અક્ષરામૃતમ્

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જીવન ઝરમર

સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં ભાદરા ગામે વસતા પવિત્ર બ્રાહ્મણ ભોળાનાથ વલ્લભજી જાનીનાં લગ્ન કાલાવડના સુખદેવ દવેનાં સુપુત્રી સાકરબા સાથે થઈ રહ્યાં હતાં. આ લગ્નપ્રસંગે પ્રસિદ્ધ સંત આત્માનંદ સ્વામી વગર તેડ્યે આવીને ઊભા રહ્યા. નવદંપતી આશીર્વાદ લેવા આવ્યા ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું, “તમારે ત્યાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું સાક્ષાત્ અક્ષરધામ પુત્રરૂપે જન્મશે.”

નવદંપતીને આ શુભ આશીર્વાદથી અત્યંત આનંદ થયો.

વિક્રમ સંવત ૧૮૪૧ની આસો સુદ પૂર્ણિમા(તા. ૧૭-૧૦-૧૭૮૫)એ શરદ પૂનમનો પૂર્ણચંદ્ર સોળે કળાએ ખીલ્યો. ગોકુળિયા ગામ ભાદરામાં ભોળાનાથ અને સાકરબાને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. હર્ષનાદ થયો. ગીતો ગવાયાં. પૂર્ણચંદ્રની આહ્‌લાદક આભામાં પુત્રના ઉજ્જવળ ભાવિને નીરખતાં સૌ આનંદિત થયાં. આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી પધાર્યા અને તેમણે આ પુત્રનું નામ મૂળ અક્ષરંબ્રહ્મપણાના અનુસંધાને ‘મૂળજી ભક્ત’ રાખ્યું.

મૂળજી ભક્ત ચાર વર્ષના થયા. એક દિવસ માતા પાસે તેમણે દૂધ માગ્યું. ભક્તિભરી માતાએ વહાલથી કહ્યું, “બેટા! હમણાં ભગવાનને ધરાવીને આપું.”

મૂળજીએ સિદ્ધ ભાવના અવાજે કાલી ભાષામાં કહ્યું, “મા! ભગવાન તો મારી પાસે જ છે. હું જમું તો મારી ભેળા ભગવાન જમે. હું સૂઉં તો તે મારી ભેળા સૂએ. હું દૂધ પીશ તો ભગવાન ભેળા પીશે..!”

ભોળી માતા આ સાંભળી વિચારે ચઢી ગઈ. લાડલા પુત્રના આગ્રહથી દૂધ આપ્યું. એ જ વખતે માતાની નજર ઘરના ગોખલામાં પધરાવેલા લાલજીની મૂર્તિ તરફ ગઈ. જોયું તો મુખ ઉપર દૂધની આછી રેખા જણાઈ! ખાતરી થઈ કે દૂધ તો ભગવાને જ આરોગ્યું છે.

પ્રકાશ અને પ્રભુત્વ પાથરતા એ બાળકના આવા એક નહીં, પણ અનેક ચમત્કારિક અનુભવોથી માતા સાકરબા અને પિતા ભોળાનાથ અચરજ પામતાં. નાનકડા ભાઈ સુંદરજીને પણ રમાડતાં રમાડતાં મૂળજી, ભગવાન ભજવાનો ઉપદેશમંત્ર તેના કાનમાં આપી દેતા. આ જોઈ માતા વધુ આંચકો અનુભવતી. એમાં પણ ક્યારેક તો મૂળજી જાહેરમાં બોલવા લાગતા, “આજે અયોધ્યામાં ભગવાનને જનોઈ દેવાય છે. જનોઈનાં ગીત ગાઓ... આજે પ્રભુ ગૃહત્યાગ કરી અનેક જીવના કલ્યાણને અર્થે તીર્થાટનમાં નીકળ્યા છે. તે અહીં આવશે...” આવી અગમવાણી સાંભળીને ઘરનાં સૌની મૂંઝવણ વધી જતી કે મૂળજી આ શું બોલે છે! મૂળજી બોલે છે કે એમાં રહીને કોઈ બીજો બોલે છે!

નાની ઉંમર છતાં મૂળજી ધીરગંભીર રહેતા. નાના બાળકની જેમ ખાવા-પીવાનો કે હરવા-ફરવાનો લૌકિક આનંદ એમને સ્પર્શતો નહીં. મા-બાપ રમવા જવાનું સમજાવે ત્યારે મૂળજી દઢતાથી કહેતા, “બાળપણથી જ પ્રભુ ભજી લેવા જોઈએ. ઘરડેરા ગામને ચોરે ગામગપાટાં મારે છે. કોઈ ભગવાનને સંભારતા નથી.”

યજ્ઞોપવીત પ્રસંગે પણ એવું જ બન્યું. ગુરુએ વિદ્યાભ્યાસની શિખામણ આપી ત્યારે મૂળજીએ નમ્રતાપૂર્વક પણ રોકડો જવાબ આપ્યો કે, “હું તો બ્રહ્મવિદ્યા ભણીને જ આવ્યો છું.”

નાની ઉંમર છતાં ધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો એમની વાણીમાંથી સાહજિક રીતે સરી પડતા ત્યારે એમનું અલૌકિક વ્યક્તિત્વ સૌને સહેજે અનુભવાતું. વિક્રમ સંવત ૧૮૬૪માં (સને ૧૮૦૭) ભગવાન સ્વામિનારાયણે સ્વયં ભાદરા ગામ પધારીને એમની મહત્તા ગાઈને સૌને સમજાવ્યું કે: “આ તો અમારે રહેવાનું સાક્ષાત્ અક્ષરધામ છે, વેદો-ઉપનિષદોમાં જેને અક્ષરબ્રહ્મ કહ્યા છે તે જ આ મૂળજી ભક્ત છે.” ભગવાન સ્વામિનારાયણે અનેક વખત મૂળજી ભક્તનો આવો મહિમા સમજાવ્યો ત્યારે સૌને તેમના સ્વરૂપનો વિશેષ પરિચય થયો.

વિક્રમ સંવત ૧૮૬૫માં ભગવાન સ્વામિનારાયણનો સંકેત પ્રાપ્ત થતાં જ અનાસક્ત વૈરાગ્યમૂર્તિ મૂળજી સંસાર ત્યાગીને સાધુ થવા ભગવાન પાસે આવી ગયા. વિક્રમ સંવત ૧૮૬૬(સને ૧૮૦૯)માં ભગવાન સ્વામિનારાયણે ખેડા પાસે ડભાણ ગામે ભવ્ય અહિંસક યજ્ઞ કર્યો. લાખો ભક્તો એને માણવા ઊમટ્યા. એ મહોત્સવની પૂર્ણાહુતિએ પોષ સુદ પૂર્ણિમાએ ભગવાન સ્વામિનારાયણે પોતાના લાડીલા ભક્તરાજ મૂળજી શર્માને ભાગવતી દીક્ષા આપી ‘ગુણાતીતાનંદ સ્વામી’ એવું વિશિષ્ટ સાર્થક નામ આપ્યું અને કહ્યું, “અમારા મૂર્તિમાન અક્ષરબ્રહ્મને દીક્ષા આપતાં મને અત્યંત આનંદ થાય છે.”

ત્યાગ, સેવા, ધ્યાન-ભક્તિના અપૂર્વ રંગોથી રંગાયેલ ગુણાતીતાનંદ સ્વામીની માગણી ભગવાન સ્વામિનારાયણના ઉચ્ચ કોટિના સદ્‌ગુરુ પરમહંસો કરવા લાગ્યા. સમયે સમયે ભગવાન સ્વામિનારાયણ પોતાના અનાદિ સેવક સંતવર્યનો મહિમા છતો કરતા રહેતા. એક વખત પંચાળામાં પાંચસોયે પરમહંસોની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ સ્વામીના ભાલમાં તિલક કર્યું અને કહ્યું, “જુઓ, આ અમારા તિલક, હું જેવો કોઈ ભગવાન નથી અને આમના જેવા કોઈ સાધુ નથી.” ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સ્વામીની પરાભક્તિની છલકતી છોળોમાં સૌ કોઈ ભીંજાતા.

સુરતમાં ભિક્ષા માંગવા જતાં સ્વામીની સાથે આનંદાનંદ સ્વામીએ નજરોનજર નિહાળ્યું કે શ્રીહરિ દિવ્ય સ્વરૂપે સ્વામી સાથે ચાલે છે અને તેમની સાથે વાર્તાલાપ કરે છે. વરતાલમાં સંતકવિ મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે કહ્યું, “જેમ સાણસામાં સર્પને પકડી રાખે તેમ આ ગુણાતીતાનંદ સ્વામીએ મારી મૂર્તિને અખંડ હૃદયમાં પકડી રાખી છે. એ સાધુ તો મારે રહેવાનું સાક્ષાત્ અક્ષરધામ છે.”

વિક્રમ સંવત ૧૮૮૩(સને ૧૮૨૬)માં ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢના મોટા મંદિરની મહંતાઈ તેમને સોંપી ત્યારે ભગવાન સ્વામિનારાયણે સોરઠના હરિભક્તોને કહ્યું, “લ્યો, આ અમારું અક્ષરધામ તમને બક્ષિસ! હવે અમારું સુખ તે આપશે. આ સાધુ અમારા જેવા છે.” એમ કહી મોટા મોટા સંતો અને સત્સંગ સમુદાયને આજ્ઞા કરતાં કહ્યું, “સૌએ દર વર્ષે એક માસ જૂનાગઢ જઈ સ્વામીનો સમાગમ કરવો. જે અહીં આવશે તેની કરોડ જન્મની કસર અમે એક જન્મે ટાળીશું.”

આ સહજાનંદી સંતની સીમાડા પારની સાધુતાના અનેકવિધ અનુભવોમાં શેત્રુંજીને કાંઠે સૌરાષ્ટ્રના જૂના સાવર ગામનો પ્રસંગ અવિસ્મરણીય છે. સંતમંડળ સાથે ફરતાં ફરતાં સ્વામી અહીં પધારેલા. દ્વેષીઓની ભંભેરણીથી ગામધણી ઉગા ખુમાણને સ્વામિનારાયણી સંતો પ્રત્યે રોષ જાગેલો. આ નિર્દોષ સંતોના આગમનની જાણ થતાં બાપુનો હુકમ છૂટ્યો ને ગામની તોફાની પ્રજાએ સંતોને ઢોરમાર મારી ગામબહાર હાંકી કાઢ્યા. ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે સંતોએ તો હસતે મોંએ બધું સહન જ કર્યું. મારની કળ વાળવા સંતો ગામબહાર વિશ્રામ લેતા હતા ત્યાં જાણ થઈ કે બાપુ પુત્રપ્રાપ્તિની ઈષણાથી પીડાય છે. કરુણાઘન ગુણાતીતાનંદજીએ તરત જ શુભ સંકલ્પ કરી પ્રભુપ્રાર્થના કરી કે બાપુને ત્યાં ખોળો ખૂંદનાર થાય અને એ સત્સંગી બને. તે દહાડે બાપુને ત્યાં કુળદીપક અવતર્યો – સ્વામીની અજાતશત્રુતાના પ્રતીક સમો.

વિક્રમ સંવત ૧૮૮૬(સને ૧૮૩૦)માં સ્વામીને કલ્યાણયાત્રિકોની સત્સંગ નૈયાનું સુકાન સોંપી ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં દેહલીલા સંકેલી લીધી. એમના ભૌતિક દેહની ઉત્તરક્રિયા બાદ, વાડીમાંથી પસાર થતાં ખળખળ વહેતા પાણીના ધોરિયાને કાંઠે લીલીછમ ધ્રો જોઈ અને સ્વામીને સાંભરી આવ્યું, “અરે! આ લીલી ધ્રોનું જીવન જળ, ને આપણું જીવન તો ભગવાન, તે તો ગયા.” ને એકદમ સ્વામી મૂર્છાવશ થઈ ગયા. ત્યાં તો ભગવાને દિવ્ય સ્વરૂપે દર્શન આપી સ્વામીને ઊભા કર્યા. કહ્યું, “હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું!” સ્વામી હર્ષપુલકિત થઈ જાગ્રત થયા. અનેક જીવોને આત્યંતિક મુક્તિનું પરમ લક્ષ્ય સિદ્ધ કરાવવાનો ભગવાન સ્વામિનારાયણનો વારસો આ વસુધા પર સ્વામી દ્વારા ચાલુ રહ્યાનો સૌને સંકેત મળ્યો.

