ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૨

અભાવ-અવગુણ-દ્રોહ

પોતાના દોષ જોવાનો ઢાળ પાડવો પણ પારકા દોષ જોવાનો ઢાળ ન પાડવો. જેમ ફિરંગી દેશ લેવાને તત્પર છે તેમ બ્રહ્મરૂપ થઈને સેવામાં રહેવાય એમ તત્પર થાવું ને ક્રિયા પણ એવી જ કરવી. ભગવદી સાથે વૈર ન થાય. સાધુ ને ભગવાન સાથે જીવ ચોટાડી મૂકવો. જીવ પણ કંઈક જાતના થાય છે. તે એકને ગુણ કહેતાં આવડે, એકને દોષ દેખાડતાં આવડે. માટે ભગવદીના ગુણ તો કોઈને જ દેખાડતાં આવડે. (૨૧)

પ્રકરણ/વાત: ૧૧/૩૪૪

સોઢીના રણ જેવું અંતર થઈ ગયું હોય તો પણ ગ્રામ્યવાર્તા રૂપી કાંપ આવે ત્યારે કામાદિક રૂપ ઝાડ થાય. ને જે એક અંગ છે તેમાંથી વેગે ચડે તો બીજાનો અવગુણ આવે, પછી તેમાંથી ભ્રષ્ટ થાય ને નીકળી જાય. ને લોટિયાને અમે ચાર વાર જમ્યા તેમાં અવગુણ આવ્યો તે નીકળી ગયા. માટે એકલે ધ્યાનને વેગે ચડે તો પણ આગળ વિઘન છે. (૨૨)

પ્રકરણ/વાત: ૧૧/૩૮૧

ભગવાનને ભજતાં કીડી જેવા હોય તે ઈંદ્ર જેવો થાય ને હરિભક્તનું ને મંદિરનું ને સાધુનું વાંકું બોલે તે ગમે તેવો મોટો હોય પણ કીડી જેવો થાય ને ઘટતાં ઘટતાં ઘટી જાય. (૨૩)

પ્રકરણ/વાત: ૧૨/૨

હવે આપણે ઝાઝાં મનુષ્ય થયાં તે વ્યવહાર કરવો ને ભગવાન ભજવા. કોઈનો દ્રોહ ન થાય તેમ વરતવું ને બાજરો ભેળો કરીને પ્રભુ ભજવા. અમારી સાંભરણમાં તો રોટલા મળતા નહિ ને હમણાં તો સર્વને મળે છે. ને ધાડાનાં, હીમનાં, માવઠાનાં સર્વ દુઃખ ટળી ગયાં પણ હવે કજિયા કરવા રહ્યા. તે શું જે, રોટલાની ફિકર નહિ એટલે કજિયા થાય છે. (૨૪)

પ્રકરણ/વાત: ૧૨/૬૫

ભગવદીના અવગુણ લેવા માંડે ને વાંકું બોલવા માંડે ત્યારે જાણવું જે સત્સંગમાંથી જાવાના પ્રસ્થાનાં મૂકવા માંડ્યાં... (૨૫)

પ્રકરણ/વાત: ૧૨/૧૦૧

ગોપાળાનંદ સ્વામીનો ગુણ કેટલાકને નહિ. તે કેટલાકે તો મારવાનો ઉપાય પણ કરેલ ને શાસ્ત્ર કરતા તે કોઈને ગમતું નહિ. આપણે શું કરવું જે, છેલ્લાના આડત્રીસના વચનામૃતમાં કહ્યા એવા સંત સાથે જીવ જડી દેવો. ને પૃથ્વી ચામડે મઢાય જ નહિ ને કજિયા કર્યે કેમ પાર આવે? પણ જેને કજિયામાં સુવાણ હોય તેને ઠીક છે. તે ત્રિગુણાતીતાનંદે કહ્યું જે, “તમારે ભજન કરવું છે ને અમારે તો કજિયામાં સુવાણ છે.” માટે કોઈ કેમ કહેશે, કોઈ કેમ કહેશે. કોઈને કોઈનો સ્વભાવ ગમે, કોઈને ન ગમે. સર્વની એક રુચિ મળતી આવે નહિ. (૨૬)

