ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨

સંત-સમાગમ

બાળમુકુંદાનંદ સ્વામીને અમે શીખામણ દીધી જે, કોઈ ઉપર હુકમ ન કરવો. માટે આવી વાતુ સાંભળીને તેના સંસ્કાર લગાડવા ને મોટા કે શાસ્ત્ર કહે તેમાં સુખ હોય ને કોઈકને આમાં ગોઠી જાય છે ને કોઈ વીશ વરસથી આ સત્સંગમાં હશે તો પણ આમાં નહીં ગોઠતું હોય. છેટેથી આવ્યા છે તેને વાતુની આતુરતા રહે છે ને ભેળા રહે છે તેને તેની પરવા નથી. ગોપાળાનંદ સ્વામી ભેળા કેટલાક રહ્યા પણ સંગ તો થોડાકને લાગ્યો. (૩૧)

પ્રકરણ/વાત: ૧૧/૪૮

દ્રવ્ય કમાઈને ભેળું કર્યું હોય તેનો મહિમા ઘણો હોય ને વગર દાખડે મળ્યું હોય તેનો એટલો મહિમા હોય નહીં. તેમ આપણને આ સત્સંગ મળ્યો તે વગર દાખડે મળ્યો છે, તેથી જીવને તેનો મહિમા નથી. ને પંચસંધિ લઈને બેસી રહે ને પાઠ લીએ તેને આવડે નહીં, તેમ સત્સંગમાં આવીને ગાફલ થઈને બેસી રહ્યા છે તેના હૈયામાં સત્સંગ ન થાય. આ સમાગમ જેવી બીજી કોઈ વાત નથી, પણ શાસ્ત્ર સાંભળીને કે મોટાનો સંગ કરીને એવી રુચિ નથી કરી તેને સમાગમનું સુખ કેમ આવે? માટે સારી રુચિ કરવી. (૩૨)

પ્રકરણ/વાત: ૧૧/૧૦૫

ભગવાન કાંઈ રૂપિયા ખરચે ન મળે, તે તો પ્રગટ થયા હોય ત્યારે તો સહેજે મળે. માટે સંતનો સમાગમ હોય તો જ પ્રભુ ભજાય. તે ઋષિ પત્નીએ ઓળખ્યા ને ઋષિએ ન ઓળખ્યા. (૩૩)

પ્રકરણ/વાત: ૧૧/૧૨૧

શહેરનું સેવન અને રૂપીઆમાં દોષ રહ્યા છે તેની મુમુક્ષુને ખબર પડે છે. ભજન કરવું, સત્સંગ કરવો ને કથા કરવી, તે તો આ સત્સંગમાં થાય છે. ને સત્સંગમાં શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમની પેઠે વિષયનો અભાવ વરતે છે. ને આંહી સત્સંગમાં સૌ અક્ષરધામની પેઠે વર્તો છો તે આ પ્રગટ સંબંધનો પ્રતાપ છે. હવે બાકી આવરદા રહી તેણે કરીને તો પ્રભુ ભજી લેવા. ને આ સાધુને દર્શને કરીને તો મેરુ જેવડાં પાપ હોય તે પણ નાશ પામે છે. ભગવાનમાં ને આ સાધુમાં નિષ્ઠા આવી ત્યારે બધુંય કરી રહ્યા. ને ગાયના શીંગ ઉપર સરસવનો દાણો રહે એટલી વાર અંતઃકરણ સ્થિર થાય ત્યારે માયા ખસી કહેવાય ને આ તો બબે ત્રણ-ત્રણ માળા સુધી સંકલ્પ નથી થાતો તે માયાને ખેસવી કહેવાય ને એવું આજ ઘણા હરિજનોને વર્તે છે. (૩૪)

પ્રકરણ/વાત: ૧૧/૨૧૩

સત્સંગીનો દીકરો હોય પણ સમાગમ કર્યા વિના સત્સંગી થાય નહિ. ને જો કુસંગીનો છોકરો હોય પણ તે સમાગમથી સત્સંગી થાય. તેમ જેટલો સમાગમ કરશે તેના હૈયામાં તેટલો સત્સંગ થાશે. જીવને સત્સંગ તો કરવો હોય પણ આવરણ ઘણાં. તેમાં મોટું આવરણ તો એ છે જે, વિષયનું ખંડન ખમાય જ નહિ. ને વે’વાર, લોકલાજનાં આવરણ આડાં આવે તથા મન-ઇન્દ્રિયોનું પણ આવરણ મોટું છે. (૩૫)

