૨૭. માયા

 

શ્રીહરિએ માતાને ઉપદેશ આપતાં કહ્યું, “ભગવાનની માયા સૌ લોકને મોહ પમાડી સંસારમાં ભટકાવે છે. જે ભગવાનને શરણે જાય છે, તે તેમની માયાને તરે છે. બીજો કોઈ કોટિ સાધને કરીને પણ તરતો નથી.”1

ગઢપુરમાં જીવાખાચરના દરબારમાં સંતોને વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “સત્સંગ તો સૌ કરે છે, પણ જેવો ખપ હોય તે પ્રમાણે અંગવૃદ્ધિ પામે છે. અમારો જેણે આશ્રય કર્યો છે તેમાં માયાના ગુણ રહેવા નહિ દઈએ. એવા શુદ્ધ કરીશું કે ફરી તે અશુદ્ધ જ ન થાય. શુદ્ધ કરવા માટે જ અમે નિયમ-ધર્મ પળાવીએ છીએ. સંતોનાં પ્રકરણ ફેરવતા રહીએ છીએ.”2

શ્રીહરિએ મુક્તમુનિને ભોજન લેતાં વાત કરી, “જીવને અનંત જુગથી માયાનું બંધન વળગ્યું છે. તેને માયાથી મુક્ત કરવાનું તાન ભગવાન અને ભગવાનના સંતને છે. સ્થાવર-જંગમ સર્વત્ર માયાનો પ્રભાવ પ્રગટ જણાય છે. તેમાં માયા-પાર ચૈતન્ય અણુઅણુમાં દિવ્યરૂપે વ્યાપીને રહ્યું છે. એ અમાયિક હોવાથી જ્ઞાનચક્ષુ સિવાયના કોઈ તેને ક્યારેય દેખી શકતા નથી.

“જેમ શેરડીના સાંઠામાં રસ, ગોળ, મિશ્ર અને સાકર ગુપ્તપણે રહ્યાં છે, તે જ્ઞાનીજન જાણે છે અને જેની જેવી રુચિ તેવું ફળ તે શેરડીમાંથી મેળવે છે, તેમ બંધન અને મોક્ષ - બન્ને ગુણ માયામાં છુપાયા છે. જેવો ગુણ સેવે તેવું ફળ તે પામે છે. માયામાંથી છૂટવા ભગવાન તેને મનુષ્ય તન આપે છે. તેમાં પણ જે અજ્ઞાની રહે છે, તેને પાપીઓમાં પણ પાપી જાણવો.”3

મૂલેન્દ્ર નૃપને શ્રીહરિએ કહ્યું, “માયા અકળ અને અરૂપી છે, તેમાં અનંત સુખ-દુઃખ ભર્યાં છે. સત્ અને અસત્‌રૂપે તે કહેવાય છે. જડ, દુઃખ અને મિથ્યા તેનું નામ છે. અનંત બ્રહ્માંડ તેને વશ છે. આવરણ ને વિક્ષેપ અનંત પ્રકારનો તેમાં રહેલાં છે. સંકલ્પ-વિકલ્પ, અહંમમત્વ અને અપાર હર્ષ-શોકને તે કરાવનારી છે. મહાપ્રલય સુધી તે રહેનારી છે. પછી ભગવાન તેને અક્ષરમાં લીન કરી દે છે. અને જ્યારે બ્રહ્માંડ રચવાની ઇચ્છા કરે છે, ત્યારે તે દીઠામાં આવે છે. મૂળપુરુષ સહિત તે ભગવાનના સંકલ્પ પ્રમાણે કરે છે. ભગવાનના સંકલ્પથી માયા મૂર્ત રૂપ ધરે છે, ત્યારે તેના સંકલ્પ પ્રમાણે દેખાય છે. અને સંકલ્પ ન કરે ત્યારે જેમ બાજીગરના સંકલ્પમાં કંઈ દેખાતું નથી, તેમ કાંઈ દેખાતું નથી. મનના સંકલ્પને આધીન માયાની પ્રવૃત્તિ-નિવૃત્તિ છે.

“મૃત્તિકામાં કાંઈ ઘાટ દેખાતો નથી, પણ જે પ્રમાણે કુંભાર સંકલ્પ કરે તેવો ઘાટ બની આવે છે. તેમ ભગવાનને જેવું કાર્ય કરવું હોય તે પ્રમાણે સંકલ્પ કરે છે અને તે પ્રમાણે કાર્ય થાય છે. સત્સંગમાં મોક્ષમાર્ગમાં જે વિપરીત મતિ તેનું નામ જ મૂર્તિમાન માયા છે.”4

મેઘપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “કલ્પવૃક્ષ ને ચિંતામણિ શ્રેષ્ઠ ધન છે. તેમાં કલ્પવૃક્ષ છે તે હોય ત્યાં ને ત્યાં રહે, પણ આપણી ઇચ્છા પ્રમાણે સાથે આવે નહિ. ચિંતામણિ સાથે આવે પણ મર્યા પછી બન્નેમાંથી કોઈ મોક્ષ માટે કામ લાગે નહિ. બન્ને હરિભક્તને વિઘ્ન કરે છે, ભગવાનના સામર્થ્યની દૃષ્ટિએ સર્વે પદાર્થ નિર્જીવ છે માટે ભગવાન વિના ક્યાંય ચોટવું નહિ.”5

શ્રીહરિએ તેરા ગામે રામનવમીનો ઉત્સવ કર્યો અને સંતોને ઉદ્દેશીને વાત કરતાં કહ્યું, “માયાનો વેગ અપાર છે. તેને નારદ જેવાને પણ મર્કટમુખા કર્યા છે. પરાશર, સૌભરિ, ચ્યવન વગેરે ઋષિ તથા ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, શિવ વગેરે દેવને પણ વિઘ્ન કર્યું છે.

“હજારો માણસોને તોપે ઉડાવી દે તેવો સમર્થ હોય તોપણ મનનું કહ્યું માનતાં તેને શરમ રહેતી નથી. આ દેહમાં જીવ વિનાનો જે સાજમાત્ર છે તે માયા છે. દારૂ અને અગ્નિ જુદા રહે ત્યાં સુધી ઊડે નહિ, તેમ બહુ લાજમર્યાદા રાખતો હોય અને અપકીર્તિથી ડરતો હોય તેને મન લોપે નહિ.

“કાયા નગરમાં જીવ રાજા છે. ઇન્દ્રિયો-અંતઃકરણ એની પ્રજા છે. રાજા પ્રજાને જો કબજે ન રાખે તો તે રાજા થઈ બેસે અને જીવ દુઃખી થાય. જીવ વિના દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ કંઈ પણ સંકલ્પ કરવા શક્તિમાન નથી.

“જીવ ધારે તો તેને દાબીને વર્તી શકે, પણ જો દેહાદિકનું અયોગ્ય કહ્યું માને તો સત્સંગના સુખથી ભ્રષ્ટ કરે. મન કાફરમાં કાફર અને શેતાનોમાં શેતાન છે. જીવનો મિત્ર થઈને જીવને હેરાન કરે છે. સંત ક્યારેય મનનો વિશ્વાસ કરતા નથી.”6

સારંગપુરના જીવાખાચરના દરબારમાં શ્રીહરિએ હરિજનોને કહ્યું, “અમે બેઠા છીએ ત્યાં સુધી તો માયા અને અસુરનું લેશ પણ ચાલશે નહિ. વળી, સંત સંતનું હિત કહેશે ત્યાં સુધી માયાનું જોર નહિ ચાલે, પણ એકબીજાની મોટપ દેખીને સહન નહિ કરે ત્યારે માયા અને અસુર પ્રવેશ કરશે. ઉપરથી તે પ્રીતિ રાખશે ને અંદરથી બહુ જુદા રહેશે.”7

ગઢપુરમાં શ્રીહરિ હરિજનોને વાત કરવા લાગ્યા કે, “જેટલી કંઈ અમાયિક વાત છે તે સત્સંગમાં જ રહેલી છે. જેનાથી પ્રગટ મોક્ષ મળે છે. માયિક જનને આ વાત દેખ્યામાં આવતી નથી. માયિક જનોની સમજણ માયિક છે. જેની ગતિ જ ભૂચર (જમીન પર ચાલવા) પૂરતી હોય તે ગોચરગતિ (દિવ્ય આત્મા)ની સમજ ક્યાંથી લઈ શકે!!

“સૂર્યને વાદળું ઢાંકે તેમ આત્માને માયા ઢાંકી દે છે. તેને લીધે આત્માનું બળ હણાઈ જાય છે ને તે માયામાં લપટાય છે. જીવમાં ભગવાન સિવાય જેટલા ઘાટ થાય છે તે માયા છે. તે માયા ઓળખાતી નથી. હરિજનને જ્યાં સુધી જગતના ઘાટ છે, ત્યાં સુધી અંતરમાં સુખ થતું નથી. જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર જેને હાથ લાગ્યું તે માયાનું આવરણ કાપે છે.”8

શ્રીહરિએ જીવક નૃપને વાત કરતાં કહ્યું, “જે ભગવાનને શરણે થયા છે તેને માયા લાગતી નથી. બીજાનો તો તે પરાભવ કરે છે. માયા અનીતિ કરાવે. સત્સંગી થયો તે અનીતિ ન કરે. શરણાગતિને કાળ, કર્મ, માયા, યમદૂત તે પણ સ્પર્શ કરી શકતાં નથી. તેને તો અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ શ્રીહરિ મળ્યા છે, તે જ સર્વસ્વ છે. ભગવાનના નિયમમાં સત્સંગના આશ્રિત વર્તે છે તેને માટે કર્મનું ફળ સાક્ષાત્ શ્રીહરિ પોતે છે.”9

ગઢપુરમાં શ્રીહરિએ મુક્તમુનિને કહ્યું, “દ્રવ્યનો લોભી યથાર્થ વાત કરી શકે નહિ. દ્રવ્યને બંધનરૂપ દેખાડે પણ દ્રવ્યનો સંગ્રહ કરતો હોય તો તેની વાત નિર્જીવ હોય છે.”10

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

મુક્તમુનિએ શ્રીહરિની વાત કરતાં કહ્યું, “શ્રીહરિ કહેતા - જે મનના કહ્યામાં વર્તે છે તેને માયા ગળી જાય છે, તે સત્સંગી હોય છતાં અભાવ લઈને પાછો પડી જાય છે. માટે સંતનો, હરિભક્તનો કે અમારો કોઈ અભાવ લેશે તો તે દિવસે દિવસે ક્ષયરોગી જેમ ઘટી જશે.”11

ભગવાન ને સંત હેત આપીને જીવને નિજ મૂર્તિમાં બાંધે છે. કોઈ પ્રત્યે ભાવ ને કોઈ પ્રત્યે અભાવ જેવું ભગવાનને વિષે જણાય છે તે તેમની ઇન્દ્રજાળ વિદ્યા જાણવી. નિર્માનીપણું એ એમનો વશીકરણ મંત્ર છે. પોતે દીન થઈને સર્વ જગતને પોતાને આધીન કરી લે છે. જગતનો ઉપહાસ સહે છે તે એમની મોટપ છે. સમર્થ થકા જરણા કરવી તે પ્રતાપ સર્વ થકી અધિક જાણવો. કુમતિજનને આ પ્રતાપ જાણ્યામાં આવે નહિ. આકાશગુણ - નિર્લેપપણું - ગ્રહણ કરી નિષ્કલંકપણે વર્તે છે. નિષ્કલંકને કલંકિત કહે તે કલંક પોતાને ચોટે છે. જે ભગવાનને આ રીતે અમાયિક જાણે છે તે સુબુદ્ધિજન સંસાર-માયાથી પાર થઈ જાય છે.12

ભગવાનની માયાનું જોર અપાર છે. જીવ જે યોનિમાં જાય ત્યાં બંધાઈ જાય છે ને તેમાં સુખ માને છે, તે માયાનો પ્રભાવ છે. અજ્ઞાનરૂપી અંધકાર સર્વત્ર વ્યાપ્યો છે. તેને કોઈ ખોટો કરવાને સમર્થ નથી. માયાજન્ય સુખ ભ્રાન્તિમાત્ર છે. સુખ જેવું જણાય છે, પણ પ્રાપ્ત કરતાં લાગે છે કે એ કોટિ ગણું દુઃખ છે. આ અજ્ઞાન, અંધારું ટાળવાનો વિચાર સંત વિના કોઈ આપી શકવાને સમર્થ નથી. સંતનો પ્રસંગ કરે ત્યારે સંત તેને જ્ઞાન આપે છે. પછી અજ્ઞાનતમથી હટે છે. પછી જેમ જેમ સત્સંગ કરે, તેમ તેમ મોક્ષનો અધિક રંગ ચઢે. મોક્ષમાર્ગે જે વિઘ્ન કરે તેની સાથે શત્રુભાવ રાખે. મોક્ષનું થાણું જ્યાં માને ત્યાં તન-મન-ધન સમર્પણ કરે એ મોક્ષદાતા ગુરુ પાસે મન ચોરે નહિ. મોક્ષદાતા ગુરુનાં લક્ષણ પણ જાણી રાખવાં.

‘મોક્ષ કો જાને જિહાં થાના, ધન-તન દેવત તાકું દાના.

મોક્ષદાતા ગુરુ માનત તેહા, તિનમેં મન ન ચોરત એહા.’13

માયિક અને અમાયિક વચ્ચે રાત્રિ ને દિવસ જેટલો ભેદ છે. બ્રહ્માંડનું સુખ માયિક છે ને તેમાં અપાર દુઃખ રહેલું છે. ભગવાનનું સુખ અમાયિક છે, એ સિવાયનાં સુખમાત્ર માયિક છે. આ લોકમાં પણ ભગવાનની કથાવાર્તા, કીર્તન, સેવા અમાયિક છે. અમાયિક સુખને કાળ પરાભવ કરી શકતો નથી. એ અવિનાશી સુખ છે. સત્પુરુષના સંગે કરીને એ સુખ પમાય છે. નારદ, શુકજી જેવાને પણ અમાયિક સંત મળ્યા ત્યારે અમાયિક માર્ગ હાથ લાગ્યો.14