હરિસ્મૃતિ

૧. સ્વરૂપ ચિંતામણિ

દોહા

મનોહર સુંદર મૂરતિ, સહજાનંદ સુખરૂપ ॥

નખશિખ સુધી નીરખતાં, આવે આનંદ અનૂપ ॥૧॥

પ્રથમ પ્રભુ પ્રગટને, રાખું હૃદયામાંય ॥

અંગોઅંગ અવલોકીને, અંતર રહું ઉછાય ॥૨॥

ચોપાઇ ધ્રુવપદી

પુરુષોત્તમ પરમ દયાળ, નાથ નીરખ્યા છે ।

શ્રીભક્તિધર્મના બાળ, નાથ નીરખ્યા છે ॥

સુખદાયી સહજાનંદ, નાથ૦ । સત્સંગીના સુખકંદ, નાથ૦ ॥૩॥

અંગોઅંગમાં અવિનાશ, નાથ૦ । તેણે હૈયે છે હુલાસ, નાથ૦ ॥

પ્રથમ પેખીને બે પાવ, નાથ૦ । આવે અંતરે ઉછાવ,1 નાથ૦ ॥૪॥

અંબુજ2 અરુણ3 વર્ણ બે ચરણ, નાથ૦ । હરિભક્તના ભયહરણ, નાથ૦ ॥

તેમાં શોભે ચિહ્ન સોળ, નાથ૦ । અવલોકે સુખ અતોળ, નાથ૦ ॥૫॥

જમણા ચરણનાં ચિહ્ન જોઈ, નાથ૦ । સ્વસ્તિ અષ્ટકોણ છે સોઈ, નાથ૦ ॥

વજ્ર અંકુશ ને ધ્વજ, નાથ૦ । જવ જાંબુ કહિયે કંજ,4 નાથ૦ ॥૬॥

પગ બેહુમાં ઉર્ધ્વરેખ, નાથ૦ । શોભે અતિશય વિશેષ, નાથ૦ ॥

પગ ડાબે ચિહ્ન સાત, નાથ૦ । સદા સુખદાયી સાક્ષાત, નાથ૦ ॥૭॥

મત્સ ત્રિકોણ ને વ્યોમ, નાથ૦ । કલશ ધનુષ ને સોમ,5 નાથ૦ ॥

ગોપદ સોતા ગણિયે સાત, નાથ૦ । સોળે ચિહ્ન એહ વિખ્યાત, નાથ૦ ॥૮॥

જમણે અંગૂઠે નખમાંય, નાથ૦ । શોભે ઉર્ધ્વરેખ એક ત્યાંય, નાથ૦ ॥

બેઉ પાવલિયા પૂનિત, નાથ૦ । ચોટે આંગળિયો જોઈ ચિત્ત, નાથ૦ ॥૯॥

જેવી અરુણ કમળની કળી, નાથ૦ । એવી શોભે પગ આંગળી, નાથ૦ ॥

નખશ્રેણી મણિ સમ, નાથ૦ । ઊપડતા ને રૂડા રમ્ય, નાથ૦ ॥૧૦॥

અંગૂઠા આંગળિયો બહુ સારી, નાથ૦ । જોઈ અંતર લિયો ઉતારી, નાથ૦ ॥

આંગળી અંગૂઠા ઉપર, નાથ૦ । શોભે ઝીણા રોમ સુંદર, નાથ૦ ॥૧૧॥

ફણા6 તણા લાંક7 જોઈ, નાથ૦ । શોભે ઘુંટી ઘણું દોઈ, નાથ૦ ॥

ગોળ રંગચોળ બે પેની, નાથ૦ । શું હું કહું શોભા તેની, નાથ૦ ॥૧૨॥

કાંડાં કોમળ બે કહીએ, નાથ૦ । જંઘા જોઈને સુખ લઈએ, નાથ૦ ॥

પિંડી સરખી ને સુંવાળી, નાથ૦ । નળી8 લાગે છે રૂપાળી, નાથ૦ ॥૧૩॥

જોયા જેવા છે બે જાનું,9 નાથ૦ । ઘૂંટણ નામ ધામ શોભાનું, નાથ૦ ॥

ડાબા જાનું પર ચિહ્ન જોઈ, નાથ૦ । મારું મન રહ્યું છે મોહી, નાથ૦ ॥૧૪॥

ઊરુ10 શોભે સુંદર સુંવાળા, નાથ૦ । રંભાસ્થંભ11 સાથળ રૂપાળા, નાથ૦ ॥

દુંદ ફાંદ દગે દેખી, નાથ૦ । મારી ધન્ય કમાઈ લેખી, નાથ૦ ॥૧૫॥

કોમળ કટી કહીએ કેવી, નાથ૦ । જોઈ અંતર ધાર્યા જેવી, નાથ૦ ॥

પે’રી વળ દેઈ પછેડી, નાથ૦ । મારું મન બાંધ્યાની બેડી, નાથ૦ ॥૧૬॥

ઊંડી નાભિ ગોળ ગંભીર, નાથ૦ । જોઈ જીવ ધરે છે ધીર, નાથ૦ ॥

પેટ રૂડું ને રૂપાળું, નાથ૦ । પિપળપાન સમ સુવાળું, નાથ૦ ॥૧૭॥

ત્રિવળી પડે છે જો તેમાં, નાથ૦ । પોયણ12 સમ શીતળ સુખ જેમાં, નાથ૦ ॥

નળ13 નીરખી મોહ્યું મન, નાથ૦ । શોભે સુંદર શ્યામ સ્તન, નાથ૦ ॥૧૮॥

છબીદાર ઊપડતી છાતી, નાથ૦ । પો’ળી રૂપાળી રંગરાતી, નાથ૦ ॥

હેતે ભર્યું અતિ હૈયું, નાથ૦ । તે કેમ કરી જાય કહ્યું, નાથ૦ ॥૧૯॥

કૂખ પડખાં બે બગલું, નાથ૦ । જોતા સુખ આવે છે ભલું, નાથ૦ ॥

ખભા ખૂબ જોયા મેં ખાંતે, નાથ૦ । શોભા શું વખાણું વાતે, નાથ૦ ॥૨૦॥

ભુજા ભરી બેઉ બળે, નાથ૦ । જોઈ જનમ મરણ ભય ટળે, નાથ૦ ॥

અતિ આજાનું14 બે બાહુ, નાથ૦ । જોઈ બલહારી હું જાઉં, નાથ૦ ॥૨૧॥

ગજ સૂંઢ સરીખી શોભે, નાથ૦ । દેખી લોચન મારાં લોભે, નાથ૦ ॥

દિલ માન્યું જોઈ ડેડરિયો,15 નાથ૦ । ગોળ અતોળ વળભરિયો, નાથ૦ ॥૨૨॥

કોણી સુંદર શ્યામ સુંવાળી, નાથ૦ । રૂડી લાગે છે રૂપાળી, નાથ૦ ॥

કળાઈ16 કાંડાં કૈ’એ કરભ,17 નાથ૦ । જોઈ ગળે મીનમન ગરભ,18 નાથ૦ ॥૨૩॥

હાથ હથેળી છે રાતી, નાથ૦ । જોઈ રેખા ઠરે છે છાતી, નાથ૦ ॥

પાંચે પાંચ આંગળિયો સારી, નાથ૦ । વેઢા વિરા19 ઉપર વારી, નાથ૦ ॥૨૪॥

તસુ ટેરવાં છે રાતાં, નાથ૦ । નથી કૈ’યે મે કે’વાતાં, નાથ૦ ॥

નખ લાલમણિ સમ સારા, નાથ૦ । તે તો મને લાગે પ્યારા, નાથ૦ ॥૨૫॥

તીખા અગ્ર ને તેજસ્વી, નાથ૦ । જોઈ જીવમાં ગયા વસી, નાથ૦ ॥

કર સુંદર સરખા બેઉ, નાથ૦ । જોઈ દિલ ઉતારી લેઉં, નાથ૦ ॥૨૬॥

કંઠ કંબુ સમ અવલ, નાથ૦ । તેના ખાડા વચ્ચે તલ, નાથ૦ ॥

ગળું રૂપાળું છે ઘણું, નાથ૦ । રૂડું સુંદર સોયામણું, નાથ૦ ॥૨૭॥

દાઢી દેખી દિલડું ઠરિયું, નાથ૦ । જોઈ વિષયસુખ વીસરિયું, નાથ૦ ॥

એવી ચિબુકે20 ચિત્ત ચોટે, નાથ૦ । મન માન્યું મનોહર કોટે,21 નાથ૦ ॥૨૮॥

અધર પરવાળાં22 સમ પેખી, નાથ૦ । દિલડું રીઝ્યું તેને દેખી, નાથ૦ ॥

હેતે ભરી વાણી હોઠે, નાથ૦ । સુણી બીજે મન ન ગોઠે, નાથ૦ ॥૨૯॥

દેખી દાંતતણી આવળિયું,23 નાથ૦ । કહીએ કુંદકુસુમની24 કળિયું, નાથ૦ ॥

રૂડા રૂપાળા રસભરિયા, નાથ૦ । સારા સુવર્ણે સાંકરિયા,25 નાથ૦ ॥૩૦॥

રસનાયે છે રૂડી વાણી, નાથ૦ । સુણી ચિત્તવૃત્તિ લોભાણી, નાથ૦ ॥

ચોખું બોલે છે ચતુરાયે, નાથ૦ । સુણી વાણી પર બલજાયે, નાથ૦ ॥૩૧॥

મુખ ભર્યું મનોહર હાસે, નાથ૦ । જોઈ જનમ મરણ દુઃખ નાસે, નાથ૦ ॥

નાસા અણિયાળી છે એવી, નાથ૦ । શુકચંચુ26 દીપશગ27 જેવી, નાથ૦ ॥૩૨॥

તે પર શીળી ચિહ્ન નિહાળો, નાથ૦ । જમણે ગાલે તિલ રૂપાળો, નાથ૦ ॥

ગૌર કપોળ28 છે ગોળ, નાથ૦ । જોઈ આવે સુખ અતોળ, નાથ૦ ॥૩૩॥

કર્ણ હરણ દુઃખના કહિયે, નાથ૦ । જોઈ મોટા સુખને લઈએ, નાથ૦ ॥

વામ કાને બિંદુ શ્યામ, નાથ૦ । અતિ શોભે શોભાધામ, નાથ૦ ॥૩૪॥

કાનબૂટે ચોટે ચિત્ત, નાથ૦ । જોઈ મન થાય ચકિત, નાથ૦ ॥

વાંસો લાંસો29 વાલો લાગે, નાથ૦ । જોઈ તિલ મોટો દુઃખ ભાગે, નાથ૦ ॥૩૫॥

આંખ્યો મન ગમતી મર્માળી, નાથ૦ । રાતી રેખાયે રૂપાળી, નાથ૦ ॥

અતિ ભરી છે અમૃતે, નાથ૦ । નિહાળી જોઈ છે મેં નિરાંતે, નાથ૦ ॥૩૬॥

પાંપણ ઉપર કરચલિયું, નાથ૦ । સારી શોભે છે બે ભલિયું, નાથ૦ ॥

ભ્રકુટિ નયણે નીરખી, નાથ૦ । દીસે કામકમાન30 સરખી, નાથ૦ ॥૩૭॥

ભાલ વચ્ચે રેખા રૂડી, નાથ૦ । મારી મીટ તણી છે મૂડી, નાથ૦ ॥

મોટે ભાગ્યે ભર્યું ભાલ, નાથ૦ । જોઈ લમણા છઉં નિહાલ, નાથ૦ ॥૩૮॥

નળવટ31 જોઈ મન લોભાણું, નાથ૦ । જાણ્યું દોયલા દિનનું નાણું, નાથ૦ ॥

કેશ કપાળ વચ્ચે કૈ’યે, નાથ૦ । ચિહ્ન ચિંતવી સુખ લૈયે, નાથ૦ ॥૩૯॥

તાળુ રૂપાળું છે તેહ, નાથ૦ । વાધે વિલોકે સનેહ, નાથ૦ ॥

સુંદર વાળ શ્વેત શ્યામ, નાથ૦ । પેખી થાય પુરણકામ, નાથ૦ ॥૪૦॥

શિખા સુંદર છે સારી, નાથ૦ । નખશિખા પર બલિહારી, નાથ૦ ॥

એવી મૂર્તિ મિરાંથ32 મારી, નાથ૦ । લેઉં અંતરે ઉતારી, નાથ૦ ॥૪૧॥

શોભે નખશિખા શરીર, નાથ૦ । ચિત્તે ચિંતવી ધરું ધીર, નાથ૦ ॥

પુષ્ટ અંગોઅંગ સુંદર, નાથ૦ । મૂર્તિ મરમાળી મનહર, નાથ૦ ॥૪૨॥

મૂર્તિ ઘણી છે ઘનશ્યામ, નાથ૦ । શાંત સ્વભાવે સુખધામ, નાથ૦ ॥

મહારાજની મૂર્તિ ન્યારી, નાથ૦ । કરચરણાદિક પર વારી, નાથ૦ ॥૪૩॥

અંગોઅંગે અવલોકી, નાથ૦ । આવે આનંદ અલોકી, નાથ૦ ॥

નખશિખા સુખની ખાણી, નાથ૦ । જીભે જાય નહિ વખાણી, નાથ૦ ॥૪૪॥

એવી મૂર્તિ મનરંજન, નાથ૦ । ચિત્તે ચિંતવું છું નિશદિન, નાથ૦ ॥

પ્રથમ પોઢી જાગે જ્યારે, નાથ૦ । જોઈ જન મગન મન ત્યારે, નાથ૦ ॥૪૫॥

દિયે દર્શન દીનદયાળ, નાથ૦ । નિજભક્તના પ્રતિપાળ, નાથ૦ ॥

પછી દેહક્રિયા કરી આવે, નાથ૦ । હાથ મૃત્તિકાયે મટીયાવે,33 નાથ૦ ॥૪૬॥

ચોળી એકુકી આંગળિયો, નાથ૦ । ધોઈ શુદ્ધ કરે સઘળિયો, નાથ૦ ॥

પછી દાતણ કરતા શ્યામ, નાથ૦ । મુખ ધોઈ લો’તા સુખધામ, નાથ૦ ॥૪૭॥

વતુ કરાવતાં વળી, નાથ૦ । નખ લેતાં દશ આંગળી, નાથ૦ ॥

અંગે અત્તર ચોળેલ, નાથ૦ । તેલ સુગંધી ફુલેલ,34 નાથ૦ ॥૪૮॥

વળી નાતા ઉન્હે નીરે, નાથ૦ । લુ’તાં લાસુ પટ શરીરે, નાથ૦ ॥

બીજું પે’રે કોરું પટ, નાથ૦ । ચઢતાં ચાંખડિયે ચટ, નાથ૦ ॥૪૯॥

ઓઢી પછેડી પાવન, નાથ૦ । આવ્યા જમવાને જીવન, નાથ૦ ॥

બેઠા ચાકળે અવિનાશ, નાથ૦ । હતો નિષ્કુળાનંદ પાસ, નાથ૦ ॥૫૦॥

 

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે પ્રથમઃ ચિંતામણિઃ ॥૧॥

ચિંતામણિ 🏠 home