॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૧: ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

પ્રસંગ

પ્રસંગ ૧

વિ. સં. ૧૯૨૧ની સાલમાં પવિત્રાનંદ સ્વામી જૂનાગઢમાં સાત દિવસ રોકાયા હતા. તે દરમ્યાન પ્રાગજી ભક્ત રઘુવીરચરણદાસના આસને બેસી રાત્રે બાર વાગ્યે આ વચનામૃત ગઢડા પ્રથમ ૭૧ મુજબ “ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે” એવું પ્રતિપાદન કરી રહેલા. આ સાંભળી પવિત્રાનંદ સ્વામીએ કંટાળીને કહેલું, “એલા, પ્રાગજી! બાર વાગ્યા. હવે તો અક્ષરનું સાલ મૂક.”

એમ કહી પ્રાગજી ભક્ત પર ખિજાયેલા અને આક્રોશવશ થઈ બોલેલા, “તને વિમુખ ન કરું તો હું પવિત્રાનંદ નહીં.”

તે વખતે ભગતજી મહારાજ પણ બોલેલા, “જો મેં ગુણાતીતાનંદ સ્વામીને સેવ્યા હશે અને જો સ્વામી મૂળ અક્ષર હશે તો તમારી જ ભેગા બેસીને કથાવાર્તા કરવી છે અને જેવું છે તેવું જ્ઞાન કરવું છે.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૦૩]

પ્રસંગ ૨

સં. ૧૯૧૧માં ગુણાતીતાનંદ સ્વામી ચાર માસ સુધી વરતાલ રોકાયેલા અને બ્રહ્મપડછંદા ગજાવેલા. આ પ્રસંગે એક દિવસ શણગાર આરતી પછી સભામાં ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસજી પાસે વચનામૃત ગઢડા પ્રથમ ૭૧ વંચાવેલું. તેના આધારે ગુણાતીતાનંદ સ્વામીએ જ સભામાં પ્રશ્ન પૂછેલો, “આ વચનામૃતમાં મહારાજ સાથે આવેલા અક્ષરધામ તે કોને સમજવા?”

ગુણાતીતાનંદ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન બે દિવસ સુધી કોઈ દ્વારા થયું નહીં. ત્રીજે દિવસે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, “સ્વામી! આપે જે પ્રશ્ન ‘અક્ષર કોણ?’ બે દિવસ પહેલાં પૂછ્યો હતો તેનો ઉત્તર તો તમથી જ થશે. માટે તમે જ કૃપા કરીને કહો.”

ત્યારે મંદ મંદ હસતાં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “જેની વાંસે ઝાઝા મનુષ્યો ખેંચાતા હોય તેને અક્ષર જાણવા. વળી, જેની વાતોથી અજ્ઞાન દૂર થઈ જીવમાં બ્રહ્મભાવ પ્રગટ થતો હોય તેને અક્ષર જાણવા. વળી, જેની વાતોથી શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે તેવો તત્ત્વે કરીને નિશ્ચય જીવમાં દૃઢ થતો હોય તેને અક્ષર જાણવા.”

ગુણાતીતાનંદ સ્વામીનો આ ઉત્તર સાંભળી કથા બાદ સ્વામીના હેતવાળા હરિભક્તોએ તેઓને જ પૂછ્યું, “સ્વામી! આજ બપોરની કથામાં આપે ચોખ્ખું કેમ ન કહ્યું?”

ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલેલા, “તમે જેમ સમજો છો તેમ બરોબર છે. બાકી સભામાં તો ઉત્તર જેમ થાતો હોય તેમ થાય.”

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૩૮૧]

પ્રસંગ ૩

ઈ. સ. ૧૯૬૮માં પોરબંદર ખાતે બપોરે જમ્યા બાદ કથામાં વાત કરતા યોગીજી મહારાજ બોલેલા, “હરિનારાયણ સ્વામી મૂળીના હતા. તે કોઈએ રસોઈ આપી હોય અને લાડુ વધ્યા હોય તેનું બિલ ન કરે. ગુણાતીતાનંદ સ્વામીના હેતવાળા હતા. મૂળી મંદિરમાં એક વખત સભામાં વાત નીકળી, “અક્ષર સાકાર કે નિરાકાર?” બધા કહે, “હરિનારાયણ સ્વામી કહે તે સાચું.” ત્યારે તેમણે વચનામૃત ગઢડા પ્રથમ ૭૧મું કઢાવ્યું ને અક્ષર સાકાર છે એમ સમજાવેલું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૨૪]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase