ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૯

જ્ઞાન-સમજણ

સત્કર્મ ઘણાં કહ્યાં છે પણ સત્સંગ જેવું કોઈ સત્કર્મ ન કહેવાય. તેવો સત્સંગ આપણને મળ્યો છે તે શું, તો વિશલ્યકરણીના વચનામૃતમાં આત્મા ને પરમાત્મા, કહેતાં અનાદિ આત્મા જે અક્ષર તે રૂપે થઈને પરમાત્મા જે મહારાજ તેમનો સાક્ષાત્કાર સંબંધ કરવો તે જેવું સત્કર્મ બીજું કોઈ નથી. (૨૧)

૧. વચનામૃત ગઢડા અંત્ય ૩૯

પ્રકરણ/વાત: ૧૦/૧૩૫

निजात्मानं ब्रह्मरूपं । એ વાત અવશ્ય કરી લેવી, તે મૂર્તિમાન બ્રહ્મને પામી બ્રહ્મરૂપ થઈ મહારાજની સેવામાં રહેવું છે. ને જો આ સાધુની આજ્ઞા નહિ પળે ને અક્ષરરૂપ નહિ થવાય તો મહારાજની સેવામાં નહિ રહેવાય ને બીજે ગોથાં ખવાશે... (૨૨)

પ્રકરણ/વાત: ૧૦/૧૫૩

ઉધો સંત સુખી રે સંસારમેં, ઓર સબે જગ જરત નિરંતર તીન તાપકી આગમેં, એ કીર્તન બોલાવીને કહ્યું જે, આમાં કહ્યું તે પ્રમાણે વરતે તો સર્વે કરી રહ્યા છે. પછી પહોંચે તેજ અંબારમેં, એ બોલ્યા ને તેનો અર્થ કર્યો જે, અક્ષરરૂપ થાય ત્યારે મહારાજને વરણીય થવાશે. ને દોષ માત્ર નહિ રહે. ભીમનાથથી તે પાવાગઢ સુધી ક્યાંઈ પાણા ન આવે તેમ અક્ષરરૂપ થવામાં દોષ કે માયાનું કાર્ય જ નથી ને તે માયાપર કહેવાય. તે વિના નિયમ અણિશુદ્ધ ખરેખરાં પાળે તો પણ એ આત્મરૂપ કહેવાય ને તેમાં પણ માયા પ્રવેશ ન કરે. ને સાધારણ હરિભક્ત હોય તેને પાંચ દોષ છે તે પાંચ પર્વત જેવા છે ને એકાંતિકને પંચવિષય સંબધી રમણીય પદાર્થ તથા આ દેહ તે અંતરાયરૂપ છે, ને બરોબર કાયદે રાખે તો સહાયરૂપ છે. ભગવાનના ધામમાં આઠ આવરણને ભેદે ત્યારે જવાય. તે આઠ આવરણ, પ્રથમ પૃથ્વીનું આવરણ તેની માત્રા ગંધ છે. તે બ્રહ્માંડમાં જેટલાં ગંધ માત્ર છે તેમાં વૃત્તિ ન તણાય એટલે પૃથ્વીનું આવરણ ઉલંઘાણું. બીજું આવરણ જળ ને તેની માત્રા રસ છે. તેને આશરીને જેટલાં પદાર્થ રહ્યા છે તે ક્યાંઈ ન લોભાઈ એટલે જળનું આવરણ ઉલંઘાણું. ત્રીજું આવરણ તેજ છે, તેની માત્રા રૂપ છે. તે બ્રહ્માંડમાં રૂપ માત્રમાં વૃત્તિ ન તણાય એટલે તે આવરણ જીતાણું. ચોથું આવરણ વાયુ છે, તેની માત્રા સ્પર્શ છે. તે બ્રહ્માંડમાં જેટલા સ્પર્શ માત્ર છે તેમાં આસક્ત ન થાય તો વાયુનું આવરણ જીતાણું. પાંચમું આવરણ આકાશ ને તેની માત્રા શબ્દ છે. તે કોઈ શબ્દે કરી અંતર ન ભેદાય તો આકાશનું આવરણ જીતાણું. અને છઠું આવરણ અહંકાર છે. તે રજ, તમ અને સત્ત્વ એ ત્રણે ગુણ થકી પર ગુણાતીત વર્તે એટલે ત્રણે ગુણમાં ન લેવાય, તે અહંકારનું આવરણ ભેદ્યું કહેવાય. સાતમું આવરણ મહત્તત્ત્વ છે. તે ચિત્તને જીતે એટલે કે ચિત્તમાં એક ભગવાન વિના કોઈ આકારમાત્ર ન રહે ત્યારે મહત્તત્ત્વનું આવરણ ગયું જાણવું. ને આઠમું આવરણ પ્રકૃતિનું છે. તે પ્રકૃતિ તે સ્વભાવ રૂપે વર્તવું તે છે. તે સ્વભાવને જીતે તો પ્રકૃતિનું આવરણ જીતાણું જાણવું. એમ આ આઠેય આવરણો એકાંતિકને ભગવાનના મારગમાં વિઘ્નરૂપ છે. (૨૩)

૧. સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન – કીર્તન મુક્તાવલી ૧/૫૧૨

પ્રકરણ/વાત: ૧૦/૨૮૭

એકાંતિકને ભગવાનની સ્મૃતિ ટળી ગઈ એ પડ્યો કહેવાય ને આત્માની વિસ્મૃતિ થઈ કહેતાં પ્રગટ પ્રમાણ અક્ષર મળ્યા ને તે રૂપ ન થવાણું તે પડ્યો કહેવાય. કેમ કે બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાશે જ નહિ. ને સાધારણને કુસંગનો જોગ થાય ત્યારે પડ્યો કહેવાય. (૨૪)

પ્રકરણ/વાત: ૧૧/૧૩૩

જેને સાધુ થવું હોય ને ઉત્તમ ગતિને પામવું હોય તેનો મારગ નોખો છે. પણ વિષય પામ્યાના મનસૂબા થાય છે માટે આ વાત ક્યાં બનશે? માટે જેને એ મારગે ચાલવું તેને તો વૈરાગને પામવું, આત્મનિષ્ઠાને પામવું ને વિચાર કરવો જે, હું તો અખંડાનંદ છું ને રાજભૃત્યાદિકનો મારગ નોખો છે ને સાધુ થવાનો મારગ નોખો છે. અનંત ઉપાય કરે ત્યારે મોક્ષ સુધરે. આ તો ટંટા-બખેડા કરવા, મારું-તારું કરવું ને પ્રભુ પણ ભજવા. પણ કેવળ પ્રભુ ભજવાની વાત નોખી છે.

निजात्मानं ब्रह्मरुपं । ब्रह्मभूतः प्रसन्नत्मा । त्यज धर्ममधर्मं च ।

આ મારગ નિર્વિઘ્ન છે. તે વિના તો સકામ ભાવ રહી જાય ને લોકાંતરને પમાય. જે ધર્મમાં નથી તેની તો ક્યાંય જય થાય નહીં. ત્યાગી અને ગૃહસ્થ જો ધર્મમાં ન વર્તે તો અહીં પણ દંડ થાય છે ને શુદ્ધ થાશે તો ધામમાં જવાશે. (૨૫)

૧. ત્યજ ધર્મમધર્મં ચ ઉભે સત્યાનૃતે ત્યજ । ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસિ તત્ત્યજ ॥ શ્રીજી મહારાજે વચનામૃત લોયા ૧૫માં અર્થ કર્યો છે: “જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ, અસત્યરૂપ, જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી.” વચનામૃત ગઢડા પ્રથમ ૩૮માં પણ આ રીતે અર્થ કર્યો છે: “એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી.”

પ્રકરણ/વાત: ૧૧/૧૯૮

નવ પ્રકારની ભક્તિએ ભગવાનમાં જોડાવાય તે સર્વનાં નોખાં સાધન છે. તે વૈરાગ ને આત્મનિષ્ઠા વિના ઘોડી પાછી વાળી એટલો પ્રેમ હતો પણ કસર રહી ગઈ. તે કુંડળવાળાં રાઈબાઈએ ધ્યાનમાં વૃત્તિએ કરીને મહારાજની ઘોડી પાછી વાળી હતી. પછી વિજોગ થયો એટલે એવી વૃત્તિ આળસી ગઈ. તે અમે એક વખત શિવલાલભાઈ મારફત પુછાવ્યું જે, “હવે સમાધિ થાય છે?” તો તે બાઈ કહે, “કરું તો થાય પણ નવરી નથી.” તે શું જે, જોગ વિના ઘાસી જાય. દશ દિવસ સમાધિમાં રહે ને દેહમાં આવે ત્યારે એવા ને એવા! ભક્તિ કરાવીને થાળ આપ્યો કે ઝીણા ચોખા દીધા કે કોઈ પદાર્થ આપ્યું, તેમાં શું થયું?

મરને બાર મેઘ આવી ઝુમેરે તોય નવ ભીંજે મેરો રોમે રે.

મરને આતસકા વરસે મેહા રે, તોય નવ દાઝે મેરા દેહા રે!

એમ દેહના દુઃખે હું દુઃખીઓ થાઉં એવો નથી ને સુખના ઢગલા હોય તોય સુખી થાતો નથી, એવો વિચાર કરવો. આત્મનિષ્ઠાવાળા રાજમાં છે તો પણ વનમાં છે... (૨૬)

પ્રકરણ/વાત: ૧૧/૧૯૯

નૃસિંહાનંદ સ્વામીએ મહારાજને પગે લાગીને કહ્યું જે, “હે કૃપાનાથ, ભગવાનની મૂર્તિ અખંડ રહે એવી કાંઈક વાત કરો,” ત્યારે મહારાજ શ્લોક બોલ્યા જે:

ब्रह्मभूतः प्रसन्नत्मा न शोचति न कांक्षति ।

समः सर्वेषु भुतेषु मद्भक्तिं लभते पराम् ॥

સો મણ ઘી ખાધું તો પણ જીભ કોરી ને કોરી. આવું થાય ત્યારે ભગવાનની મૂર્તિ અખંડ રહે. પછી મહારાજે સમાધિવાળા પરમજ્ઞાનાનંદ સ્વામીને પૂછ્યું જે, “આ વાતમાં તમે કાંઈ સમજ્યા?” ત્યારે કહે, “ના, મહારાજ. હું તો કાંઈ સમજ્યો નહિ.” પછી મહારાજે કહ્યું જે, “આ દેહ છે તે પંચભૂતનો છે. તેમાં હાડ ને માંસ છે તે પૃથ્વીનો ભાગ છે, રુધિર છે તે જળનો ભાગ છે, ઝગે છે તે તેજનો ભાગ છે, શ્વાસ લેવાય છે તે વાયુનો ભાગ છે, ને અવકાશ છે તે આકાશનો ભાગ છે. એમ પંચભૂત, પંચતન્માત્રા, ચૌદ ઇંદ્રિયો એ ચોવીશ તત્ત્વરૂપ ગઢ છે તેમાં આ જીવ છે તે દીવારૂપ છે. ને જીવની વૃત્તિયું છે તે ઇંદ્રિયો દ્વારે જેમ છોકરાં પતંગ ઉડાડે છે તેમ વિષય સન્મુખ ચાલે છે ને દોરી તાણવાથી જેમ પતંગ ઢૂંકડો આવે છે તેમ પાછી વૃત્તિ વાળવાથી વૃત્તિ ઇંદ્રિયોના ગોલકમાં આવે છે ને પછી અંતઃકરણ સન્મુખ થાય છે ને અંતઃકરણ છે તે જીવમાં લીન થાય છે. પછી એક આત્મારૂપે રહે છે. પછી આત્મારૂપ થઈને ભગવાનનું ચિંતવન કરે છે ત્યારે એની વૃત્તિ ભગવાન સન્મુખ ચાલે છે. તે કેવી રીતે? તો જેમ સ્વર્ગમાંથી ગંગા આવી તેને કાળો પર્વત આડો આવ્યો તે કાળા પર્વતને ફોડીને સમુદ્રને મળી. ને ચમકના પર્વત સામાં જ્યારે વહાણ ચાલે ત્યારે વહાણના બધા ખીલા ચમકમાં ખેંચાઈ જાય છે. પચાસ કોશનો પ્રવાહ ભેળો ચાલતો હોય તે કોઈનો હઠાવ્યો હઠે નહિ તેમ એની વૃત્તિ ભગવાન સન્મુખ ચાલે છે તે કોઈની હઠાવી પાછી પડતી નથી. જેમ ગૃહસ્થ પોતાની મૂડી પોતાના વહાલા દીકરાને આપે તેમ અમે અમારી ગાંઠ્યની મૂડી હતી તે તમોને આપી.” (૨૭)

