ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨

સંત-સમાગમ

છાસ લેવા જાવી ને દોણી સંતાડવી તેમ ન કરવું. સત્સંગ કર્યો ત્યારે તો ઉઘાડો જ કરવો. તે શું જે, કોઈથી દબાવું નહિ. (૨૧)

પ્રકરણ/વાત: ૯/૨૬૩

ચોમલા ચાવડાની બરછી બે તસુ વાગે તો પણ જીવે નહિ. તેમ મોટાની વાતના શબ્દ જેને હૈયામાં પેઠા હોય તેના હૈયામાં જગત રહે નહિ. તાત તું, માત તું, ભ્રાત તું ભૂધરા. એમ સાધુને ને ભગવાનને જ જીવન કરી રાખવા. મોટા કહે એમ કરે તો આ લોકમાં સુખિયા રાખે અને પરલોકમાં સુખિયા કરે. તે એવું જ્ઞાન સાધુસમાગમે થયું છે, જે આ સાધુ જરૂર હેતુ છે. (૨૨)

પ્રકરણ/વાત: ૯/૩૦૫

સત્સંગ કરશું તેમાંથી કાંઈક ગુણ આવશે પણ પથારી કરીને સૂઈ રહેશું તેમાંથી કાંઈ નહિ વળે. બળદિયા જોડે તો સારા રહે ને ઘોડું ફેરવે તો સારું રહે તેમ સમાગમ કરે તો જીવ સારો રહે. (૨૩)

પ્રકરણ/વાત: ૯/૩૪૨

બે કળશીનું અન્ન રાંધ્યું હોય ને આપણે તો શેરની જ ભૂખ હોય પણ જ્યારે મોંમાં મૂકીએ ત્યારે ભૂખ જાય, તેમ સત્સંગમાં મોટા પુરુષ છે પણ તેમનો સમાગમ કરી સત્સંગનું સુખ લઈએ તો જ એકાંતિક સત્સંગી થવાય અને તે જેમ કહે તેમ વર્તવા માંડીએ તો જ સુખ થાય. (૨૪)

પ્રકરણ/વાત: ૧૦/૧૫

કેશવલાલને કહ્યું જે, “તમે વીસ-પચીસ હજાર રાળ સત્સંગ અર્થે વાપર્યા હશે અને ઊનાવાલા વલ્લભજી શેઠે ચાલીસ હજાર રાળ સત્સંગમાં વાપર્યા હશે, પણ બસેં રાળ ખાઈ સમાગમ કરો તો દોષ ટળી જાય ને અંતરના કોંટા કપાઈ જાય ને ગ્રંથિ એકે ય રહે નહિ ને ગાંઠું ગળી જાય, એવું આજ આ સાધુનું જ્ઞાન છે. તે રૂપીઆ ખરચે પમાતું નથી. રૂપીઆ સત્સંગમાં ખરચ્યા હશે તેથી હજાર ગણા આપશે પણ તેથી અંતરના દોષ ન જાય. તે તો આ સાધુના સમાગમથી જ અહંગ્રંથિ ટળશે. માવાભાઈની અહંગ્રંથિ ટળી છે તો આસનેથી કોઈ ઉઠાડે છે ત્યારે ઉઠાય છે, કારણ આ થાંભલાને સંકલ્પ થાય તો માવાભાઈને થાય એવા માવાભાઈ છે.” (૨૫)

પ્રકરણ/વાત: ૧૦/૪૦

બ્રાહ્મણ હોય તેને બીજા વર્ણનું ખવાય નહિ. ને વળી જેમ જાતિનું નક્કી થઈ ગયું છે તે ફરતું નથી તેમ નિરધાર કરવો જે, આ દેહે કરીને વિષય ભોગવાય જ નહિ. પણ જીવ છે તે દેહરૂપ થઈ ગયો છે. તે ઢેઢને નક્કી થઈ ગયું છે કે હું ઢેઢનો ઢેઢ જ છું, માટે જ્ઞાન વિના તો સર્વે આંધળા છે. જગતમાં તો આત્મા ને દેહની નોખી વિક્તિ કોઈને નથી. દેહ ને જીવ એક જ માને છે. એક ગામમાં રાઘવાનંદ સ્વામીએ બ્રાહ્મણને પૂછ્યું જે, “શમ-દમ કેને કહીએ?” ત્યારે તેણે ઉત્તર કર્યો જે, “ડામ દીએ તે શમ અને મરતી વખતે શ્વાસ ચાલે તે દમ કહેવાય.” એમ જગતમાં કોઈને જ્ઞાનનો લેશ નથી. પછી તેમણે એક હરિજનને કહ્યું કે, “હવે તમે શમ-દમનો અર્થ કરો.” પછી તેણે કહ્યું જે, “શમ એટલે પોતાના જીવને અનર્થના કરનારા એવા શબ્દાદિક અસત્ પંચવિષયે કરીને અંતઃકરણને નિયમમાં રાખવું અને તે વિષયે કરીને અંતઃકરણને ક્ષોભ ન પામવા દેવું, કહેતાં મનને વશ રાખવું તે શમ. અને દમ તે દેહને વશ રાખવા દમવું, કહેતાં તપ કરવું. અનર્થના કરનારા અસત્ પંચવિષય તે થકી ઇંદ્રિયોને પાછી વાળી ને નિયમમાં રાખવી તે દમ.” ત્યારે રાઘવાનંદ સ્વામી કહે, “બરાબર ઉત્તર છે.” એમ સત્સંગમાં જ્ઞાન છે. અને જેને જ્ઞાન નથી તે ચિચોડામાં જેમ શેરડી પિલાય તેમ દેહ, લોક, ભોગમાં વગર સ્વાર્થના પિલાય છે. (૨૬)

