॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૪૨: વિધિનિષેધનું

ઇતિહાસ

વચનામૃત ગઢડા પ્રથમ ૪૨ના વચનામૃતનું મથાળું જ છે: “વિધિનિષેધનું.” આ વચનામૃતમાં શ્રીજીમહારાજ વિધિ-નિષેધનું જોરશોરથી પ્રતિપાદન કરતા દર્શાય છે. શ્રીજીમહારાજે તર્કશુદ્ધ અને તર્કબદ્ધ રજૂઆત, શાસ્ત્રોક્ત આધાર તથા પૂર્વે થયેલા ઋષિ-મુનિઓના વર્તન વગેરે દ્વારા આ વાત દૃઢાવી છે. છેલ્લે જાણે ચુકાદો આપતાં હોય તેમ શ્રીજીમહારાજ કહે છે, “માટે જે વિધિ-નિષેધ છે તે સાચા છે, પણ ખોટા નથી અને જે એ વિધિ-નિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.”

સંપ્રદાયના ઇતિહાસમાં નજર કરતાં તેનું કારણ આ રીતે પ્રાપ્ત થાય છે:

આ વચનામૃત ઉદ્‌બોધાયું તે દિવસે શ્રીજીમહારાજે ગોપી ભટ્ટ પાસે સંપ્રદાયની ગુરુપરંપરાની વાત કરાવી હતી તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ગોપી ભટ્ટે શ્રીજીમહારાજને જણાવેલું, “આત્માનંદ સ્વામીના શિષ્ય ગોવિંદમુનિ, તેમના શિષ્ય આનંદમુનિ... આનંદમુનિના શિષ્ય ગોપાળમુનિ, તેમના શિષ્ય આત્માનંદ સ્વામી. આત્માનંદ સ્વામી મારા પિતા અને તેમના શિષ્ય રામાનંદ સ્વામી જેમને આપે ગુરુ તરીકે સ્વીકાર્યા હતા...”

ગોપી ભટ્ટની ગુરુપરંપરા સંબંધી ઉપરોક્ત વાત સાંભળી શ્રીજીમહારાજ રાજી થયેલા અને તેઓને વસ્ત્ર, અલંકાર તથા એક અશ્વ પણ ભેટ આપ્યો હતો.

ત્યાર બાદ શુકમુનિને બોલાવીને શ્રીજીમહારાજે કહ્યું, “તમે આપણા સર્વે પરમહંસોને પત્ર લખો. તેમાં લખજો કે હવે અંગ્રેજોનું રાજ્ય થયું છે એટલે દેશકાળ સારા થયા છે, તો હવે તમારે સૌએ શુદ્ધ વૈષ્ણવી રીત પ્રમાણે આજથી વર્તવું. આપણા ઉદ્ધવ મત પ્રમાણે શિખા, સૂત્ર અને તિલક રાખવાં.”

શુકમુનિએ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે જ્યાં જ્યાં પરમહંસો વિચરતા હતા ત્યાં પત્રો લખી દીધા.

[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૧૮૭; હરિચરિત્રામૃતસાગર: ૨૦/છ-૧૬]

સં. ૧૮૬૩માં વેરાગી બાવાઓની ઉપાધિથી શ્રીજીમહારાજે કાલવાણીમાં પાંચસો સંતોને પરમહંસની દીક્ષા આપી હતી. શિખા, સૂત્રનો ત્યાગ કરી અલક્ષ્યપણે વર્તવાની આજ્ઞા કરી હતી. તે પ્રકરણ તેર વર્ષ પછી આજે શ્રીજીમહારાજ બંધ કરાવી રહ્યા હતા. સૌને વૈષ્ણવી રીત મુજબના વિધિ-નિષેધ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી રહ્યા હતા.

તેર-તેર વર્ષ સુધી “મનસા પવિત્રમ્” (મનથી જ પવિત્ર) રહીને વર્તવાને કારણે, દૈહિક રીતે વિધિ-નિષેધના પાલનમાં લીધેલી છૂટછાટને કારણે, સંભવ છે કે પુનઃ વિધિ-નિષેધ પાળવાનું કઠણ પડે. આવું બન્યું પણ હશે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ઉલ્લેખ આવે છે, “આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. કેમ જે, આપણને સૂઝે નહીં ને બુદ્ધિ પણ પહોંચે નહીં ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય. તે કઈ આજ્ઞા?... તો મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહીં... ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહીં. એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યાં.”

[સ્વામીની વાતો – ૨/૬૩]

ગુણાતીતાનંદ સ્વામીની આ વાત પરથી ખ્યાલ આવે છે કે તેર વર્ષના ગાળા બાદ ધર્મ-ભક્તિ સંબંધી વિધિ-નિષેધ પાળવાની વાત શ્રીજીમહારાજે કરી ત્યારે કેટલાકનું મન તેમાં રાચતું નહોતું. તેથી અતિ ભારપૂર્વક વિધિ-નિષેધનું પ્રતિપાદન કરવું જ પડે તેમ હતું. તે પ્રતિપાદન શ્રીજીમહારાજ આ વચનામૃતમાં કરી રહ્યા છે.

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase