ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૫

અજ્ઞાન-આસક્તિ

માયાનું બળ કહ્યું જે, એક રાજાનો ગોલો રિસાણો તેને કામદાર, વજીર આદિ મોટા મોટાએ કહ્યું પણ માન્યો નહિ. પછી ગોલીએ ઠેબું મારીને કહ્યું જે, “ઊઠ.” એટલે તરત ઊઠ્યો ને મનાઈ ગયો. એમ જીવ બધા માયાને વશ છે. (૧)

પ્રકરણ/વાત: ૮/૨૭

જીવ જ્યાં રહે ત્યાં બંધાઈ જાય છે. ટોળામાંથી બે વાછડા જુદા પાડ્યા તે મુવા જેવા થઈ ગયા. વગડામાં ઢોર ભેળાં રહે તેને ત્યાં જ ગમે, તે ભરવાડને ગામમાં ન ગોઠે ને ભાલના કાગડા ગુજરાતમાં જાય નહિ તેમ સૌને પોતાની નાત-જાત સારી લાગે છે. એમ જ્યાં જીવ રહે ત્યાં તે બંધાઈ જાય છે. (૨)

પ્રકરણ/વાત: ૮/૪૪

આપણે મોહને માર્ગે તો ચાલવું જ નહિ. જીવ તો ગાફલ છે તેને સમાગમ વિના કાંઈ ખબર પડતી નથી. ને આ જીવને દેહનો ને જાતિનો અહંકાર છે એ જ મોહ છે. “પાદશાહે પૂના સતારા લીધું,” એમ એક જણે ધોળાકામાં પીંજારાને કહ્યું ત્યારે પીંજારો બોલ્યો જે, “પૂના સતારા ક્યું ન લેવે? હમ સરીખે ભાઈ!” એમ કહીને તાંત્યમાં ધોકો બળથી માર્યો એટલે તાંત્ય તૂટી ગઈ ને પીંજતો આળસી ગયો. એમ આ જીવ તો જ્યાં ભરાણો ત્યાં ભરાણો પણ પાછું વાળી ન જુવે. (૩)

પ્રકરણ/વાત: ૮/૭૮

... દેહનો તો અનાદર જ કરી રાખવો. જો આદર કરે તો ચડી બેસે. જીવને દેહાભિમાનરૂપ જન વળગ્યું છે. માણાવદરના કણબીને આઠ ભૂત વળગ્યાં હતાં તે અમારી પાસે આવ્યો ત્યારે અમે તેથી ડોકમાં હાર નાખ્યો કે તરત ધૂણવા મંડ્યો ને કહે, “હું તો મુસલમાન છું ને બીજાં સાત છે.” ત્યારે અમે કહ્યું જે, “તું તો જા. બીજાની વાત પછી.” એટલે તે વયો ગયો ને કહે, “હવે ઢેઢ આવશે,” તે આવ્યો ને અભક્ષ વસ્તુ માગી એટલે તેને ય કાઢ્યો. તો કહે, “હું જાઉં છું પણ ભોઈ આવશે.” પછી તો ભાર ઉપાડવા મંડ્યો ત્યારે જાણ્યું જે ભોઈ ખરો. પછી તેને કાઢ્યો એટલે કહે, “હું તો જાઉં છું પણ હવે કૂતરિયો વીર આવશે.” તે ધરતી ખોતરવા મંડ્યો ને કૂતરાની પેઠે ઊંચું મોઢું કરીને રાડો પાડવા માંડી ત્યારે જાણ્યું જે આ કૂતરિયો વીર ખરો. પછી તેને કાઢ્યો ત્યારે મોં આડું લૂગડું રાખી બોલવા મંડ્યો. ત્યારે પૂછ્યું જે, “તું કોણ છે?” તો કહે, “હું પુજ છું.” પછી તેને ય કાઢ્યો. ત્યારે કહે, “હવે મૂંગો વીર આવશે.” તે ચાળા કરવા મંડ્યો ત્યારે જાણ્યું જે આ મૂંગો વીર ખરો. પછી તેને ય કાઢ્યો. એમ આઠેય ભૂત કાઢી સુખિયો કર્યો. તેમ દેહાભિમાન પણ એવું છે માટે સુખિયા થાવું હોય તો દેહાભિમાન મૂકવું. દેશકાળે કરીને મંદવાડે કરીને જીવને મોળપ આવી જાય છે ને સ્થિતિ ડોલી જાય છે. (૪)

પ્રકરણ/વાત: ૮/૨૦૭

ઉમરેઠમાં ઘોડાની આંખ ફાટી એટલે મહારાજે ખૂબ દોડાવ્યો તે પરસેવો વળી ગયો. પછી મહારાજે કહ્યું જે, “અવળો ચાલશે તેના ઘોડાના હાલેહાલ થાશે.” માટે આપણે સૌ પ્રભુ ભજવા ભેળા થયા છીએ. પંચવિષય, દેહાભિમાન ને પક્ષ એ જરૂર સત્સંગમાંથી પાડી નાખે એવાં છે ને આ દેહને લઈને સર્વે કજિયો છે. ચ્યવનને માથે રાફડો થઈ ગયો હતો ને બધાની લઘુશંકા બંધ કરી પણ પોતાની ન થઈ... (૫)

પ્રકરણ/વાત: ૮/૨૪૬

પીઠવાજાળના કણબીએ વિવાહમાં નાત તેડું કર્યું, દૂધસાકરની શિરામણી દીધી, પાંચ-સાત શાક કર્યાં, જાનની ખૂબ સરભરા કરી અને જાનવાળે ગામમાં રંજાડ કરી પણ પટેલ બોલ્યો નહિ. પછી વરના બાપને કોઈકે કહ્યું જે, “પટેલે વિવાહ બહુ સારો કર્યો.” ત્યારે વેવાઈ ઈર્ષાવાળો તે કહે, “એમાં શું કર્યું? મારી એક કોરની અરધી મૂછ પલળી છે. બીજી તો કોરી રહી ને એટલું ન કરે તો તેની દીકરી કોણ લે?” પછી પટેલને પશ્ચાતાપ થયો પણ મોહમાં ન દોડ્યો હોત તો દુઃખ ન થાત. (૬)

પ્રકરણ/વાત: ૮/૨૫૪

સોઢીના કોળીને સુખપુરમાં રાખ્યા હતા પણ ગોઠ્યું નહિ ને ભાલના કાગડા સાબરમતી ઊતરીને જાય નહિ, તેમ જ્યાં જ્યાં જીવ રહ્યાં ત્યાં ત્યાં બંધાઈ ગયા. ગુજરાતમાં રહેલા હોય તેને આંહીં ન ગોઠે. ગંગાદત્ત ગુજરાતમાંથી મહારાજનો સમાગમ કરવા ગઢડે આવ્યા ને ઝાઝા દિવસ રોકાવું હતું પણ આંબલી લાવેલા તે થઈ રહી એટલે મહારાજને કહે, “હવે જાશું.” ત્યારે મહારાજે પૂછ્યું જે, “ઝાઝું રોકાવું હતું ને કેમ ઉતાવળા થયા?” ત્યારે ભેળો તેમનો નાનો છોકરો હરિકૃષ્ણ હતો તે બોલ્યો જે, “આંબલી થઈ રહી, શું ઝાઝું રોકાય?” ત્યારે મહારાજ કહે જે, “આંહી આંબલી ઘણી છે, તમારે જોશે તેટલી આપશું.” બ્રહ્મચારી પાસે મહારાજે આંબલી મગાવી ને દેખાડી તોય કહે, “હવે તો જાશું.” પછી ગયા. તેમ આંહીંનાને ગુજરાતમાં ન ગોઠે, કેમ જે ઝાડ બહુ તે દૃષ્ટિ ઝાઝી જાય નહિ ને ખટાશ ભાવે નહિ. એમ જીવને એવાં બંધન થઈ જાય છે. (૭)

પ્રકરણ/વાત: ૮/૨૭૩

આંહીંથી જગન્નાથ જાય કે કાશી જાય, પછી જગન્નાથજીમાં મરે કે કાશીમાં મરે તો પણ ભૂત આંહી થાય. સુરતના વાણિયાની જાન જાતી હતી તે વાણિયા વહાણમાં મરી ગયા. પણ સુરતમાં નવાં ઘર કરેલાં તેમાં ભૂત થઈને રહ્યા. પછી સુરતમાં સાધુ ગયા તે કહે, “જૂનું ખંડેર હોય તો અમે ઊતરીએ.” ત્યારે ભૂતવાળાં ઘર બતાવ્યાં એટલે સાધુ ત્યાં ઊતર્યા. ગોડી, આરતી, ધૂન કરી બેઠા. ત્યાં બાયડી, ભાયડા આઘે ટોળું વળી બેઠેલાં તેને દીઠાં. એટલે પૂછ્યું જે, “તમે કોણ છો?” ત્યારે કહે, “આ અમારાં ઘર છે ને ભૂત થયા છીએ.” ત્યારે સાધુ કહે, “આ ઘર અમને આપો તો તમારો મોક્ષ કરીએ.” એટલે ભૂત તેમના સંબંધીમાં પેઠાં ને કહે, “ઘર સાધુને લખી આપો, નીકર તમારા બધાયના જીવ લેશું.” પછી ઘર સાધુને લખી આપ્યાં એટલે સાધુએ તેમને વર્તમાન ધરાવી મોક્ષ કર્યો. છોડવડીના ચારણની ભેંશું ચોર લઈ ગયા. પછી ચારણ ગોતતો ગોતતો ગરાસિયાને ઘેર ઊતર્યો ત્યાં તેની જ ભેંશું વાડામાં પૂરેલ તે ચારણનો અવાજ સાંભળીને રણકીયું એટલે ચારણે જાણ્યું જે, “ભેંશું આંહી છે.” પછી તો ભેંશુંને પણ છોડવડીનો ઝીંઝવો સાંભરી આવ્યો તે ખડ ખાય નહિ. અરધી રીતે ચારણ સાબદો થઈને ચાલ્યો ને વાડાની ઝાંપલી ઉઘાડી બોલ્યો જે, “લ્યો બા, રામરામ છે.” એટલે ભેંશું પણ તેનો સાદ સાંભળી વાડામાંથી પાડરડાં લઈને તેની વાંસે ચાલી નીકળી. ચારણે ઘરે જઈ કહ્યું જે, “ખીલા સાબદા કરો, ભેંશું આવે છે.” ત્યાં ભેંશું આવી. એમ પશુને પણ દેશવાસના બંધાય છે. માટે આ સૌ ભેળા થયા છીએ તે વિચારવું જે દેહ, લોક, ભોગ ને પક્ષ તેમાંથી શેનું રટણ થાય છે. (૮)

પ્રકરણ/વાત: ૯/૧૧૯

છોકરાને પાળીને મોટો કર્યો હોય પણ બાયડી આવે ત્યારે બે મંત્ર કાનમાં દે એટલે એનો થઈ જાય. પછી માબાપનો ન રહે, માટે ડાહ્યા હો તો સમજી લેજો. કોઠીંબાંની કડવાશ મીઠામાં મટી જાય છે તેમ માયાની કડવાશ છે તે જ્ઞાનના પાસ લાગશે એટલે ટળી જાશે. કેટલાકને સારા ઢોરમાં અને કૂતરામાં પણ હેત થાય છે. ખંડેરાવે કૂતરાને ખોળામાં બેસાર્યો તે કૂતરો પણ ગાદી ઉપર બેઠો કહેવાય ને કમાલદીનખાંને સાઠ સાઠ કોરીના કુતરા લીધા. એવું માયાનું બળ છે. (૯)

પ્રકરણ/વાત: ૯/૨૨૧

એક કણબી ગામ ગયેલ ને વાંસેથી તરગાળા રમી ગયા. પછી તે પાછો આવ્યો ત્યારે જોનારે તરગાળાનાં વખાણ કર્યાં જે, “બહુ સારી રમત કરી હતી પણ તમે ઘરે નહિ તે રહી ગયા.” ત્યારે તેણે કહ્યું જે, “ક્યે ઠેકાણે રમ્યા તે મને દેખાડો.” પછી તે ઠેકાણાની ધૂળ તેણે માથે ચડાવી ને કહે જે, “ધનભાગ્ય આ ધરતીનાં જે આંહીં તરગાળા રમી ગયા ને હું જોવામાં રહી ગયો!” એવા ઈશક થાય છે પણ ભગવાન ભજવાના કે કથાવાર્તાના ઈશક થાતા નથી... (૧૦)

પ્રકરણ/વાત: ૯/૨૨૫

Vat Selection


Type: Keywords Exact phrase