ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૩

ભજન, સ્મરણ

ગૃહસ્થ હોય તેને છોકરાં, સ્ત્રી, રૂપીઆ ને દેહ એ જો ભગવાનના કામમાં ન આવ્યું ત્યારે હાર્યા કહેવાય અને ત્યાગીને આ દેહ ને મન છે તે બાયડી જેવું છે ને ઇંદ્રિયો છોકરાં જેવી છે, તે જો ભગવાનના કામમાં ન આવ્યાં તો તેમણે તો ભેખ બગાડ્યો! (૨૧)

પ્રકરણ/વાત: ૧૦/૧૫૯

જેટલા સંકલ્પ થાય છે તેટલો જીવ સોરાઈ જાય છે. જેનું ભજન કરીએ છીએ તે એમ જાણીને કરવું જે, ‘હું જેનું ભજન કરું છું તે કેવા છે? ને હું કેનું ભજન કરું છું?’ એટલી ખબર જેને નહિ તે તો સ્મૃતિ વિનાનું ભજન કહેવાય. તે કેવું? તો જેમ ફૂલ બેસીને ખરી જાય પણ ફળ ન થાય તેમ છે. ત્યાગી થયા છે ને ભગવાનની સ્મૃતિ નથી રાખતા તે ખડ ખાય છે... (૨૨)

પ્રકરણ/વાત: ૧૦/૨૨૩

હાલતે-ચાલતે ભગવાનની સ્મૃતિ નથી રહેતી એ મોટી ખોટ છે. ને એ નથી થતું પણ નામરટણ કરવાની ટેવ પાડે તો પડે ખરી. તે પણ રટણેય પૂરું નથી થાતું ને મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે તો રહે. અમે બે ગાઉ ચાલ્યા ત્યાં સુધી ચિચોડે રાગ બદલ્યો નહીં. ને રોટલો ઘડે છે તેમાં વૃત્તિ ન રાખે તો બળી જાય ને અક્ષર લખવામાં પણ એમ જ છે, તેમ જેટલો જીવ ઘાલ્યો હોય તેટલું થાય. તે વિષય ખાંડનના વચનામૃતમાં કહ્યું છે જે, ગાફલાઈ રહે છે જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી. પણ પ્રભુ મળ્યા પછી ઘણું બધું કરવાનું છે. જેવા છે તેવા જાણવા, માનવા ને જીવ સાથે જડી રાખવા ને અનુવૃત્તિ પાળવી ને ભગવદીનો પ્રસંગ રાખવો ને આજ્ઞા પાળવી. (૨૩)

૧. વચનામૃત ગઢડા પ્રથમ ૧૮

પ્રકરણ/વાત: ૧૦/૨૮૦

ભગવાન ભજવા મંદિરમાં આવવું, એકાંતિક સંતનો સમાગમ કરવો, માળા ફેરવવી ને માનસી પૂજા કરવી, એ ઠરાવ સાચા છે. (૨૪)

પ્રકરણ/વાત: ૧૧/૧૪

આજ વરસાદના દુઃખનું ભજન થાય છે ને પછી શિયાળાના દુઃખનું ને પછી ઉનાળાના દુઃખનું ભજન થાશે. ત્યારે પ્રભુ તો ક્યારે ભજાશે? ને આ તો વૂઠે મેયે કાળ પડે છે. તે શું જે, આવા ભગવાન ને સંત ને આવો જોગ તેમાં જીવ કોરો રહી જાય છે! (૨૫)

૧. વરસાદ ખૂબ થવા છતાં દુષ્કાળ.

પ્રકરણ/વાત: ૧૧/૮૭

... દેહ હોય ત્યાં રાંધવાનું હોય, ક્રિયા હોય, માટે હા હો કરતાં આયુષ્ય જાતી રહેશે. માટે ક્રિયા હોય તે ઝટ કરી લઈ ભજન કરવું પણ આખો દિવસ ક્રિયા કરીએ ને રાત્રે સૂઈ રહીએ ત્યારે પ્રભુ ક્યારે ભજીએ? (૨૬)

પ્રકરણ/વાત: ૧૧/૧૪૬

અન્ન-વસ્ત્ર ન મળે એમ નથી. એ તો મળે છે. પણ હવે તો કામ-ક્રોધનાં દુઃખ રહ્યાં છે. ક્રિયા થોડી ઘણી હોય તે કોઈને બે પહોર, કોઈને પહોર, ને ત્યાર પછી તો ભજન કરવું. (૨૭)

પ્રકરણ/વાત: ૧૧/૨૦૨

કથા, વાર્તા, કીર્તન, ધ્યાન ને ભજન સદા કર્યા કરવું તેમાં વચ્ચે કોઈક વ્યવહારિક કામ આવે તો તેમાં પણ અનુસંધાન રાખવું જે, કામ કર્યા પછી પણ આપણે તેમનું તેમ કરવું છે, તો તે ક્રિયા પણ ધ્યાનરૂપ થાય છે. દેહાભિમાન વધવા ન દેવું, મનધારી ક્રિયા કરવી નહિ. અને જે જે કરવું તે મોટાને પૂછીને કરવું, કેમ જે પ્રકૃતિ પડ્યા પછી ટાળવી ઘણી કઠણ છે. જીવમાં ભગવાન રહ્યા છે તે જોવા છે પણ જેમ ડોળાયેલ પાણીમાં ચિંતામણિ હાથ આવતી નથી તેમ જીવનું અંતઃકરણ પંચવિષયે કરીને ડોળાઈ ગએલું છે એટલે ભગવાનની મૂર્તિ દેખાતી નથી. ને ક્યારે દેખાય? તો જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે દેખાય. અંતઃકરણ ક્યારે શુદ્ધ થાય? તો ખાવાનો, જોવાનો, બોલવાનો વિગેરેનો સર્વ પ્રકારે નિયમ રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય ને ભગવાનની મૂર્તિ દેખાય. પણ વૈરાગ્યનું તો કરોડ ગાઉનું છેટું છે. કેમ જે જીવ દેહમાં જડાઈ ગયો છે, ને ઉપાસનાનું તો ઠેકાણું નથી. કેમ જે સ્વામિનારાયણને ભગવાન જાણે છે પણ ધ્યાન, ભજન બીજાનું થાય છે. માટે એક તો ઉપાસના, ને બીજો ધર્મ એ બે વાત રાખવી તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે... (૨૮)

પ્રકરણ/વાત: ૧૧/૨૨૧

સ્વામીએ સભાને પૂછ્યું જે, તમે લૂખું ખાવ છો કે ચોપડેલું ખાવ છે? તે તો કોઈ સમજ્યા નહિ. પછી સ્વામીએ ઉત્તર કર્યો જે, ભગવાનને સંભારીને જે જે ક્રિયા કરે છે તે તો સર્વ ચોપડીને જ ખાય છે ને સંભાર્યા વિના જે જે કરે છે તે સર્વ લૂખું ખાય છે. તે ઉપર ડોસાભાઈની વાત કરી જે, ઘી-ગોળ વિના રોટલો ખાતા હતા તે જોઈને સાધુએ કહ્યું જે, “ડોસાભાઈ, લૂખું કેમ ખાવ છો!” ત્યારે ડોસાભાઈએ કહ્યું જે, “લૂખું ખાતા હોય તે હરામ ખાય. અમે તો લૂખું કોઈ દિવસ ખાતા નથી ને લૂખું તો તમે ખાવ છે.” પણ સાધુ સમજ્યા નહિ. સાધુ તો ગોળઘીથી ચોપડેલ સમજે પણ ભગવાનને સંભારીને જમવું તેમ સમજ્યા નહિ. (૨૯)

પ્રકરણ/વાત: ૧૧/૩૬૮

એક બ્રાહ્મણ પટેલ હતો. તે માળા ફેરવતો હતો ત્યારે એક જણે આવીને પૂછ્યું જે, “પટેલ ઘેર છે?” તો કે, “પટેલ ચમારવાડે ગયા છે.” એમ વડુએ કહ્યું ત્યારે પટેલ બોલ્યા જે, “આંહીં બેઠો છું ને એમ કેમ કહો છો?” ત્યારે કહ્યું જે, “તમે માળા ફેરવતાં શું સંકલ્પ કરતા હતા?” તો કહે જે, “કોસ સંધાવવા જોવું છે, એવો સંકલ્પ કરતો હતો.” તો કહે, “ચમારવાડે ગયા તેમાં શું ખોટું કીધું?” તેમ આંહીં બેઠા હોય ને મન તો ક્યાંય ભમતું હોય! કર્મ ઇંદ્રિયોની ને જ્ઞાન ઇંદ્રિયોની ચપળતાએ રહિત રહેવું એ સાધુનો ધર્મ છે... (૩૦)

પ્રકરણ/વાત: ૧૧/૪૧૪

Vat Selection


Type: Keywords Exact phrase