ભગવાન સ્વામિનારાયણની કાર્યધારાને સ્વામીએ વહેતી રાખી. સોરઠ અને ગુજરાતની ધરા પર ગામોગામ, ઘરોઘર વિચરણ આદર્યું. સુષુપ્ત મુમુક્ષુપ્રજાને એમણે ઢંઢોળી. અંધશ્રદ્ધા અને વહેમની જંજાળોમાંથી સમાજને મુક્ત કર્યો. સ્વામી કહેતા: “આ ખેંગારવાવ રાઈના દાણાથી માથા સુધી ભરી દઈએ એટલા જીવોને અમે સત્સંગ કરાવ્યો છે. વળી, અમે જ્યાં જ્યાં સત્સંગ કરાવ્યો છે, ત્યાં ત્યાં દોરા-ધાગા કે ડાકલાં પેસવા દીધાં નથી.”

દીન-દુઃખીઓનાં દુઃખ-દારિદ્ર્યને ટાળવા તત્પર રહેતા સ્વામી માનવતાના અનોખા ઘડવૈયા હતા. સોરઠની પ્રજામાં હાહાકાર મચાવનાર, અનેક નિર્દોષ હૈયાંને કકળાવનાર લીલાખાનો મૂંજો સુરુ, રામો હાટી, વાલેરો વરુ જેવા અઠંગ વ્યસની અને ભયંકર હિંસક જીવોનેસ્વામીએ સદ્‌ગુણોથી મઘમઘતા કર્યા ને એના દિલમાં માણસાઈના દીવા પ્રગટાવ્યા.

બારે મેઘ ખાંગા કરી અષાઢી ધારાઓ વરસે એમ સ્વામીના મુખકમળમાંથી ભગવદ્‌વાર્તાનો પ્રવાહ અવિરત વહેતો. સરળ-સચોટ-વ્યવહારુ દૃષ્ટાંતોથી સભર, જન્મોજન્મની મોહજાળને છેદે અને ભગવદ્‌ભાવને પમાડે એવી એમની જ્ઞાનોપદેશની શૈલીમાં વેદોપનિષદોની ઉપાસના અને ભક્તિ, ત્યાગ અને સેવા નીતર્યા કરતાં. સંપ્રદાયમાં સ્વામી બ્રહ્મવિદ્યા-પ્રવર્તનનું કેન્દ્ર બન્યા હતા. એટલે જ ગોપાળાનંદ સ્વામી જેવા અષ્ટાંગયોગી સિદ્ધ સંતવર્ય પણ પોતાના હેતવાળા ભક્તોને મોક્ષમાર્ગનું દ્વાર અક્ષરબ્રહ્મ બતાવતાં સ્વામી તરફ નિર્દેશ કરતા. અનેક મુમુક્ષુઓ સ્વામીના સંગે બ્રાહ્મીસ્થિતિને વર્યા. પોતાનો આ આધ્યાત્મિક વારસો મહુવાના બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત દ્વારા વહેતા રાખ્યો.

વિક્રમ સંવત ૧૯૨૩(સને ૧૮૬૭)ના આસો સુદ તેરસની મોડી રાત્રે ગોંડલમાં સ્વામીએ સ્વતંત્રપણે દેહલીલા સંકેલીજે સ્થાન પર એમનો અંતિમ વિધિ કર્યો તે સ્થાન ઉપર સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજી – શાસ્ત્રીજી મહારાજે બાંધેલ ગગનચુંબી મંદિર આજેય સ્વામીની અદ્વિતીયતાને પ્રમાણતું અનોખું સ્મારક છે.

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના આધ્યાત્મિક અનુગામી તરીકે બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પછી વર્તમાનકાળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ સમગ્ર વિશ્વમાં દિવ્ય આધ્યાત્મિક મૂલ્યોનો વિસ્તાર કરી રહ્યા છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં મહંત સ્વામી મહારાજ દ્વારા આજે અસંખ્ય મુમુક્ષુઓ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સિદ્ધાંતોનો સાક્ષાત્કાર કરી રહ્યા છે, પરબ્રહ્મને પામી રહ્યા છે.

Vat Selection

loading