પ્રકરણ/વાત: ૧૨/૧૩૭

... કજિયો કરવો હોય તો ઘણો છે. મન-ઇન્દ્રિયો સાથે કરવો, તેમાંથી અવિનાશી ધામમાં જવાય છે ને ઓલ્યા કજિયામાંથી દ્રોહ થાય એવું છે. (૨૭)

પ્રકરણ/વાત: ૧૨/૧૮૫

મહારાજનો એવો સ્વભાવ જે, કોઈનું ઘસાતું પોતા પાસે કોઈ બોલે તેને ઉઘાડું કરી દેતા. તે એક દિ’ કહે નિત્યાનંદ સ્વામી કહેતા જે જીવો ખાચર સત્સંગી જ નથી તે જીવો ખાચર બેઠા હતા ને કહ્યું. (૨૮)

પ્રકરણ/વાત: ૧૩/૮૩

બુઢા ધાધલની વાત કરી જે, દાદાખાચર સારુ ઢોલિયો બિછાવેલ ત્યાં બુઢો ધાધલ આવીને સૂઈ ગયેલ તે વાળંદ પગ દાબવા મંડ્યો. ઝાઝી વાર થઈ ત્યાં બુઢો ખોંખાર્યો ત્યારે વાળંદ બોલ્યો જે, “આ તો ઘેંસમાં હાથ પડ્યો,” ત્યાં બુઢો ખીજ્યો ને સોટી લઈ મારવા ઊઠ્યો ને કહે, “મને એમ કેમ કહ્યું?” તે સાંભળી દાદાખાચર આવ્યા ને કહે, “વાળંદથી ભૂલથી બોલાણું હશે,” ને ક્લેશ શાંત પાડ્યો. સવારે બે સાધુએ બુઢાને કહ્યું કે, “એમાં તમને શું કહી નાખ્યું ને ભૂલ થઈ તો વાળંદ તો તમારો સેવક કહેવાય.” ત્યારે બુઢો કહે, “મેં જાણ્યું સાધુ સારા હશે પણ ખરા સાધુ તો મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી એ બે મોટા સાધુ. બીજા તમે તો વાળંદ જેવા છો.” આ વાતની સ્વામીને ખબર પડી ત્યારે સ્વામીએ બુઢાને કહ્યું કે, “તમે સાધુને વાળંદ જેવા કહ્યા અને સાધુએ તમને શું ખોટું કહ્યું?” ત્યારે બુઢો કહે, “મેં જાણ્યું બે મોટા સાધુ સારા હશે પણ તેય એવા છે. આથી તો ઢુંઢિયાના સાધુ સારા.” તે વાતની મહારાજને ખબર પડી. મહારાજે બુઢાને કહ્યું કે, “મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુભાઈ અને અમે પણ તેની મર્યાદા રાખીએ અને તેને તેં વાળંદ જેવા કહ્યા.” પછી બુઢો મહારાજ આગળ તો ન બોલ્યો પણ આગળ જઈને બોલ્યો જે, “મેં જાણ્યું સહજાનંદ ઠીક હશે પણ તેય એવા છે.” આ વાતની દાદાખાચરને ખબર પડી તે બે પસાયતાને કહ્યું કે, “બુઢાને ઉઘાડે પગે ઘુસ્સા મારીને ગઢડાના સીમાડા બારે મૂકી આવો. પછી પસાયતાએ જઈને તેમ કરી સીમાડા બારો કાઢ્યો. ત્યાં જીવા ખાચરને ખબર પડી તે પાછો લઈ આવ્યા ને તેની ડેલીએ રાખ્યો. પછી મહારાજનાં ને સાધુનાં વાંકાં બોલે. (૨૯)

પ્રકરણ/વાત: ૧૩/૮૪

કુસંગીનો પણ અવગુણ ન લેવો, કેમ જે સત્સંગી થાય છે તે કુસંગીમાંથી જ થાય છે... (૩૦)

પ્રકરણ/વાત: ૧૩/૧૫૩

Vat Selection


Type: Keywords Exact phrase