પ્રકરણ/વાત: ૧૧/૨૪૮

બરોબરિયાનો સંગ ન કરવો. ત્યારે એક હરિજને પૂછ્યું, “બરોબરિયો કેને કહેવાય ને સંગ પણ કોનો કરવો?” ત્યારે ઉત્તર કર્યો જે, “હમણાંનો સત્સંગી હોય ને ખરેખરો હોય ને તપોવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધ હોય ને અવસ્થાએ નાનો હોય તો પણ તેનો સમાગમ કરવો. ને જૂનો પચાસથી ઉપરાંત વરસનો સત્સંગી હોય પણ ધર્મ ન પાળતો હોય તો તેને ભવાયાના ડાગલા જેવો કહેવાય, તેનો સમાગમ ન કરવો. ને ધર્મ પાળતો હોય તો તેનો સમાગમ કરવો. માટે નવા-જૂનાનો કાંઈ મેળ નથી. જૂના તો ભાલમાં ખીજડા પણ ઘણા હોય છે, તેને તો સાંગરિયું આવે પણ ગુજરાતના આંબા બરોબર થાય નહિ. સંગ તો સારાનો જ કરવો જેથી પ્રગટ ભગવાનની નિષ્ઠા થાય ને સાધનની સમાપ્તિ થાય.” (૩૬)

પ્રકરણ/વાત: ૧૧/૨૬૦

બીજા બધા સંસ્કાર લગાડ્યા છે પણ કોઈએ પ્રભુ ભજવાનો લગાડ્યો નથી. વાણીઆ પોતાના છોકરાને નાનપણથી પોતાના રોજગારના સંસ્કાર લગાડે છે. તેમ દરેક જાતિમાત્ર પોતપોતાના સંસ્કાર લગાડે છે. પણ કોઈ ભગવાન ભજવાના લગાડતા નથી. માટે સાધુસમાગમ કરીને સંસ્કાર લગાડવા ને સાધુ સાથે જીવ મેળવીને વાતો સાંભળવી. (૩૭)

પ્રકરણ/વાત: ૧૧/૨૬૯

સત્સંગમાં મારું તારું કરે તે સત્સંગની રીત જ સમજ્યો નથી. ને ભગવદી છે તે સર્વેને પૂજ્યા ટાણે, સ્તુતિ કરવા ટાણે, જમાડવા ટાણે સમપણે જોવા, પણ જ્ઞાન પામવું હોય તો જે મન-ઇંદ્રિયોના દોષને જાણતા હોય તે પાસેથી જ્ઞાન સાંભળવું. (૩૮)

પ્રકરણ/વાત: ૧૧/૩૦૬

મોટાનાં દર્શન થયાં એ જ સંસ્કાર થયો જાણવો. તે ઉપર એક વેશ્યાને સંસ્કાર થયો તેની વાત કરી જે, એણે પોતાની નાત્ય જે, વેશ્યાઓ તેમને મલકમાંથી તેડાવીને જમાડી. તેના આંગણા આગળ ખાડામાં વેશ્યાઓએ પાણી ઢોળેલ તે પાણી ખાડામાં ભરાણું તેનો કીચડ થયેલ, તે કાદવમાંથી તુંબડું ભરીને એક સંન્યાસીએ કપડું ધોવા માંડ્યું ને ડેલી આગળ તે ઊભી હતી તેણે દીઠું. તે બોલી જે, “બાવા, ગારે ગારો શું ધો’છો?” ત્યારે સંન્યાસીએ કહ્યું જે, “હું તો તારું જોઈને કરું છું. તું જ ગારે ગારો ધો’છ. તેં પણ આ બધાં ભેળાં કર્યાં છે તેમાં કોણ પાત્ર છે જે તુને પુણ્ય થાશે?” ત્યારે તેણે વિચાર્યું જે, “આ વાત પણ ખરી.” તેમ મોટા સંતના શબ્દથી સંસ્કાર લાગે છે. (૩૯)

પ્રકરણ/વાત: ૧૧/૩૨૨

ગઢડામાં એક બાઈ રોતી હતી તે મહારાજે ખબર કઢાવી જે, “કોણ રૂવે છે? શું દુઃખ છે? એને જે જોઈએ તે આપો.” પછી તે બાઈએ કહ્યું જે, “મારે કાંઈ દુઃખ નથી ને કોઈએ મને કાંઈ કહ્યું પણ નથી. મારું તો હૈયું ભરાઈ આવે છે તે રોઉં છું.” પછી મહારાજ કહે, “એ કોની વાતું સાંભળે છે ને કોની પાસે બેસે છે?” તો કહે જે, “કોઈની પાસે બેસતી નથી ને કોઈની વાતું પણ સાંભળતી નથી.” ત્યારે મહારાજ કહે, “જ્ઞાન વિના રોઈ રોઈને દહાડા પૂરા કરશે.” એમ કોઈનો સમાગમ નહિ તેને તો રોઈને જ પૂરું કરવું રહ્યું. (૪૦)

પ્રકરણ/વાત: ૧૧/૩૪૬

Vat Selection


Type: Keywords Exact phrase