॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૮: સાંખ્યાદિનું, સદાય સુખિયાનું

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં.” ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ કેમ જાણવા? ને બ્રહ્મરૂપ કેમ થવાય?” ત્યારે કહ્યું જે, “મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.” તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિયું તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું, અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.” તે ઉપર વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”

[સ્વામીની વાતો: ૩/૧૨]

દર્શન-પ્રસાદીનાં સુખથી સૌને ધરવી સ્વામીશ્રીએ વાતોની વાનગી પીરસવી શરૂ કરી. ગઢડા અંત્ય પ્રકરણના ૩૮મા વચનામૃત પર અમૃતધારા રેલાવતાં જણાવ્યું: “સર્વોપરી ભગવાન નયનગોચર વર્તે છે. આંખની સામે તે નયનગોચર. માયામાં આવે માટે મિથ્યા નથી. આપણા જેવા દેખાય તો પણ દિવ્ય છે. બધા આકાર નાશ પામે પણ ભગવાનનો આકાર નાશ ન પામે. આ સ્વરૂપ ને એ સ્વરૂપમાં ભેદ, જુદાપણું નથી. બેય એક જ વસ્તુ છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૩૦]

દેહાભિમાનીને જ્યાં જાય ત્યાં દુઃખ

૧૯૭૪. તા. ૧૪/૩. સ્વામીશ્રી ઘોઘાસમડીથી ગોંડલ પધારેર્યા અને યુવાસભામાંથી વડીલ સભામાં પધારી અહીં ગઢડા અંત્ય પ્રકરણના ૩૮મા વચનામૃત પર કથારસ રેલાવતાં કહ્યું કે:

“ભગવાન સદા સાકાર છે. મનુષ્ય જેવા દ્વિભુજ છે. સત્ય છે. તે નાશ પામતા નથી. આપણો આકાર જન્મે, નાશ પામે તેમ ભગવાનને નથી. અક્ષરધામમાં છે તેવા જ પૃથ્વી પર અનંત જીવનાં કલ્યાણ કરવા આવે છે. તેઓ જતા નથી. છે, છે ને છે જ. માણસ વ્યવસ્થા કરતો જાય તો ભગવાન કલ્યાણ કરવા આવ્યા છે તે ન કરે?

“દેહાભિમાનીને જ્યાં જાય ત્યાં દુઃખ. અભિમાન હોય તો સેવા થાય નહીં. ‘બોલાવ્યા, ચલાવ્યા નહીં’ એમ ફેર પડી જાય. પણ અહીં જાનમાં આવ્યા છીએ? ‘જાઓ, તમારી છોકરી નહીં લઈએ’ એમ કહીએ છીએ? ત્રણ દા’ડા આવ્યા તો અગવડ-સગવડ ચલાવી લેવી. અગવડ થશે એટલે સમૈયે ન આવે. પણ વ્યાવહારિક કામમાં અગવડ નથી હોતી? ત્યાં ચલાવી લઈએ છીએ. તેમ મોટો લાભ સત્સંગનો જણાય તો વાંધો ન આવે. જગતની મોટપ હોય ત્યાં દોડીએ. ગવર્નરની સભામાં ગયા તેનો પોરસ રહે. મોટો માણસ છે, ન બોલાવ્યા તો વાંધો નહીં. અનંત કોટિ બ્રહ્માંડના રાજા શ્રીજીમહારાજ છે. તેની પાસે જઈએ તે ન બોલાવે તેમાં શું? એમ સમજાય તો અભિમાન ન રહે. મૃત્યુલોક, ગુજરાત, રાજકોટ બ્રહ્માંડના નકશામાં જ ન આવે. એમ સમજાય તો વાંધો ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૪૪]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase