ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૫

અજ્ઞાન-આસક્તિ

જીવમાંથી અવિદ્યા ક્યારે ટળી કહેવાય? તો પાંચેય વિષયના સંકલ્પ ન થાય ને કોઈ હરિજનનો અવગુણ આવે જ નહિ ત્યારે અવિદ્યા ટળી કહેવાય. (૨૧)

પ્રકરણ/વાત: ૧૧/૧૫૮

સંબંધીનો અભાવ કોઈને ન આવે ને એંસી વરસ થયાં હોય તો પણ વિષય ભોગવવામાં સોળ વરસનો થાય! તે કેટલાક મોવાળા રંગે છે, ને થોભલીયું રખાવે છે. તે ઉપર યયાતી દેવયાનીને પરણ્યો તે વાત કરી. ને એક જણે સાલમપાક ખાધો તે મરી ગયો. એવા સ્વભાવ જીવને પડે છે તે મૂકવા મુકાય નહિ. લોભે કરીને, કામે કરીને, માને કરીને, સ્વાદે કરીને કેટલાક અનર્થ થાય છે ને તેમાં માર ખાય તો પણ લાળ તોડી શકે નહિ. તે ઉપર વાત કરી જે, ચારણ ગરાસીઓ હજામને ત્યાં જતો. પછી ખબર પડી ત્યારે કહે, અમારે ગરીબને ત્યાં તમારે આવવું નહિ. તો પણ ગયો. એટલે ખેતરમાં લઈ જઈ ઝરડાં માર્યાં તે બાવળના કાંટા શરીરમાં પેસી ગયા. તે સજીએ કરીને કાંટા કાઢ્યા ને મહિને સાજો થયો. તોય પાછો ત્યાં ગયો ત્યારે માથું કાપી નાખ્યું. (૨૨)

પ્રકરણ/વાત: ૧૧/૧૫૯

પોતાનું દેહ કહોવાયેલું હોય તો પણ તે વહાલું લાગે. તેમ જ કહોવાયેલું છોકરું ને જેવુંતેવું ઘર તે પોતાનું જ ગમે. તે જેમ જનાવર પાંજરામાં બંધાઈ ગયાં છે તેમ જીવ દેહાદિકમાં બંધાઈ ગયા છે. (૨૩)

પ્રકરણ/વાત: ૧૧/૧૭૧

એક જણને બાયડીએ માર્યો તે ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યો. ત્યારે સ્વામી કહે જે, “હવે જાઈશ નહીં.” તોય પણ ગયો. તે ખાડો ગાળીને રાખેલ તેમાં જીવતો દાટી દીધો. (૨૪)

પ્રકરણ/વાત: ૧૧/૧૭૬

આ જીવ છે તે લોળીઆં જનાવરની પેઠે જ્યાં જ્યાં જન્મ ધર્યા છે ત્યાં બંધાઈ જાય છે. તે સોઢીમાં રહેનારા હોય તેને ત્યાં જ ઠીક પડે. વળી કેટલેક ઠેકાણે દુઃખ છે, રોગ છે, વૃષણ વધે છે, પેટ વધે છે ને આ દેહ પણ ગંધાય છે, પણ તે વહાલું લાગે છે અને કો’વાયેલું છોકરું હોય પણ તે પોતાનું જ સારું લાગે છે. (૨૫)

પ્રકરણ/વાત: ૧૧/૨૬૪

કેટલાક એમ કહે છે જે, ત્યાગી થઈએ તો ગતિ ન થાય માટે ગૃહસ્થ રહેવું એટલે દીકરા વાંસે સરાવે, પણ તેં તારા બાપની ગતિ કરી તેવી તારી ગતિ તારા દીકરા કરશે. પોતે તો સારી ગતિ થાય એવું કર્યું નહિ. જ્યાં લોભ, કામ આવ્યા છે ત્યાં કેની જે થઈ છે? ખાધાનો, પથારીનો, ચેલાનો એ બધો લોભ છે. માટે જ્યાં આગળ લોભ ને કામાદિક આવ્યા ત્યાં પૂર્વે ને હમણાં પણ ક્લેશ થાય છે. કેટલાકને બાયડી કુવાડી મારે છે, તે આટકોટના સુતારે બાયડી કાઢી મૂકી, પછી બીજી બાયડી મળી નહિ તેમ તેની બાયડીને કોઈ ઘરઘ્યું નહિ. પછી સુતાર બાયડી વાંસે ગયો ને કહે જે, “ચાલ્ય, તારો વાંક નથી. એ તો મારી જીભડીનો વાંક હતો.” એમ પાછો સાંધો કર્યો. કેટલાકને ઝેર દે છે. તે ઉપર બ્રાહ્મણની સ્ત્રીની વાત કરી. મોટા મોટા જેનું ધ્યાન કરે એવા ભગવાનને મૂકીને બીજું કરશે તેને સુખ ક્યાંથી મળે? (૨૬)

