॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૯: સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું

પ્રસંગ

પ્રસંગ ૧

સં. ૧૯૧૩માં ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજના સર્વોપરીપણાની વાત અમદાવાદમાં કરી. તે વાત સાંભળી ઉત્તમાનંદ સ્વામી તથા અન્ય સાધુઓએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, “આ વાતો અમે તો સાંભળી નથી અને તમે ક્યાંથી કરો છો?” આ સાંભળી ગુણાતીતાનંદ સ્વામીએ વૃદ્ધ, અનુભવી, મહારાજ ભેળા ઘણું રહ્યા હતા તેવા આનંદાનંદ સ્વામીને બાજુમાં ખુરશી મૂકી વાતમાં સાખ પુરાવા બેસાડ્યા. ગુણાતીતાનંદ સ્વામી શ્રીજીમહારાજના જૂના પ્રસંગો કહેવા લાગ્યા:

(૧) લોજ અને માંગરોળમાં આનંદાનંદ સ્વામીના ખભે હાથ મૂકી, કબીરનું હોરીનું પદ બોલ્યા, “કોટિ કૃષ્ણ જોડે હાથ, કોટિ વિષ્ણુ નમે માથ, કોટિ શંકર ધરે ધ્યાન, કોટિ બ્રહ્મા કથે જ્ઞાન, સદ્‌ગુરુ ખેલે વસંત” પછી મહારાજે આનંદ સ્વામીને પૂછીને એવા સદ્‌ગુરુ અમે છીએ એમ કહ્યું.

(૨) સં. ૧૮૬૭માં સારંગપુરમાં રાઠોડ ધાધલને ત્યાં હોળી રમ્યા તે વખતે ઉપરના પ્રસંગ પ્રમાણે કબીરનું પદ બોલ્યા, ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં છડી અડાડીને પૂછ્યું, “એવા સદ્‌ગુરુ કોણ?” તે વખતે આનંદાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યા. તે વખતે મહારાજે કહ્યું, “અમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છીએ અને એવા સદ્‌ગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે.”

(૩) નાગડકામાં વ્યાપકાનંદ સ્વામીના દેખતાં ચોવીસ અવતારોને મહારાજે પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરી પોતાની મૂર્તિમાં લીન કરી દીધા.

(૪) સાંતી હાંકતા પર્વતભાઈને મહારાજે પોતાની મૂર્તિમાંથી ચોવીસ અવતારોનાં દર્શન કરાવ્યાં ને પાછા તે અવતારોને પોતાની મૂર્તિમાં લીન કરી દીધા.

(૫) માંગરોળમાં સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ પહેલાં કૃષ્ણરૂપે દેખાયા ને પછી સમાધિ કરાવી પોતાના પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવ્યો.

(૬) સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે કહ્યું, “સ્વામી! તમને ગોલોકમાં મોકલીએ” ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું, “ઈસ ખડ્ડેમેં તો પડે જ હૈ.”

(૭) જ્યારે અમદાવાદમાં મહારાજે નરનારાયણ પધરાવ્યા ત્યારે તમારું કાંડું ઝાલીને ઉત્તરાદિ રૂપચોકીમાં ઊભા રહી મહારાજે કહ્યું હતું, “આ ભરતખંડના રાજા નરનારાયણ છે. તેમની મૂર્તિ કોઈ ઠેકાણે નથી. માટે તેમને અહીં પધરાવ્યા છે, પણ આવા અનંત નરનારાયણ તથા અનંત કૃષ્ણનારાયણ આ પ્રગટ સહજાનંદ સ્વામીનું ભજન કરે છે.”

આ રીતે શ્રીજીમહારાજના સર્વોપરીપણાના દરેક પ્રસંગના અંતે આનંદાનંદ સ્વામીની સાક્ષી લઈ સૌને પ્રતીતિ કરાવી દીધી.

પછી ગુણાતીતાનંદ સ્વામીએ બાલમુકુંદ સ્વામી પાસે વચનામૃત મધ્ય ૯મું વચનામૃત વંચાવ્યું અને બોલ્યા, “મહારાજને બીજા અવતાર જેવા કેમ કહેવાય? અને જો કહીએ તો મહારાજના દ્રોહી ઠરીએ.”

ત્યારબાદ અયોધ્યાપ્રસાદજીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “તમારા બાપના ગુણ અને મહિમા કહીએ છીએ. તમારે અમારી સાથે ઘણું હેત છે, પણ તમારા ખજાનાની કૂંચી તો તમો કેશવપ્રસાદજીને આપશો કે અમને આપશો?” ત્યારે અયોધ્યાપ્રસાદજીએ કહ્યું, “એ તો એને જ અપાય ને!” તે સાંભળી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “તેમ અમને મહારાજે પુરુષોત્તમપણાની કૂંચી આપી છે તે મોક્ષની વાત તો અમારી પાસેથી જ સાંભળવી પડશે.”

