ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૪

ખપ-મુમુક્ષુતા

... મોક્ષનો મારગ જો’તો હોય તેને તો ગરજ રાખવી અને એમ જાણવું જે પ્રભુ ભજવા માંડ્યા ત્યારે ક્યારેક સુખદુઃખ આવે પણ પાછા હઠવું નહિ. ને પ્રભુને હૈયામાં રાખવા તે તો બળી રાજાના જેવી ભક્તિ હોય ત્યારે રહે. નીકર ન રહે.” (૩૧)

પ્રકરણ/વાત: ૧૧/૨૨૪

જેને ભણવાની ખરેખરી લગની હોય તો ઊંઘ ન આવે. તે ઉપર વાત કરી જે, પુરુષોત્તમ ભટ અગતાને દિવસે માગવા જાય ને રોટલા સામટા કરીને સોયામાં પરોવીને અદ્ધર રાખે તે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાય ને ભણ્યા કરે. એમ વેગ લાગે તેને ઊંઘ ન આવે. તે કાળીઓ પંડ્યો હંમેશાં માગ માગ કરતો, ત્યારે તે ક્યારે ભણે? ને વંથળીમાં કણબી ખજુરી ચીરે તે જ્યાં જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય ને તે ચીર્યા કરે તેનું નામ વેગ કહેવાય. ને લગની ઉપર નેનપુરવાળા દેવજી ભક્તની વાત કરી જે, ઘીએ ચોપડેલ રોટલો ન ખાય. સત્સંગમાં તો એવી મણિયું પડી છે પણ તે કળાય નહિ. (૩૨)

પ્રકરણ/વાત: ૧૧/૨૩૯

... અનંત દુઃખ ભોગવે છે પણ સત્સંગ કરવાનું કેને સૂઝે? ને જન્મમરણના દુઃખને જાણે તો પ્રભુ ભજાય. આ મનુષ્ય દેહ મળ્યો છે ને ડુંગળી-મૂળના પાડમાં ખોઈ નાખે છે. મોટા સંતને એ વાતનો બહુ ખરખરો રહે છે. (૩૩)

પ્રકરણ/વાત: ૧૧/૨૬૭

... મહારાજે ખટરસનો કાગળ લખ્યો ત્યારે સુખાનંદ સ્વામી જેવા થડકી ગયા ને એક દહાડે સીત્તેર મૂર્તિ વયા ગયા ને મુક્તાનંદ સ્વામીએ લીંબડો પીવાનો ઠરાવ કર્યો. માટે જે ખરેખરા હોય તેના તો ઠરાવ પણ જુદા હોય... (૩૪)

પ્રકરણ/વાત: ૧૧/૩૧૩

ખપ ને શ્રદ્ધાવાળા ઉપર કુંકાવાવવાળા પૂજા ભક્તની વાત કરી. તે કુંકાવાવમાં મેતાએ, “સત્સંગ મૂક તો ગામમાં રહે,” એમ કહ્યું. પછી તે તો તે ગામનો ત્યાગ કરીને રામોદમાં જઈને રહ્યા. ત્યાં પણ કેટલાકને સત્સંગી કર્યા. ને પાણશીણવાળા પૂજા ભક્તને ત્યાં અમે ને કૃપાનાંદ સ્વામી જઈએ ત્યારે અરધી રાત પછી સૂવે. નેનપુરવાળા દેવજી ભક્તની વાત કરી જે, તેમને તો નિદ્રા પણ આજ્ઞામાં, ને પૂર્વે અર્જુન તથા લક્ષ્મણજીએ નિદ્રા જીતી હતી. કૃપાનંદ સ્વામી પણ ત્રણ મહિના સુધી ઊંચા નહિ ને ભાઈસ્વામી, અડગ અખંડાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી એમની બેઠક જેવી કોઈની બેઠક નહિ. તે શું જે, આસન કરે જ નહિ. એમ ખપ તથા શ્રદ્ધાવાળાની વાત છે. (૩૫)

પ્રકરણ/વાત: ૧૧/૩૬૪

... ગરજ વિના તો કાંઈ કામ થાતું નથી, તે ચાકરી કરે તે ઊભા રહે ત્યારે રાજી થાય. ને સુતારને ત્યાં સૌ લાકડું મૂકી આવે ને જ્યારે માગે ત્યારે તૈયાર કરી આપે. તે શું જે, ગરજ છે. તે બધાનું ખમે છે તેવી કલ્યાણની ગરજ નથી. પણ એવી ગરજ જો કલ્યાણના મારગમાં હોય તેને મોક્ષમારગ પાધરો છે. પછી શ્લોક બોલ્યા જે:

प्रसंगमजरं पाशमात्मानः कवयो विदुः ।

स एव साधुषु कृतो मोक्षद्वारमपावृत्तम् ॥

એવો વજ્રપાશ જો સાધુમાં થાય તો મોક્ષનું દ્વાર ઉઘાડું છે. માટે મોટાના રુખમાં રહેવું, ભગવાનના રુખમાં રહેવું. ને હમણાં આ દેહ પડી જાશે તે મૂઠી દાણા સારુ બધાંનાં રુખ રાખ્યાં હશે પણ કલ્યાણને અર્થે રુખ ન રહે. (૩૬)

૧. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૫૪માં અર્થ કર્યો છે: જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. (ભાગવત: ૩/૨૫/૨૦)

પ્રકરણ/વાત: ૧૨/૧૦૦

ભગવાન ભજવાનો આનંદ તો ખરેખરા મુનિ છે તેને આવે છે. મોર્યે સત્સંગ થયો હોય ત્યારે કોઈ ઊંઘતું નહિ ને મહારાજને દર્શને જાવું હોય તો ત્રીસ-ત્રીસ ગાઉ ચાલે ને દેહને તો ગણતા જ નહિ. હવે તો ભગવાન ભજવાનો આગ્રહ કેને છે? આત્માનંદ સ્વામીને શરીરે ખસના ફોલ્લા થયેલા ને મહારાજની ખબર સાંભળી કે તુરત ચાલીસ ગાઉ ચાલ્યા. અને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી એ ચાર ગુરુનો ભાર અમે ઉપાડતા. આત્માનંદ સ્વામીને ખસ થયેલ તે ગાડે બેઠા. રસ્તામાં જતાં કુંકાવાવ્ય આવ્યા તે રસ્તે મેલીકાર આવે એટલે સૌ સાંતીડાવાળા ભાગ્યા, તો કહે, “શું છે?” ત્યારે કહે જે, “મારીને કેડેથી કાપી હળની પેઠે સાંતીમાં પરોવી મૂકી દે છે.” એટલે સ્વામી કહે, “એમ હોય તો ગાડાવાળાને કહો કે તું પણ માંડ ભાગવા.” પછી તેને રજા આપી ને આત્માનંદ સ્વામી કહે, “મારે આજ મારું નામ અજમાવવું છે.” પછી મહારાજને સંભારીને મંડ્યા ચાલવા તે ખસના ફોલ્લા ફટફટ ફૂટી ગયા ને પરુ ચાલ્યું જાય. ગામ પહોંચ્યા ત્યાં સાંજ પડી ગઈ પછી અડાયાં છાણાં લીધાં ને કુંભારને ત્યાંથી હાંડલું લઈ આડ ખડકી પાણી ઊનું કરી પાચ-પરુ ધોયું. (૩૭)

પ્રકરણ/વાત: ૧૩/૩૬

એક વાણિયાની ગામ વચ્ચે દુકાન હતી પણ કોઈ ઘરાક ન આવે. પછી રૂપીઆ ખર્ચીને દરવાજાને મોઢે દુકાન કરી. પછી હોળી ટાણે લોક હટાણું વહોરવા આવે તેને ટાઢાં પાણી ખાંડ નાખીને પાય ને વાહર નાખે ને કહેતો જાય જે, “કાંઈ જોઈતું હોય તો લઈ જાજો, દુકાન તમારી છે.” તે શું જે, પોતાને સ્વાર્થ સિદ્ધ કરવો છે, તેમ ભગવાનના માર્ગમાં થાવું જોઈએ. (૩૮)

પ્રકરણ/વાત: ૧૩/૬૪

... જીવ દીધા વિના કોઈ વિદ્યા ભણાતી નથી, તો આ તો બ્રહ્મવિદ્યા ભણવી તે જીવ દીધા વિના ક્યાંથી ભણાય? (૩૯)

પ્રકરણ/વાત: ૧૩/૧૨૬

... ભગવાન ભજવા તે કામ કરોડું જન્મથી કોઈ દિવસ કર્યું નથી, માટે આંધળો થઈને પડે છે તેમ આપણે આંધળા થઈને પ્રભુ ભજી લેવા. કોઈ સારા કહે, નરસા કહે, કોઈને ગમે, કોઈને ન ગમે પણ આપણે તો એ વાત કર્યે જ રહેવું. પતિવ્રતાને લાજ છે પણ વેશ્યાને કાંઈ લાજ હોય નહીં. કાઠી ગરાસિયાના દેહમાં શું નહીં વાગતું હોય? પણ સામા ચાલે, કેમ જે એવા એને શબ્દ પડ્યા છે. એવી રીતે આપણે સત્સંગની લાજ રાખવી. કેટલાકને વહેવારના કુટારા છે ને કેટલાકને દેહની પ્રકૃતિના કુટારા છે. પણ એ બધા કુટાર મૂકીને પ્રભુ ભજી લેવા. (૪૦)

પ્રકરણ/વાત: ૧૪/૩૧

Vat Selection


Type: Keywords Exact phrase