હરિસ્મૃતિ
૬. સુખ ચિંતામણિ
દોહા
એહ ભરોંસો ભીંતરે, અચળ છે ઉરમાંય ॥
શરણાગતની શ્યામળા, સદા કરો છો સહાય ॥૧॥
સુખના સાગર શ્રીહરિ, સદા સર્વદા શ્યામ ॥
નિજજનના નિધિ નાથજી, પુરુષોત્તમ પૂરણકામ ॥૨॥
ચોપાઇ ધ્રુવપદી
મૂર્તિ તમારી મહારાજ, સુખકારીજી ।
સૌ જનનો સુખ સમાજ, સુખકારીજી ॥
સાકાર મૂર્તિ સુખ ભંડાર, સુખ૦ । સ્પરશી બહુ પામ્યા ભવપાર, સુખ૦ ॥૩॥
પ્રગટ મૂર્તિ પ્રતાપે, સુખ૦ । સુરાસુર ઉદ્ધાર્યા આપે, સુખ૦ ॥
જે જે પ્રગટ પ્રસંગ પામ્યાં, સુખ૦ । તેનાં સર્વે સંકટ વામ્યાં, સુખ૦ ॥૪॥
તમથી સરિયાં સૌના કામ, સુખ૦ । તમે સૌના સુખ વિશ્રામ, સુખ૦ ॥
સ્પરશી પગ અંગૂઠો હવી,1 સુખ૦ । જન બહુ તારણ જાહ્નવી,2 સુખ૦ ॥૫॥
વળી પદરજ સ્પરશી શલ્યા, સુખ૦ । થઈ ગૌતમ તરુણી અહલ્યા, સુખ૦ ॥
એવો પદરજનો પ્રતાપ, સુખ૦ । ટળ્યો તરત તેનો સંતાપ, સુખ૦ ॥૬॥
વળી પદ સ્પર્શતાં કાળી,3 સુખ૦ । થયો નિર્ભય ભવભય ટાળી, સુખ૦ ॥
વૃંદાવનનાં વેલી વન, સુખ૦ । થયાં પદરજથી પાવન, સુખ૦ ॥૭॥
ઉદ્ધવ અક્રુરને મન પ્યારી, સુખ૦ । એવી પદરજ છે તમારી, સુખ૦ ॥
પગ પાવન પ્રીતે જોઈ, સુખ૦ । તુલસી રહી છે ત્યાં મોઈ, સુખ૦ ॥૮॥
એવાં ચરણ સદા સુખકારી, સુખ૦ । ધરે ધ્યાન તેનું ત્રિપુરારી,4 સુખ૦ ॥
શેષ સુરેશ અજ શશી, સુખ૦ । અર્ક અગ્નિ જે તેજસ્વી, સુખ૦ ॥૯॥
નારદ શારદ સહસ્ર અઠ્યાસી, સુખ૦ । તે પણ હરિ પગના ઉપાસી, સુખ૦ ॥
એવા અશરણશરણ ચરણ, સુખ૦ । ધારે હરિજન અંતઃકરણ, સુખ૦ ॥૧૦॥
પૂજે જન મળી વળી પ્રીતે, સુખ૦ । વળી ચિંતવે છે નિત્ય ચિત્તે, સુખ૦ ॥
એવા પગ પાવન છે બહુ, સુખ૦ । સુખદ જાણી સેવે સહુ, સુખ૦ ॥૧૧॥
સ્પર્શી પાવન છે પૃથવી, સુખ૦ । તેણે રાજી રહે નિત્ય નવી, સુખ૦ ॥
એવા પાવલિયાને પેખી, સુખ૦ । દિલડું રિઝે જનનું દેખી, સુખ૦ ॥૧૨॥
જંઘા જોઈને ઇન્દિરા,5 સુખ૦ । ચરણ ચાંપે ધીરાધીરા, સુખ૦ ॥
જાનું જુગલ જોઈ જન, સુખ૦ । સદા સુખી મન મગન, સુખ૦ ॥૧૩॥
સાથળ સુંવાળી બે સારી, સુખ૦ । મગન પીઠ ધરી પન્નગારી,6 સુખ૦ ॥
ઉદર સુંદર અતિ સારું, સુખ૦ । જોઈ જન ત્યાં રહ્યાં હજારું, સુખ૦ ॥૧૪॥
નાભિ થકી અજ ઉપજી, સુખ૦ । પામ્યા મોટ્યપ મનરંજી,7 સુખ૦ ॥
ઉર જોઈ શોભાધામ, સુખ૦ । કર્યો કમળાએ વિશ્રામ, સુખ૦ ॥૧૫॥
ગળે શોભા જોઈ ઘણી, સુખ૦ । પામી સુખ ત્યાં કૌસ્તુભમણિ, સુખ૦ ॥
મુખે સુખ પામી સરસ્વતી, સુખ૦ । રહી છે રાજી થઈને અતિ, સુખ૦ ॥૧૬॥
મુખે સુખ પામ્યાં કંઈ જન, સુખ૦ । મુખ સહુનું સુખ સદન, સુખ૦ ॥
મુખે મોહ્યા મોટા મુનિ, સુખ૦ । મુખ સુખનિધિ સહુની, સુખ૦ ॥૧૭॥
મુખ જોઈ દુઃખ ટળે છે, સુખ૦ । આવે સુખ શાંતિ વળે છે, સુખ૦ ॥
એવું મુખ સુખનું દેનાર, સુખ૦ । જેથી સુખ પામ્યાં નરનાર, સુખ૦ ॥૧૮॥
ભુજા બેઉ સુખના ભરિયા, સુખ૦ । મળી તાપ તનના હરિયા, સુખ૦ ॥
કરને લટકે કારજ કીધાં, સુખ૦ । જોઈ જન મને સુખ લીધાં, સુખ૦ ॥૧૯॥
અભય વર બે રહ્યાં હાથે, સુખ૦ । એવા કર મેલો જન માથે, સુખ૦ ॥
કર આંગળી સુખસદન, સુખ૦ । જેણે ધાર્યો ગોવર્ધન, સુખ૦ ॥૨૦॥
રાખ્યાં ગાય ગોપી ગોવાળ, સુખ૦ । કરી વ્રજજનની પ્રતિપાળ, સુખ૦ ॥
હાથે દાસ તણાં દુઃખ હરિયાં, સુખ૦ । આપી સુખ સુખિયાં કરિયાં, સુખ૦ ॥૨૧॥
એમ સાકાર મૂર્તિ સંબંધે, સુખ૦ । સુખિયા આદિ અંતે મધ્યે, સુખ૦ ॥
મૂર્તિ વડે મોટ્યપ સહુની, સુખ૦ । કોણ તપસી ઋષિમુનિ, સુખ૦ ॥૨૨॥
મૂર્તિ મેલી મોટ્યપ ઇચ્છે, સુખ૦ । તેને વાત બની બગડી છે, સુખ૦ ॥
શૂન્ય8 સુમનની નોય દામ,9 સુખ૦ । મૂર્ખ તેની કરે છે હામ, સુખ૦ ॥૨૩॥
તેમ મૂર્તિ તમારી મેલી, સુખ૦ । સુખ સાટે મળશે સેલી,10 સુખ૦ ॥
તમે જનના સુખને કાજ, સુખ૦ । સદા સાકાર છો મહારાજ, સુખ૦ ॥૨૪॥
સાકાર વિના ન સરે કામ, સુખ૦ । માટે સાકાર છો સુખધામ, સુખ૦ ॥
ચાર વેદ વદે એ વાત, સુખ૦ । પ્રભુ પ્રગટ છો સાક્ષાત્, સુખ૦ ॥૨૫॥
ષટ શાસ્ત્ર11 કે’ છે ખોળી, સુખ૦ । મોટ્યપ પ્રગટની વણતોળી, સુખ૦ ॥