પ્રકરણ/વાત: ૧૦/૯૭

ધર્મ, અર્થ, ને કામ તે સત્સંગીને ઉપયોગી થાય એમ શીખવું પણ મોહને ઘોડે ન ચડવું. તે આ દેહ રાખ્યાનું ફળ તો તત્ત્વ જીજ્ઞાસાને અર્થે છે. માટે આ દેહ, ઇંદ્રિયો, મન એ સર્વને ભગવાનના નિયમમાં લાવવાં ને સાધુ સમાગમમાં લાવવાં અને ધર્મ-નિયમમાં લાવવાં. ને જગતમાં રૂપીઆવાળો હશે તે સાકર ખાતા હશે તેણે કરીને શું મોક્ષ થાશે? તેણે કરીને તો મોટાં બંધન થાશે. મોક્ષ તો આવા સાધુના સંબંધથી જ થાય છે. (૨૭)

પ્રકરણ/વાત: ૧૦/૧૬૮

વળી, જેમ ચોર હોય અને માથાવડીએ દ્રવ્ય લાવીને પોતાના છોકરાંનું પોષણ કરે છે, તેમ જ આપણે પણ મહાદાખડો કરી પોષણ કરીએ છીએ પણ તેમાંથી કાંઈ નીકળવાનું નથી. તે રાત-દિવસ આવી વાતુ થાય છે પણ તે લાગતી નથી; તે શું જે, આવી વાતુમાં મન પરોવાતું નથી ને વિશ્વાભિમાની, પ્રજ્ઞાભિમાની, તૈજસાભિમાની વર્તે છે પણ ગુણાતીત ક્યાં થવાય છે? ને જેટલું આ સાધુનાં વચન પ્રમાણે વર્તાય છે તેટલું ગુણાતીતપણું છે. માંહેલા અને બાહેરલા સાધુની વાત વિસ્તારીને કહી જે, અંતરમાં સાધુ છે તે કાંડું નહિ ઝાલે! માટે બહારના સાધુનો જોગ રહેશે તો જ ઠીક રહેશે. ને એમ ન હોય તો કેશવલાલ ને શિવલાલ અહીં મહિનો એક રહી જાય. અને લીંબડી વઢવાણ સગામાં જઈ એક મહિનો રહે! પછી જોઈએ ક્યાં સમાસ થાય છે? માટે સાધુનો જોગ રાખવો એ જ સમાસ કરે છે. (૨૮)

૧. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહના અભિમાનથી જીવનાં વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ આ ત્રણ નામ પડ્યાં છે તે વાસ્તવિક નથી, ઉપાધિથી છે. - વચનામૃત સારંગપુર ૬

પ્રકરણ/વાત: ૧૦/૧૯૦

ભગવાનના જનનો કોઈ રીતે સંગ થાય તો સોનાની હવેલી બાળીને સમાગમ કરવો એમ કહ્યું છે. તે એવો સમાગમ થયો છે પણ ગાફલાઈ રહે છે માટે એવા અજ્ઞાનનો ત્યાગ કરીને પ્રથમ મહિમાનો વિચાર કરવો. (૨૯)

પ્રકરણ/વાત: ૧૦/૨૮૫

જીવને વિષયનું ખંડન તો ગમતું નથી. ને જેમ મહુડાં પડે તેમ હૈયામાં ટપટપ સંકલ્પ થયા કરે છે જે, આ ખાઉં, આ ખાઉં, આ જોઈએ, તે જેઈએ; એવી કલ્પના થયા જ કરે છે. માટે અહોરાત્રી જ્ઞાન કહેવું ને સાંભળવું ને સાધુ સમાગમ કરવો તો સર્વે દોષ ઘાસી જાય. ને પછી મર કાચા જ મરી જાશું, તો પણ ભરતજીની પેઠે સ્મૃતિ ઝાલશે ને કીર્તન શીખ્યા હઈશું તો ભૂલી જવાશે, પણ આવું જ્ઞાન હૈયામાં બેઠું તે જાશે નહીં. જ્ઞાન વિના હૈયામાં શાંતિ ન રહે ને બધું બરાબર જોઈએ એ પણ અણસરજી પીડા છે. (૩૦)

પ્રકરણ/વાત: ૧૧/૩૭

Vat Selection


Type: Keywords Exact phrase