॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૧: એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું

પ્રસંગ

પ્રસંગ ૧

સં. ૧૯૬૯, સારંગપુર. સ્વામીશ્રીના સંતો સવારે વહેલા ઊઠી પ્રસાદીને કૂવે (હાલ જે આપણા મંદિરમાં કૂવો છે અને જેના ઉપર પંપ ગોઠવ્યો છે) રોજ નાહવા જતા અને નાહીને પાણીનાં માટલાં ભરી પીઠાવાળે ઓરડે લાવતા.

એક દિવસ પરોઢિયે સાધુ હરિકૃષ્ણદાસ કૂવે નાહીને માથે પાણીનું ભરેલું માટલું ઊંચકીને પીઠાવાળે ઓરડે આવતા હતા. એટલામાં ઝીંઝરના દરબાર રાણાભાઈ નાહવા જતા હતા તે તેમને સામા મળ્યા. આ સાધુને આ પ્રમાણે પાણીનાં માટલાં ઊંચકી જતાં જોઈ, દરબાર બોલ્યા, “સાધુ! શું કામ હેરાન થાઓ છો? માથે પાણીનાં માટલાં, પગમાં જોડા નહિ. આવો મમત શું કામ રાખો છો? ચાલો, અમારા મંદિરમાં, રાજધાની ભોગવવાની છે, રાજધાની.”

તેમના આવા અણસમજણના શબ્દો સાંભળી હરિકૃષ્ણદાસે તેમને કહ્યું, “તમે અમારા સ્વામી ભેગા થાઓ અને સમાગમ કરો તો તમને ખબર પડે કે અમે આ મમત્વે કરીને કરીએ છીએ કે મહારાજને રાજી કરવા કરીએ છીએ. તમે ઓરડે આવો તો અમારા સ્વામી તમને સમજણ પાડશે. વળી, અમારે સાધુને તો સેવા જ કરવાની હોય! રાજધાની ભોગવવી હોત તો ઘર શું કામ મૂકત?”

દરબારને આ શબ્દો લાગી ગયા. પોતે પૂર્વના મુમુક્ષુ હતા, એટલે તરત જ તેમણે કહ્યું, “હું હમણાં નાહીને ઓરડે આવું છું.” એમ કહી પોતે નાહવા ગયા.

હરિકૃષ્ણદાસે ઓરડે આવીને સ્વામીશ્રીને આ વાત કરી. તેમણે દરબારને આપેલા જવાબથી સ્વામીશ્રી રાજી થયા અને કહ્યું, “આવો મહિમા સમજાય અને ખપ જાગે ત્યારે મોટાપુરુષને રાજી કરતાં આવડ્યું કહેવાય.”

ઝીંઝરના દરબાર રાણાભાઈ નાહીને ઓરડે આવ્યા. શાસ્ત્રીજી મહારાજને દંડવત્ કરીને સ્વામીશ્રી સન્મુખ પોતે બેઠા અને હાથ જોડીને કહ્યું, “આપના વિષે મેં ઘણી ઘણી વાતો સાંભળી છે, પણ ‘બહાર નીકળી ગયા છે, બંડિયા છે.’ એવા વિરોધી શબ્દોથી અત્યાર સુધી દર્શન કરવા નહોતો આવતો.”

સ્વામીશ્રી તેમના તરફ સહેજ હસ્યા અને પછી કહ્યું, “તમે તો પૂર્વના સંસ્કારી છો, એટલે અહીં અવાયું છે.” એમ કહી હરિકૃષ્ણદાસને કહ્યું, “લાવો, વચનામૃતનો ચોપડો.”

પછી તેમની પાસે ‘અક્ષરનાં બે સ્વરૂપ’ના નિરૂપણનું (વચનામૃત ગઢડા પ્રથમ ૨૧) તથા “ભગવાનના ભક્તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી” (વચનામૃત ગઢડા પ્રથમ ૭૧); વળી “ભગવાનના સંતની સેવા બહુ મોટાં પુણ્યવાળાને મળે છે પણ થોડાં પુણ્યવાળાને મળતી નથી.” (વચનામૃત ગઢડા મધ્ય ૫૯); તેમ જ “ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય અને તે બે જન્મે કે ચાર જન્મે તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનાર હોય, તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે, એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.” (વચનામૃત વરતાલ ૫); આ બધાં વચનામૃત વંચાવી, મહારાજના ઉત્તમ ભક્ત અને સંત તો ગુણાતીતાનંદ સ્વામી જ છે, ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષરનો અવતાર છે અને અક્ષરધામ સહિત મહારાજના સ્વરૂપની ઉપાસના કરવી, તે જ ઉપાસનાનો સનાતન સત્ય સિદ્ધાંત છે તે સમજાવ્યું.

વચનામૃતના આધારે સ્પષ્ટ અને સિદ્ધાંતની વાત સાંભળી, રાણાભાઈને આ શુદ્ધ ઉપાસનાની વાત સમજાઈ ગઈ.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૩૮૩]

પ્રસંગ ૨

સં. ૧૯૧૫માં એક વાર ગુણાતીતાનંદ સ્વામી સમઢિયાળા (ભોજા ભક્તનું) ગામે પધાર્યા હતા. સૌએ દૂધપાક-પૂરીની રસોઈ કરાવી. ઠાકોરજીને થાળ ધરાવી સૌ જમ્યા. બપોરની કથામાં શ્રીજાગા ભક્ત સ્વામી આ વચનામૃત ગઢડા પ્રથમ ૨૧મું વાંચતા હતા. ગુણાતીતાનંદ સ્વામી બાજુમાં પોઢ્યા હતા.

કથાપ્રસંગમાં ભાયાભાઈએ જાગા ભગતને પૂછ્યું, “આ વચનામૃતમાં આવ્યું તે અક્ષરનાં બે સ્વરૂપ કયાં? મહારાજની સેવામાં જે અક્ષર રહ્યા છે અને આ લોકમાં મહારાજની સાથે આવ્યા તે અક્ષર કયા?”

આ સાંભળી ગુણાતીતાનંદ સ્વામી પથારીમાં બેઠા થઈ ગયા અને બોલ્યા, “ભાયાભાઈ! શું પ્રશ્ન પૂછ્યો?” ત્યારે ભાયાભાઈએ તેમનો પ્રશ્ન ફરી કહ્યો.

તે સાંભળી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “તારે હવે બીજે ક્યાં ગોતવા જવું પડે એમ છે? આ તારી આગળ બેઠા છે તે જ અક્ષર, મહારાજની સેવામાં રહ્યા છે અને મહારાજ સાથે આ લોકમાં મનુષ્ય દેહ ધારીને આવ્યા છે. આ અમે તારે ગામ આવ્યા તે જ તારું ધન્ય ભાગ્ય માન ને! નહીં તો ક્યાં અક્ષર અને ક્યાં આ સમઢિયાળું ગામ!”

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૫૧૫]

પ્રસંગ ૩

સં. ૧૯૭૦, સારંગપુર. ભાવનગરના મુમુક્ષુ ભક્તરાજ કુબેરભાઈ સારંગપુર મંદિરે આવ્યા, પરંતુ “સ્વામીશ્રી તો બે-ત્રણ દિવસ પહેલાં જ ગુજરાત તરફ ગયા છે,” તે સમાચાર કોઠારી શંકર ભગત પાસેથી સાંભળીને, તેમને જરા ઉદાસીનતા થઈ. સ્વામી વિજ્ઞાનદાસજીએ કુબેરભાઈની મુમુક્ષુતા પારખી તેમને પાસે બેસાડ્યા અને અહીં આવવાનું પ્રયોજન પૂછ્યું. તેમણે પોતાની હકીકત સવિસ્તર કહી અને કહ્યું, “મારું નામ કુબેરભાઈ છે. ભાવનગરના અમે વતની છીએ. વળી, સત્સંગી પણ છીએ, પણ તમે આ જુદું કર્યું છે તેથી અમારું મન જરા નોખું રહે છે.”

વિજ્ઞાનદાસ સ્વામીએ તેમની વાત શાંતિથી સાંભળી લીધી અને પછી કહ્યું, “અમારી વાત શાસ્ત્ર અનુસાર અને શ્રીજીમહારાજના સિદ્ધાંત પ્રમાણે જ છે.” એમ કહી વચનામૃતનો ચોપડો મંગાવી તેમને આપ્યો અને કહ્યું, “વાંચો.” ત્યારબાદ વચનામૃત ગઢડા મધ્ય ૯, ૨૪, ૩૦; ગઢડા પ્રથમ ૨૧, ૭૧ વગેરે વચનામૃત વંચાવી અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત સમજાવ્યો.

આ વચનામૃતોનાં નિરૂપણથી કુબેરભાઈનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. પોતે પૂર્વના મુક્ત હતા. વળી, નીડર અને શુદ્ધ મુમુક્ષુ હતા. એટલે જૂની માન્યતાનાં ખોટાં બંધનો તૂટી ગયાં અને અક્ષરપુરુષોત્તમનું તત્ત્વે સહિત જ્ઞાન થઈ ગયું. પછી મનમાં વિચાર કર્યો કે: “આ સાધુ જ્યારે આવા જ્ઞાની છે તો તેમના ગુરુ સ્વામી શાસ્ત્રીજી મહારાજ કેવા હશે?”

પછી વર્તમાન લઈ, કંઠમાં અક્ષર અને પુરુષોત્તમની યુગલ-ઉપાસનાના પ્રતીકરૂપ બેવડી નવી તુલસીની કંઠી પહેરી, સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના શિષ્ય તરીકે ઉઘાડા પડ્યા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૪૦૧]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase