ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧

કથાવાર્તા

અહો! આ વાતુ કેવી છે! તો સૂતા રહીએ અને કોઈ મથુરાનો પેંડો મોઢામાં મૂકી જાય તેમ મોટા છે તે વાતુ સંભળાવે છે, માટે આપણે પણ ખપ રાખી વિચાર કરવો કે મહારાજ અને આ સાધુ અહીં જીવનું મૂળ અજ્ઞાન કાઢવા આવ્યા છે તેથી રાતદિવસ વાતો કરી સોપો પડવા દેતા નથી. અને આપણા માટે આવ્યા અને આપણે ગાફલાઈ રાખી સૂઈ રહીએ તે કેવું કહેવાય! માટે આ જોગ તો એવો છે કે સત્સંગી નથી થાવું ને થઈ જવાશે. તે ઉપર કલ્યાણભાઈની વાત કરી જે, ચણાના ખેતરમાં ચોર આવી ફાંટ ભરી ચણા લઈ જાતા હતા ત્યાં કલ્યાણભાઈને દીઠા તે બીના. પણ કલ્યાણભાઈએ તો બહુ સન્માન આપી કહ્યું કે, “ભલે લીધા ને આવો આપણે ઓળા પાડી ખાઈએ ને બીજા ઘેર લઈ જાજો.” પછી પોતે ઓળા પાડીને આપ્યા ને કહ્યું જે, “હંમેશ આવતા જાજો ને ખેતર તમારું છે, જોઈએ તેટલા લઈ લેવા.” પછી ચોરને બહુ ગુણ આવ્યો ને ચોરી કરતાં આળસ્યા અને સત્સંગી થયા એમ સત્સંગ કરાવ્યો. (૧૧)

પ્રકરણ/વાત: ૧૦/૧૬૫

વળી બીજી વાત કરી જે, વણથળીના કોઈક કણબીને કલ્યાણભાઈના શેઢાશેઢ ખેતર પણ કલ્યાણભાઈની વાતુ ન સાંભળવી એવી ટેક ને તેને એમ જે, ‘જો વાતુ સાંભળીશ તો સત્સંગી થઈ જવાશે,’ તેથી કલ્યાણભાઈ ભેળો ન થાય. પણ કલ્યાણભાઈએ ધાર્યું જે, ‘આને મારે સત્સંગી કરવો.’ પછી વાડ વાવ્યો ને તૈયાર ઊગીને મોટો થયો ત્યારે તે પટેલને કહ્યું જે, “તમે આ વાડમાં ભાગ રાખો તો ઠીક. અમારાથી ખર્ચે પુગાતું નથી.” તેણે ના કહી ને એ વાત તેની સ્ત્રી આગળ કરી. ત્યારે તે કહે જે, “ભાગ શું કામ મૂકો છો? કાંઈ મહેનત કે ઝાઝું ખરચ નથી, તૈયાર જમણ જમવા જેવું છે.” પછી ભાગની હા પાડી કહ્યું જે, “હું તેમાં કામ કરવા નહિ આવું.” ત્યારે કલ્યાણભાઈ કહે, “કામ અમે કરશું.” આથી તેને કલ્યાણભાઈનો મનમાં બહુ ગુણ આવ્યો. પછી પાસે બેસવા લાગ્યો ને વાતુ કરે તે ગુણ આવ્યાથી સારી લાગે ને એમ વાતુ કરતાં કરતાં સત્સંગી કરી દીધો. પછી મહારાજની મૂર્તિનાં ચિહ્નવર્ણન તેની આગળ કહે. તેમાં એક ચિહ્ન કલ્યાણભાઈને સાંભરે નહિ જેથી વર્ણન ન કરેલ. પછી તે રાત્રીએ તેને મહારાજે દર્શન આપ્યાં તે તેને કહ્યું જે, “બધાં ચિહ્ન ધારો છો ને આ ચિહ્ન કેમ નથી ધારતા?” ત્યારે તે કહે જે, “કલ્યાણભાઈએ મને કહ્યું નથી.” પછી આ વાત તેણે કલ્યાણભાઈને કરી ત્યારે કલ્યાણભાઈ કહે, “અહો! તમને મહારાજે દર્શન દીધાં! એ તો ભારે વાત કહેવાય!” એવો સત્સંગી કરવાનો ભારે આગ્રહ.

વળી બીજી વાત કરી કે, પોતાના ખેતરમાં રખત ખડ રાખી મૂક્યું હતું. પછી કોઈ ખડ લેવા સીમમાં જાતા હોય તેને કલ્યાણભાઈ કહે, “ચાલો મારે ખેતર રખતનું બહુ સારું છે.” એમ કહીને તેડી જાય ને પોતે પણ કાપી ખડ લેવરાવા લાગે ને વાતુ કરતા જાય ને ફાંટમાં નાખતા જાય, આથી તે ખડ લેનારાને બહુ ગુણ આવ્યો ને સત્સંગી થઈ ગયા. વળી દર વરસે કલ્યાણભાઈ સાથી રાખે તેને વાતુ કરી સત્સંગી કરી ને બીજે વરસે બીજાને રાખી નવા સત્સંગી કરે, એમ મોટા એકાંતિકને સત્સંગ કરાવવાનો બહુ આગ્રહ. કારણ મહારાજનો એવો મત કે ઘણા જીવનું કલ્યાણ કરવું તે ઘણા જીવનું કલ્યાણ કરે તે અતિ મોટા છે. જેમ પર્વતભાઈ બહુ મોટા હતા અને તેમની મોટાઈ સત્સંગમાં પણ બહુ તે શાથી જે, ઘણાને સત્સંગ કરાવતા. માટે જેણે પર્વતભાઈનાં દર્શન ન કર્યાં હોય તે આ કલ્યાણભાઈનાં દર્શન કરો એટલે પર્વતભાઈનાં દર્શન થઈ રહ્યાં. (૧૨)

પ્રકરણ/વાત: ૧૦/૧૬૫

આમ સવારમાં ઊઠીને કથા કરવી એવો કેને આદર છે? ને ત્રિલોકમાં જ્યાં જ્યાં સભાઓ છે ત્યાં સર્વ ઠેકાણે વિષયની જ વાતુ છે. માટે ભગવાન ભજવાનો આદર રાખવો. જેમ વિવાહ કરે છે, કાયટાં કરે છે ત્યારે કાંઈ ઘરનાં કામ મેલી દે છે? ખેતી મૂકી દે છે? કે વાડના કોસ છોડી મૂકે છે? એ તો વિવાહ થાતો જાય ને ઘરનું બીજું કામ પણ થાતું જાય તેમ ભગવાન ભજાતા જાય અને બીજાં કામ પણ થાતાં જાય. અમે વાતુ કરીએ છીએ તેમાં કેટલીક કામની ઉપેક્ષા રાખીએ છીએ ત્યારે વાતુ થાય છે. માટે કથા, કીર્તન, વાર્તા ને ધ્યાન એનો કેડ મેલવો જ નહિ. (૧૩)

પ્રકરણ/વાત: ૧૦/૨૨૦

શ્રવણ, મનન ને નિદિધ્યાસ કરીને ઠરાવ કરીએ તો સ્થિતિ ન ફરે ને એવો વિચાર કરવો જે તેમાં બીજુ કોઈ પેસી શકે નહીં. ને આવી વાતું સારુ તો બાદશાહે બાદશાહીયું મૂકી છે. સ્ત્રી પુરુષનો ત્યાગ કરે છે ને ભરતજીએ મળની પેઠે રાજ્ય ત્યાગ કર્યું. માટે આવી વાતમાં જીવ પેસે નહીં એટલે બીજી સુવાણ્ય અને ડોળ ગમે. ને આવી વાતું હૈયામાં પેઠી હોય તેને બીજી વાત ગમે નહીં. (૧૪)

પ્રકરણ/વાત: ૧૧/૧૦૬

શાંતિ તો આવી વાતુયે કરીને જ થાય છે. ને કામમાં આસક્તિ હોય ને વિષયનો જોગ થયો, લોભમાં આસક્તિ હોય ને રૂપિયા મળ્યા, ને માનનો સ્વભાવ હોય ને મંહતાઈ મળી ત્યારે કેવું થયું જે, ઓછું પાત્ર ને અધિકું ભણ્યો. આવી વાતું તો આ સત્સંગમાં છે. બીજા કોઈ કહેનાર નથી. બદરિકાશ્રમવાળા ને શ્વેતદ્વીપવાળા કથાવાર્તા કર્યા કરે છે તેથી બીજા લોકથી એ ત્યાગમાં વખણાય છે. સાધુ સમાગમે બ્રહ્માના લોકનું સુખ મળે તો તે પણ નજરમાં ન આવે. માટે સાધુ સમાગમ જેવું કોઈ બળવાન સાધન નથી. (૧૫)

પ્રકરણ/વાત: ૧૧/૧૬૮

મહારાજ જમતાં જમતાં હરે બોલતા, તે શું કાંઈ ભૂલી ગયા હતા? પણ આપણને શીખવતા. ભવ જે સંસાર તેને તરવા રૂપ આ ભગવાનની કથા, મહિમાની કથા તે જેને સારી લાગતી નથી તેને પશુની ઘાત કરનારો ખાટકી જાણવો. બે વચનામૃત વાંચીને સટ સટ માળા ફેરવીને માનસી પૂજા કરીને નવરા થઈને બેઠા પણ જ્ઞાન વિના તો પૂર્ણાનંદે પંચમહાપાપનો અર્થ કર્યો એવું સમજાય. (૧૬)

પ્રકરણ/વાત: ૧૧/૩૦૦

બપોરે વાત કરી જે, આ વાતુ કેવી છે તો એક તો લાખ રૂપિયાની વાત કરે ને એક લાખ રૂપિયાનો ઢગલો કરે. તેમ એક તો વાત જ કરે ને એકને તો એ વાતનો અનુભવ થયો છે, તે અનુભવવાળાને આનંદ આવે તેવો વાચક જ્ઞાનવાળાને આવે નહિ. જેમ ધનનો મહિમા રબારી આગળ કહીએ તો એને આનંદ જણાય નહિ ને ઓલ્યે કહ્યું જે, બધું નાશ પામો પણ ધન થાઓ. એવા આગળ ધનનો મહિમા કહીએ તો રાજી થાય અને આનંદ આવે. તેમ આ વાતુ છે તે અનુભવવાળાને આનંદ આવે. સર્વ દ્રવ્યના ઉપાર્જનમાં મંડ્યા છે, તે એકાન્તુ કરે તો પણ એ વાત, કાગળ લખે તો પણ એ વાત, અમથા ઊભા હોય તો પણ એ વાત. માટે એનું મનન મૂકી દઈને ભગવાન ને સંતનું મનન કરવું, કેમ જે જોયા જેવા તો ભગવાન ને એકાંતિક એ બે જ છે. (૧૭)

પ્રકરણ/વાત: ૧૨/૫૮

સાંજે વાત કરી જે, આપણે નિત્ય પ્રત્યે એવા શબ્દ કાનમાં નાંખવા જે જીવ અવળે માર્ગે ચાલે જ નહિ. તે આ તો કોઈ જીવે આદર કર્યો નથી. જેમ ભણવાનો, લખવાનો, ખેતીનો, વેપારનો ઇત્યાદિક આદર કર્યા છે ને એનું ફળ તો રોટલા મળે એ જ, તેમ આપણે પણ પ્રભુ ભજવાનો આદર કર્યો છે. તે આ ફળની તો વાત જ ન કહેવાય. (૧૮)

પ્રકરણ/વાત: ૧૨/૬૧

સારાં સારાં લૂગડાં હોય, સારાં સારાં પકવાન હોય તે સર્વ નાશ થઈ જાશે પણ આ વાતુ ધારી હશે તો તે નાશ નહિ થાય. (૧૯)

પ્રકરણ/વાત: ૧૨/૬૩

મહારાજ કહે, “અમારે બુદ્ધિવાળા ઉપર હેત છે તે બુદ્ધિવાન હોય તેને આ વાતુ સમજાય ને તેને ખબર પડે જે, આટલી વાત આપણા સ્વભાવ ઉપર થઈ.” માટે દેહાભિમાન વધારવું હોય તેને આ વાત શું ગુણ કરશે? તે ચીણામાંથી ગોળાનાં ભીલાં નહિ પાકે તેમ કહ્યા વિના સ્વભાવ નહિ ટળે. (૨૦)

પ્રકરણ/વાત: ૧૨/૧૦૩

Vat Selection


Type: Keywords Exact phrase