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૪૩૫]

પ્રસંગ ૨

ગુણાતીતાનંદ સ્વામીએ કહે, “સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, ‘જો અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.’” પછી સ્વામી કહે,” મુને પણ મહારાજે કહ્યું હતું. ને ખરડામાંથી પણ જાણ્યું. ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી. ત્યારે સાધુ સૌ કહે, ‘તુને કોણે કહ્યું છે કે, તું કહે છે. ત્યારે મેં કહ્યું જે, ‘સ્વામિનારાયણે કહ્યું છે. બીજો કોણ કહેશે?’ ને મહારાજે મધ્યના નવમા વચનામૃતમાં, સાંખ્યાદિકનામાં (વચનામૃત ગઢડા અંત્ય ૩૮), તેજનામાં (વચનામૃત ગઢડા મધ્ય ૧૩) ને લોયાના ચૌદનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે.”

[સ્વામીની વાતો: ૬/૩૨]

પ્રસંગ ૩

સં. ૧૯૧૧માં ગુણાતીતાનંદ સ્વામીના સાંનિધ્યમાં વરતાલમાં છાવણી (શિબિર-જ્ઞાનસત્ર) ચાલેલી. લગભગ છ મહિના સુધી સ્વામી વરતાલ રોકાયેલા અને રોજ સવારે શણગાર આરતી પછી પોતાના આસને કથા કરતા. સ્વામીની વાતો સાંભળવા સંતો-ભક્તોની હકડેઠઠ ભીડ જામતી.

એક વાર કથાની સમાપ્તિ થવાના સમયમાં સ્વામીએ વિચાર કર્યો કે: “હવે થોડા દિવસોમાં કથાની સમાપ્તિ થશે. અત્યારે જે રિવાજ ચાલુ થયો છે કે શણગારનાં દર્શન કરીને સૌ મારે આસને આવે છે અને ત્યાં કેટલીક કથાવાર્તા થાય છે, તે મારા અહીંથી ગયા પછી બંધ થઈ જશે તે ઠીક નહીં. માટે શણગાર પછી પણ કથા ચાલુ રહે એટલા માટે આજથી જ આચાર્યશ્રીને મેડે બેસવાનો જો રિવાજ રાખ્યો હોય તો શણગારનાં દર્શન પછી સૌ ત્યાં આવે અને આચાર્યશ્રીને મેડે કથાવાર્તા ચાલુ રહે.”

આમ વિચારી બીજે દિવસે સ્વામી શણગાર આરતી બાદ આચાર્યના મેડે પધાર્યા. બીજા સંતો પણ ત્યાં આવ્યા. થોડી વારમાં આચાર્ય મહારાજ આવ્યા અને કહ્યું, “કેમ, સ્વામી! તમારા આસને જાશું ને?”

ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “ના, હવે તો અહીં જ બેસવું છે અને અહીં જ હવેથી વાતો કરીશું.” એમ કહી પછી આ વચનામૃત ગઢડા મધ્ય ૯ પર સ્વરૂપનિષ્ઠાની જોરદાર વાતો કરતાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “આ વચનામૃત પ્રમાણે મહારાજને બીજા અવતાર જેવા જાણે તો સ્વરૂપનો દ્રોહ થયો કહેવાય, એ તો કોઈ મોટા પાસેથી સમજે તો સમજાય. આ તો પુરુષોત્તમનો ચાંદલો છે તેને કોણ પૂગે? માટે એક શ્રીજીમહારાજની મૂર્તિ સિવાય બીજું બધું હૈયામાંથી કાઢી નાખવું.” તે સાંભળી શુકમુનિ બોલ્યા, “આ વચનામૃત મહારાજે મને ઉદ્દેશીને કહ્યું છે અને આ વચનામૃત શોધવામાં કોઈ સદ્‌ગુરુનો ભાગ નથી. આ વચનામૃત લખ્યું મેં, શોધ્યું મેં, પરંતુ તે યથાર્થ તો આજે જ મને સમજાયું.” આ વાત સાંભળી રઘુવીરજી મહારાજે કહ્યું, “સ્વામી! મહારાજનાં ચરિત્ર દીઠાં હોય, સાંભળ્યાં હોય, તો પણ જીવ કહેતાં-લખતાં કેમ અટકે છે?”

શુકમુનિ પર આ માર્મિક ટકોર હતી. ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું, “ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગી ગયો – જાગ્યો – પગ અધ્ધર તોળીને – ઘોડાનો ધણી કહે, ‘આ શું થયું?’ – વૈદ્ય, હકીમ બોલાવ્યા, પણ કોઈ કળી શક્યા નહીં – હોશિયાર વૈદ્ય કહે, ‘ઘોડાનો પગ ભાંગ્યો નથી ને માંદો પણ થયો નથી, સ્વપ્ન થયું છે’ – ‘શું કરવું?’ ‘બસો ઘોડા સાબદા કરો. તોપું-બંદૂકુંના ભડાકા થશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે.’ એમ કર્યું. પછી ઘોડાએ પગ ભોં પર મૂકી દીધો. એમ સિદ્ધાંત શો?

“શ્રીજીમહારાજનાં ચરિત્ર દીઠાં, સાંભળ્યાં હોય તોય લખતાં અટકે. તેને શાસ્ત્રના શબ્દોની ભ્રાંતિ પડી ગઈ છે. માટે સર્વોપરીપણાની વાતો કર્યા કરીશું તો શબ્દની ભ્રાંતિ ટળી જશે, ને શ્રીજીમહારાજનું જેવું છે તેવું સ્વરૂપ હૈયામાં સમજાઈ જશે પછી લખતાં નહીં અટકે.” (સ્વામીની વાતો - ૩/૧૯)

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૩૭૪]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase