ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૬

સાંખ્યવિચાર

... એક ડોસાને સંધ્યા વખતે ઠગ મળ્યો. તેણે પૂછ્યું, “તમારું નામ શું ને કોને ઘરે જવું છે?” ડોસાએ જવાબ આપ્યો ત્યારે ઠગ કહે, “તમે તો મારા ફુઆ. લાવો પોટકું ઉપાડું.” એમ કહી બચકો લઈ લીધો ને સાથે ચાલ્યો. થોડી વાર પછી કહે, “લ્યો, હું ઉતાવળો જઈ ઘરે રંધાવું ને ખબર આપું. તમે દરવાજામાં ગરતાં સામે ઘરે દીવો બળતો હશે ત્યાં આવજો.” એમ કહી લૂગડાં લઈ વયો ગયો ને ડોસો દરવાજામાં પેઠો ત્યાં તો ઘરોઘર દીવા દીઠા પછી મૂંઝાણો ને સૌને પૂછે જે, “ઘર ઘર દીવડા જલ ગયા, મેં કીસકા ફુફાજી!” એમ આંહીંથી ઉચાળા ભરવા પડશે ત્યારે કોણ સગું થાશે ને કોને ઘરે જાશો? આંખ્ય વીંચાય એટલી વાર છે.

સગાં કુટુંબી સુત ને દારા માતા મામો માસી,

અંતે ભેળું કોય ન આવે અંતર દેખ તપાસી.

ભજ મન અલખ પુરુષ અવિનાશી.

મારું મારું કરતો મુરખ મેલી ધન મરી જાવું,

બ્રહ્માનંદ કહે હજી સમરી લે રસિક શામ સુખરાશી.

ભજ મન અલખ પુરુષ અવિનાશી. (૧૧)

પ્રકરણ/વાત: ૯/૨૧૬

દેહ ઉપરથી સારું લાગે છે પણ કેવળ હાડકાનું જ છે. તેને ચંદન ચડાવે ત્યારે સારું લાગે પણ મુક્તાનંદ સ્વામી તો માથે ધૂળ નાખતા. દેહ ભેળું નહિ રહેવાય, કુટુંબ ભેળું નહિ રહેવાય પણ મરવાની તો જીવને બીક જ નથી ને હૈયામાં ત્રાસ પણ નથી. માટે કહ્યા વિના જ્ઞાન થાય નહિ. વિષયનાં સુખ તો બકરીના ગળાના આંચળ જેવા છે, તે એમાંથી દૂધ નીકળે જ નહિ. (૧૨)

પ્રકરણ/વાત: ૯/૨૯૯

થૂંકવાની તુંબડી જોઈને કહ્યું જે, આ તુંબડી સોનાની હોય તો તેને કેટલી જાળવવી પડે અને કેટલા રૂપીઆની થાય? તેમ સાંખ્યે કરીને નિષેધ કર્યો હોય તો કોઈ પદાર્થમાં માલ જણાય નહિ. તે ઉપર નિષ્કુળાનંદ સ્વામીની કહેલી વાત કરી જે, કોઈને ઝાડો ને ઊલટી થઈ હોય તે બન્ને ભેગાં કરી એક ઠીબમાં કોઈ ઉપાડી જાય ત્યારે રાજી થાય કે કુરાજી થાય? તેમ પંચવિષય હોય તેને કોઈ લઈ જાય ત્યારે જેણે સાંખ્યે કરીને નિષેધ કર્યો હોય તે રાજી થાય ને સાંખ્ય વિના રૂપીઆમાંથી ને સ્ત્રીમાંથી હેત તોડવું તે થાય નહિ. કારણ અજ્ઞાની છે તે તો જેમ કૂતરું હોય તે ઊલટી ચાટે છે તેમ તેમાં માલ માને છે. આવી વાત કરીએ તે કોઈને સારી લાગે નહિ પણ સાંખ્ય વિના બંધન થાય ને કજીઓ થાય... (૧૩)

પ્રકરણ/વાત: ૧૦/૧૨

... નારાયણપ્રધાને પૂછ્યું જે, “રાગ કેમ ટળતા નથી?” સ્વામીએ કહ્યું જે, “જેમ પાણામાં કાપા પડે છે તેમ ધીરે ધીરે ટળે, તે વડતાલમાં આરસ વહેર્યો તે કળેકળે વહેર્યો ત્યારે વહેરાણો.” તે ઉપર બૂડઠૂંઠાની વાત કરીને કહ્યું જે, “અસત્ પંચવિષય છે ને બૂડઠૂંઠા છે તે ઘરઊઠી કરી જાય છે અને એ શત્રુ વધતા આવે તો ગામ બાળે. માટે તેવાનો જ્યારે પ્રવેશ થાય ત્યારે જો સત્સંગની દિશ ન રહે તો આજ્ઞા લોપાય ને વિષયથી સોરાઈ જવાય ને મરણતોલ થઈ જવાય. માટે એવા અસત્ દેશકાળમાં તો સત્સંગીએ પોતાના દેહનો વસ્તુગતે વિચાર કરવો જે, ‘દેહ માબાપથી ઉત્પન્ન થયો છે તે માંસ, રુધિર, પાચ, શેડાં, પરુથી ભરેલો છે અને રૂંવાડે રૂંવાડે નરક ઝરે છે,’ પણ ચામડેથી મઢ્યું છે તેમાં ચામડિયો હોય તે જ મોહ કરે.” (૧૪)

પ્રકરણ/વાત: ૧૦/૬૬

કોઈને ઘેર મહેમાન થાઈએ ત્યારે તે સારી પેઠે ચાકરી કરે ને સારું ગોદડું ને સારી પથારી આપે પણ ત્યાં કેટલા દિવસ રહેવાય? તેમ અહીં પણ મહેમાન જેવા છીએ તે રહેવાશે તો નહિ. સાચું ઘર તો અક્ષરધામ છે તે આ સત્સંગમાં મૂર્તિમાન દર્શન દે છે, વાતુ કરે છે. તેને પામ્યા તે અક્ષરધામમાં જ બેઠા છીએ, એવું જ્યારે જ્ઞાન થાશે ત્યારે પરમ શાંતિ થાશે. (૧૫)

પ્રકરણ/વાત: ૧૦/૧૩૬

અમે નાના હતા ત્યારે સૌ છોકરાઓમાં એક બ્રાહ્મણ થઈએ અને પછી તેને બીજા પૂછીએ જે, “મહારાજ, આજ શું તિથિ છે?” પછી તે બ્રાહ્મણ કહે કે, “આજ અગીઆરસ છે.” ત્યારે અમે સૌ ઉપવાસ કરીએ ને રાત્રે જાગરણ કરીએ. તેમાં ઠીંકરાનાં ઝાંઝ ને ઠીંકરાનું ઢોલકું કરી વગાડી ઓચ્છવ કરીએ. પછી ચાર વાગ્યા એમ કહી નહાવા જઈએ તે ધૂડને આઘીપાછી કરીને કહીએ જે, “લ્યો નાહ્યા!” પછી બારસના પારણાના બ્રાહ્મણને સીધાં આપીએ તે પણ ધૂડનો લોટ, ધૂડના ગોળ-ઘી, દાળ, ચોખા વગેરે ધૂડનું ને ગાયનું દાન ઠીંકરાનું કરીએ. તેમ મોટાની દૃષ્ટિમાં આ લોકનો ગમે તેવો વહેવાર તે છોકરાંની ધૂળની રમત જેવો જ છે. (૧૬)

પ્રકરણ/વાત: ૧૦/૧૩૯

પ્રથમ એક નિરધાર કરવો જે, રોટલા મળો કે ન મળો, વહેવાર સુધરો કે બગડો, લોક ના પાડે કે હા પાડે, ઇન્દ્રિયોને ગમે કે ન ગમે પણ એ બધું ઠેલીને પ્રભુ ભજી લેવા છે! માટે એટલાં બધાંને ન ગણે તેનાથી પ્રભુને મારગે ચલાય છે. ને કદાપિ સમૃદ્ધિ હોય તો પણ આપણું તેમાં કાંઈ નથી. આપણી આંખ મીંચાશે અને અનગણ સમૃદ્ધિ હશે તો પણ આપણું તેમાં કાંઈ જ નથી. આ તો સર્વ શૂળીનાં સુખડાં છે ને કટકટ મરી જાય છે. આ જીવ છે તે બીજાં કરોડ કામ કરવા તૈયાર છે, મરવા તૈયાર છે, ભેરવ જપ ખાવા તૈયાર છે પણ પ્રભુ ભજવા નવરા નથી. કાં જે, એના કહેનારા કોઈ ન મળે. માત્ર વિષયનું જ આલોચન થાય છે. ત્યારે ઠક્કર નારણે પૂછ્યું જે, “કેમ કરે ત્યારે વિષયનું આલોચન ન થાય?” ત્યારે કહ્યું જે, “તે તો આ દેહમાં માલ જે હાડકાં, પાચ, પરુ છે તેને જાણે ને વસ્તુનો વિચાર કરે, તે જેમ સુરા ખાચરને કાનની સરક દેખાડી તે ઊલટી થઈ, તેમ જેને દેહ દર્શન હોય તેને દેહ સંબંધી વિષયનું આલોચન ન થાય, કેમ જે, આ દેહનું રૂપ જાણી એમ નિરધાર કરે જે, ‘એમાં કાંઈ જ માલ નથી.’” (૧૭)

૧. चेतोहरा युवतयः स्वजनानुकुलाः सद्‌बांधवा प्रणीतः नम्रगिरश्च भृत्याः । गर्जन्ति दंतिनी बहवास्तरलास्तुरंगाः संमीलने नयनयोर्नहि किंचिदस्ति ॥

પ્રકરણ/વાત: ૧૦/૨૨૪

કોઈનો દેહ રહેવાનો નથી ને આ મંદિરમાં એકસો પંદર જણ દેહ મૂકી ગયા. ને મન ધાર્યું તો કોઈનું થયું નથી. તે રાજાને, શાહુકારને, કોઈને ન થાય તો ગરીબને તો મન ધાર્યું ક્યાંથી થાય? (૧૮)

પ્રકરણ/વાત: ૧૦/૨૭૯

એક શેર અન્ન ખાવું ને હાયવોય કરી રળી ભેગું કરી મરી જાવું છે. રૂપૈયા મળ્યા કે સોનાં રૂપાં મળ્યાં તે તો દાટવાં છે, પણ કોઈ સોનાની કે રૂપાની કઢી કરતું નથી. (૧૯)

પ્રકરણ/વાત: ૧૧/૯

મુંબઈમાં ભણસાળીના છોકરાનું ફુલેકું ચડ્યું ને હેઠે લઘુ કરવા ઊતર્યો ને સર્પ કરડ્યો તે ત્યાં જ મરી ગયો. તે રાગ ફર્યો. તેમ સો સો ગાઉ હૂંડી ચાલતી હોય, પણ આંખ મીંચાણી ત્યારે શું કામ આવે? મારીને જમ લઈ જાય. માટે આ લોકના ઠરાવ સર્વે ખોટા છે. (૨૦)

પ્રકરણ/વાત: ૧૧/૧૩

Vat Selection


Type: Keywords Exact phrase