ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૯

જ્ઞાન-સમજણ

જ્ઞાન વિના તો ભગવાનનાં ચરણારવિંદ છાતીમાં બીડી રાખે તો પણ સુખ ન આવે ને જ્ઞાન હોય તો જે આડું આવે તેને મૂકી દે ને સુખિયો રહે. જ્ઞાન વિના તે પરીક્ષિતને પણ સંશય થયો, ને રાધિકાજીને પણ કજિયા થયા. માટે જ્યાં સુધી દેહ પોતાનું રૂપ મનાય છે ત્યાં સુધી ભગવાન સાથે પણ કજિયો થયા વિના ન રહે. તે કેટલાક મહારાજ સામું બોલ્યા ને ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “મહારાજ, તમે તો અમને ભીષ્મપિતા કર્યા.” તે શું જે, બેય દેશના મોટેરા કર્યા. ને મહારાજને રઘુવીરજીની તાણ તે કંઈ બોલાય ત્યારે ગોપાળાનંદ સ્વામીને એમ થાય જે, મહારાજે તો ભીષ્મપિતા કર્યા. निजात्मानं ब्रह्मरुपं એની આણીકોર કજિયો ને કજિયો છે ને સાધુતામાં કજિયો નથી... (૩૧)

૧. એક વાર ગોલોકમાં ભગવાને વિરજા નામની ગોપીને પોતાની સાથે રાસમંડળમાં લીધી. આ સાંભળી રાધાને રીસ ચઢી ને ભગવાનને ઠપકો દેવા ગયાં. જ્યાં તે પહોંચ્યાં કે તરત વિરજાની સાથે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. રાધાજીને વીરજા સાથે ઈર્ષ્યા હતી, ફરી એક વાર શ્રીદામા, કૃષ્ણ ને વિરજા ત્રણેને ગોષ્ઠી કરતાં જોયાં. રાધાજીએ ભગવાનને ન કહેવાનાં વેણ કહ્યાં ને નિંદા કરી. ભગવાન તો સાંભળી રહ્યા, પણ તેમના પાર્ષદ શ્રીદામાથી આ સહન ન થયું એટલે તેમણે રાધાજીને ઠપકા સાથે શાપ દીધો કે, “ગુર્જર સુથારને ઘેર તારો જન્મ થાય.” રાધિકાજીએ પણ શ્રીદામાને સામે શાપ આપ્યો, “તું પણ દાનવ કુળમાં જન્મ લે.” આ શાપને લીધે શ્રીદામા શંખચૂડ નામનો અસુર થયો. (બ્રહ્મવૈવર્તપુરાણ, શ્રીકૃષ્ણજન્મખંડ, પૂર્વાર્ધ: ૩/૯૭-૧૧૩)

પ્રકરણ/વાત: ૧૨/૧૩૮

નથુ પટેલે પ્રશ્ન પૂછ્યો જે, “નિરંતર વૃદ્ધિ પમાતું જાય ને કોઈ દિને વિઘ્ન ન આવે તેનો શો ઉપાય છે?” ત્યારે ઉત્તર કર્યો જે, “આમ ને આમ દુઃખ, દોષ ને નાશવંતપણું જણાયા કરે તો ક્યાંય આ લોકમાં ન ચોંટાય ને માલ પણ ક્યાંય ન જણાય.” વળી પ્રશ્ન પૂછ્યો જે, “પ્રતિલોમ કેને કહેવાય?” ત્યારે ઉત્તર કર્યો જે, “વૃત્તિયું પાછી વાળવી તેને પ્રતિલોમ કહેવાય. ને ભગવાનની મૂર્તિ ધારવી તેને ધ્યાન કહેવાય. પ્રતિલોમના બે ભેદ છે. એક તો પોતાનો આત્મા માની ને તેમાં ભગવાન ધારવા એમ મહારાજનું વચન છે. તે તો ‘મેરે વચનમેં વાસા’ તેમ જાણવું. ને પુરુષપ્રયત્ન કરીને વૃત્તિયું પાછી વાળવી તે પણ પ્રતિલોમ કહેવાય પણ તે મારગ કઠણ જણાય છે. પ્રથમનો મારગ કાંઈક સુગમ જણાય છે.” (૩૨)

પ્રકરણ/વાત: ૧૨/૧૫૯

... જીવ-પ્રાણીમાત્રને કારણ શરીરરૂપ બ્રહ્મહત્યા વળગી છે તે ગમે તેટલાં સાધન કરો પણ ટળે નહિ. તે તો પ્રગટ ભગવાનનું ધ્યાન કરે ને તેના વચનમાં વર્તે તો કારણ શરીર ટળે. निजात्मानं ब्रह्मरूपं देहत्रय विलक्षणम् એવો થાય ત્યારે કારણ શરીર ટળે ને મહારાજ પણ એટલા સારુ આવ્યા છે. આપણે પુરુષોત્તમ તો જણાઈ ગયા છે પણ બ્રહ્મરૂપ થાવામાં ખોટ છે, તે કોઈ અપમાન કરે ત્યારે કઠણ પડે. મહારાજે કહ્યું જે, હાથીએ બેસારો ને ગધેડે બેસારો તે બે બરોબર છે. ચ્યવન તથા સૌભરી ને નારદને કારણ શરીર રહ્યું હતું તેમાંથી કોંટા ઊગ્યા, તે સોઢીના રણમાં આંબો પાક્યો કહેવાય. જેમ કોથળીમાં રૂપિયા ભર્યા હોય તેમ કારણ શરીરમાં દોષ માત્ર રહ્યા છે. માટે મહારાજનો સિદ્ધાંત એ છે જે, ત્રણ ગ્રંથ પાળીને બ્રહ્મરૂપ થાવું ને સર્વોપરી ઉપાસના સમજવી ને સર્વ ભગવાનના કારણ આ સહજાનંદ છે. મહારાજ ચીભડાં જમ્યા તેના તે મહારાજ જૂનાગઢમાં પધાર્યા ત્યારે સ્વારીમાં ઘોડી માથે બેસીને કાકડી બે હાથે જમ્યા તે જોઈ નવાબસાહેબને ગુણ આવ્યો જે ખુદા હોય તે શરમાય નહિ માટે આ ખુદા ખરા. એમ નિશ્ચય થયો તેને કરવાનું કાંઈ બાકી રહ્યું નહિ. (૩૩)

૧. શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામશુદ્ધિ.

