ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨

સંત-સમાગમ

એક વખતે એમ વાત કરી જે, શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે જે, “અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે નિત્યપ્રત્યે સાધુનો સમાગમ કરવો.” ત્યારે એક હરિજને પૂછ્યું જે, “સત્સંગની મર્યાદા પ્રમાણે રહીએ છીએ તથા આજ્ઞા પ્રમાણે દશમો-વીસમો ભાગ તથા નામનું પણ દઈએ છીએ તથા મંદિર, મૂર્તિયું, આચાર્ય, સાધુ એ સર્વેની યથાશક્તિ સેવા પણ કરીએ છીએ તો પણ નિત્યપ્રત્યે સાધુનો સમાગમ કરવાનું કહે છે તેનું શું કારણ છે?” ત્યારે બોલ્યા જે, “આ તમે સર્વ ધર્મ પાળો છો પણ જો અશુભ દેશકાળનો જોગ થાય તો ધર્મમાં મોળું પડી જવાય. પૂર્વે પણ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ, નારદ વગેરેને દેશકાળ લાગ્યા તે સાધુના સમાગમ વિના લાગ્યા. વળી જો સાધુનો સમાગમ હોય તો અહિંસા ને બ્રહ્મચર્યરૂપી પોતાના વર્ણાશ્રમ સંબંધી જે સદાચાર તે દ્રઢ પળે તથા કોઈ આજ્ઞાનો લોપ ન થાય ને તેનો સત્સંગમાં અચળ પાયો થાય ને તેને કાંઈ ધકો ન લાગે ને કોઈ વિઘ્ન પણ ન થાય એવાયે પણ સમાગમ કરવો, કેમ જે સ્તંબથી કરીને પુરુષોત્તમ જે મહારાજ તે પર્યંત સર્વના સ્વરૂપનું જે જ્ઞાન તે સાધુના સમાગમથી જ થાય છે તથા મૂળપુરુષ ને મૂળમાયા થકી મુક્ત ને પર એવા જે શુદ્ધ મુક્તાત્મા તથા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપનું જે સાક્ષાત્ જ્ઞાન તે પણ સાધુના સમાગમથી જ પમાય છે તથા માયિક જે સુખદુઃખ તે સર્વે ખોટાં થઈ જાય છે.” (૧)

૧. કાર્યં ન સહસા કિઞ્‍ચિત્કાર્યો ધર્મસ્તુ સત્વરમ્ । પાઠનીયાઽધીતવિદ્યા કાર્યઃ સઙ્‍ગોન્વહં સતામ્ ॥ અર્થ: અને વિચાર્યા વિના તત્‍કાળ કાંઈ કાર્ય ન કરવું અને ધર્મસંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો. - શિક્ષાપત્રી શ્લોક ૩૬

પ્રકરણ/વાત: ૮/૭

જ્યાં વસતિને બહુ ધસારો ત્યાં ઝાડ હોય નહીં તેમ ભૂંડાં માણસનો જોગ થાય ત્યારે આવું ને આવું અંતર રહે નહિ. માટે સાધુના જોગ વિના સત્સંગ રહેવો બહુ કઠણ છે. આપણે પ્રભુ ભજવા આવ્યા છીએ પણ જોગ વિના ન ભજાય. તે ઉપર વાત કરી જે, અમે પીપલાણે ગયા ત્યારે આખાના હરિજન દર્શને આવ્યા તે ઊભા થઈ રહ્યા ને પીપલાણાનાં છોકરાં દંડવત્ કરવા મંડી પડ્યાં. તે શું જે, આખામાં મંદિર નથી તે હરિજનને દંડવત્ કરતાં આવડ્યા નહિ ને પીપલાણામાં મંદિર છે તો ત્યાંના છેકરાં સોતને દંડવત્ આવડે છે. એમ જોગ વિના કાંઈ થાતું નથી. (૨)