પ્રકરણ/વાત: ૧૧/૩૬૨

માન એ રોગ ભારે છે ને દેહ પણ તેથી વહાલો છે તે કાળમાં કેટલાક બાયડીઓ પડતી મેલીને વયા ગયા ને કેટલાક ભૂખને દુઃખે છોકરાં ખાવા મંડ્યા. એક ગામમાં અગનોતરામાં ધાડું પડ્યું તે ગામ ફરતી હાથલા થોરની વાડ હતી તે જ્યાં નીચું હતું ત્યાં પોતાનો બચાવ કરવા છોકરાં ઉપર પગ દઈને ઠેકી ઠેકીને નાસી ગયા. માટે દેહનો જેને અનાદર હોય, જ્ઞાન વૈરાગ્ય હોય તે જ કોઈ દિવસ લડથડે નહિ. (૨૭)

પ્રકરણ/વાત: ૧૧/૩૮૮

ખાવું, ઊંઘવું, સ્ત્રી, તેના ગુરુ કરવા પડતા નથી. તે ઉપર વાત કરી જે, વાછડું જન્મતાંવેંત ધાવવા મંડી ગયું ને પછી તરત સૂઈ ગયું તે કોઈએ શીખડાવ્યું નહોતું. મામણમૂંડા ને અણશિયાં માટી ખાય છે તે કોઈએ શીખવ્યું નથી. લોભનું તો શીખે તો આવડે ને આ દેશમાં લોભનું તો કોઈ સમજે જ નહિ. વહેવાર કરે તે પણ કોયલા દૂધે ધોયા જેવું કરે ને વીસ સુધી જ ગણતાં આવડે. પછી વાત કરી જે, ઘનશ્યામદાસ કહે જે, “ઘોડા ઝાઝાં આવ્યાં.” ત્યારે પૂછ્યું જે, “સો-બસો હતાં?” તો કે, “ઝાઝાં હતાં.” પછી કહ્યું જે, “વીસેક હતાં?” ત્યારે ‘હા’ પાડી જે, “એટલાં હશે.” (૨૮)

પ્રકરણ/વાત: ૧૨/૧૨૭

ભટની વાત કરી જે, નવરા હોય તો ઘરના માણસોને બાળી આવીએ એમ ઘાટ થતો નથી પણ જેનો રાગ છે તેના ઘાટ થાય છે, ને જેનો રાગ નથી તેનો ઘાટ પણ થતો જ નથી. તે આપણે સોઢીમાં રાત રહેવાનો મનસૂબો થતો જ નથી. જીવને સીમાડો મૂકવો કઠણ પડે છે, બળદને પણ સીમડો ન મુકાય. આ દેશના હરિજન વડતાલ ગયા હતા. જાતાં તો આનંદ હતો. પછી પાંચ દિવસ વડતાલમાં રહ્યા ત્યાં ઘરની તાણ થઈ. પછી રોજ વીસ-વીસ ગાઉ ચાલ્યા. વાઘજીભાઈ આહીં બેઠા છે પણ વસોમાં છે ને નિર્ગુણદાસ વઢવાણમાં છે માટે જ્ઞાન શીખવું. મુક્તાનંદ સ્વામી જેવાની વિષ્ટા ધોવી હોય તો ન ધોવાય ને આ દેહ છે તે કાંઈ મુક્તાનંદ સ્વામી જેવો નથી તો પણ તેની સેવા થાય છે તે શું જે, દેહમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. (૨૯)

પ્રકરણ/વાત: ૧૨/૧૫૧

... જેનાં દેહ પોચાં હોય તેને સારું ખાવાનું જોઈએ, ગાદલાં, ગોદડાં, ખાટલા જોઈએ. ને નેહમાં ચારણ રહે છે તેને ખાટલો કે ગોદડું ન જોઈએ. પંચાળાનો ચારણ ખીમો ભક્ત આંહીં આવ્યો તે મેડીમાં ઉતારો આપ્યો તે તારા દેખાય નહિ તે અકળાઈ ગયો, પછી ફળિયામાં આસન કર્યાં ત્યારે ઊંઘ આવી. એમ તેનાં દેહ જ એવાં કઠણ તે કાંઈ થાય જ નહિ... (૩૦)

પ્રકરણ/વાત: ૧૩/૨૦૦

Vat Selection


Type: Keywords Exact phrase