પ્રકરણ/વાત: ૧૨/૧૬૪

... મહારાજે કેટલાકને પરચા દેખાડ્યા, કેટલાકને ઐશ્વર્ય દેખાડ્યું, કેટલાકને સમાધિ કરાવી તો પણ આ લોકમાં ચોટી ગયા. માટે જ્ઞાનની સમાધિ કરાવ્યા વિના બધું કાચું સમજવું. પ્રશ્ન-ઉત્તર કરતાં શીખવ્યા, સત્શાસ્ત્ર સમજાવ્યાં, ચાર પ્રકારનો કુસંગ ઓળખાવ્યો, મતપંથ માત્રને ઓળખાવ્યા. હવે વાસના ટાળવી કઠણ છે, તે તો સાચું જ્ઞાન થાય તો જ ટળે. ब्रह्मभूतः प्रसन्नात्मा થાય ત્યારે જીવમાંથી વાસના ટળે. જ્ઞાન હોય તે આ બધું વિચારે. જ્ઞાની થાય ત્યારે બધી ખબર પડે. (૩૪)

પ્રકરણ/વાત: ૧૩/૮૬

મનુષ્યનો દેહ ચિંતામણિ મળ્યો છે તે હમણાં જાતો રહેશે, માટે કથાવાર્તા કરી લેવી. ને ગીરનાર કાપવો કાંઈ કઠણ નથી પણ જીવમાં જે વાસના ભરી છે તેને કાઢવી કઠણ છે. તે જ્ઞાન થાય તો નીકળે માટે निजात्मानं ब्रह्मरूपं માનવું. (૩૫)

પ્રકરણ/વાત: ૧૩/૧૦૦

... જગતમાં તો કેવળ બ્રહ્મજ્ઞાન ભર્યું છે તે બ્રહ્મ તો કિયો કે’વાય જે ઇંદ્રિયુંનો દોર્યો ન દોરાય, મનનો દોર્યો ન દોરાય તેને કહ્યો છે... (૩૬)

પ્રકરણ/વાત: ૧૩/૧૯૯

માટે દેહરૂપી ઘર છે તે અંતે મેલવું, મેલવું ને મેલવું. ને આત્મારૂપી ઘર છે તેમાં રહેવું, રહેવું ને રહેવું. એમ આદર રાખવો... (૩૭)

પ્રકરણ/વાત: ૧૪/૬

... બે મેમણ ગામ જવા નીકળ્યા તે રસ્તામાં જારનું ખેતર આવ્યું ત્યારે કહે જે, “કેટલી જાર થાશે?” તો એક કહે જે, “ચાળીસ કળશી,” ને બીજો કહે, “ત્રીસ કળશી.” એમ વાદ કરતાં બાઝ્યા તે એકને હેઠો નાખી બીજો માથે ચડી બેઠો ને દાઢી ખેંચી કહ્યું જે, “કહે કે ‘ત્રીસ થાશે’!” ત્યારે ઓલ્યો કહે જે, “દાઢી કૂચેકૂચો થાય પણ હકડી ફક ન છડું!” તેમ જીવને પણ એવા કજિયા છે. માટે એવો વિચાર કરવો જે, હું ક્ષેત્રજ્ઞ, દૃષ્ટા, સાક્ષી ને બ્રહ્મરૂપ એવો દાસ છું. (૩૮)

પ્રકરણ/વાત: ૧૪/૧૪

સાચાને સાચું જાણવું ને ખોટાને ખોટું જાણવું એ આપણે કરવાનું છે. સત્સંગ કરીને શું સમજવું જે, જેમ છે તેમ ભગવાનને જાણવા, જીવના સ્વરૂપને જાણવું, દેહના રૂપને જેવું છે તેવું જાણવું એ સત્સંગ કર્યાનું ફળ છે. (૩૯)

પ્રકરણ/વાત: ૧૪/૨૬

દેહમાં દુઃખ આવે ત્યારે લેવાઈ જાય છે. માટે જ્યારે દુઃખ આવે ત્યારે જાણપણે વરતાય તે ખરું. તાવ આવે ત્યારે દેહ ધ્રુજે ને બળવા માંડે તો પણ એમ જાણે, ‘દેહ બળે છે ને હું તો આત્મા છું,’ એમ જાણીને આપત્કાળમાં ન લેવાવું. અલ્પ આપત્કાળ આવે એટલામાં માળા ને નહાવું મૂકવું નહિ. કેટલાક તો કીર્તનમાં ને ધૂનમાં આવતા નથી. સ્વરૂપાનંદ સ્વામી ને મૂળજી બ્રહ્મચારી આપત્કાળમાં પણ ન લેવાય. આ સર્વે હરિજન છે તે ચીંથરે વીંટેલા રત્ન છે એટલે કળાય નહિ. માટે કોઈને વેણે કરીને દુઃખવવા નહિ. (૪૦)

પ્રકરણ/વાત: ૧૪/૧૩૫

Vat Selection


Type: Keywords Exact phrase