૧. બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ । સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્‍ભક્તિં લભતે પરામ્ ॥ (ગીતા : ૧૮/૫૪) અર્થ: જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તિને પામે છે - અર્થાત્ જેને આત્માનો 'બ્રહ્મરૂપે' સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે.

પ્રકરણ/વાત: ૧૧/૨૧૯

ક્રિયા કરવી ને વ્યવહાર પણ કરવો, દેહ રાખવો, નિયમ પાળવાં પણ ભગવાન તો મુખ્ય રાખવા. નહિ તો વ્યવહાર પ્રધાન થઈ જાશે. માયા છે તે દેહને વખાણે તેથી રાજી થવાય છે. તે આત્મારૂપ જે દેશ તે નોખો છે. તે દેશને જે પામે તે લોપાતા નથી એ દ્વાર છે. તે ઉપર निजात्मानं ब्रह्मरुपं એ શ્લોક બોલ્યા. રાત્રી પ્રલય સુધી રૂપૈયા ભેગા થશે. માટે આપણે તો સર્વ પડ્યું મૂકીને કરવાનું તો

आकुति चिति चापल्यरहिता निष्परिग्रहाः ।

बोधने निपुणा आत्मनिष्ठाः सर्वोपकारिणः ॥

તે બે વાનાં તો અભેસિંહને આવ્યાં છે. મોટી મોટી હવેલીઓએ કરીને કે ચિત્રે કરીને કે મોટા દરવાજે કરીને કે હાથી-ઘોડાએ કરીને અગર મોટા બળદે કરીને પણ વાસુદેવને વિષે સદ્‌મતિ ન થાય. ભક્તિ તો ગોતીતાનંદ તથા અશ્રુતાનંદે પણ કરી હતી પણ લડીને ચાલ્યા ગયા. (૨૮)

૧. સત્સંગિજીવન: ૧/૩૨/૨૮. શ્રીહરિ ભક્તિમાતાને કહે છે, “હે સતિ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ? કે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષય-વાસનાએ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહે રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વેજનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.”

પ્રકરણ/વાત: ૧૧/૨૮૩

આપણે એક દિવસ મરવું છે એમાં ફેર નથી પણ સમજણ વિના જીવમાં ખોટ રહી જાશે. માટે આ સત્સંગ જીવમાં પેસવો એ બહુ દુર્લભ છે. સત્સંગ તે શું તો, વીશલ્યકરણીના વચનામૃતમાં બતાવ્યું છે જે, આત્મા ને પરમાત્મા. આત્મા જે આ સાધુ ને પરમાત્મા જે મહારાજ, તેના સ્વરૂપનો જીવમાં યથાર્થ નિશ્ચય થાવો તે તો ઘણો દુર્લભ છે તે ઉપરાંત બીજો લાભ પણ નથી. (૨૯)

૧. बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः॥ (ગીતા: ૭/૧૮)

૨. વચનામૃત ગઢડા અંત્ય ૩૯

પ્રકરણ/વાત: ૧૧/૩૫૪

શાસ્ત્રમાં આત્મા-અનાત્માની વાતો આવે છે પણ પાછું તેમનું તેમ થઈ જાય છે ને નાગરના છોકરા જેવું છે. તે શું જે, મંદિરમાં આવે ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારી પ્રસાદી આપે ને વાતો કરે ને મંદિર ટોચવાની ના પાડે તો તે ટાણે તો માને, પણ પ્રસાદી ખાઈને બારા જાય એટલે પાછા એના એ ખોદે. તેમ આત્મા-અનાત્માનું સાંભળે ને પાછું એનું એ, માટે જેમ જાતિનું પેઠું છે તેમ દેહાત્માનું થાય ત્યારે ખરું. (૩૦)

પ્રકરણ/વાત: ૧૨/૩૭

Vat Selection


Type: Keywords Exact phrase