પ્રકરણ/વાત: ૮/૨૩

સત્સંગ પોતાનો કરવો પણ ઉછીનો ન કરવો. કોઈને માબાપનો, કોઈને મોસાળનો, કોઈને કાકાનો એમ કોઈકને લઈને સત્સંગ છે, માટે પ્રહ્‌લાદની પેઠે પોતાનો સત્સંગ કરવો ને પર્વતભાઈને પણ પોતાનો હતો. (૩)

પ્રકરણ/વાત: ૮/૩૪

આંહીં સમાગમ કરવા આવ્યા ને ગાફલાઈ રાખીને જ્યાં ત્યાં બેસી રહ્યા ત્યારે ઘરે જાશો ત્યાં એ વાત થાશે? ઘરે જાશો ત્યારે ખેતર મોકલશે. માટે આહીં આવવું ત્યારે તો એકમને વાતુ સાંભળી લેવી. (૪)

પ્રકરણ/વાત: ૮/૪૨

અને આ સત્સંગ તો કોઈને ગમે જ નહિ. તે બાણાસુરે કહ્યું જે, “ઓખાને જાદવ કુળ વિના ગમે તે લઈ જાઓ,” તેમ આપણામાં આ સાધુ વિના બીજાના ગુણ ગાઓ તો કોઈને વાંધો નથી પણ આ પ્રગટ ભગવાન કે તેના સાધુનાં વખાણ કરે તો ન ગમે. કુસંગીને ‘નારાયણ’ કહો તો રાજી થઈને કહેશે જે, “નારાયણ, બાપુ, નારાયણ,” પણ ‘જય સ્વામિનારાયણ’ કહેશો તો ધખીને કહેશે જે, “ચલ બે.” તેમ આપણે પણ ‘જય સ્વામિનારાયણ’ને બદલે જે ‘નારાયણ’ કહેવાય તેટલો કુસંગ જાણવો. અને વરતાલમાં બુધેજના દાજીભાઈએ વર્તમાન ધાર્યાં ત્યારે બ્રાહ્મણે પૂછ્યું, “તમે વર્તમાન ધાર્યાં કે?” એમ સત્સંગ તો કોઈ રીતે ઢાંક્યો રહે એવો નથી. એ તો મોઢું ફરી જાય. તે બાંધણીના હરિજન દાજીભાઈનું ગામમાં કોઈ કામકાજ કરે નહિ ને મેવાસાના હરિજનને ગામમાં કોઈ દેવતા આપતું નહીં. તે દેવતા ઠરી જાય તો કોઈ પરદેશી બાવા ચોરે આવ્યા હોય તેની ધૂણીમાંથી લઈ આવે પણ ગામમાં કોઈ આપે નહિ. સો માથાં જાતાં સોંઘા છોગાળા! સત્સંગ સારુ તો મોટે મોટે રાજ મૂક્યાં છે. શીબી, રહુગણ, પરિક્ષિત એમણે સત્સંગ કર્યો ને એમનો પણ દેહ તો ન રહ્યો. માટે જ્યારે અધર્મ સર્ગનું મૂળ જાય ત્યારે સત્સંગનું સુખ આવે. (૫)

પ્રકરણ/વાત: ૮/૭૦

જેટલો ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય તેમ જેટલો સત્સંગ કરીએ તેટલું હૈયામાંથી અજ્ઞાન જાય. વળી એક દહીંનો ભાવિક હતો તે દૂધનો દરિયો આવ્યો ત્યારે પોતા પાસે થોડી છાશની આછ હતી તે દહીં કરવા સારુ દરિયામાં નાખી તે દહીં તો થયું નહિ ને મૂળગી તેની આછ ગઈ. તેમ થોડેક સમાગમ કરીએ તો જ્ઞાન ન થાય. બળી રાજા એટલો કારસો ખમ્યા ને મૂર્તિ રાખી તો ભગવાન જાણપણા રૂપ દરવાજે અખંડ રહે છે. (૬)

