ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૩૦

ચરિત્ર

ભગવાન મનુષ્ય જેવા જણાય છે તે ભક્તના સુખને અર્થે જણાય છે, ને ભગવાનની સર્વે ક્રિયા ભક્તના સુખને અર્થે છે પણ પોતાના સુખને અર્થે નથી. ભગવાન દેહ ધરે છે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયા કરે છે, તેને ભક્ત હોય તે ચરિત્ર જાણે ને વિમુખ હોય તે દોષ પરઠે. મહારાજે ડભાણનો યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞની રક્ષા કરવા માટે ઘોડાસરના રાજા પાસે માણસો લેવા ગયા હતા તે વખતે સુરતના હરિજને ઘોડાસરમાં મહારાજની પૂજા કરીને ડગલી, પાઘ, કડા, બાજુ, વેઢ વગેરે દરેક જણે એકેકું ભારે ભારે પહેરાવીને પૂજા કરી. એમ આખા ગામનો એક શણગાર કર્યો હતો તે વખતે ધરમપુરથી કુશળકુંવરબાઈએ પોતાના દીવાન ને તેની સ્ત્રી તથા નોકરો સાથે મહારાજને શિરપાવ આપવા માટે મોકલેલ તે પણ ઘોડાસરમાં મહારાજ પાસે આવ્યા ને મહારાજનાં દર્શન કર્યાં ત્યાં ભારે શણગાર જોઈને એમ થયું જે, ‘આ ભારે પોશાક ઉતરાવીને આપણો એવો નથી તે પહેરાવવો તે ઠીક નહિ.’ પછી તો સૌને તેની કિંમત પૂછી ને જેટલા રૂપિયા થયા તેટલા મહારાજને આપી કુશળકુંવરબાઈના નામની પૂજા કરી. તે વખતે દીવાનની સ્ત્રીને એમ થયું જે, ‘આ ભગવાન કહેવાય છે પણ ભગવાન હશે તો તેને જમતાં આવડશે,’ એમ ધારીને નોતરું દીધું. ત્યારે મહારાજ કહે, “બહુ સારું, જમવા આવશું.” વળતે દિવસે ભાતભાતની રસોઈ કરી મહારાજને થાળ પીરસ્યો, તે પીરસવામાં જુક્તિ કરી, જે પ્રથમ જમવાનું તે પ્રથમ પીરસેલ ને અનુક્રમે ગોઠવેલ. તે બાઈ પણ જમવામાં ચતુર હતી તેથી એવી પરીક્ષા લેવા તેણે એમ કર્યું હતું. પછી મહારાજ જમવા બેઠા તે એની ચતુરાઈ ડૂબી જાય એવી સો ગણી સરસ ચતુરાઈ મહારાજે જમવામાં દેખાડી. તે જમે પણ હાથ બગડવા દે નહિ ને શાક વગેરે બધું વારાફરતી જમ્યા પણ હાથે ડાઘ પડવા દીધો નહિ. ત્યારે તે બાઈને જણાયું જે, ‘આ મોટા પુરુષ છે.’ પછી તેને મનમાં ખોટો સંકલ્પ થયો. પછી તેના અંતરનો એવો મલિન આશય જોઈને મહારાજે ઊલટી કરી અન્ન કાઢી નાખ્યું. પછી તે બાઈએ તેના ધણીને કહ્યું જે, “તમે પાલખી ઉપાડી મહારાજને ઉતારે પહોંચાડી આવો,” એટલે તે ગયો. પછી ડભાણનો યજ્ઞ થઈ રહ્યા પછી થોડેક દિવસે મહારાજ અમદાવાદ પધાર્યા, ત્યારે તે દીવાન ને તેની સ્ત્રી પણ ભેળાં ગયાં. ત્યાં અમદાવાદની સર્વે સાંખ્યયોગી બાઈયુંયે મળી મહારાજને રસોઈ દીધી ને ડોસિયુંને પણ ભેળું જમવાનું હતું પણ રસોઈ થોડી થઈ તેથી વિચાર થયો જે, ‘રસોઈ પુગશે નહિ.’ તેથી મહારાજને કહ્યું જે, “રસોઈ થોડી છે. કહો તો વધારે રાંધીએ.” ત્યારે મહારાજ કહે, “ઈ તો ઘણી થઈ પડશે.” પછી સૌ ડોસિયું સોત જમવા બેઠાં ને મહારાજ પીરસવા પધાર્યા તે એવી શોભાયમાન મૂર્તિ ધારણ કરીને શણગાર સોતા પીરસવા માંડ્યું તે મહારાજે એક વાર પીરસ્યું તે પણ કોઈથી ખાઈ શકાણું નહિ. ને મહારાજની મૂર્તિમાં સૌના ચિત્તની વૃત્તિ ચોટી ગઈ ને એક રૂપ થઈ ગયાં. ડોસિયુંમાં દીવાનની સ્ત્રી જમવા બેઠેલ તે પણ મહારાજની આવી મૂર્તિ જોઈને તદ્રૂપ થઈ ગયાં ને ત્યાંથી જ તેમના અંતરનો ખોટો ઘાટ ટળી ગયો, એટલે પુરુષને દેખે તો ઊલટી થાય ને પોતાના ધણીને દેખે તો પણ ઊલટી થાય. તેમ જ બીજી બધી ડોસિયું જે જમવામાં હતી તેમને પણ પુરુષને દેખે તો ઊલટી થઈ જાય એમ એકને વાસ્તે મહારાજે બધાંને એવું કરી દીધું તે લીલાનું પ્રેમાનંદ સ્વામીએ કીર્તન કર્યું છે.

