ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૩

સત્પુરુષ, ગુરુ

ગમે તેટલી પૂજા હોય પણ તે સત્સંગમાં ન રાખે, કેમ જે પૂજા કાંઈ બોલે નહિ. ને સાધુ તો બોલે ને વળી સત્સંગમાં સમજાવીને રાખે. ને મહારાજે પોશાક તો હરિયાનંદને આપ્યા હતા પણ તે સત્સંગમાં ન રહ્યા. (૨૧)

પ્રકરણ/વાત: ૧૧/૩૪૦

આ તો પોતે ડાહ્યા નથી ને ડાહ્યા માને છે, ગુણ નથી ને ગુણ માને છે. તે ગુરુ કર્યા વિના એમ રહે છે. ગુરુ કરે તો, સોની સોનાને શોધે છે, તેમ તેને શોધી મરડીને હૈયામાંથી દોષ કાઢી નાખે. (૨૨)

પ્રકરણ/વાત: ૧૧/૩૮૬

સાધુ છે તે ભગવાન ઓળખાવનારા છે ને અક્ષરધામમાં પણ એ જ લઈ જાશે, પણ જો એ સાથે મન નોખું પડ્યું તો ‘ત્રિશંકુનો તારો, નહિ સ્વર્ગનો ને નહિ મૃત્યુલોકનો,’ તેના જેવા હાલ થાશે. (૨૩)

પ્રકરણ/વાત: ૧૨/૬

આપણા જીવનું શ્રેય થાય ને આપણા શત્રુ મોળા પડે તેનો શો ઉપાય? તે પ્રશ્ન છે. ત્યારે સ્વામી બેલ્યા જે, મોટા હોય ને જેણે પોતાના દોષને ટાળ્યા હોય ને બીજાના ટાળતા હોય તેની સાથે જીવ બાંધવો એ જ મોક્ષનો ઉપાય છે. પણ ઝાઝા રૂપિયા મળે કે ઝાઝી સ્ત્રીયું પરણે કે ભારે ભારે ઘરેણાં કે ગાડી-ઘોડે બેસે તે કાંઈ મોક્ષના ઉપયોગી નથી. તેમાંથી તો દુઃખ જોવા શીખવું. ગાડી ઊંધી પડે તો મૃત્યુ થાય, ઘોડેથી પડે તો હાથ-પગ ભાંગે ને રૂપિયા મળે તો ઉન્મત્ત થઈને કાંઈનું કાંઈ કરે. મોટા મોટામાં જીવ બાંધવો ને સમાગમ કરવો એ જ શત્રુ મોળા પડ્યાનો ઉપાય છે. (૨૪)

પ્રકરણ/વાત: ૧૨/૯૨

છેલ્લા પ્રકરણનું ઓગણત્રીસનું વચનામૃત વંચાવીને વાત કરી જે, આધાર વિનાનો સત્સંગ ન રહે, તે અમારે આંબા હતા તે નમી ગયા પછી આધાર મૂક્યા તે રહ્યા. તેમ કોઈ મોટામાં જીવ બાંધ્યો હોય તો સત્સંગ રહે. (૨૫)

પ્રકરણ/વાત: ૧૨/૧૨૩

“... સદ્‌ગુરુ વિના અંતઃકરણનો કજિયો જીતાય એવો નથી. સદ્‌ગુરુ વિના માયા લોપી નાખે.” લોયાનું દસમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “ભગવાન સામા ચાલે ત્યારે એ જોઈ ઇંદ્રિયું, અંતઃકરણ જે વેરી હતાં તે જ વહાલાં થયાં છે ને તે વિના તો જ્યાંથી વાર આવે ત્યાંથી ધાડ આવે. તે શું જે, દેહ વડે, ઇંદ્રિયું વડે ભગવાન ભજાય તે જ દેહ વડે નર્કમાં જવાય...” (૨૬)

પ્રકરણ/વાત: ૧૨/૧૬૩

ઉકાભાઈ ભક્તિવાળા હતા પણ મહારાજની ઘોડી સારુ પૂળો ન આપ્યો ને એટલા સારુ કજિયો કર્યો. ને જેને અર્થે સંસાર મૂક્યો ને હાડ ગાળી નાખ્યાં પણ આમ થયું. માટે સાધુ સમાગમ વિના કોઈ વાત સમજાય નહિ... જ્યારે સાંખ્યે સહિત હોય ત્યારે દોષ ટળે ... (૨૭)

પ્રકરણ/વાત: ૧૨/૧૬૫

... જેમ ધોબી લૂગડાંને બાફીને તેમાંથી ડાઘ કાઢે છે તેમ સત્પુરુષ વાતે કરીને પૂર્વના મલિન સંસ્કાર ટાળે છે. તે પૂર્વના મલિન સંસ્કાર જેને કાઢતાં આવડે તેનાથી જ જાય. અંતરની લડાઈ છે તે ઘર મૂકવા કરતાં પણ કઠણ છે ને એ તો સોડ્યમાં સાપ છે. (૨૮)

પ્રકરણ/વાત: ૧૨/૧૭૫

જેટલો જેણે મોટામાં જીવ બાંધ્યો હોય તથા જે અંતરમાં લડાઈ લેતો હોય તેને મોટા દેખે છે. ઠીક વર્તો છો એમ કહે છે. પણ જો ખરેખરું સ્વભાવ ઉપર કહે તો જીવ ખમે નહિ તે સારું મોટા નભાવે છે ને લાખ જન્મ ધરીને જે કસર ન મટે તે કસર મોટા પાસે એક મહિનો જો ખરેખરો સમાગમ કરે તો ટળી જાય. તે ઉપર વાત કરી જે, પાર્વતીના વચને ગણપતિએ ગાયની પરિક્રમા કરી તે પૃથ્વીની થઈ રહી ને કન્યાને વર્યા. એવો તો મોટાનો મહિમા છે પણ જો કોઈ એક જોડ ચરણારવિંદ આપે તો કાશી જાય, પણ લાખ ચરણારવિંદ પૂજ્યાનું ફળ થાય એવા મોટા હોય તેનો સમાગમ ન કરે, કેમ જે આ પ્રગટ છે. ઓલ્યું પરોક્ષ છે તેથી જીવને પરોક્ષના જેવી પ્રગટને વિષે પ્રતીતિ આવતી નથી એ જ અજ્ઞાન છે. (૨૯)

પ્રકરણ/વાત: ૧૨/૧૯૪

દેવશી ભક્તે પૂછ્યું જે, “સાંખ્યનો વિચાર સાંભળીએ છીએ તોય મોહ કેમ ટળતો નથી?” તો કહે, “કક્કો ભણવા માંડે એટલામાં કાંઈ નામું માંડતા આવડે નહિ તેમ આ તો કક્કો ભણવા માંડ્યો છે. અને સાંખ્ય વિના તો મોટા મોટાને વિઘ્ન થયાં છે. શાસ્ત્રમાં કહ્યું છે જે, વૈરાગ્ય પામીને ગુરુ પાસે જાવું. તે ગુરુ કેવા? તો शाब्दे परे च निष्णातं । શબ્દ માત્રના સાચા અર્થના જાણનારા, ઉપશમવાળા અને આંખ્ય, કાન આદિ ઇંદ્રિયુંની વૃત્તિ તાણતાં આવડે એવા ગુરુ પાસે જાવું. સાંખ્ય વિના જ્ઞાન કરે તો પણ હૃદયગ્રંથિ છૂટે નહિ. એરણની ચોરી અને સોયનું દાન એમાં કાંઈ વળે નહિ. ભાદરામાં વાણિયા બોંતેર અગડું લેતાં જે, સાત માળની હવેલીએ ચડવું પણ આઠમે માળ ન ચડવું. સૂકામાં કાંકરો ન ખાવો અને લીલામાં શેવાળ ન ખાવો. માટે સત્સંગ વિના સદ્ધર્મ ક્યાંથી આવે? વૈરાગ્ય ક્યાંથી થાય? અને આનંદ ક્યાંથી આવે? એ બધું મહારાજના મોટા સંત અનુગ્રહ કરે ત્યારે સર્વે આવે. જીવ બીજી વાતમાં ડાહ્યા પણ પરમેશ્વર ભજવામાં ડાહ્યા નથી. તમામ આજ્ઞા પાળવી ને ઉપાસના સર્વોપરી મહારાજની સમજવી અને ત્રીજું વિષયનું તુચ્છપણું જાણવું.” (૩૦)

૧. तस्माद्‍ गुरुं प्रपद्येत जिज्ञासुः श्रेय उत्तमम् । शाब्दे परे च निष्णातं ब्रह्मण्युपशमाश्रयम् ॥ (ઉપનિષદ્) ઉત્તમ કલ્યાણ જાણવાની જેને ઇચ્છા હોય તેણે શબ્દ, બ્રહ્મવેદ તેમ જ પરબ્રહ્મમાં અપરોક્ષ અનુભવ કરી નિષ્ણાત થયેલા, બ્રહ્મચિંતન પરાયણ અને ઉપશમના આશ્રયરૂપ ગુરુને શરણે જવું.

પ્રકરણ/વાત: ૧૩/૭૬

Vat Selection


Type: Keywords Exact phrase