અઢાર પુરાણમાં એમ કહે છે, સુખ૦ । પ્રભુ સદા સાકાર રહે છે, સુખ૦ ॥૨૬॥
સ્મૃતિ શ્રુતિનું એ તાન, સુખ૦ । સદા સાકાર રહે ભગવાન, સુખ૦ ॥
તેણે કરી રહે છે સમુ, સુખ૦ । નહીં તો વણસી12 થાયે વસમું, સુખ૦ ॥૨૭॥
ન રહે એક સ્થિતિ એક રીતી, સુખ૦ । સહુ કોઈ આદરે અનીતિ, સુખ૦ ॥
ધર્મ ધરા પર ન રહે, સુખ૦ । સહુ કોઈ અધર્મને ગ્રહે, સુખ૦ ॥૨૮॥
દેવ દાનવ માનવ મુનિ, સુખ૦ । માને નહીં મરજાદા કોયની, સુખ૦ ॥
ચાર વર્ણ આશ્રમ ચાર, સુખ૦ । સહુ ભ્રષ્ટ થાય નરનાર, સુખ૦ ॥૨૯॥
માટે સહુના ધર્મ રખાવા, સુખ૦ । તમે રહો આવાના આવા, સુખ૦ ॥
અધર્મ ઉથાપી ધર્મ થાપો, સુખ૦ । તમે હરિજનને સુખ આપો, સુખ૦ ॥૩૦॥
તમે ધર્મધુરંધર કા’વો, સુખ૦ । ધર્મ સારુ ધરા પર આવો, સુખ૦ ॥
તમે ધર્મતણી છો ઢાલ, સુખ૦ । ધર્મવર્મ13 ધર્મલાલ, સુખ૦ ॥૩૧॥
ધર્મપાળક ધર્મકુમાર, સુખ૦ । તમે સંતજનના શણગાર, સુખ૦ ॥
દાસ દોષ નિવારણ નાથ, સુખ૦। એમ કહે છે સહુ જનસાથ, સુખ૦ ॥૩૨॥
તમે ભક્તતણા ભયહારી, સુખ૦ । તમે સંતજનના સુખકારી, સુખ૦ ॥
કપટી કુટિલ દગાદાર, સુખ૦ । તેના નાશના કરનાર, સુખ૦ ॥૩૩॥
તમે અધર્મીના અરિ કા’વો, સુખ૦ । નમે’રી ઉપર મે’ર ન લાવો, સુખ૦ ॥
કુકર્મી કુબુદ્ધિના છો કાળ,14 સુખ૦। તમે નિજજનના પ્રતિપાળ, સુખ૦ ॥૩૪॥
તમારી મૂર્તિ મીરાંથ મોટી, સુખ૦ । સેવી સુખ પામ્યા કૈ કોટિ, સુખ૦ ॥
તમારી મૂર્તિ ચિંતામણિ, સુખ૦ । સમુ ચિંતવે સુખનિધિ ઘણી, સુખ૦ ॥૩૫॥
સંતજન ચિંતવે છે સવળું, સુખ૦ । અસંતજન ચિંતવે છે અવળું, સુખ૦ ॥
જે જે જન ચિંતવે છે જેવું, સુખ૦ । તે તે ફળ પામે છે તેવું, સુખ૦॥૩૬॥
કલ્પતરુ તુલ્ય તમે, સુખ૦ । ચિંતવે જે જનને જેવું ગમે, સુખ૦ ॥
કલ્પતરુ ચિંતામણિ કહીયે, સુખ૦ । તમને તે ઉપમાં કેમ દઈયે, સુખ૦ ॥૩૭॥
તે તો સુખ દુઃખના દેનાર, સુખ૦ । તમે સદા સુખ ભંડાર, સુખ૦ ॥
જોને અસુર અભાગી અતિ, સુખ૦ । મહા દુષ્ટમય દુરમતિ, સુખ૦ ॥૩૮॥
કરતા મનસુબા મારવા, સુખ૦ । નિત્ય પ્રત્યે નવા નવા, સુખ૦ ॥
તેને મારી મોક્ષ આપી, સુખ૦ । એવી મૂર્તિ કહી પ્રતાપી, સુખ૦ ॥૩૯॥
માટે મૂર્તિ મંગળમૂળ, સુખ૦ । એથી પામ્યા સુખ અતૂળ, સુખ૦ ॥
એથી અમંગળ નહીં કેનું, સુખ૦ । શું શું કહી દેખાડું તેનું, સુખ૦ ॥૪૦॥
મંગળ કરચરણાદિક કહિયે, સુખ૦ । મંગળ નખશિખા લગી લહિયે, સુખ૦ ॥
મંગળ ચાલ્ય ચરિત્ર માનું, સુખ૦ । મંગળમાં અમંગળ શાનું, સુખ૦ ॥૪૧॥
મંગળ દેવું લેવું એવું, સુખ૦ । સર્વે મંગળકારી કે’વું, સુખ૦ ॥
મંગળકારી વાણી મુખની, સુખ૦ । મંગળ દ્રષ્ટિ કરો છો સુખની, સુખ૦ ॥૪૨॥
સર્વે ક્રિયા મંગળકારી, સુખ૦ । મંગળ મૂર્તિની બલિહારી,15 સુખ૦ ॥
મંગળમય મૂર્તિ જેણે જોઈ, સુખ૦ । તેને ન્યૂન ન રહી કોઈ, સુખ૦ ॥૪૩॥
મંગળ મૂર્તિને પ્રતાપ, સુખ૦ । સ્પર્શે પ્રજળે પૂરણ પાપ, સુખ૦ ॥
મંગળ મૂર્તિને સમરતાં, સુખ૦ । મટે સંકટ શ્રીહરિ કરતાં, સુખ૦ ॥૪૪॥
મંગળ મૂર્તિને ચિંતવતાં, સુખ૦ । કિલ્બિષ16 જાય શુભ થાય સેવતા, સુખ૦॥
મંગળ મૂર્તિનું ધ્યાન ધરતાં, સુખ૦ । થાય અંતરમાં સુખ સમતા,17 સુખ૦ ॥૪૫॥
મંગળ મૂર્તિના ગુણ ગાવતાં, સુખ૦। માટે મેં નથી મૂકાતા, સુખ૦ ॥
મંગળ મૂર્તિ જોઈ મન રાતો,18 સુખ૦ । તેણે રહું છું ફુલાતો, સુખ૦ ॥૪૬॥
મંગળ મૂર્તિ જોઈ મેં મને, સુખ૦ । રાજી રહું છું રાત્ય દને, સુખ૦ ॥
મંગળ મૂર્તિ જોતાં મારે, સુખ૦ । સઈ ઓછપ્ય છે આ વારે, સુખ૦ ॥૪૭॥
પૂર્ણકામ પ્રગટ પ્રતાપે, સુખ૦ । એમ મને મનાણું આપે, સુખ૦ ॥
તેનો નથી થાપ ઉથાપ, સુખ૦ । તે તો પ્રગટને પ્રતાપ, સુખ૦ ॥૪૮॥
મૂર્તિ સંભારવા સારુ, સુખ૦ । કરતું મનસૂબો મન મારું, સુખ૦ ॥
તે તો પૂરણ થયો પ્રમાણ, સુખ૦ । કર્યાં મૂર્તિનાં વખાણ, સુખ૦ ॥૪૯॥
હરિસ્મૃતિ થાય હૈયે, સુખ૦ । માટે હરિસ્મૃતિ કહિયે, સુખ૦ ॥
કે’તા સુણતાં મટે ભવફંદ,19 સુખ૦ । એમ કહે નિષ્કુળાનંદ, સુખ૦ ॥૫૦॥
ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે ષષ્ઠઃ ચિંતામણિઃ ॥૬॥