ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨

સંત-સમાગમ

એક સાધુ ગાડા ઉપર આસન કરીને વાહર લેતા. પછી તો સત્સંગમાંથી જાતા રહ્યા. એમ ભીડો ખમી શકાય નહિ. હરિયાનંદને એંશી જોડ ચરણાર્વિંદ હતાં ને ચાર પોશાગ હતા તો પણ સત્સંગમાંથી ગયો. માટે આ સાધુ સત્સંગમાં રાખશે, પદાર્થ નહિ રાખે. આપણી મોટપ તો ધર્મ વતે છે. ગામેતી હોય તે ખેડુની ગરજ રાખે છે તેમ આપણે પણ થોડી થોડી સત્સંગની ગરજ રાખવી. કોઈને વેણ ન મારવું. ઘા રુઝાય પણ વાણી ન રુઝાય. કોઈ ગુહ્ય વાત હોય તે પ્રકાશ કરવી નહિ. સર્વે ભગવદી આગળ હાથ જોડીને બોલવું. સાધુ સમાગમ વિના દોષ ટળે નહિ ને કહ્યા વિના સમજાય નહિ. સર્વે સંત આગળ દીન આધીન થાવું. અહીં હરિભક્ત સો રૂપિયા લઈને આવ્યો હોય તેને માન દઈએ તો પચાસ વાવરે. મોટા સાધુમાં બંધાયો તે જ ઉગરે. વહેવારમાં તો જશ મળે ને અપજશ પણ મળે. માટે એનું તો જાણી મેલવું જે એમાં તો દુઃખ જ છે. માટે કલ્યાણના ખપને જાણે ને વધારે તેવો કોઈ ડાહ્યો નથી. (૧૧)

પ્રકરણ/વાત: ૮/૨૪૭

જેટલું દેહ-ઇંદ્રિયનું ગમતું થાય એટલું ભૂવો ને ભગોત જેવું છે. પણ સાચા શુરા હોય તે કોઈના દોર્યા દોરાય નહિ. એક સગાળ નામનો કાઠી હરિભક્ત હતો તે મુક્તાનંદ સ્વામી ભેળો સમાગમ કરવા માટે જતો હતો. પછી તેની સ્ત્રીએ કોશ ઉગામીને કહ્યું જે, “પાછો વાળ, નીકર મારું છું,” એટલે તરત પાછો વળ્યો. એમ માયા જીવને વાળે છે. (૧૨)

પ્રકરણ/વાત: ૯/૨૪

એક સીદી હતો. તેને રસ્તે ચાલતાં અરીસો જડ્યો તેમાં પોતાનું મોઢું કાળું શાહી જેવું દીઠું. પછી તો ક્રોધાયમાન થયો ને બોલ્યો જે, “તેં મારું રૂપ બગાડી દીધું.” એમ કહી પથરામાં ફોડ્યો. તેમ સમાગમે કરીને જેવું રૂપ હોય તેવું કળાય છે. (૧૩)

પ્રકરણ/વાત: ૯/૬૨

મોરે તો ગામોગામ મારતા. તે ગરીબદાસ ને કંગાલદાસ તે પણ મારતા. હવે તો માંહેનો કજિયો રહ્યો. તે શું જે, મન ગોટા વાળે જે સત્સંગમાં જાશું તો ખોટી થાશું, વળી વાવરવું પણ પડશે. એમ મન મોળપ લાવે છે. (૧૪)

પ્રકરણ/વાત: ૯/૭૮

જેમ ચડતાં-ઊતરતાં પાપ છે તેમ જ પુણ્ય પણ છે. તેમાં સત્સંગ થાય એ ભારે પુણ્ય ને સત્સંગ પાર પાડવો એ એથી ભારે પુણ્ય. ને બહુ જન્મનાં પુણ્ય હોય ત્યારે સત્સંગ થાય ને એમાંથી જવાય એ સૌથી મોટું પાપ, એવું બીજું કોઈ પાપ મોટું નથી. (૧૫)

પ્રકરણ/વાત: ૯/૧૦૩

આ સમાગમમાં કાપ્યું વ્યાજ મળે છે એટલે આજ સમાગમ કર્યો તેનું ફળ વળતે દિવસે મળે ને વળતે દિવસે સમાગમ કર્યો તેનું ફળ ને આગલા દિવસનું ફળ ત્રીજે દિવસ મળે છે. એમ સમાગમનું ફળ આપીને સત્સંગ વૃદ્ધિ પમાડીએ છીએ. (૧૬)

પ્રકરણ/વાત: ૯/૧૩૦

સમાગમ વિના કોઈને સમજણ આવી નથી ને આવશે પણ નહિ. હજારવાળા, દસ હજારવાળા, લાખવાળા ને કરોડવાળા સર્વે મરી ગયા. અંતે જરૂર આ ઘડો ફૂટવાનો છે, પછી સૌ ઠેકડી કરશે ને જેમ રીંગણું સુકાઈ જાય તેમ કાયા સુકાઈ જાશે ને પછી છોકરા મારશે તો પણ તેનો અવગુણ નહિ આવે. એવું તો ઘરોઘર સળગી ઊઠ્યું છે. માટે આ સમાગમ ન હોય તો ક્યાંઈનું ક્યાંઈ જાતું રહેવાય. પંચાળા ને બાલાગામની સીમના ચાસટિયાની વાત કરી જે, રેલનું પાણી પાય ત્યારે મહિનો દિવસ સુધી વધ્યા કરે તેમ રેલની પેઠે સમાગમ કરે ત્યારે એવો ને એવો સત્સંગ રહે. (૧૭)

પ્રકરણ/વાત: ૯/૧૪૫

આપણે જે ધારીએ તે થાય પણ નિરધાર કરે તો સત્સંગને પ્રતાપે બધું થાય. નાનું બાળક હોય તે પ્રથમ કાંઈ ઉપાડી શકે નહિ પણ જુવાન થાય ત્યારે ધારે તે ઉપાડી જાય. હીરાનું પારખ્યું ઝવેરીના સંગે કરીને કરીને થાય તેમ સત્સંગ કરતે કરતે મોહ ટળે, પ્રમાદ ટળે, ને બુદ્ધિમાં પ્રકાશ થાય. (૧૮)

પ્રકરણ/વાત: ૯/૧૪૯

સત્સંગી જેવો તેવો હોય પણ મોટા પંડિતને પ્રશ્ન પૂછીને ઊભો રાખે. સુરાખાચરે એક બાવાને પ્રશ્ન પૂછ્યું જે, “લઘુશંકા એટલે શું?” ત્યારે બાવો કહે, “કુછ ખાને પીનેકી વસ્તુ હોયગી.” એમ ઇંદ્રિયારામ હોય તે કળાઈ રહે. અને પીઠવડીના હરિભક્ત પૂંજા પટેલના દીકરા રામજીને નાગરે પ્રશ્ન પૂછ્યો જે, “છોકરા, કાયાનું કલ્યાણ કેમ થાય?” ત્યારે રામજીએ નાગરને બાજરાનો રોટલો ને દૂધ જમતો જોઈ કહ્યું જે, “બાજરાનો રોટલો ને દૂધ ખાઈએ તો કાયાનું કલ્યાણ થાય ને જીવના કલ્યાણની વાત જુદી છે.” એવા જગતમાં પ્રશ્ન પૂછે છે. માટે સમાગમ વિના પૂછતાં પણ ન આવડે તો ઉત્તર તો આવડે જ ક્યાંથી? માટે જ્યારે સત્સંગ ઓળખાશે ત્યારે કુસંગનો ત્યાગ કરીને સત્સંગ કરાશે. (૧૯)

પ્રકરણ/વાત: ૯/૧૫૪

એક વરસે ઘેલામાં મોટું પૂર આવ્યું હતું ત્યારે મહારાજે કહ્યું હતું જે, “હે સંતો, આ પૂરની જેમ જીવમાં કામાદિક દોષનાં પૂર આવે છે અને તેમાં રાત, દિવસ તે તણાયા કરે છે.” માટે એ બધા દોષથી મુક્ત થવાનું તો ઠેકાણું આ સંત સમાગમ છે. (૨૦)

પ્રકરણ/વાત: ૯/૧૯૨

Vat Selection


Type: Keywords Exact phrase