ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૩

મહિમા

સુરતમાં અરદેશર શેઠે મહારાજને તેડાવ્યા ને ત્યાં મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, “સત્સંગમાં મોટા કોણ?” તેનો ઉત્તર પોતે જ કર્યો જે, “આ છે એ જ ધામમાં છે એવી નિષ્ઠાથી અમારી અનુવૃત્તિ પાળે છે તે બહુ મોટા છે અને આ સત્સંગના નિયમમાં જે રહ્યા છે તે પણ મોટા છે.” ને આજ તો કેટલાક સત્સંગી જ્ઞાને કરીને જનક જેવા ને કેટલાક પ્રહ્‌લાદ કરતાં પણ અધિક છે ને કેટલાક ગૌલોકના ને કેટલાક વૈકુંઠના, કેટલાક દેવલોકના ને કેટલાક અનંત અવતાર સત્સંગમાં આવ્યા છે તે પ્રકૃતિપુરુષ સુધી સ્ત્રીનો વિષય છે પણ નાના નાના સ્ત્રીને મૂકીને અહીં ચાલ્યા આવે છે તેને તો પ્રકૃતિપુરુષ થકી પરના જાણવા. ને કૃપાનંદ સ્વામી ને ભોજોભગત તેમણે તો કાન જ વિંધાવ્યા નહિ અને પાણવીના પૂંજા ડોડીઆને સત્સંગ ન હતો ત્યાંથી જ એવો આદર જે પ્રભુ મળે તો જ આ દેહ રાખવો. પછી મહારાજ મળ્યા ને સત્સંગ થયો. (૧૧)

પ્રકરણ/વાત: ૧૦/૨૩૪

કથીરને સાટે જો કોઈ સોનું દે તો તુરત લે, તેમ આ દેહ ને લોક તે કથીર જેવાં છે ને ભગવાન ને આ સાધુ સોના જેવા છે... (૧૨)

પ્રકરણ/વાત: ૧૧/૪

ભગવાનનો મહિમા વિચારીએ ત્યારે આ જગત પણ નજરમાં ન આવે, ત્યારે પદાર્થ તે શું નજરમાં આવે? (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૨૮

બપોરે વાત કરી જે, शाब्दे परे ગુરુ વિના સર્વદેશી જ્ઞાન કહેતાં આવડે નહીં. ને સર્વે પૃથ્વીનું રાજ મળ્યું ને સત્સંગ ખોયો, ત્યારે શું કમાણા? ને આ દર્શન જેવાં તેવાં નથી! આ તો બહુ દુર્લભ છે. (૧૪)

૧. तस्माद्‍ गुरुं प्रपद्येत जिज्ञासुः श्रेय उत्तमम् । शाब्दे परे च निष्णातं ब्रह्मण्युपशमाश्रयम् ॥ (ઉપનિષદ્) ઉત્તમ કલ્યાણ જાણવાની જેને ઇચ્છા હોય તેણે શબ્દ, બ્રહ્મવેદ તેમ જ પરબ્રહ્મમાં અપરોક્ષ અનુભવ કરી નિષ્ણાત થયેલા, બ્રહ્મચિંતન પરાયણ અને ઉપશમના આશ્રયરૂપ ગુરુને શરણે જવું.

પ્રકરણ/વાત: ૧૧/૧૦૯

આ સત્સંગ મળ્યો છે તે આંધળાના હાથમાં જેમ હીરો આવ્યો તે બીજે કહ્યું જે, “ઈ તો કાંકરો છે ને હીરો તો ગળ્યો હોય માટે ચાખી જો.” પછી ચાખીને નાખી દીધો. એમ કુસંગથી હાથમાં આવેલો હીરો ગયો તેમ આ જીવ સત્સંગને ખોઈ નાખે છે. (૧૫)

પ્રકરણ/વાત: ૧૧/૧૭૦

વરતાલની સીમમાં કોળીએ કહ્યું જે, “કેવો ભગવાને મે વરસાવ્યો?” ત્યારે ખોડાભાઈએ કહ્યું જે, “આ ભગવાન ચાલ્યા જાય છે તેમણે મેહ વરસાવ્યો છે.” (૧૬)

પ્રકરણ/વાત: ૧૧/૨૮૬

બ્રહ્માંડમાં અગણિત જીવ છે તેમાં કેટલાક સ્થાવર, જંગમ જીવ છે ને આપણો જીવ છે તે ખડ જેવો છે. તેવા જીવને આવા ભગવાન ને સંત મળ્યા તે તો જેમ ખડને ગાડે સુખડીનું ભાતું હોય તેમ છે. કાળુ વાગડિયાના દેશમાં મહારાજ જેને તેડવા જાય ત્યારે પ્રથમ ટીંબીમાં વીરા સાંખટને દર્શન દઈને કહે જે, “ફલાણાને તેડવા જાઈએ છીએ.” એવી મહારાજની કૃપા. ત્યારે વીરા સાંખટે પૂછ્યું જે, “મહારાજ, આટલું બધું મારું શું પુણ્ય છે?” ત્યારે મહારાજ કહે, “તમારું પૂર્વનું પુણ્ય કહીએ તે સાંભળો. અમે વનને વિષે ચાલ્યા આવતા હતા ત્યાં એક લાંપડા ખડની થૂંબડી તેને અમારી ઠેસ વાગી, તે થૂંબડી ઊખડી ગઈ તે જોઈને અમને દયા આવી જે, અરેરે આ જીવને વાગ્યું. પછી અમે ‘નારાયણ, નારાયણ’ કહ્યું. તે પુણ્યેથી તું આ વીરો સાંખટ થયો છો.” એવા ભગવાન મળ્યા ને તેવા જ આ સંત મળ્યા. તેમની મોબત મૂકીને જેને જેને રૂપિયામાં, લોભમાં, માનમાં કે સ્વાદમાં માલ મનાણો તેને આ લાભની તો ખબર જ નથી. (૧૭)

પ્રકરણ/વાત: ૧૧/૩૬૭

બપોરે સારંગપુરનું પહેલું વચનામૃત વંચાવીને વાત કરી જે, આટલો આટલો મહિમા કહ્યો પણ જીવમાં ગરે નહિ. કોઈ કંઈ ખાવાનું આપે, કંઈ પદાર્થ આપે કે ગામ આપે ત્યારે રાજી થવાય છે, પણ આવા મહિમાનો હર્ષ થાતો નથી. તે જીવ શુષ્ક થઈ ગયો છે તેણે કરીને સાધુ તથા સત્સંગીને વિષે મનુષ્ય ભાવ રહે છે તેથી સત્સંગનો આનંદ આવતો નથી. પણ જેણે સાધુ સેવ્યા હોય ને બહુ સંસ્કાર લાગ્યા હોય તેને એવો મહિમા રહે છે ને જ્યારે સંસ્કાર બહુ લાગે ત્યારે તો વિષયના મારગે ચાલવું કઠણ પડે. તેમ મહિમાવાળાને જગત ઠીકરાના ઠામ જેવું થઈ જાય છે, પછે તેમાં મન રાખવા જાય તોય રહે નહિ. જ્યારે ભૂંડી ગંધ આવે ત્યારે નાક બીડી લીએ છે તેમ મહિમાવાળાને તો વિષયનો અભાવ થઈ જાય છે. તે મહારાજને ભારે ભારે વસ્ત્ર આળાં ચામડાં જેવાં લાગ્યા ને ઊતરી પહેરાવી તે ગમી નહિ... (૧૮)

પ્રકરણ/વાત: ૧૨/૧૧૦

પ્રથમ જ્યારે અવસ્થાનું વિવરણ કરતા ત્યારે પર્વતભાઈએ મયારામ ભટને કહ્યું જે, “તારી તુર્યા તો અમારે જોડે કચરાય છે. માટે તું તુર્યા તુર્યા શું કરે છે?” આ કાંઈ પંથ હાંક્યાની વાત નથી. આ તો ભગવાન પુરુષોત્તમની વાતુ છે. એક બાવે મહારાજની ઘોડીની સરક ઝાલી પૂછ્યું જે, “સ્વામિનારાયણ! તમે ક્યું પંથ ચલાયા?” ત્યારે મહારાજ કહે, “અમે પંથ ચલાવ્યો નથી.” બ્રહ્માનંદ સ્વામી તરફ હાથ કરી કહ્યું જે, “આ જાડે બાવે ચલાવ્યો છે.” એટલે બાવે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું જે, “ક્યું પંથ ચલાયા?” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પાછળ સુરાખાચર આવતા હતા તે તરફ આંગળી ચીંધીને કહ્યું જે, “ઓલ્યા મોટો પાઘડાવાળે પંથ ચલાવ્યો છે.” પછી બાવે સુરાખાચરની ઘોડીની સરક ઝાલીને પૂછ્યું જે, “ક્યું પંથ ચલાયા?” ત્યારે સુરોખાચર ઘોડેથી હેઠે ઊતર્યા ને મહારાજ જરા આગળ ગયા એટલે સરક બેવડી કરી ને બાવાને મારતા જાય ને કહેતા જાય જે, “યું પંથ ચલાયા!” ત્યારે બાવો કહે, “રામજી! રામજી!” એમ બે ત્રણ વાર સરક મારી. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, “જુઓ, સુરોખાચર પંથ ચલાવે છે.” (૧૯)

પ્રકરણ/વાત: ૧૨/૧૭૪

... ઝીંઝરીમાં ગોતિતાનંદ ને સદાનંદ વઢ્યા. તે એક કહે કે ગોપાળાનંદ સ્વામી મોટા ને એક કહે મુક્તાનંદ સ્વામી મોટા. તે બેયને તે મોટા સાધુની દીશ નહિ, તેમ જ એકેયનો સમાગમ નહિ ને મહિમા વસ્તુગતે જાણે નહિ. પણ કેવળ અહંમમત્વે વઢ્યા. માટે કહેનારને મોટા સાધુનો સંગ હોય તે જ સારધાર સાચો મહિમા કહી શકે. જીવમાં નિષ્ઠા છે તેથી બીજાને મનાય, પણ વિભૂતિ વિના ભાર ન પડે. મોટા હોય એને મોટા કહે તે સેવા છે અને અજાણે નાના કહે તો મોટાની મોટપ જાતી નથી. સાચી વાત હોય તે સમજાણી તો નીધડક રહેવું. જેમ આ પ્રાગજી ભગત અમને અક્ષર કહે છે પણ તેનું કેટલાક માનતા નથી. હજુ મહારાજનું પુરુષોત્તમપણું નથી સમજાણું, પણ આગળ બેય સમજાશે... (૨૦)

પ્રકરણ/વાત: ૧૨/૧૭૮

Vat Selection


Type: Keywords Exact phrase