ રહ્યું છે. તેમનો પ્રત્યેક સંકલ્પ સિદ્ધ થાય જ છે. એમણે કરેલ કોઈ સંકલ્પ મિથ્યા થતો નથી. તેને મિથ્યા માનનાર ભવ ભટકણથી છૂટતો નથી.147

સત્પુરુષના યોગ વિના શુભ મતિ ઉદય થતી નથી તેથી દેવદુર્લભ આવું સુંદર મનુષ્ય તન અસત્પુરુષના સંગમાં ખોઈ બેસે છે.148