॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૩: પાણીનો ઘડો ઢોળ્યાનું, સ્થિતિમાં રહેવાનું

આખ્યાન

શિવજી નો’તા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા...

ભગવાન શંકરે જ્યારે જાણ્યું કે ભગવાન વિષ્ણુએ મોહિનીરૂપ ધારણ કરીને અસુરોને મોહિત કર્યા અને દેવોને અમૃત પિવડાવી દીધું, ત્યારે તેમને ભગવાનના એ મોહિનીરૂપનાં દર્શન કરવાની ઉત્કંઠા જાગી. આથી સતી દેવીની સાથે વૃષભ પર સવાર થઈને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. ત્યાં તેમણે વિષ્ણુની સ્તુતિ કરી અને ફરીથી મોહિનીરૂપ ધારણ કરવા વિનંતી કરી. ત્યારે વિષ્ણુ ભગવાને તેમને સમજાવ્યા કે એ રૂપ તો દેવોનું કામ પાર પાડવા અને અસુરોને મોહ પમાડવા જ ધારણ કર્યું હતું. તમે તે રૂપ જોવા ઇચ્છો છો તો બતાવીશ, પણ તે કામી પુરુષો માટે જ યોગ્ય છે. એમ કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા અને શિવજીને ઉપવનમાં મોહિનીરૂપનાં દર્શન થયાં. તેઓ આ રૂપ જોઈને વિહ્વળ થયા અને પોતાની પત્ની સતી અને તમામ ભૂતગણની ઉપસ્થિતિ હોવા છતાં મોહિનીની પાછળ દોડ્યા. તેના કેશ પકડી તેને આલિંગન કર્યું. તેમના વીર્યનું પતન થયું ત્યારે તેઓને પોતાની સ્થિતિનું ભાન થયું. પણ ભગવાનના મહિમાનો વિચાર કર્યો તેથી શોક ન પામ્યા.

[ભાગવત: ૮/૧૨]

એવી સ્થિતિમાં બ્રહ્મા નો’તા વર્તતા તો સરસ્વતીને દેખીને...

બ્રહ્માજીએ ભગવાનની ઇચ્છાથી સૃષ્ટિના સર્જનનો સંકલ્પ કર્યો ત્યારે તેમનાં વિવિધ અંગોમાંથી વિવિધ સર્જન થયાં. તેમાં તેમના મુખમાંથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી ઉત્પન્ન થયાં હતાં. તેઓ ખૂબ જ સુકોમળ અને સુંદર હતાં. એક વાર બ્રહ્માજી તેને જોઈને કામમોહિત થઈ ગયા. તેમને આવો અધર્મમય વિચાર કરતાં જોઈને તેમના પુત્રો મરીચિ ઋષિ વગેરેએ સમજાવ્યા, “પિતાજી! તમે સમર્થ છો તો પણ પોતાના મનમાં ઉત્પન્ન થયેલા કામના વેગને નહીં રોકતા પુત્રી-ગમન જેવું દુસ્તર પાપ કરવાનો વિચાર કરી રહ્યા છો! આવું તો તમારા પૂર્વે થયેલા કોઈ બ્રહ્માએ કર્યું નથી. અને ભવિષ્યમાં પણ કરશે નહીં.” પોતાના પુત્રો દ્વારા આમ સમજાવવાથી બ્રહ્માજી ઘણી લજ્જા પામ્યા અને તેમણે તે શરીર તે જ સમયે ત્યજી દીધું.

[ભાગવત: ૩/૧૨/૨૮]

નારદજી નો’તા વર્તતા તો પરણ્યાનું મન થયું...

હિમાલયમાં ગંગાકિનારે નારદજીએ તપ કર્યું. તેને વિચલિત કરવા ઇન્દ્રે કામદેવને મોકલ્યા. નારદજી અડગ રહ્યા. કામદેવે નારદની માફી માંગી. દેવતાઓએ વખાણ્યા. નારદે આ વાત શંકરને કરી. શંકરે નારદને આ વાત વિષ્ણુને ન કરવા કહ્યું. છતાં નારદે વિષ્ણુ ભગવાનને કામ જીત્યાના ગર્વની વાત કરી. નારદનો ગર્વ ઉતારવા ભગવાને માયાવી નગરી કરી. શીલનિધિ રાજાની એ નગરીમાં કન્યા વિશ્વમોહિનીના સ્વયંવર માટે રાજાએ નારદજી પાસે કન્યાનો હાથ બતાવ્યો. નારદ કન્યામાં મોહ પામ્યા. આથી તેઓને પરણવાની ઇચ્છા થઈ.

[તુલસી રામાયણ, બાલકાંડ: ૧૨૩-૧૩૩]

જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નો’તો તો રાસક્રીડા...

ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં શરદપૂનમની રાત્રે ગોપીઓ સાથે મહારાસ ખેલ્યો. આ રાસલીલાનું શુકદેવજીએ અદ્‌ભુત વર્ણન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણની એ મનુષ્ય લીલાઓનું શ્રવણ કરીને રાજા પરીક્ષિતના મનમાં મોટો સંશય થયો કે: “ભગવાન શ્રીકૃષ્ણે ધર્મની સ્થાપના માટે અવતાર લીધો છે તો ધર્મથી વિપરીત પરસ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો?” ત્યારે શુકદેવજીએ ભગવાનનો મહિમા કહેતાં જણાવ્યું, “અગ્નિ બધું ભક્ષણ કરે છે, પરંતુ પદાર્થોના દોષોથી તે લિપ્ત થતો નથી. સામર્થ્યવાન પુરુષોને શુભ કર્મો કરવામાં તેમનો કોઈ સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મો કરતાં તેમને કોઈ અનર્થ થતો નથી. જે સર્વ જીવ-પ્રાણી માત્રના એકમાત્ર ભગવાન છે, તેમના જીવનમાં પાપ-પુણ્યનો સંબંધ કઈ રીતે કહી શકાય!!” આવી રીતે ભગવાનનો દિવ્ય મહિમા કહીને શુકદેવજીએ પરીક્ષિતનો સંશય ટાળી નાંખ્યો.

[ભાગવત: ૧૦/૩૩]

ઇન્દ્રને કલંક

વિશ્વામિત્ર ઋષિ ભગવાન રામ અને લક્ષ્મણની સાથે મિથિલા પહોંચ્યા ત્યાં જૂના ખંડિત આશ્રમ વિશેની રામની પૃચ્છામાં વિશ્વામિત્ર આ આખ્યાન જણાવે છે.

મહર્ષિ ગૌતમ પત્ની અહલ્યાની સાથે આ આશ્રમમાં નિવાસ કરીને તપસ્યા કરતા હતા. એક વાર ગૌતમ ઋષિ સમિધનાં લાકડાં લેવા બહાર ગયા તે જ વખતે ઇન્દ્ર ગૌતમ મુનિનો વેશ ધારણ કરીને અહલ્યા પાસે આવ્યા. તેમણે અહલ્યા પાસે સમાગમ કરવાની માંગણી કરી. અહલ્યાએ ઇન્દ્રને ઓળખી લીધા હોવા છતાં આ પ્રસ્તાવ સ્વીકારીને ઇન્દ્ર સાથે સમાગમ કર્યો. જ્યારે ઇન્દ્ર અહલ્યા પાસેથી આશ્રમની બહાર નીકળતા હતા તે જ વખતે ગૌતમ ઋષિ આશ્રમમાં પ્રવેશ્યા અને ઇન્દ્રને પોતાના વેશમાં જોઈને રોષે ભરાઈને શાપ આપે છે કે, “દુર્બુદ્ધિના! તેં મારું રૂપ ધારણ કરીને આ ન કરવા યોગ્ય પાપકર્મ કર્યું છે. તેથી તે વિફળ (અંડકોશ વિનાનો) થઈ જઈશ.” અહલ્યાને પણ શાપ આપતા કહ્યું, “તું પણ અહીં હજારો વર્ષો સુધી માત્ર હવાને ખાતી, કષ્ટ ભોગવતી રહીને રાખમાં પડી રહીશ. બધાં પ્રાણીઓથી અદૃશ્ય રહીશ. જ્યારે દશરથ કુમાર રામ આ વનમાં આવશે ત્યારે શાપમાંથી મુક્ત થઈશ.” ત્યારબાદ ઇન્દ્રની પ્રાર્થનાથી પિતૃદેવતાઓએ પોતાના ઘેટાના અંડકોષ ઇન્દ્રના શરીરમાં જોડી દીધા.

[વાલ્મીકિ રામાયણ, બાલકાંડ: ૪૭-૪૮]

ચંદ્રને કલંક

બ્રહ્માજીના પુત્ર અત્રિના નેત્રમાંથી ચંદ્રમાનો જન્મ થયો. બ્રહ્માજીએ ચંદ્રમાને બ્રાહ્મણો, ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. તેમણે ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કર્યો અને રાજસૂય યજ્ઞ કર્યો. તેના અભિમાનમાં બૃહસ્પતિજીની પત્ની તારાનું હરણ કર્યું. આથી ચંદ્ર અને બૃહસ્પતિ વચ્ચે યુદ્ધ થયું. ચંદ્રના પક્ષે શુક્રાચાર્ય અને અસુરો રહ્યા. બૃહસ્પતિના પક્ષે સમસ્ત દેવગણ અને ભૂતગણો સાથે મહાદેવજી રહ્યા. અંગિરસ ઋષિએ બ્રહ્મા પાસે જઈ યુદ્ધ રોકવા વિનંતી કરી. આથી બ્રહ્માએ ચંદ્રને બોલાવી ધમકાવી તારાને પરત કરવા કહ્યું. ત્યારે ખબર પડી કે તારા તો ગર્ભવતી છે. બૃહસ્પતિના કહેવાથી તારાએ બાળકને ગર્ભથી અલગ કર્યો. ત્યારે બૃહસ્પતિ અને ચંદ્ર બંનેએ તે બાળક માટે દાવો કર્યો. બ્રહ્માજીના પૂછવાથી તારાએ આ બાળક ચંદ્રમાંથી થયું છે એમ કહ્યું. એટલે ચંદ્રમાં તે બાળકને લઈ ગયા. બ્રહ્માએ બાળકનું નામ બુધ રાખ્યું.

[ભાગવત: ૯/૧૪/૨-૧૪]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * યોગીગીતા મર્મ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase