અમૃત કળશ: ૨૩
સત્પુરુષ, ગુરુ
... આ સાધુ જોડે એવો જીવ બાંધવો જે, જેમ માછલાને જળ જીવનપ્રાણ છે ને જળ વિના નથી ચાલતું તેમ પળ માત્ર આ સાધુ વિના ન ચાલે ત્યારે જાણવું જે સાધુમાં જોડાણો. (૪૧)
પ્રકરણ/વાત: ૧૦/૧૮
એક વાર વડતાલમાં ગુરુ પહેલાં ચેલા જમી ગયા તે વાત કરી જે, સારી સારી રસોઈ હતી ને રસાસ્વાદથી ધીરજ ખમાણી નહિ તેથી ગુરુ જેટલું રાખી આગળથી જમી લીધું. તે ગુરુનો મહિમા નહિ તેથી એવામાં ગુણ પણ આવે નહિ. (૪૨)
પ્રકરણ/વાત: ૧૦/૬૮
... આત્મનિષ્ઠા ને ઉપાસના તો પછી શિખાય પણ આ સાધુ જોડે જીવ બાંધવો એ પાયો કહેવાય, એ પાયા ઉપર કામ ચાલે. માટે એક વિષયનું તુચ્છપણું ને બીજું સાધુમાં જીવ બાંધવો એથી અંતરે સુખ રહે. ને ગુરુ આગળ તો વિનય કરે ત્યારે વિદ્યા આવડે. શ્રીકૃષ્ણ પણ સાંદિપની ગુરુને પ્રસન્ન કરવા સારુ લાકડાના ભારા લેવા ગયા હતા. તે ગુરૂની અનુવૃત્તિ અને અનુગ્રહથી વિદ્યા આવડે છે. (૪૩)
પ્રકરણ/વાત: ૧૦/૧૮૦
ગુરુને જીવ સોંપે ત્યારે શિષ્યથી કાંઈ છાનું રાખી ગુરુ વાત કરે નહિ, જેમ બાપ હોય તે દીકરાને સર્વસ્વ આપે છે. તે અજરામર ઘડિયાળી રોટલા અહીં ખાય છે ને રળી રળીને ખીમલાને આપે છે. (૪૪)
પ્રકરણ/વાત: ૧૦/૨૭૩
રાત-દિવસ આત્મનિષ્ઠાનો વિચાર કરવો ને વૈરાગનો વિચાર કરવો ને ગુરુનો મહિમા વિચારવો. ને ઢોર હોય તે પારસો વાળે ત્યારે દૂધ આવે છે, તેમ ગુરુને રાજી કરશું ત્યારે ગુરુના ગુણ આવશે. જ્યારે ગુરુનું જ વાંકુ બોલશું ત્યારે મોક્ષનો મારગ બંધ થાશે. (૪૫)
પ્રકરણ/વાત: ૧૧/૫૮
... ગુરુ કરીને સમાગમ કરે તો જ પ્રભુ ભજતાં આવડે. ભગવાનનો દીકરો હોય પણ સાધુસમાગમ કરે તો જ ભગવાન ભજવાની દીશ જડે. તે યુધિષ્ઠિર તથા વાસુદેવને દીશ ન જડી ને અષ્ટ પટરાણીયુંએ દ્રૌપદીને પૂછ્યું તો દીશ જડી, તે શું જે, મોટાને વશ આપણે થઈએ તો મોટા આપણે વશ થાય. જીવ છે તે કામમાં બંધાણો હોય, માનમાં બંધાણો હોય, સ્વાદમાં બંધાણો હોય, સ્નેહમાં બંધાણો હોય, તેને મોટા દેખે પણ જીવને કાંઈ ખબર પડતી નથી. ભગવાન કે મોટાને આપણે વશ થઈએ તો તે આપણને જરૂર વશ થાય, એમાં ફેર નથી. (૪૬)
પ્રકરણ/વાત: ૧૧/૨૫૮
... મોટાની વાતો હૈયામાં ધારીને તે પ્રમાણે વરતવું. તેની સામું જોવું, તેની ચરણરજ લેવી, તેની સેવા કરવી ને તે કહે તેમ કરવું. તે વિના તો ધ્યાન કરે પણ મન ભગવાનમાં વળગે નહિ. એવાની વાતુ હૈયામાં ઠરી હોય તો જેમ કાંકરી માખણમાં વળગે તેમ ભગવાનમાં વળગે. માટે જેણે સાધુ સમાગમ કર્યો હોય તેને તો સાધુના શબ્દ આવી આવીને ઝાલી રાખે ને ઇન્દ્રિયું-અંતઃકરણ અંબાઈ જાય છે. (૪૭)
પ્રકરણ/વાત: ૧૧/૩૧૯
મનને જાણે ભજન કરતો હોય ને સાધુ સમાગમ કર્યો તો ભજન ચૂંથાઈ જાય. તે ઉપર ધીરાનદંની વાત કરી. નામ ધીરાનંદ હતું પણ એ સૌને રોળ પાડતો તેથી તેને સૌ રોળાનંદ કહેતા. મહાપ્રભુ નામે સાધુ ઝોળીમાં બંધાણો. પરમહંસાનંદ સ્વામી ગાયુંમાં બંધાણા ને ખોજાના તો ગુરુ કહેવાતા. તે અમે પૂર્વાશ્રમમાં હતા ત્યારે સાધુ ભાદરાની સીમમાં રાત રહ્યા હતા, તે વખતે ઓઢવું નહિ, તાપવું નહિ ને એકલા રહેવું. કોઈ શબ્દ સંભળાય નહિ તેટલે છેટે ગામથી રહેવું એવું પ્રકરણ હતું ને શિયાળાની ટાઢ પણ પડતી હતી. તેવામાં માવઠું થયું તે વરસાદનું પાણી માથે પડ્યું તે ઠરીને સજ્જડ થઈને ખેતરમાં પડેલ તે સવારે કોકે દેખ્યા તેણે આવીને અમને કહ્યું જે, “તમારા સ્વામિનારાયણ ટાઢમાં મરી ગયા છે ને તમારા ખેતરમાં પડેલ છે.” પછી અમે બે-ચાર જણ ગયા તો ખેતરમાં તો પડ્યા હતા. ને જોયું તો તે પરમહંસાનંદ સ્વામી હતા. તેમને મગના પાથરામાં સુવાડી ચારે તરફ મગ નાખી ઉપર પણ ભર જેટલું ખડક્યું ત્યારે તેની હૂંફ લાગી ને સ્વામી સળવળ્યા, એવા ત્યાગી હતા. પણ કોઈ સાથે જીવ જોડેલ નહિ ને મનધાર્યું કરેલ તેથી ગાયુંમાં બંધાણા. માટે આસન, પથારી, ખાવું, પીવું, ઇત્યાદિક સર્વ સંત કહે તેમ કરવું પણ મનધાર્યું ન કરવું... (૪૮)
પ્રકરણ/વાત: ૧૧/૩૨૦
વિજયાત્માનંદ સ્વામીને એક સાધુએ કહ્યું જે, “મારામાં ખોટ દેખાય તો મને કે’જ્યો. નહિ કહો તો તમારો વાંક.” તે એક દિવસ ગોપાળાનંદ સ્વામી બહુ ભારે વાતો કરતા હતા ને વિજ્યાત્માનંદ સ્વામી જાણે જે, આવી વાતુ થાય છે ને આ સાધુ મારી પાસે બેઠો બેઠો ઊંઘે છે તે નહિ જગાડું તો મારો વાંક ગણશે, એમ ધારી આંગળી અડાડી તે એની આંખ ઊઘડી ગઈ પણ એ તો ફરી ઊંઘી ગયો. ત્યારે ફેર જગાડ્યો ત્યાં તો તેને માથા સુધી રીસ ચડી ગઈ. પછી સભા ઊઠી એટલે વિજ્યાત્માનંદ સ્વામી લઘુને ખાડે ગયા ત્યાં તે સાધુ વાંસે ગયો ને ખાસડું ઉગામીને બોલ્યો જે, “મુને સભામાં ફજેત કર્યો તે મારું કે?” ત્યારે વિજ્યાત્માનંદ સ્વામી કહે જે, “હવે કહું તો મારજો પણ આ એક ફેરો માફ કરો.” માટે એવાને શું કહેવું? માટે કહે તેમ ન કરે તો કોઈ વાત સિદ્ધ ન થાય. તે આરૂણી ને ઉપમન્યુંની પેઠે કરે તો એ વાત સિદ્ધ થાય. તે હરિદર્શનાનંદને અમે એવું વઢ્યા જે કાંઈ કહેવાય નહિ, પણ તેણે અમારો અવગુણ ન લીધો ને હાથ જોડીને કહે જે, “તમો કહો તેવો જ હું છું પણ હવે તમારે શરણે આવ્યો તે સારા કરો.” પછી અમે જેમ કહ્યું તેમ કર્યું તે સારો થયો. માટે મોટા કહે તેમ કરે તો જીવ સારો થાય. (૪૯)
પ્રકરણ/વાત: ૧૧/૩૮૫
... જો મોટાને મન સોંપે તો કોઈ જાતનો દોષ રહે નહિ પણ એમ ક્યાં નિષ્કપટ થઈને મોટાને પોતાના દોષ કહેવાય છે જે, આટલો મારે કામ છે, કે લોભ છે, કે સ્વાદ છે, કે સ્નેહ છે, કે માન છે ને આટલું દેહાભિમાન છે, એમ ચોખું નિષ્કપટ થઈને કે’દી કે’વાય છે? જેમ છે તેમ કે’વા માંડે તો કોઈ સ્વભાવ રહે જ નહિ... (૫૦)
પ્રકરણ/વાત: ૧૩/૨૨૩