ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૩

સત્પુરુષ, ગુરુ

... બીજી બધી કલમુંથી શાસ્ત્રની કલમ છે તે મોક્ષને અર્થે છે તે પણ બ્રહ્મવેત્તા વિના સમજાય નહિ. કલ્યાણને માર્ગે તો બધાની દૃષ્ટિ નાશ પામી છે. તે મરીને ઉચાળો ક્યાં છૂટશે તેની કોઈ મોટા મોટા રાજા, મોટા મોટા શેઠિયા, મોટા મોટા પાટીદાર કોઈને ખબર નથી. ને પોતાનું રૂડું કરતાં કોઈને આવડે નહિ ને બગાડતાં તો આવડે ખરું. (૩૧)

પ્રકરણ/વાત: ૧૩/૧૯૮

સાધુ થયા વિના સુખ નહિ થાય ને વે’વારમાં સુખ-દુઃખ તો અપાર છે. ને સાધુમાં હેત હોય તો આફુડા ગુણ આવવા માંડે ને એનો અનુગ્રહ થાવા માંડે. માટે તેના સમાગમ જેવી કોઈ વાત નથી જણાતી, તે વચનામૃતમાં કહ્યું છે જે, એવાને રાજી કરે ત્યારે એનો અનુગ્રહ થાય ને શિષ્ય થાય ત્યારે તેને ગુહ્ય વાત હોય તે કહેવાય. (૩૨)

પ્રકરણ/વાત: ૧૩/૨૨૦

જેનું જેનું દાળીદર ગયું હશે, જેનું જેનું અંગ વૃદ્ધિ પામ્યું હશે, જેનો જેટલો કામ ઓછો થયો હશે, કે જેનો જેટલો લોભ ઓછો થયો હશે, તે મોટાને પ્રસંગેથી જ થયું હશે. માટે મોટાનું બળ રાખવું. (૩૩)

પ્રકરણ/વાત: ૧૪/૭૨

મોટાનો પ્રસંગ ન હોય ને મર સેવા કરતો હોય કે લાખ રૂપિઆ આચાર્યજીને લાવી આપે કે લાખ રૂપિયા મંદિરમાં લાવે પણ તેનો જીવ તો વૃદ્ધિ ન પામે, ને ભક્ત તો કહેવાય પણ અક્રૂરજી જેવો થાય પણ ખરેખરો એકાંતિક ભક્ત ન થાય. (૩૪)

પ્રકરણ/વાત: ૧૪/૧૧૦

ખેડૂત બધાને જિવાડે છે પણ વાણિયાની કળામાં ન જાણે. વાણિયો સોનીની કળામાં ન જાણે ને સોની વેર્યાની કળામાં ન જાણે, તેમ મહારાજને કે મોટાને જીવનું કલ્યાણ કરતાં આવડે. બીજા તો નાળ કરતાં ગળું કરે! (૩૫)

૧. પુત્ર જન્મ કરાવનારી બાઈ નવજાત શિશુનું નાળ (નાભિમાંથી લટકતી મજ્જા) કાપી નાખે છે. કોઈ અણઆવડતવાળી બાઈ આ મજ્જા કાપવાને બદલે બાળકનું ગળું જ કાપી નાખે તો બાળક જીવથી જાય.

પ્રકરણ/વાત: ૧૪/૨૧૨

‘નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો’ એમ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું તે તો પોતાનો અચળ સિદ્ધાંત કહ્યો છે, માટે જેમ ભગવાનના મહિમાનો અવધિ નહિ તેમ સાધુના સમાગમનો પણ અવધિ નહીં. માટે પરમ એકાંતિક એવા જે સાધુ તેનો સમાગમ કરવો, કરવો ને કરવો જ. (૩૬)

૧. कार्यं न सहसा किञ्चित्कार्यो धर्मस्तु सत्वरम् । पाठनियाऽधीतविद्या कार्यः सङ्गोन्वहं सताम् ॥ અર્થ: અને વિચાર્યા વિના તત્‍કાળ કાંઈ કાર્ય ન કરવું અને ધર્મસંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો. – શિક્ષાપત્રી શ્લોક ૩૬

પ્રકરણ/વાત: ૧૫/૨૪

મોટા દીર્ઘદર્શી છે તે સર્વ વાત જાણે છે જે આટલું આને દેહાભિમાન વધી ગયું છે, આટલો આને સ્વાદ વધી ગયો છે, આટલો આને કામ વધી ગયો છે, આટલો આને લોભ વધી ગયો છે એમ સર્વેનું જાણે છે. (૩૭)

પ્રકરણ/વાત: ૧૫/૭૫

શાસ્ત્રમાં કીટ હોય તેને શાસ્ત્રમાં ખબર પડે તેમ વાતુના જે કીટ હોય તેને મોટા મોટાના અભિપ્રાયની ખબર પડે પણ બીજાને ન પડે. ને મોટાનાં સેવન કર્યાં હોય ને મોટાનો અનુગ્રહ થયો હોય તેને આ વાતુંનું રહસ્ય સમજાય. તે રહસ્ય તો મોટાનો આશીર્વાદ થયો હોય તો જણાય ને આશીર્વાદ કેમ થાય તો મોટાની અનુવૃત્તિમાં રહે તો તેને ગુણ આવતાં વાર ન લાગે. પણ પાત્ર થાતાં વાર લાગે. માટે પાત્ર થાવું. (૩૮)

પ્રકરણ/વાત: ૧૨/૯૭

એક વાણિયો ડોલા (તાબુત) જોવા ગયો. તેને મુસલમાનોએ કૂટતા હતા તેની વચ્ચે ઘાલી દીધો, પછી તો કૂટવું પડ્યું ને ન કૂટે તો પડખેથી ગોદા મારે. પછી કૂટતાં કૂટતાં બોલે જે, “આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા!” તેમ આંહિ પણ આવી ફસ્યા જેવું જેને વર્તતું હોય તેનાં મન-ઇંદ્રિયું વશ થાય નહિ. ને મન ધાર્યું ન થાય ત્યારે સત્સંગ ટળી જાય. બાવળની શૂળ કાચી હોય ત્યાં સુધી વાળી વળે તેમ પ્રથમથી જ મનનું ધાર્યું મૂકીને જેમ ફેરવે તેમ ફર્યો હોય તો તેનાથી સત્સંગમાં નભાય. ને પોતાનું તપાસવું જે, કાંઈ નહિ લઈ જવાય ને ચામડાની કોથળી જેવું દેહ સમજાય ત્યારે કોની જોડે કજિયો થાય? (૩૯)

પ્રકરણ/વાત: ૯/૨૮૫

ગુરુ મળ્યા ને જ્યારે જીવના દોષ ન ટળ્યા ત્યારે જાણવું જે ખરેખરા ગુરુ મળ્યા નથી! ખરેખરા ગુરુ મળ્યા તો પણ દોષ રહ્યા ત્યારે જાણવું જે ગુરુને જીવ સોંપ્યો જ નથી. માટે જ્યારે જીવ સોંપે ત્યારે એકે દોષ રહે નહિ ને કોઈ જાતનો ઉદ્વેગ પણ રહે નહિ. પછી સદા આનંદમાં જ ગરકાવ રહેવાય. (૪૦)

પ્રકરણ/વાત: ૯/૩૪૬

Vat Selection


Type: Keywords Exact phrase