તેરી સાંવરી સુરત છટાદાર (૨)

    મન હરે પ્રાન હરે...

શિર જરકસી ચીરા, પહેરે પટા પીરા,

હાં રે તેરે ઉર બીચે મોતીયુંદા હાર,

મન હરે પ્રાન હરે, તેરી સાંવરી સુરત છટાદાર.

પછી રજા લઈ દીવાન અને તેની સ્ત્રી ધરમપુર ગયાં ત્યારે કુશળકુંવરબાઈએ તેમને સમાચાર પૂછ્યા એટલે અથઇતિ બધી વાત કહી ને પોતાને મહારાજ સાથે જે કામનો ઘાટ થયો હતો તે ટાળવાને અર્થે મહારાજે કૃપા કરીને સામું જોયું ત્યાંથી એવો ભાવ ટળી ગયો ને પુરુષ માત્રના દેહની ગંધ આવે તો ઊલક થાય, એવું એકની ખાતર બધીયુંને મહારાજે કરી દીધું તે ઉપર પ્રેમાનંદ સ્વામીએ ચાર કીર્તન કર્યાં છે.

લગ ગઈ અખિયાં હમાર હરિસું, લગ ગઈ અખિયાં હમાર,

લગ ગઈ અખિયાં સુનો મોરી, સખિયાં નીરખી ધર્મ કુમાર.

મહારાજને તો અનંત જીવનો મોક્ષ કરવો છે તે સારુ હળીમળીને રહે છે, નીકર તો આ બધું બ્રહ્માંડ ઢેઢવાડા જેવું છે તેમાં એક ઘડી પણ ન રહે. આ તો ભગવાનની દયાનું અધિકપણું છે તેથી સૌની સેવા અંગિકાર કરે છે પણ ભગવાન કોઈ સુખે સુખિયા નથી. (૧)

૧. કીર્તન મુક્તાવલી પદ ૧-૩૪૫

૨. કીર્તન મુક્તાવલી પદ ૨-૧૦૭૪

પ્રકરણ/વાત: ૯/૧૫૯

Vat Selection


Type: Keywords Exact phrase