ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૪

નિશ્ચય

... ભગવાનનાં જન્મ, કર્મ ગાય ને દિવ્ય જાણે તેનાં જન્મ, કર્મ ફરી ન થાય ને એની કીર્તિ ગાય તેની અપકીર્તિ ન થાય... (૨૧)

પ્રકરણ/વાત: ૧૩/૨૦૦

... ભગવાન મળ્યા છે તેને સાધન કરવાં કઠણ ન પડે. ભગવાન વિના સાધન કરવાં તે પીપીલિકા માર્ગ છે ને જેને ભગવાન મળ્યા છે તેને તો વિહંગ માર્ગ છે. (૨૨)

પ્રકરણ/વાત: ૧૪/૧૮૯

મીતિયાળામાં કૃપાનંદ સ્વામીએ ને અમે વીરા શેલડિયાને સત્સંગ કરાવ્યો. તે ગામનો દરબાર દાદો ખુમાણ અવિદ્યાવાળો હતો. તે વીરોભક્ત કુટુંબ સહિત ગઢડે મહારાજને દર્શને ગયેલા એટલે વાંસેથી તેનાં ઘર સળગાવી દીધાં. ને વીરોભક્ત ગઢડે પાંચ-સાત દિવસ રહી ઘેર આવ્યા ત્યારે દાદો ખુમાણ કહે, “વીરા, તું ગઢડે સ્વામિનારાયણને દર્શને ગયો તેમાં તારું શું થયું? તારાં ઘર ને ગાડું બળી ગયાં.” તે સાંભળી વીરોભક્ત કહે, “સ્વામિનારાયણે તો મારું બહુ સારું કર્યું જે બાયડી છોકરો ઉગર્યાં. ખોરડું તથા ગાડું બીજું કરશું. ને જુઓ આ દાણાની કોઠીઓ ભરી છે ને ઘર માથે તો છાજ નાખી લેશું.” તે સાંભળી દાદો ખુમાણ કહે, “ભણે આને તો સ્વામિનારાયણનો અવગુણ ન આવ્યો.” પછી દરબાર કહે, “વીરા, લાકડાની માળા ફેરવે શું થાય? સુતાર ઘણાં લાકડાં ફેરવે છે.” ત્યારે વીરોભક્ત કહે, “એની આજ્ઞામાં કલ્યાણ છે. એણે માળા ફેરવવાનું કહ્યું પણ સ્વામિનારાયણે એમ કહ્યું હોત કે તમારે સૂતાં સૂતાં તમારા ઘરના વળા ગણવા ને સ્વામિનારાયણ નામ લેવું તો અમે તેમ કરત.” ત્યારે દરબાર કહે, “ખરો ભક્ત છે.” (૨૩)

પ્રકરણ/વાત: ૧૫/૧૩૪

એક વખતે એમ વાત કરી જે, શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે જે, “અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે નિત્યપ્રત્યે સાધુનો સમાગમ કરવો.” ત્યારે એક હરિજને પૂછ્યું જે, “સત્સંગની મર્યાદા પ્રમાણે રહીએ છીએ તથા આજ્ઞા પ્રમાણે દશમો વીસમો ભાગ તથા નામનું પણ દઈએ છીએ તથા મંદિર, મૂર્તિયું, આચાર્ય, સાધુ એ સર્વેની યથાશક્તિ સેવા પણ કરીએ છીએ તો પણ નિત્યપ્રત્યે સાધુનો સમાગમ કરવાનું કહે છે તેનું શું કારણ છે?” ત્યારે બોલ્યા જે, “આ તમે સર્વ ધર્મ પાળો છો પણ જો અશુભ દેશકાળનો જોગ થાય તો ધર્મમાં મોળું પડી જવાય. પૂર્વે પણ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ, નારદ વગેરેને દેશકાળ લાગ્યા તે સાધુના સમાગમ વિના લાગ્યા. વળી જો સાધુનો સમાગમ હોય તો અહિંસા ને બ્રહ્મચર્યરૂપી પોતાના વર્ણાશ્રમ સંબંધી જે સદાચાર તે દ્રઢ પળે તથા કોઈ આજ્ઞાનો લોપ ન થાય ને તેનો સત્સંગમાં અચળ પાયો થાય ને તેને કાંઈ ધકો ન લાગે ને કોઈ વિઘ્ન પણ ન થાય એવાયે પણ સમાગમ કરવો, કેમ જે સ્તંબથી કરીને પુરુષોત્તમ જે મહારાજ તે પર્યંત સર્વના સ્વરૂપનું જે જ્ઞાન તે સાધુના સમાગમથી જ થાય છે તથા મૂળપુરુષ ને મૂળમાયા થકી મુક્ત ને પર એવા જે શુદ્ધ મુક્તાત્મા તથા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપનું જે સાક્ષાત્ જ્ઞાન તે પણ સાધુના સમાગમથી જ પમાય છે તથા માયિક જે સુખદુઃખ તે સર્વે ખોટાં થઈ જાય છે.” (૨૪)

૧. કાર્યં ન સહસા કિઞ્‍ચિત્કાર્યો ધર્મસ્તુ સત્વરમ્ । પાઠનીયાઽધીતવિદ્યા કાર્યઃ સઙ્‍ગોન્વહં સતામ્ ॥ અર્થ: અને વિચાર્યા વિના તત્‍કાળ કાંઈ કાર્ય ન કરવું અને ધર્મસંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો. - શિક્ષાપત્રી શ્લોક ૩૬

પ્રકરણ/વાત: ૮/૭

આજ જેને પ્રભુ ભજવા હોય તેને જેવું મહારાજ છતાં હતું તેવું જ છે પણ આ સત્સંગ તો કોઈને ગમતો નથી ને આજીવિકા પણ સત્સંગ રહેવા દે એવી નથી. બાબરિયાવાડમાં બારપટોળીના ખીમા વાઘને ઘેર ડોસી આગળ એક ગુજરાતી બ્રાહ્મણે ટીપણું જોઈને કહ્યું જે, “તમારા ધણીને તો સાડસાતી પનોતી બેઠી છે.” પછી તે બાઈએ પૂછ્યું જે, “શું થાય?” તો કહે, “ગામતરાં કરવા પડે.” ત્યારે બાઈ કહે, “મારો ધણી તો ભેંસનું દૂધ ને બાજરાનો રોટલો જમીને ઝાડને છાંયે સૂતા છે ને પનોતી તો તને બેઠી છે તે સો ગાઉથી રઝળતો રઝળતો આંહી આવ્યો છું. અમે તો તુને સત્સંગી જાણીને ઊતરવા દીધો પણ હવે સવારે ચાલવા માંડજે.” એમ સત્સંગથી બીજાની આજીવિકા તૂટે છે. (૨૫)

પ્રકરણ/વાત: ૮/૨૪

ક્રિપાનંદ સ્વામી અને અમે જ્યાં જાતે સત્સંગ કરાવ્યો છે ત્યાં હજી ડાકલું નથી પેઠું, પણ બીજે બધે ડાકલાં ને શાસ્ત્રીપાઠ પેસી ગયાં. તળ વરતાલમાં પણ ડાકલાં પેઠાં છે. (૨૬)

પ્રકરણ/વાત: ૯/૪૩

... જેતપુરના કણબી હરજી કાપડિયાને ટાઢિયો તાવ આવતો તે બાવે દોરો બાંધીને ઉતાર્યો. પછી તેને ડોસીએ કહ્યું જે, “ભાઈ, તારો તાવ બાવો ગોદડામાં ઘાલીને લઈ ગયો.” પછી હરજી બાવા વાંસે ગયો ને કહે, “મારો તાવ પાછો લાવ. તારો ઉતાર્યો મારે ઉતારવો નથી. મારા ભગવાન સ્વામિનારાયણ છે તે ઉતારશે.” પછી તે બાવે ગોદડું ઓઢાડ્યું ને દોરો પાછો લીધો કે તરત જ તાવ આવ્યો, તો પણ હરજીએ બાવાને કહ્યું જે, “ભલે તાવ આવ્યો. તું તારે અહીંથી જા,” એમ બાવાને તગડી કાઢ્યો. તે વાતની મહારાજને ખબર પડી તેથી મહારાજ તેના ઉપર બહુ પ્રસન્ન થયા ને જેતપુર દર્શન દેવા ગયા. એવી દ્રઢતા આપણે કરવી. (૨૭)

પ્રકરણ/વાત: ૯/૧૩૨

આપણે આંહીં બેઠા છીએ પણ પાણી આવે ત્યારે ઉપર જાઈએ ને ત્યાં પાણી આવે ત્યારે તેથી ઉપર જાઈએ, પણ મોભારા સુધી પાણી ફરી વળે ત્યારે ક્યાં જાઈએ? તેમ આપણે ઝાઝે ઠેકાણે આસ્તા બાંધી છે ત્યાં સર્વે ઠેકાણે કાળ ફરી વળશે. માટે એક ભગવાનની મૂર્તિમાં જ આસ્તા બાંધવી ને બીજા બધા લોક માત્રમાં કાળ ફરી વળે છે. માટે જેમ બાંટવા પરગણામાં ધ્રો ખોદી નાખે છે તેમ પાંચ-દસ વરસ સમાગમ કરી હૈયામાંથી બધી આસ્તાયું કાઢી નાખે ત્યાર પછી કોઈની તાણ ન રહે. (૨૮)

પ્રકરણ/વાત: ૯/૨૬૯

એક બ્રાહ્મણે મિયાંના ઘર રૂપિયા બે હજારમાં વેચાતાં રાખ્યાં. પછી મિયાંએ કહ્યું જે, “ઘરમાં પીરનો ગોખલો છે તે અમારો છે, તેના રૂપિયા પાંચસો ઓછા લઈશ પણ ગોખલો મારો છે.” પછી બ્રાહ્મણે પાંચસો રૂપિયામાં ગોખલો મિયાંનો છે એમ લખી આપ્યું. પછી થોડા દિવસે બ્રાહ્મણને ઘેર શુભ પ્રસંગે બ્રાહ્મણો ભેળા થયા હતા ને નાત જમતી હતી તે વખતે મિયાં બકરું લઈને આવ્યો ને કહે જે, “આજ તો મારે ઈદ છે તે પીરને ચડાવવું છે.” પછી તે બ્રાહ્મણે કહ્યું જે, “બ્રાહ્મણના ઘરમાં એમ થાય નહિ.” ત્યારે મિયાં કહે, “પાંચસો શેના ઓછા લીધા છે? આ તમારા હાથ અક્ષરનો લેખ છે. હું તો બકરું પીરને ચાડાવીશ.” પછી તે બ્રાહ્મણને ઘર મૂકવાં પડ્યાં. તેમ જેને બીજાની આસ્તા છે તેને અક્ષરધામમાં નહિ રહેવાય. માટે મિયાંના ગોખલાની પેઠે બીજે ક્યાંઈ આસ્તા રાખવી નહિ. ભગવાન આવ્યા ત્યારે વિરાટ ઊઠ્યું, માટે કર્યું એક સ્વામિનારાયણનું જ થાય છે. (૨૯)

પ્રકરણ/વાત: ૯/૨૭૦

કોઈ દેશકાળ આવે ત્યારે બુદ્ધિ ફરી જાય, તે સારુ મશાલ કરીને બેઠા છીએ માટે કોઈ વાતે પરાભવ ન થાય તથા કોઈનો ભાર ન આવે એમ શીખવું. કર્યું એક સ્વામિનારાયણનું જ થાશે અને આંધળે ઘા કર્યો ને કદાપિ વાગ્યો ત્યારે શું તે ઘાવેડી કહેવાય? તેમ કોઈનો તાવ ઉતાર્યો ઊતરતો નથી ને કદાપિ કહ્યું ને ઊતર્યો તો તે શું ભગવાન કહેવાય? અક્ષરધામ મૂર્તિમાન આંહીં છે. (૩૦)

પ્રકરણ/વાત: ૯/૩૩૦

Vat Selection


Type: Keywords Exact phrase