હરિસ્મૃતિ

૫. માહાત્મ્ય ચિંતામણિ

દોહા

એમ નખશિખા મૂર્તિ નાથની, સમરતાં સુખ થાય ॥

અહોનિશ ઉરમાં ધારતાં, કરવું રહે ન કાંય ॥૧॥

ચરિત્ર સર્વ ચિંતવી, મૂરતિ ધારે મન ॥

કાળ માયા કર્મનું, વ્યાપે નહિ વિઘન ॥૨॥

ચોપાઇ ધ્રુવપદી

મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું ।

છો અવતારના અવતારી, જીવન જાણું છું ॥

મહાસમર્થ છો મહારાજ, જીવન૦ । વળી આપે રાજાધિરાજ, જીવન૦ ॥૩॥

પુરુષોત્તમ પૂરણબ્રહ્મ, જીવન૦ । તમને નેતિ કહે નિગમ,1 જીવન૦ ॥

વાસુદેવ દયાળુ સ્વભાવ, જીવન૦ । મહાપુરુષ મહાનુભાવ, જીવન૦ ॥૪॥

નારાયણ નિર્વિકારી, જીવન૦ । મહા પરમ મંગલકારી, જીવન૦ ॥

ભક્તભયહારી ભગવાન, જીવન૦ । આપ્યાં આશ્રિતને અભયદાન, જીવન૦ ॥૫॥

સચ્ચિદાનંદ દિવ્યમૂર્તિ, જીવન૦ । જેને અતિ અગમ કહે શ્રુતિ, જીવન૦ ॥

છો પરમ કલ્યાણકારી, જીવન૦ । એવી નૌતમ2 મૂર્તિ ન્યારી, જીવન૦ ॥૬॥

તમે કોટિ બ્રહ્માંડાધીશ, જીવન૦ । વળી સર્વેતણા છો ઈશ, જીવન૦ ॥

ધર્મધુંરધર ધન્ય ધન્ય, જીવન૦ । ભક્તિધર્મના નંદન, જીવન૦ ॥૭॥

અલૌકિક મૂર્તિ આપે, જીવન૦ । જોયે જનમમરણ દુઃખ કાપે, જીવન૦ ॥

તમે કાળમાયાના નિયંતા, જીવન૦ । છો ગુણસાગર ગુણવંતા, જીવન૦ ॥૮॥

તમે ભવ બ્રહ્માના સ્વામી, જીવન૦ । અકળ મૂર્તિ અંતરજામી, જીવન૦ ॥

પતિતપાવન અશરણ શરણ, જીવન૦ । અધમ ઉદ્ધારણ અઘહરણ, જીવન૦ ॥૯॥

નખશિખ મૂર્તિ મંગળરૂપ, જીવન૦ । આવે જોએ સુખ અનૂપ, જીવન૦ ॥

આનંદ પાવ3 આનંદ કર, જીવન૦ । આનંદમાં મુખ મનોહર, જીવન૦ ॥૧૦॥

આનંદરૂપ અનુપમ એવું, જીવન૦ । સૌ જનને જોયા જેવું, જીવન૦ ॥

આનંદ વસન ભૂષણ અંગે, જીવન૦ । આનંદ આપો છો ઉછરંગે, જીવન૦ ॥૧૧॥

કૃપાસિંધુ છો ઘનશ્યામ, જીવન૦ । ક્રોધ લોભ નિવારણ કામ, જીવન૦ ॥

પરમાત્મા પૂરણબ્રહ્મ, જીવન૦ । નીલકંઠ કહે નિગમ, જીવન૦ ॥૧૨॥

જીવ ઈશ્વરના છો સ્વામી, જીવન૦ । વળી સર્વે ધામના ધામી, જીવન૦ ॥

ક્ષર અક્ષરથી છો પર, જીવન૦ । અક્ષરબ્રહ્મ તમારું ઘર, જીવન૦ ॥૧૩॥

કાળ માયા તમારી શક્તિ, જીવન૦ । કરો બહુ કારજ એ વતી, જીવન૦ ॥

કોટિ બ્રહ્માંડને કરે છે, જીવન૦ । ઉત્પત્તિ સ્થિતિ ને હરે છે, જીવન૦ ॥૧૪॥

તેના નિયંતા છો તમે, જીવન૦ । સત્ય સ્વામી જાણ્યા અમે, જીવન૦ ॥

કારણના કારણ કહીયે, જીવન૦ । કાળના પણ કાળ લહીએ,4 જીવન૦ ॥૧૫॥

આત્માના આત્મા છોજી, જીવન૦ । પ્રાણના પણ પ્રાણ છોજી, જીવન૦ ॥

તમે ઈશ્વરના ઈશ્વર, જીવન૦ । અંતરજામી છો અઘહર, જીવન૦ ॥૧૬॥

સર્વેના છો સાક્ષી સાર, જીવન૦ । સકળ ફળના દેનાર, જીવન૦ ॥

સ્વયં જ્યોતિરૂપ રાજો,5 જીવન૦ । માયાગુણથી પર બિરાજો, જીવન૦ ॥૧૭॥

નિરાકાર નિરંજન કહે છે, જીવન૦ । તે શું તમારી ગતિ લહે છે, જીવન૦ ॥

છો અખંડ અવિનાશી, જીવન૦ । માયા રહિત છો સુખરાશી, જીવન૦ ॥૧૮॥

તમારી મૂર્તિનું પરિમાણ, જીવન૦ । કરી શકે શું અજાણ, જીવન૦ ॥

ચાર મુખે જો બ્રહ્મા ભાખે, જીવન૦ । પાંચ મુખે શિવ કહી દાખે, જીવન૦ ॥૧૯॥

સહસ્ર મુખે કહે શેષ, જીવન૦ । ષડાનન6 ગાય ગણેશ, જીવન૦ ॥

તોય કોયે ન પામે પાર, જીવન૦ । એવી મૂર્તિ છે અપાર, જીવન૦ ॥૨૦॥

સર્વે શાસ્ત્ર પુરાણ માંયે, જીવન૦ । ગુણ તમારા ગવાયે, જીવન૦ ॥

સર્વે દેવ વંદન કરે છે, જીવન૦ । વેદ સ્તુતિ ઉચ્ચરે છે, જીવન૦ ॥૨૧॥

એવા સમર્થ સહુના સ્વામી, જીવન૦ । સહુ રહે છે શીશ નામી, જીવન૦ ॥

તમારો ભય ભૂમીને ભારી, જીવન૦ । તેણે રહી છે લોકને ધારી, જીવન૦ ॥૨૨॥

તમારા ભયે સમે તરુ ફળે, જીવન૦ । ફૂલ ફળ વન સઘળે, જીવન૦ ॥

તમારા ભયથી શેષ હંમેશે, જીવન૦ । ચૌદ લોક ધાર્યા છે શીશે, જીવન૦ ॥૨૩॥

તમારા ભય થકી સાક્ષાત, જીવન૦ । વાસુ7 વરસાવે વરસાત, જીવન૦ ॥

તમારા ભયથી સૂર્ય શશી, જીવન૦ । ફરે કાળશક્તિ અહોનિશી, જીવન૦ ॥૨૪॥

તમારા ભયે બ્રહ્માંડે મૃત્યુ, જીવન૦ । રહે છે સદા સર્વત્ર ફરતું, જીવન૦ ॥

બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ, જીવન૦ । રહે છે મરજીમાં તતખેવ, જીવન૦ ॥૨૫॥

છે એક એક બ્રહ્માંડાધીશ, જીવન૦ । તે પણ નમાવે છે શીશ, જીવન૦ ॥

એવા છોજી એક નિયંતા, જીવન૦ । સહુ રહે છે તમથી ડરંતા, જીવન૦ ॥૨૬॥

એવા મોટા છો મહારાજ, જીવન૦ । તે મળ્યા છો મને આજ, જીવન૦ ॥

તે તો નાથ કરી છે દયા, જીવન૦ । તે ગુણ કેમ કરી જાય કહ્યા, જીવન૦ ॥૨૭॥

તમે મે’ર મુજ પર કીધી, જીવન૦ । વળી બુડતાં બાંહ્ય ગ્રહી લીધી, જીવન૦ ॥

જે જે કર્યો તમે ગુણ, જીવન૦ । બીજો કરે એવો કુંણ, જીવન૦ ॥૨૮॥

તમે બિરુદ પાળ્યું તમારું, જીવન૦ । જોયું નહિ કર્તવ્ય અમારું, જીવન૦ ॥

તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, જીવન૦ । એ તો આડો આંક જ વાળ્યો,8 જીવન૦ ॥૨૯॥

જનમતાં જતન કીધી, જીવન૦ । મારી બહુનામી બહુવિધિ, જીવન૦ ॥

ખાનપાન ખબર રાખી, જીવન૦ । શું હું દેખાડું કહી દાખી, જીવન૦ ॥૩૦॥

આજ સુધી પણ અમારી, જીવન૦ । રાખો છો ખબર સારી, જીવન૦॥

પળે પળે કરો પ્રતિપાળ, જીવન૦ । એવો બીજો કોણ દયાળ, જીવન૦ ॥૩૧॥

વળી અંતકાળે આવો છો, જીવન૦ । રથ વે’લ વિમાન લાવો છો, જીવન૦ ॥

વળી ઘણે મૂલે9 ચઢી ઘોડે, જીવન૦ । આવો છો સખા લઈ જોડે, જીવન૦ ॥૩૨॥

એમ અલબેલાજી આવો, જીવન૦ । દેહ દાસતણું મુકાવો, જીવન૦॥

તેને તેડી જાઓ છો સાથે, જીવન૦ । બેસારી રથ વિમાન માથે, જીવન૦ ॥૩૩॥

તેને આપો છો અક્ષરધામ, જીવન૦ । થાય છે જન તે પૂરણકામ, જીવન૦ ॥

બીજો એવો કોણ કૃપાળુ, જીવન૦ । તમ વિના દીઠા નહિ દયાળુ, જીવન૦ ॥૩૪॥

તમે દીનતણા છો બંધુ, જીવન૦ । સુખકારી સુખના સિંધુ, જીવન૦ ॥

તમે નાથ અનાથ જનના, જીવન૦ । તમે મહેરબાન છો મનના, જીવન૦ ॥૩૫॥

તમે નોધારાના આધાર, જીવન૦ । તમે દુર્બળના દાતાર, જીવન૦ ॥

તમે ભક્તના ભય હરતા, જીવન૦ । નિજજનને નિર્ભય કરતા, જીવન૦ ॥૩૬॥

તમે સંતજનના સ્નેહી, જીવન૦ । કાપો કષ્ટ પડે જેહી, જીવન૦ ॥

તમે દાસતણાં દુઃખ કાપી, જીવન૦ । કર્યા સુખિયા સુખ જ આપી, જીવન૦ ॥૩૭॥

એવા ભક્તવત્સલ ભગવાન, જીવન૦ । દીધાં આશ્રિતને અભયદાન, જીવન૦ ॥

તમે અશરણના છો શરણ, જીવન૦ । દુઃખ ટાળી સુખના કરણ, જીવન૦ ॥૩૮॥

નિજજનના સુખ સારું, જીવન૦ । ઇયાં આવવું છે તમારું, જીવન૦ ॥

તમે અગમ સુગમ થઈ, જીવન૦ । આવી જન ઉદ્ધાર્યા કંઈ, જીવન૦ ॥૩૯॥

તમે નરતન ધરિયું નાથ, જીવન૦ । સર્વે સામગ્રી લઈ સાથ, જીવન૦ ॥

દઈ દર્શ સ્પર્શનું દાન, જીવન૦ । નિર્ભય જન કર્યા નિદાન, જીવન૦ ॥૪૦॥

મૂર્તિ તમારી મહારાજ, જીવન૦ । સરે10 સહુનાં જોઈ કાજ, જીવન૦ ॥

દર્શ સ્પર્શ જે તમારો, જીવન૦ । મહામોટુ સુખ દેનારો, જીવન૦ ॥૪૧॥

મળવું તમારું છે મોઘું, જીવન૦ । તે તો સહુને થયું છે સોંઘું, જીવન૦ ॥

કિયાં અમે કિયાં આપ, જીવન૦ । કીડી કુંજરનો11 મેળાપ, જીવન૦ ॥૪૨॥

સહુના નાથ તમે નિયંતા, જીવન૦ । સર્વાધાર સર્વના કરતા, જીવન૦ ॥

સર્વ પર છો સર્વેશ્વર, જીવન૦ । સહુના પ્રેરક પરમેશ્વર, જીવન૦ ॥૪૩॥

ક્યાં તમે ને ક્યાં અમે, જીવન૦ । તે તો કૃપા કરી છે તમે, જીવન૦ ॥

તમે અઢળક ઢળ્યા છો આજ, જીવન૦ । મહામે’ર કરી મહારાજ, જીવન૦ ॥૪૪॥

દેખી દુઃખિયા અતિ દાસ, જીવન૦ । તમે આવ્યા છો અવિનાશ, જીવન૦ ॥

કરવા અનેકનો ઉદ્ધાર, જીવન૦ । સહુ જનની લેવા સાર, જીવન૦ ॥૪૫॥

એવી તકમાં હું પણ આવ્યો, જીવન૦ । મારો ફેરો સફળ ફાવ્યો, જીવન૦ ॥

મારા સરિયાં સર્વે કાજ, જીવન૦ । તે તો તમે મળ્યે મહારાજ, જીવન૦ ॥૪૬॥

દુઃખ દરિયામાંથી તાર્યો, જીવન૦ । વળી અધમને ઉદ્ધાર્યો, જીવન૦ ॥

મારા સાચા છો સનેહી, જીવન૦ । જોઈ જોઈ જોયું તેહી, જીવન૦ ॥૪૭॥

ખરી વેળાનો ખજીનો, જીવન૦ । છો દામ દોયલા દિનો, જીવન૦ ॥

મારા મરણ ટાણાની મૂડી, જીવન૦ । વળી ભવસાગરની હુડી,12 જીવન૦ ॥૪૮॥

એહ ભરોંસો છે મોટો, જીવન૦ । તે તો કે દી ન થાય ખોટો, જીવન૦ ॥

બદલે નહિ બિરુદ તમારું, જીવન૦ । શીદ શંકા મનમાં ધારું, જીવન૦ ॥૪૯॥

છે અચળ મારે આશરો, જીવન૦ । ખરા દિનમાં ખરાખરો, જીવન૦ ॥

મૂર્તિ તમારી મીરાંથ13 મારી, જીવન૦ । નહીં મેલું હું હવે ન્યારી, જીવન૦ ॥૫૦॥

રાખીશ જીવ સાથે હું જડી, જીવન૦ । નહીં મેલું હું અળગી ઘડી, જીવન૦ ॥

તેમ નહીં મુકાય તમથકી, જીવન૦ । કહે નિષ્કુળાનંદ નકી, જીવન૦ ॥૫૧॥

 

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે પંચમઃ ચિંતામણિઃ ॥૫॥

ચિંતામણિ 🏠 home