૨૨. ઉપાસના-નિશ્ચય-આશરો

 

ઈંગોરાળા ગામે શ્રીહરિ કહે, “જેટલા મનુષ્ય સત્સંગમાં આવે છે, તે જો ધર્મ પ્રમાણે વર્તે ને ભગવાનનો દૃઢ નિશ્ચય થાય તો તે અક્ષરધામમાં પહોંચે છે, પરંતુ સત્સંગમાં રહીને જે અન્ય દેવોની આરાધના-ઉપાસના કરે તો તે અક્ષરધામમાં જઈ શકતો નથી. અન્ય દેવોની આરાધના કરનાર ભક્તને સકામ જાણવો. તે દેહ મૂકે છે ત્યારે ભગવાન કે ભગવાનના સંત-હરિજન તેને કોઈ દિવસ તેડવા આવતા નથી. વળી, અંતરમાં તપાસીને જુઓ તો જણાશે કે ઉપાસનારહિત સત્સંગીના દેહને કષ્ટ ખૂબ પડતું હશે.

દેહના કષ્ટને ટાળવા અન્ય દેવની ઉપાસના કરે, પણ અંતે તે એકવાર પડી જવાનું છે. કોઈ અમર રહ્યો નથી. જે’દી તે’દી મરવું છે તો તેને કાજે જતન શીદ કરવું? સત્સંગમાં અનંત જાતિના જીવ આવે છે. તેમાં કેટલાક ધીરજવાન છે ને કેટલાક ધૈર્યરહિત છે. જેને ધીરજ નથી તે એક ગણપતિ અને હનુમંતને માને છે. આ બન્ને દેવો હરિભક્ત છે. તેના જેવા બીજા કોઈ દેવ નથી. પાર્વતી-મહાદેવ અને બીજાં બધાં તેમાં આવી ગયાં.

વળી, આવા ધીરજરહિત સત્સંગીએ પણ એ દેવોની માનતા કરતાં પૂર્વે અમારી આજ્ઞા લેવી. અમને પૂછીને પૂજે તે હરિભક્ત અમને વળગ્યો રહે છે. જે મનમુખી છે તેને અમારો સત્સંગી જાણવો નહિ. અમારી આજ્ઞામાં રહે તે અમારો સત્સંગી છે. ત્યાગી પણ જો મનમુખી વર્તે (ઉપાસના બાબતે) પછી સૂઝે તેટલો ધર્મ પાળે, ખાન-પાન ત્યાગે, લોકો તેને મહાવૈરાગી જાણે, શરીર પર ફાટ્યાં-તૂટ્યાં વસ્ત્રો પહેરે, વળી, મુખે મારા નામનું ઉચ્ચારણ કરે, મારો મહિમા અપરંપાર કહે, અરે, ક્યારેક તો મને સંભારીને રુદન કરે, સત્સંગનો સાધુનો અપાર મહિમા ગાય, શરીર સૂકવી નાખે, પલક માર્યા વિના અહોનિશ ધ્યાન કરે, પરંતુ સંતથી વિરુદ્ધ વર્તન હોય તો અંત સમે અમે તેને તેડવા આવતા નથી. તેને દેખીને ભૂલા ન પડવું.”

‘મનમુખી જાન માનહિ દેહા, સત્સંગી ન સમઝના એહા.

નિજ તનકું નાખે સુકાઈ, ભુલના નહિં દેખિકે તાઈ.’1

કારિયાણીમાં ખટ્વાંગ રાજાને ત્યાં શ્રીહરિએ ભગવાનના સ્વરૂપની વાત કરતાં કહ્યું કે, “સદા દિવ્ય સાકાર એવું ભગવાનનું સ્વરૂપ છે. તેને જે નિરાકાર માને છે તે મહાપાપી છે. અમારા આશ્રિત સત્સંગીએ ક્યારેય ભૂલમાં પણ નિરાકારના માર્ગે ચાલવું નહિ. નિરાકારનો મત ઊંડો અંધારિયો કૂવો છે. તેમાં પડનાર કદી બહાર નીકળી શકતો નથી.

“નિરાકારના મતે વિધિનિષેધ રહેતા નથી, તેથી ધર્મનો નાશ થાય છે. જ્યાં ધર્મ નથી, ત્યાં ભક્તિ પણ નથી. અંતે એવા મતને અનુસરનારનો જમપુરીમાં વાસ થાય છે.

“નિરાકાર મતવાદીઓ જમપુરીને મિથ્યા કહે છે, ચોરાશી લાખ યોનિને ભ્રાન્તિ ગણે છે. આ ભ્રાન્તિ તેને કદી મટવાની નહિ. વ્યાસજી સર્વજ્ઞ હતા. ભગવાનનો અવતાર હતા. તેમણે જે વાત લખી છે તેને પ્રમાણ માની આપણે તેને અનુસરવું. ભાગવતમાં નારાયણને જ એક ધ્યેય કહ્યા છે. સર્વોપરિ ભક્ત તેને જ કહ્યો છે જે પ્રગટ ભગવાનને વિષે દૃઢ નિષ્ઠાવાન હોય. પ્રગટ સ્વરૂપને ત્યજી જે અન્યને ભજે છે તે કુમતિ છે.”

‘તેહિ ભક્ત સર્વોપરિ પ્રગટ સ્વરૂપ મેં ભાવ;

પ્રગટ સ્વરૂપ કું તજ કે ભજે સો કુમતિ કહાવ.’2

કારિયાણીમાં શ્રીહરિ કહે, “સંત મળે છે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાયું તેનો વિચાર અતિ બળવાન હોય. જેમ પારસમણિ પ્રાપ્ત થઈ તે છાની રહેતી નથી, તેમ જેને ભગવાનનું જ્ઞાન થયું તેની રીત-ભાત બદલાઈ જાય છે. જ્ઞાનમાર્ગની અને સંસારની બંને રીત જુદી છે.”3

ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના દરબારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય તે સેવક થઈને વર્તે. ભગવાનના જે દાસ તેનો પણ દાસ થઈને વર્તે. ભગવાન સિવાય તેને બીજી કોઈ આશા જ ન હોય. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે અને તેનાથી પળમાત્ર દૂર રહેતા નથી. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી હોય છે. તેને આ જગતના લોકો માને કે ન માને પણ પોતે સૌ સાથે સામે ચાલીને નેહ બાંધે છે. જગતના બધા જીવોનો ઉદ્ધાર કરવા તેમણે ધાર્યું છે અને એટલે જ કોઈ અપમાન કરે તેનાથી હારતા નથી. પાછો પગ ભરતા નથી.”4•

લોયા નાગડકામાં શ્રીહરિ કાઠી ભક્તોને કહે, “અમે પૃથ્વી પર જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસથી નિત્યે જીવોનાં કોટિ કોટિ કર્મબંધન છોડાવીએ છીએ. અમારા સ્વરૂપનો જેવો છે તેવો પ્રતાપ નિષ્પાપ એવા એક અક્ષર જાણે છે. કોઈ અમારો પ્રતાપ પોતાની બુદ્ધિ પહોંચે તેટલો કહે, તેનાથી અપાર પ્રતાપ જાણે તેને ભવબ્રહ્મા આદિ દેવતા વખાણે છે. અમારો પ્રતાપ સાંભળી સંશય ન કરે, તે જન માયાને તરી ગયો જાણવો. જે સંશય કરે છે તે મોહમાયામાં લપટાયેલો રહે છે.”5

કુંડળમાં શ્રીહરિએ કાઠી હરિભક્તોને કહ્યું, “તમે અમારો અડગ નિશ્ચય કર્યો છે તોપણ આ લોકની રીત છે કે પળમાં મતિ વિપરીત થઈ જાય. તમારો નિશ્ચય અમે જ રખાવીએ છીએ, અને એ નિશ્રય રહે તેવો રાતદિવસ વિચાર રાખીએ છીએ તેની તમને ખબર નથી. નિશ્ચયની વાત બહુ કઠણ છે.”6

બોટાદમાં માતરા ધાધલના ભુવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અમે અક્ષરધામમાં અખંડ રહ્યા થકો આ ભૂમિમાં દેખાઈએ છીએ. અમારી કળાને જે જાણે છે તેને આ વાત સમજાય છે. સમજણની દશ જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી અમારી વિદ્યા દુર્ઘટ રહે છે. લૌકિક વિદ્યાઓ અપાર છે, એ બધી શીખવી સુલભ છે, પરંતુ અમારી વિદ્યા અલૌકિક છે, જે કોઈથી શીખી શકાતી નથી. દંભી, નાસ્તિક, અધર્મી, કપટી, કુટિલ અને ખોટાબોલાઓમાં તો અતિ શુદ્ધ આ બ્રહ્મવિદ્યા ક્યારેય લેશ પણ આવતી નથી.”7•

ગઢપુરમાં શ્રીહરિએ વણિક પ્રત્યે વાત કરતાં કહ્યું, “ભગવાનના શરણ વિના જે કાંઈ તપ કરે છે તે બંધન કરનારું છે. ભગવાનની પ્રસન્નતા માટે કરેલું તપ જન્મ-મરણથી મુક્ત કરે છે. નાક-કાન કાપીને સોના-મોતીથી તન શોભાડવું દૂષણરૂપ છે તેમ ભગવાનના શરણ વિનાનું તપ પણ દૂષણરૂપ થાય છે.”8

ગઢપુરમાં શ્રીહરિ મુક્તમુનિને વાત કરવા લાગ્યા, “ઉપાસક કોને કહેવાય? તો જે ગુરુના વચન મુજબ ઉપાસના કરે, પૂર્વે અવતારોએ પણ ગુરુ તો કર્યા છે, તેમ ગુરુને ઓળખે, લક્ષણો જાણે, પછી આશ્રય કરે. માયાના ગુલામ હોય ને પોતે બ્રહ્મ માની વિધિનિષેધનો ત્યાગ કરીને ચ્હાય તેમ વર્તતા હોય તેવા પાખંડી ગુરુનો ત્યાગ કરે. ભગવાનના અવતારોની આઠે પ્રકારની પ્રતિમામાં પૂજ્યભાવ રાખે. ભગવાનના વચન મુજબ સેવા કરવા યોગ્ય પંચદેવ વિષ્ણુ, ગણપતિ, શિવ, પાર્વતી ને સૂર્યને માને. પાપ કરવામાં ડરે. મન, કર્મ, વચને કોઈ પ્રકારે પ્રાણીનો ઘાત ન કરે.

“પોતાના જીવાત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાનની સેવા (ઉપાસના) કરે તે સાચા બ્રહ્મ છે. તે સિવાય બધા પાખંડી જાણવા. સાચા બ્રહ્મ હોય તે અસત્ય વાતમાં પગલું ભરતા નથી. પરબ્રહ્મને ભજે તે સાચા બ્રહ્મ છે. પરબ્રહ્મના જેટલા ઉપાસક ભક્તો છે તે સૌને બ્રહ્મરૂપ માને. પોતાના ગુરુ જે કંઈ ધર્મનાં વચન કહે તેને શિર ચઢાવી માને. સંતની રીતે ચાલે પણ વચનથી ક્યારેય બહાર પગ ન ભરે. જે ભગવાનનાં વચનમાં વર્તે છે તેને માયા પણ વિઘ્ન કરી શકતી નથી. કારણ કે માયા ભગવાનને આધીન છે. ગૃહસ્થો ગૃહસ્થની રીતે ને સાધુ સાધુની રીતે ચાલે. પોતપોતાના ધર્મમાં સૌ રહે. વચનથી ન્યૂન વર્તે કે અધિક વર્તે તો માયા વિઘ્ન કરે છે. મનના મતે ચાલે તેને માયા ગળી જાય છે. તે સત્સંગી હોવા છતાં અભાવ લઈને પાછો પડી જાય છે.

“સંત કે હરિજનનો અભાવ લેતો હોય તે પાછો પડી જાય છે. સત્સંગમાં તેનો પગ ટકતો નથી, અંતે વિમુખ થઈ લખચોરાશી ભટકે છે. આ વાત અમે ફરી ફરીને કહીએ છીએ તેને દૃઢપણે સમજી હૃદયમાં રાખવી. ખપ હોય તેને આ સમજાશે. સાધુ કે હરિજન ખપ વિના સત્સંગમાં ટકી શકતો નથી. થોડો પણ ખપ હશે તો સત્સંગમાં ટકી જશે.”9•

મોટેરા ગામમાં શ્રીહરિ કહે, “ભગવાન અને ભગવાનના સંતો-ભક્તોમાં જેટલું હેત એટલું કારણશરીર ટળ્યું જાણવું. એકબીજામાં મન ન મળે, એ કારણ-શરીરનો ભાગ છે. સત્સંગમાં કષ્ટ પડે, તેમાં પોતાનું ધન્યભાગ્ય માને અને જીવે ત્યાં સુધી મનમાં મગન રહે, તેને સિદ્ધ જાણવો. ધર્મ-નિયમ પ્રીતિપૂર્વક પાળે તેને હરિભક્ત જાણવો. નિયમ વિના કોઈ હરિજન કહેવાતો નથી. કોઈ નિયમ-ધર્મમાં બધાથી શ્રેષ્ઠ વર્તે ને અપાર સેવા કરે, પણ પ્રગટ શ્રીહરિનો નિશ્ચય ન હોય તો તેને હરિજન ન જાણવો. ભગવાનનો નિશ્ચય ન હોય તે વગર દોષે દોષિત છે. નિશ્ચયવાળાને તનના દોષોનો શો ભાર છે! ભગવાનની કૃપાથી એ નિર્દોષ થશે. જીવમાં હરિનો નિશ્ચય નહિ તે ન્યૂનતા મોટી છે.”10

હળવદના વિપ્ર નારણજીને ત્યાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “મહાસિંધુ પોતાના બાહુબળે તરાતો નથી. ફાવે તેવો તરવૈયો હોય તે પણ સિંધુમાં ડૂબે. તેમ ભવસિંધુ પોતાના બળે ઉલ્લંઘાતો નથી. નાવમાં બેસે તે સમુદ્ર તરે. તેમ સત્સંગરૂપી નાવ ભવસાગર તારનારું છે.

“પ્રગટ હરિ અને એમના શુભ માર્ગનો સંગ તે સત્સંગ છે. તેમાં નિષ્કપટ થઈને જે ચાલે તે સંતો-ભક્તોનો સંગ પણ સત્સંગ છે. શુભ આચરણ કરતો હોય, પણ પ્રગટ ભગવાનનો નિશ્ચય ન હોય તો તે જન્મમરણથી છૂટે નહિ. માટે પ્રગટ શ્રીહરિનો નિશ્ચય તે મુખ્ય શુભ માર્ગ છે. પ્રગટને ઓળખી નિશ્ચય કરે તે જ ભક્ત કહેવાય છે. જ્યારે જે રૂપે હરિ પ્રગટ હોય તેને પ્રગટ હરિ જાણવા.”11•

ગઢપુરમાં શ્રીહરિએ કહેલી વાત મુક્તમુનિએ કહી, “શ્રીહરિ કહેતા - જેને પ્રગટ ભગવાનનો નિશ્ચય હોય તેને ભગવાનની વાત અમૃત જેવી લાગે છે. ને પ્રગટના નિશ્ચયવાળાને જ તેનો સ્વાદ આવે છે. પ્રગટ શ્રીહરિનો જેને નિશ્ચય નથી તે માટીનું કાચું વાસણ છે. તેને લેશ પણ સ્વાદ ન આવે.

“પ્રગટ શ્રીહરિનું શરણ જ્યાં સુધી લીધું નથી ત્યાં સુધી તેની મતિ વિપરીત રહે છે. પ્રગટ વગર માયાનું આવરણ કોઈ ભેદી શકે નહિ. જપ, તપ, તીર્થ, વ્રત કે યોગની સાધના કરે તોપણ ભવસંકટ જે મહારોગ છે તે મટે નહિ. વેદ, પુરાણ અપાર ભણે પણ સંસૃતિ ક્યારેય મટતી નથી. સત્સંગ મળે છે ત્યારે તેને માયા સામે પટા ખેલવાની ચાતુરી આવે છે ને ભવભટકણ પણ દૂર થાય છે.

“મોક્ષરૂપી ગુણ સત્પુરુષના સંગ વિના પ્રાપ્ત થતો નથી. સત્સંગ ન કર્યો તો અપાર સમૃદ્ધિ મળે તોપણ રંકનો રંક જ રહે છે. કલ્પતરુ ને ચિંતામણિ કરતાં પણ સત્સંગનો પ્રતાપ અધિક છે. સત્સંગ (આશરો) કરે છે તેને કાળ બચાવે છે અને બીજાને કાળ ચાવી જાય છે.”12

ગઢપુરમાં શ્રીહરિ કહે, “દેશ અને કાળરૂપી ભગવાનની શક્તિ મહા બળવાન છે. તે ધારે તેમ થાય છે. ભગવાનને દેશકાળ સ્પર્શતા નથી. તે સમર્થ છે તેથી દેશકાળનું સામર્થ્ય ઘટે તેટલું ચાલવા દે. છતાં પણ મનુષ્યાકૃતિ કૃપા કરીને ધરે છે ત્યારે કાળની મરજી જોઈને ચાલે છે. ભગવાન પણ કાળની મરજી લોપતા નથી. ભગવાનનાં ચરિત્રો દિવ્ય હોય કે લૌકિક - તેનું ગાન ભક્ત ગદ્‌ગદકંઠ થઈને કરે તો તે તત્કાળ દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. ભગવાનના પ્રત્યેક ચરિત્રમાં એટલું દૈવત રહ્યું છે. ભગવાનનાં ચરિત્રો કોટિ કોટિ કલ્પ વીતે તોપણ સદા નવીન ને નવીન રહે છે, ક્યારેય જીર્ણ થતાં નથી. જે જીર્ણ થયેલાં માને છે તે તુચ્છ પ્રાકૃત મતિવાળો છે.”13

શ્રીહરિએ પત્રમાં સાંખ્યયોગી હરિજનો પ્રત્યે લખાવ્યું કે, “જેને ભગવાન ને સંતનો યોગ નથી થયો તેનું ક્યારેય કલ્યાણ થતું નથી. જેને ભગવાન કે સંતનો સંબંધ થયો છે તેની સમજણ અલૌકિક હોય છે. તે દેહને અનિત્ય જાણે છે તેનો ફાવે તેમ દેહ પડે, પણ તે ભગવાનના ધામમાં જ જાય છે.

“દેહ કાશીમાં છૂટે કે શ્વપચને ઘરે છૂટે તોપણ કાંઈ સંશય નહિ. અનાર્ય દેશમાં, વનમાં કે નગરમાં છૂટે, આજે પડે કે બહુ કાળે પડે, છતાં જ્ઞાની લોકો આનંદ પામે છે અને સંશયથી રહિત હોય છે. ઉત્તરાયણ કે દક્ષિણાયનનો પણ તેને સંશય નથી. કોઈ પ્રાણી આવીને ખાય કે અગ્નિ કે જળ વગેરેથી મૃત્યુ થાય, ચંદન અને તુલસીના કાષ્ઠમાં શ્રીફળ અને ઘી સાથે બાળવામાં આવે કે જ્યાં ત્યાં દેહ પડી રહે અને તેને પશુ-પક્ષી ખાઈ જાય, તોપણ તેને કાંઈ સંશય નથી. માસે માસે પાછળ વિધિ કરવામાં આવે કે ન આવે તેનો પણ તેને શોક નથી. દેહ પર સોનાનું મંદિર કરી જગત બધું પૂજે તેનો પણ તેને હર્ષ નથી.”14

શ્રીહરિએ પત્રમાં લખાવ્યું કે: “અમારા વિવેકી અને સમર્થ હરિભક્ત છે તે દેહને અસત્ય માને છે. આત્માને સત્ય માને છે. સર્વથી પર જે ચિદાકાશ (અક્ષરધામ)માં પુરુષોત્તમ નારાયણ સદા વિરાજમાન છે, એ અક્ષરબ્રહ્મને પોતાનું રૂપ માની, આત્માની તે બ્રહ્મ સાથે એકતા કરીને પરબ્રહ્મની ઉપાસના સ્વામી-સેવકભાવે સદાય કરે છે. તેને બ્રહ્મરૂપ એવા હરિના દાસ જાણવા.”15

પીપળાવમાં શ્રીહરિ આનંદાનંદ મુનિને ફરી વાત કરવા લાગ્યા, “જે સાધુ અમને પ્રસન્ન કરવા ત્યાગ રાખે છે, તેને ભગવન્નિષ્ઠ સાધુ જાણવા. ત્યાગનિષ્ઠ, યોગનિષ્ઠ, જ્ઞાનનિષ્ઠ ત્રણેય ભગવન્નિષ્ઠથી ન્યૂન છે. કોઈ તો વળી, તેજનિષ્ઠ હોય તે ભગવાનના આકારને માયિક કહે, અને વિધિનિષેધને કલ્પિત કહે છે, પણ મૂર્તિ વિના તેજને કહેતા હોય એ તો અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. તારા, ચંદ્ર, સૂર્યનું જેટલું તેજ દેખાય છે તે મૂર્તિ વગરનું નથી. એ દૂર છે એટલે મૂર્તિ દેખાતી નથી. કેટલીક માયિક વાત પણ બુદ્ધિના તર્કમાં આવતી નથી, તો અમાયિક ક્યાંથી બુદ્ધિના તર્કમાં આવે! દૃષ્ટાંતે કરીને ન સમજે તેને પશુ જાણવો. સત્સંગના યોગ વગર તેની અવળી સમજણ ટળતી નથી. વેદ, પુરાણ અપાર ભણે, પરંતુ તેને શાસ્ત્રનો બોધ સવળો ગ્રહણ થતો નથી. સત્પુરુષના સંગ વગર ગમે તેવી વાત હોય, તોપણ નિષ્ફળ છે. એ પ્રત્યક્ષ દેખ્યામાં આવે છે. ભગવાન અને સત્પુરુષનો સંગ એ બંને જીવનદોરી છે.”16

ગઢપુરમાં શ્રીહરિ કહે, “પુરુષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ - આ પાંચે ભેદ અનાદિ, અવિચળ રહ્યા છે.”

‘પુરુષોત્તમ ભગવાન તાકું, અક્ષરબ્રહ્મ હિ કહે વાકું.

માયા અરુ ઈશ્વર કું, જીવ - યહ પાંચ ભેદ;

અનાદિ રહાયેઉ તે હિ, અવિચલ કરહિ અછેદ.’17

ગઢપુરમાં શ્રીહરિએ મોક્ષના નિર્વિઘ્ન માર્ગની વાત કરતાં કહ્યું, “બ્રહ્મથી પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ પૃથક્ છે. એ તો બ્રહ્મના પણ કારણ છે, આધાર છે ને પ્રેરક છે. એવું સમજીને જીવાત્માની એ બ્રહ્મ સંગાથે એકતા કરવી. પછી પરબ્રહ્મને સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. આવું બ્રહ્મજ્ઞાન પરમપદ-મોક્ષ માટેનો નિર્વિઘ્ન અને શ્રેષ્ઠ માર્ગ કહ્યો છે.”18

સારંગપુરમાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “ભગવાનના વચનમાં રહે તેને નિવૃત્તિમાર્ગવાળો જાણવો. મનમુખીપણે વર્તતો હોય તો તે નરકને પામે છે. ગમે તેવો ત્યાગ-વૈરાગ્ય રાખે, અન્નજળનો ત્યાગ કરે પણ મનમુખી વર્તન કરે તેને ભગવાન લેશ પણ ગણતા નથી. તે તો વિમુખ થઈને અંતે નરકે જાય છે. ભગવાનના દાસના દાસનો દાસ થાય, દાસનો ગુલામ થાય, તેનો પણ ગુલામ થવા કોટિ કલ્પ સુધી ઇચ્છે રાખે ને પ્રાર્થના કરે પછી તેને ભગવાન મનુષ્યમાં શ્વપચનો દેહ આપે છે.”

‘ભગવાન હુ કે દાસ, તાકે દાસ કે દાસ હુ કે,

ગુલામ તાકે જાસ, તાકે ગુલામ હોન કું.

ઇછત જબ જો રહેઉ, કોટિ જો કોટિ કલ્પ લગ,

પ્રાર્થના કરત તેઉ, શ્વપચ કે તન પાવત તબ.’19

શ્રીહરિ સોરઠમાં ફરતાં બંધિયા, પીપલિયા, રાયપુરથી રાજનગર આવ્યા. અહીં શ્રીહરિએ ભગવાન સૌનું કારણ છે ઇત્યાદિ વાતો કરતાં કહ્યું, “સત્સંગની વાતો શીખીને કોઈ ભગવાન થવા જાય તો તે કસાઈથી પણ કોટિગણો કસાઈ છે, એવા દુર્બુદ્ધિને જોઈ તેની છાયામાં દબાવું નહિ. કોઈ અગણિત બાઈ-ભાઈના અંતરનું કહી દે તેણે કરીને તે ભગવાન થઈ શકતો નથી. મનુષ્ય, ઋષિ, પંચભૂત, સ્થાવર-જંગમ સૃષ્ટિથી પર સૂર્ય, ચંદ્ર, તારા અગણિત છે. તેનાથી પર દેવતા ને બ્રહ્મા છે. બ્રહ્માથી પર વૈરાટ છે. એવા અનંતકોટિ વૈરાટના કારણ અનંત પ્રધાનપુરુષ છે. તેના પણ કારણ પ્રકૃતિ પુરુષ છે. પ્રકૃતિ પુરુષનું કારણ અક્ષર છે. અક્ષરથી પર પુરુષોત્તમ છે. પુરુષોત્તમથી પર કોઈ નથી. અજ્ઞાની જન ચાહે તેમ કહે. પુરુષોત્તમથી નીચેના સૌ કોઈ પુરુષોત્તમના દાસ છે ને તેનું ભજન કરે છે. પુરુષોત્તમનું દાસપણું ઇચ્છે તેની મોટપ સૌથી ઊંચી છે. તેને સામર્થિ મળે છે તોપણ તે પુરુષોત્તમના દાસ થઈને વર્તે છે અને તેનું ભજન કરે છે. સત્સંગની આવી અતિનિર્બાધ સમજણ જેને આવે છે, તે અત્યંત સામર્થિ પામે છે તોપણ તે હરિના દાસ થઈને રહે છે.”20•

ગઢપુરમાં શ્રીહરિએ અક્ષરની વાત કરતાં કહ્યું, “બ્રહ્મા એક બ્રહ્માંડના અધિપતિ છે, તેનું અક્ષર પાસે શું લેખું? જે અક્ષરના એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં રહે છે! એવા અક્ષરધામની અપાર મોટપ છે તો પણ તેઓ પોતાની આ મોટપ ભગવાન પુરુષોત્તમ નારાયણ પાસે કંઈ જ દેખાડતા નથી અને ભગવાનના દાસ થઈને પોતાને અલ્પ માનીને બહુ ભાવથી તેમને ભજે છે.”21•

શ્રીહરિએ ખરડામાં એક અલૌકિક વાત લખાવી કે, “પોતામાં અવતાર જેવું ઐશ્વર્ય હોય અને સર્વનું કારણ પોતાને સમજે તો તે તેની કસર છે. કુબુદ્ધિજન હોય તો તે થોડુંક જ્ઞાન શીખ્યો કે તરત હું ભગવાન છું એમ માનવા લાગે છે. ભગવાનના જ્ઞાનનું પાત્ર થયા વિના પોતાને અધિક માને તેને મનમલીન જાણવો. જ્ઞાનનું પાત્ર વસિષ્ઠ, જનક, ઉદ્ધવ, પ્રહ્‌લાદ થયા. અક્ષરના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની જેમ ઊડ્યાં કરે છે, એ અક્ષર પણ ‘હું ભગવાન છું’ એમ ક્યારેય કહેતા નથી, પણ ભગવાનના દાસ થઈને વર્તે છે. વળી, અક્ષર તો મોટા મોટા ઈશ્વરોના આધાર છે, કશ્યપાદિ પ્રજાપતિઓ, સમગ્ર સૃષ્ટિ અને સર્વે પ્રાણીઓના સર્જનહાર બ્રહ્માદિ દેવોના પણ જે આધાર છે ને એ જ અક્ષરબ્રહ્મ સૌને જિવાડવાની ક્રિયા કરે છે અર્થાત્ સૌના નાડી-પ્રાણ પોતાના હાથમાં છે. તોપણ એને એ વાતનું અભિમાન નથી. એ તો ભગવાનના દાસ થઈને વર્તે છે. એ એવા પાત્ર થયા છે તો, તે ઇચ્છતા ન હોવા છતાં ભગવાને પોતાનું સઘળું ઐશ્વર્ય તેમને આપ્યું છે. તોપણ તે છકી જતા નથી. કારણ, અક્ષર એ ભગવાનને રહેવાનું પાત્ર છે. પાત્ર રહિત જીવ કીર્તન-શ્લોક શીખે, પણ ભગવાનનો તેને ભાર કે મહિમા નથી તે તુચ્છ છે. અંતે એવા જન નારકી થાય છે.”22•

ગઢપુરમાં શ્રીહરિ કહે, “સત્સંગ, આ ભગવાન, તેમનું ધામ (અક્ષરબ્રહ્મ), ભગવાનના ભક્તો, ભગવાનનાં ચરિત્રો અને ભગવાન સંબંધી વાતોની તોલે કોઈ આવી શકે નહિ. આ વાત અમૂલ્યમાં અમૂલ્ય અને સર્વોપરિ છે. બીજી બધી વાતને અસત્ય કરી આ વાતમાં ચિત્ત ચોટાડવું. જો તેમ થાય તો તેના જેવો કોઈ બડભાગી નથી. તેને કંઈ કરવું રહ્યું નથી. મોટા-મોટાની આ સમજણ રહી છે. આ વાત સિદ્ધાંતમાં સિદ્ધાંત છે. આ વાતનો જેને રંગ લાગ્યો હોય તેનો સમાગમ નિત્ય કરવો.

જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ ભેદ અનાદિ છે. તેને આટલા કલ્પ થયા તેમ પણ ન કહેવાય. આ સનાતન તત્ત્વો છે. જેમ શબ્દમાત્રનું બીજ એવા વેદો સનાતન છે, તેમ આ પાંચ ભેદ સનાતન છે.”

‘એસે શ્રીહરિ બાત બહુ, કરત રહે હિત લાય.

હરિજન પર રહે હિત બહુ, મુખ કહે ન આય.’

“આવી વાત શ્રીહરિ હરિજન પર હેત લાવીને બહુવાર કરતા. જે મુખથી કહેતા પાર આવે તેમ નથી.” એમ મુક્તમુનિએ ઉત્તમ નૃપને કહ્યું.23

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

કર્મ કરવાથી કર્મ બળતાં નથી, તે કોટિ જન્મ સુધી કર્મ કરે તોપણ તે શુદ્ધ થતો નથી. કર્મ પોતે જ અશુદ્ધ છે તો તે કેવી રીતે શુદ્ધ કરે! ભગવાન અને ભગવાનના સંત એ બે જ શુદ્ધ છે તેના થકી કર્મ બળે છે ને જગત બધું અશુદ્ધ છે.

‘સંત હરિ હે શુદ્ધ હિ દોઉ, તેહિ બિન અશુદ્ધ સબ જગ સોઉં.’24

શ્રીહરિનો જેમને દૃઢ વિશ્વાસ અને નિશ્ચય હોય તે હરિવચનમાં ગુલતાન રહે છે. ગમે તેવી વિપત્તિ પડે પણ તે ઉદાસ થતો નથી. વિપત્તિને તે તપ માને છે, જેને ખપ છે તે એવી સવળી સમજણ ગ્રહણ કરે છે, અને એમ માને છે કે હરિભક્તને શ્રીહરિ ક્યારેય દુઃખ દે જ નહિ. શ્રીહરિનું સુખ વિચારે છે, ત્યારે તેનાં અનંત દુઃખ ઊડી જાય છે. ચિંતામણિ હોવા છતાં તેને પથ્થર માનીને સુખ ન લઈ શકે તે જડ કહેવાય.25

શ્રીહરિનો નિશ્ચય એ ખરો સત્સંગ છે. શ્રીહરિની ઉપાસના વિના આત્મદર્શી હોય તે સંભવતું નથી.26

સામર્થ્યની દૃષ્ટિએ અવતારો અને સંતો સમાન નથી. એક અવતાર અને બીજા અવતાર વચ્ચે ઘણી તારતમ્યતા છે. એક સંત ને બીજા સંત વચ્ચે કોટિ પ્રકારના ભેદ છે. પ્રતાપથી અધિક-ન્યૂનતા જણાઈ આવે છે. જેમ બધું સુવર્ણ સોળવલું હોતું નથી, બધાં મોતી પણ સમાન મૂલ્યવાળાં હોતાં નથી. પારસમણિના પણ પ્રકાર છે ને ચિંતામણિ પણ ભેદે કરીને જુદી જુદી છે, તેમ અવતારોમાં સામર્થ્યભેદથી ઘણા ભેદ છે. નામથી તો બધા સમાન લાગે, પણ ભેદ ઘણો છે. તે ભેદ જોઈને તેની નિંદા ન કરવી. ભગવાન, સંત, દેવતા, વિપ્ર, પતિવ્રતા સ્ત્રી અને વેદ – આટલાની નિંદા કદી ન કરવી. જે તેની નિંદા કરે છે, તે નારકી થાય છે.27

શ્રીહરિના ગુણ બીજા મુક્તમાં ક્યારેય આવતા નથી. જે બ્રહ્મરૂપ થાય છે તેમાં તે ગુણ આવે છે. મુક્ત જો (બ્રહ્મના સાધર્મ્યપણાને પામ્યો ન હોય ને) પોતાને બ્રહ્મરૂપ કહેવડાવતો હોય તો તે બંધનકર્તા બને છે. જેમ નારદજીને બ્રહ્મની સ્થિતિ નહોતી થઈ ને પોતાને બ્રહ્મરૂપ માનતા તો વિષયનો સંકલ્પ થયો ને માંકડાનું મોં થયું.28•

જે ભક્તને પ્રગટ ભગવાનને વિષે અપાર નિશ્ચય હોય, તે તેમનામાં લેશ પણ સંશય ન કરે. દેશકાળ વિષમ આવે ને મન ફરી જાય તોપણ ભગવાનનો અવગુણ ન આવે. કોઈનું ચિત્ત ભ્રમી જાય છે ત્યારે વર્ણાશ્રમનો વિવેક રહેતો નથી. જેનું તેનું ખાવા લાગે, વસ્ત્રનું ભાન રહે નહિ, ખાય ન ખાય એવું કરે, અન્ન ખાતો ખાતો મળ ત્યાગ કરે, શુદ્ધ અશુદ્ધ જગ્યા જુએ નહિ, માને વહુ કહે ને વહુને મા કહે, બાપને મોટાભાઈ કહે - એવી વિપરીત મતિ થાય તોપણ ભગવાનનો નિશ્ચય જાય નહિ. જાગ્રતમાં હોય તે પ્રમાણે સ્વપ્નમાં નિશ્ચય રહે. દીર્ઘરોગ થાય અને રાતદિવસ પીડાથી રડે તોપણ અજાણ ઔષધ ખાય નહિ. મલિન મંત્ર જપાવે નહિ, દોરા બંધાવે નહિ, ભૂવા અને મલિન દેવની પ્રતીતિ રાખે નહિ. સત્સંગ રાખતાં હાનિ થાય તોપણ હઠે નહિ, પરંતુ ચઢતો રંગ રહે અને અગ્નિમાં સુવર્ણની પેઠે જેમ તપે તેમ પ્રદીપ્ત થાય એ નિશ્ચયવાળાનું લક્ષણ છે. જેને જેટલો નિશ્ચય હોય તે કામ પડે ત્યારે દેખાય. વિપત્તિ આવે તથા સંપત્તિ નાશ પામે તે અગ્નિ જેવી કસોટી છે.29