પ્રકરણ/વાત: ૮/૭૭

એકને તો ભગવાન વિના કે સત્સંગના જોગ વિના રહેવાય નહિ એ માછલા જેવા; ને બીજા સત્સંગ કરે ને કુસંગ પણ કરે તે પોરા જેવા; ને ત્રીજા તો મંદિરમાં પણ ગ્રામ્ય કથા કર્યા કરે તે દેડકા જેવા. એમ ત્રણ ભેદ છે. (૭)

પ્રકરણ/વાત: ૮/૮૬

ભગવાનના એકાંતિકમાં બંધાય તો તેમાં સહેજે સર્વે સાધન આવી જાય. જેમ અગ્નિને પડખે બેઠો હોય તેને સહેજે ટાઢ ન વાય તેમ એકાંતિકનાં પડખામાં સહેજે પ્રભુ સાંભરે. ને ખપ ન હોય તો જોગમાં આવ્યા છીએ તો પણ પ્રભુ ન સાંભરે ને સમીસાંજમાં ઊંઘી જવાય. પટેલને ત્યાં કણબી સાથી રહ્યો તે ધણી ન હોય ત્યારે શેઢે જઈને સૂઈ રહે ને કહે જે, “જે બેઠા એ લાભ!” એમ ઊંઘી રહેવાય છે. (૮)

પ્રકરણ/વાત: ૮/૯૩

સાધુ સમાગમ વિના તો કાંઈ ન આવડે. કથા, કીર્તન કરતાં પણ આવડે નહિ, તે કેટલાક કથા, કીર્તન ગાતાં ગાતાં ચાલ્યા ગયા. માટે સમાધિથી પણ જ્ઞાન અધિક છે. લક્ષ્મણને સમાધિ થાતી પણ જ્ઞાન નહિ તેથી વહેવારમાં બંધાઈ ગયો. અમે પૂછ્યું જે, “હવે સમાધિ થાય છે?” ત્યારે કહે જે, “કરું તો થાય પણ નવરો નહિ.” શીવલાલ આગળ રાઈબાઈને પૂછાવ્યું જે, “મોરની ઘોડે સમાધિ થાય છે?” તો કહે, “કરું તો થાય.” તેમાં શું કહ્યું જે, સાધુ સમાગમે સ્થિતિ રહે તેવી કેવળ ધ્યાન કે સમાધિએ કરીને ન રહે. સાધુ સમાગમે કરીને રાજ કરે તો સ્વરૂપાનંદ સ્વામીના જેવી તો ગતિ પામે. સાધુ સમાગમ વિના બીજું ગમે તેટલું કરે પણ તેનો નિરધાર નહિ. માટે સાધુ સમાગમ તો અવશ્યપણે કરવો. (૯)

પ્રકરણ/વાત: ૮/૧૯૧

અભિનિવેશ થાય ત્યારે ગુરુ તથા શાસ્ત્ર કહે તો પણ ન માને ને જે નથી કરવું તેના ક્યાં સંકલ્પ થાય છે? ભૂખે મરી જવાય પણ કોઈને વિષ્ટા, છાણ ખાવાનો સંકલ્પ થાતો નથી માટે વિષયમાં રાગ છે તો જ સંકલ્પ થાય છે. ખરેખરો સમાગમ થાય તો કસર ન રહે. કલ્યાણભાઈના ખેતરમાં ધ્રો થઈ ગઈ હતી તે ત્રણ વરસ સુધી ઘેર જ આવ્યા નહિ ને ખેતરે રહી ધ્રો કાઢી ચોખું કર્યું, તેમ આપણે પણ આ સાધુના સમાગમમાં રહીને લઈ મંડશું ત્યારે જ વિષયના ધોરી મૂળ કપાશે. (૧૦)

પ્રકરણ/વાત: ૮/૨૩૦

Vat Selection


Type: Keywords Exact phrase