ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૪

ખપ-મુમુક્ષુતા

... માણાવદરના હંસરાજ પટેલને વાડ હતો તે વાડેથી ઢેર ગયાં. ને ઘીની દોણી લઈને જતા હતા ત્યાં રસ્તામાં ચાલતાં ઝોલું આવ્યું, તે જાણે હું આગળાં ફોલું છું ને શેરડીનો સાંઠો ઢગલામાં નાખવા ઘા કર્યો. ત્યાં દોણી ફૂટ્યાનો અવાજ સાંભળ્યો એટલે જાગી ગયા ને કહે, “વોય માળું? આ તો ઘી ગયું!” પછી ગઢાળીના આંબા શેઠની વાત કરી જે, સ્વપ્નામાં ઘરાકને સમજાવતાં કહ્યું જે, “આવ, આવ. જૂનું ઘરાક છો, તે બે તસુ વધારે દઈશ. તારું રહ્યું ને મારું ય રહ્યું. જૂનું ઘરાક છું, તે કાંઈ નહિ.” એમ કહી ચોફાળ ફાડીને એક કટકો આમ ફગાવી નાખ્યો ને સૂઈ ગયા. પછી પરોઢીએ ટાઢ વાઈ ત્યારે જાગ્યા ત્યારે ખબર પડી. ભાલમાં પાણી ભરી રાખે, તે એક જણે સ્વપ્નમાં ઊઠી જાણે બળદને પાવા માંડ્યું ને પો, પો કરે ને માટલાં રેડ્યે જાય. તે ખાલી કરી દીધાં ત્યાં તો ઘરનાં માણસ કહે, “આ શું?” તો કહે, “બળદને પાણી પાઉં છું!” ત્યારે કહે, “અરે! બળદ ક્યાં છે? ને આખું ફળી ભરી મૂક્યું?” ત્યાં ભાન આવ્યું. એવી રીતે જીવને વિષયના લાગ્યા છે. રાઘવાનંદ સ્વામી ઊંઘમાં तत्र तावत् संज्ञा संव्यवहाराय संगृह्यते । એમ બોલતા. એવો ભગવાન ભજવાનો વેગ લાગે ત્યારે ભગવાન ભજાય છે. (૨૧)

પ્રકરણ/વાત: ૧૧/૬૦

ભગવાન સારુ તો પાદશાહીયું મૂકી છે ને આપણે તો એક દોકડાના પદાર્થ સારુ અહંમમત્વ કરીએ છીએ. (૨૨)

પ્રકરણ/વાત: ૧૧/૬૩

શ્યામ રે સુજાન વિના કલ ન પરે અબ, એવો ભગવાનનો વેગ લાગે ત્યારે બીજું નજરમાં શું આવે? ને આ તો જેવું તેવું ખાવાનું ગમતું નથી, નરસું લૂગડું ગમતું નથી, નરસી પથારી, નરસું પગરખું, ને દાતણ તો ચાવીને કાઢી નાખવું છે, તો પણ એ નરસું ગમતું નથી. (૨૩)

પ્રકરણ/વાત: ૧૧/૬૪

... એક પહોર ભક્તિનો છે ને બાકી બે પહોર ઊંઘવું ને બીજો કાળ રહ્યો તે ભગવાન ભજવાનો છે ને તેમાં જે બે પહોરથી વધુ સૂઈ રહેવું તે કલ્યાણનો ખપ ન કહેવાય; માટે સૂઈ રહેવું તે તો સર્પનો મારગ છે. વિદ્યા ભણે છે તે પણ પાઠ લઈને પડતું મૂકે તો ન આવડે. તેમ બે લક્ષણ સાધુનાં આવ્યાં હોય ને કાચું જ્ઞાન હોય તો જ્ઞાન જાય, તેમ વૃદ્ધિ પમાય ને ઘટી જવાય. માટે વારંવાર વિચારે ત્યારે ઈયળમાંથી જેમ ભમરી થાય તેમ વૃદ્ધિ પામે. (૨૪)

પ્રકરણ/વાત: ૧૧/૯૮

જેમાં દોષ ન હોય ને માથે અપવાદ આવે તો ત્યાં ધીરજ રાખવી તે બહુ કઠણ છે. એવો સમો આવે ત્યારે તો જીવ મરવા તૈયાર થાય. ઘરે હોય ત્યારે બાયડી સો ખાસડાં મારતી હોય પણ આહીં એક વેણ કોઈ કહે તેમાં કચવાઈને સામે બોલે જે, તું ઈ છો, પણ હું ઈ નહિ! (૨૫)

પ્રકરણ/વાત: ૧૧/૧૧૭

મોક્ષ પર જેની બુદ્ધિ છે તેને તો કોઈ વાત કઠણ પડે જ નહીં ને જેમાં પોતાનાં માથા કપાય એવું હોય તો પણ તે થાય છે. તે હિંસા કરીને કે ભૂંડા કર્મ કરીને પણ પોતાના સંબંધીનું પોષણ કરે છે. ખપવાળાને કોઈ વાત કઠણ પડે નહીં. તે મહારાજે નટ રમાડ્યા હતા ત્યારે મહારાજે નટને પૂછ્યું જે, “તમને જંત્રમંત્ર આવડે છે?” ત્યારે કહે, “મંત્રજંત્ર નથી. એ તો અમારી છેલાઈ ને ચાલાકી છે. તે એમાંથી બે દીકરા તો પડીને મરી ગયા છે.”... (૨૬)

પ્રકરણ/વાત: ૧૧/૧૩૮

સાધુને ઓળખે અને બીજું વિષયની અરુચિ હોય એ બે લક્ષણે મુમુક્ષુ ઓળખાય. (૨૭)

પ્રકરણ/વાત: ૧૧/૧૪૭

બપોરે વાત કરી જે, ભગવાનની આજ્ઞા, ભગવાનનું સ્વરૂપ ને આ સત્સંગ તેમાં ન બંધાણો ને છૂટો રહ્યો તેનું કોઈ દિવસ ઠીક રહે નહીં. ને જે ખપવાળા છે તેને દેહ પણ ગણતીમાં નથી ને ઇંદ્રિયો પણ ગણતીમાં નથી ને સત્સંગમાંથી ગયા તે પાછા કુટાઈને આવ્યા, તે ન આવ્યા જેવા જાણવા! (૨૮)

પ્રકરણ/વાત: ૧૧/૧૯૨

... ને મોટા સાધુમાં જોડાણા વિના ભગવાનમાં ક્યાંથી જેડાવાશે? લાભની ખબર નહીં તેને ક્યાં જ્ઞાન છે? કાઠી ગુરુ થયા તેની વાત કરી જે, ઓગણાતેરાની સાલમાં રોટલા ખાવા સાધુ થયા હતા. પછી વરસ સારું થયું ત્યારે કહે, “શું અમે ભૂખે મરતા આવ્યા છીએ? અમારે ત્યાં તો માણકીઉં પૂંછડાં ઝાકટે છે! આ તારો ભેખ. અમે તો આ ચાલ્યા.” કહો, આવા પોતાનો ને બીજાનો શું સમાસ કરે! (૨૯)

પ્રકરણ/વાત: ૧૧/૨૦૦

... આપણે સમજણ વિના કુટાઈએ છીએ ને ઘરમાં બંધાઈ રહ્યા છીએ. ને જેને ખપ હોય તેણે શું ન થાય? ને હરજી ઠક્કરે અર્ધ લાખની ઉઘરાણી ખોટી કરીને મહારાજ પાસે આવીને રહ્યા ને પાંચસે સાધુ એક સામટા આવ્યા. તેમને કોણે કાગળ લખ્યા હતા? જેમ ખાંડ ઉપર કીડિયું ભેગી થાય તેમ ખપવાળા મુમુક્ષુથી બધી વાત થાય. (૩૦)

પ્રકરણ/વાત: ૧૧/૨૧૬

Vat Selection


Type: Keywords Exact phrase