॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૪૪: બળબળતા ડામનું, ડગલાનું

ઇતિહાસ

આ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, “સપુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થવાનું કારણ છે.” ત્યારે સોમલા ખાચર પૂછે છે, “એવો પ્રસંગ તો અતિશે કરીએ છીએ પણ એવી દૃઢ પ્રીતિ કેમ થતી નથી?”

ત્યારે શ્રીજીમહારાજ કહે છે, “પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થતી નથી.”

શ્રીજીમહારાજે સોમલા ખાચરને આમ જણાવ્યું તેમાં તેઓના નિયમ-ધર્મમાં રહેલી કચાશ કારણભૂત હોય તેમ લાગતું નથી. કારણ કે વચનામૃત અંત્ય ૨૪માં શ્રીજીમહારાજ વિવિધ સંતો-ભક્તોનાં અંગ (વિશેષતા) જણાવતાં કહે છે, “... સોમલા ખાચરને સદા એક રે’ણીપણું એ અંગ...” આમ, નિયમ-ધર્મની બાબતમાં સોમલા ખાચર શૂરા-પૂરા હશે તેમ લાગે છે. તો શ્રીજીમહારાજે તેઓને ‘અર્ધો જગતનો પ્રસંગ કરો છો’ તેવી ટકોર શા માટે કરી હશે?

આના અનુસંધાનમાં કર્ણોપકર્ણ વાત એવી સાંભળવા મળે છે કે સોમલા ખાચર કાઠી દરબાર હોવાને નાતે તેઓના ઉપાસ્ય દેવ સૂર્યનારાયણ હતા. તેઓને સત્સંગ થયા બાદ શ્રીજીમહારાજમાં નિષ્ઠા બેઠેલી, પરંતુ જ્યારે સૂર્યોદય થાય ત્યારે તેને વંદન કરી તેઓ બોલતા, “હે હરિ સૂરજનારાયણ! દાતણ ફાટા ને પાપ નાઠા, ભેખની ટેક ને બાનાની પત રાખજો.” આમ, પતિવ્રતાની ભક્તિમાં રહેલી લેશ ન્યૂનતાને કારણે શ્રીજીમહારાજે તેઓને આવી ટકોર કરેલી તેવું સાંભળવા મળે છે. શ્રીજીમહારાજની આ ટકોર બાદ સોમલા ખાચર જરૂર પોતાની ભક્તિમાં પરિવર્તન લાવ્યા હશે.

આ જ વચનામૃતમાં વસોના વિપ્ર વાલા ધ્રુવ શ્રીજીમહારાજને પૂછે છે, “હે મહારાજ! દેહ અને દેહના, સંબંધીને વિષે અહં-મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે?”

વાલા ધ્રુવના આ પ્રશ્ન પાછળ પણ પરંપરાગત એવો ઇતિહાસ જાણવા મળે છે કે વાલા ધ્રુવના નિકટવર્તી મહિલા સંબંધી સાથે કોઈ દુષ્ટ વ્યક્તિએ બળજબરીપૂર્વક જાતીય દુર્વ્યવહાર કર્યો હતો. એક કુલીન કુટુંબમાં બનેલી આ ઘટનાથી વાલા ધ્રુવ હચમચી ઉઠ્યા હતા. વાલા ધ્રુવના મનમાંથી ગ્લાનિ મટતી જ નહોતી. તેથી છુટકારો મેળવવા માટે તેઓએ ઉપરોક્ત પ્રશ્ન શ્રીજીમહારાજને પૂછ્યો છે એવું સાંભળવામાં આવે છે.

આ વિગત વિશેષ તર્કસંગત એટલા માટે લાગે છે કે શ્રીજીમહારાજ પોતાના ઉત્તરમાં જણાવે છે, “... ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા-બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો એકે ધર્મ પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહં-મમત્વના ઘાટ કેમ ટળશે?”

અહીં શ્રીજીમહારાજ કોઈ પુરુષને સ્ત્રી સાથે સંભવી શકે તેવા ચારેય સંબંધ – મા, બેન, દીકરી અને પત્નીનો ઉલ્લેખ કરીને વાલા ધ્રુવને ઉત્તર આપી રહ્યા છે. તેઓના જે સમીપવર્તી મહિલા સાથે જાતીય અત્યાચાર થયો હશે તે ઉપર કહેલી ચાર પ્રકારની સ્ત્રીઓમાંથી જ કોઈક હશે. સાંભળવા એમ મળે છે કે આ દુર્વ્યવહાર તેમનાં બહેન સાથે થયો હતો. તેમનાં બહેન મુમુક્ષુ હતાં અને સાધુ-સંતોની સેવામાં સદા તત્પર રહેતાં. એક વાર એક વૈરાગી બાવાએ એમની આ વૃત્તિનો ગેરલાભ ઉઠાવી દુર્વ્યવહાર કર્યો હતો – જેનો રંચ વાલા ધ્રુવને હતો. વળી, શ્રીજીમહારાજ મહિલાઓએ પાળવાનાં અનેક પ્રકારનાં ધર્મમાંથી પતિવ્રતાનો ધર્મ (પરપુરુષનો સંગ ન કરવો), તેના આધારે વાલા ધ્રુવને ઉત્તર વાળી રહ્યા છે. માટે સચોટ અનુમાન બંધાય છે કે ઉપરોક્ત પતિવ્રતાના ધર્મની બાબતમાં જ ભંગ થાય તેવું દુષ્કર્મ થયું હોવું જોઈએ.

શ્રીજીમહારાજે વચનામૃતમાં ઘણે ઠેકાણે અહં-મમત્વ ટાળવા સંબંધી ઉપદેશ આપ્યો છે, પરંતુ ક્યાંય આવા તર્ક – “ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા, બેન, દીકરી અને સ્ત્રી છે તે એકે પતિવ્રતાનો ધર્મ પાળતી નથી” – દ્વારા માર્ગદર્શન આપ્યું નથી. જેમ કે, વચનામૃત ગઢડા પ્રથમ ૮, ૨૧; ગઢડા અંત્ય ૧૯માં પણ અહં-મમતા મૂકવાની વાત કરી છે, પણ ક્યાંય પતિવ્રતાના ધર્મ કોઈ પાળતા નથી એવી યુક્તિ દ્વારા ઉપદેશ આપ્યો નથી. અહીં શ્રીજીમહારાજ આ વિચાર આપી રહ્યા છે, કારણ કે વાલા ધ્રુવ પોતાના સંબંધી મહિલાના જીવનમાં આવેલા પતિવ્રતાના ધર્મભંગ સંબંધી સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase