ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૫

વ્યવહાર અને સત્સંગ

... માટે બાજરો ભેળો કરીને પ્રભુ ભજવા ને દેહનું આયુષ્ય પૂરું કરવું એટલી જ વાત છે. રૂપિયાવાળા કાંઈ સોનાની કઢી કરતા નથી. ધાડું એને ઘરે આવે. માટે એમાં કાંઈ સુખ કે માલ નથી ને એ તો ધૂળનાં પડીકાં છે એમ સમજી રાખવું, એટલે ખોવાય તો શોક ન થાય. રૂપિયા તો સો કરોડ્ય સુધી પણ દાટવા છે ને દાટ્યા કેડે પણ એનું જ ભજન થાશે પણ માળા નહિ ફરે. (૨૧)

પ્રકરણ/વાત: ૯/૧૧૫

... બુદ્ધિના તો પૈસા બેસે છે. એક જણને પાંચ રૂપિયાનો મહિનો તે આખો દિવસ દોડે કાં બેલાં ઉપાડે ને એક જણને હજાર રૂપિયાનો મહિનો ને તેને આગળ માણસ સેવામાં હોય ને માથે છત્રી ઝાલનારા જુદા, એમ બુદ્ધિમાં રહ્યું છે. રાજાએ કુંવરને હદપાર કર્યો ત્યારે કુંવર ને નોકર ચાલી નીકળ્યા. તે ચાલતાં ચાલતાં વન આવ્યું ને સાંજ પડવાનો વખત થયો ત્યારે કુંવરે ચાકરને કહ્યું જે, “ભૂખ લાગી છે તે કાંઈક ખાવાનું લઈ આવ.” પછી નોકર ખાવાનું લેવા ગયો તે રાતના દસ વાગી ગયા ત્યારે ગામ આવ્યું પણ દરવાજા બંધ હતા એટલે દરવાજા આગળ સૂતો. રાતમાં તે ગામનો રાજા અપુત્ર ગુજરી ગયો તેણે કહેલ કે, “સવારમાં દરવાજામાં જે પહેલો સામો મળે તેને ગાદીએ બેસારવો.” સવારે દરવાજો ઉઘાડ્યો કે તરત જ ઓલ્યો નોકર ગામમાં ગયો, એટલે તેને ચાંદલો કરી ગાદીએ બેસારી દીધો. આનંદમાં નાસ્તાની વાત ભૂલી ગયો ને રાજ કરવા મંડી ગયો. કુંવર નોકરની વાટ જોઈને થાક્યો, પછી નોકરની ગોત કરવા નીકળ્યો ત્યાં તે ગામમાં એક દુકાનમાં ગાદી-તકિયા પાથરીને શાહુકાર બેઠેલ પણ દુકાનમાં કાંઈ નહોતું ત્યારે કુંવરે પૂછ્યું જે, “તમારી દુકાને શું વેચાય છે?” તો કહે, “બુદ્ધિ.” ત્યારે કહે, “કેટલા રૂપિયાની?” તો કહે, “હજાર, દશ હજાર, લાખ ને કરોડ જેટલા રૂપિયા આપે તેટલી બુદ્ધિ આપીએ.” કુંવરે લાખ રૂપિયાની કિંમતનો હીરો આપી કહ્યું જે, “લાખ રૂપિયાની બુદ્ધિ આપો.” પછી શાહુકાર કહે, “ચાકરને અધિકાર મળે ને રાજા ગરીબ સ્થિતિમાં હોય તો રાજાએ ચાકરને બે હાથે સલામ ભરવી, પણ તે વખતે રાજાએ અખત્યાર ચલાવવો નહિ.” પછી કુંવર આગળ ચાલ્યો તે જતાં જતાં એ જ ગામમાં હાથીની અંબાડી માથે પોતાના નોકરને દીઠો ને બુદ્ધિ વેચાતી લીધેલ તે યાદ આવ્યું કે તરત જ કુંવરે બે હાથે સલામ ભરી, ત્યારે રાજાને શરમ આવી જે, ‘આ કુંવર છે ને હું એનો નોકર છું. કુંવર વાસ્તે નાસ્તો લેવા આવ્યો હતો તે નાસ્તો ભૂલી ગયો ને રાજ કરવા મંડી પડ્યો પણ કુંવરનું શું થયું હશે તેની મેં શરત પણ કઢાવી નહિ.’ પછી તો સવારી પાછી વાળી ને સિપાઈને કહ્યું જે, “ઓલ્યા માણસને દરબારમાં લાવજે.” સભામાં જઈને રાજાએ સર્વે સભાસદોને કહ્યું જે, “હું જે કરું તે થાય?” તો કહે, “હા સાહેબ.” “મારાથી દાન દક્ષિણા દેવાય?” તો કહે, “હા સાહેબ.” “આ રાજપાટ કોઈકને આપી દઉં તો અપાય?” તો કહે, “હા સાહેબ, તમે તો ધણી છો તે જે કરે તે થાય.” પછી કુંવરને હાથ ઝાલીને કહ્યું જે, “આ રાજા છે તેમને હું આ રાજ આપું છું.” પછી કુંવરને ગાદીએ બેસાર્યા ને કહે જે, “આ રાજ તમારું છે ને હું તમારો દાસ છું.” તેમ સત્પુરુષ પાસેથી મોક્ષની બુદ્ધિ શીખવી, મોક્ષના શબ્દ હોય તે જાવા દેવા નહિ. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પ્રકારની બુદ્ધિ મહારાજે આપી છે, પણ બુદ્ધિ ન વાપરે તો શિક્ષાપત્રી પાસે હોય ને હેડ્યમાં પડવું પડે. કુંવરે બુદ્ધિ ન વાપરી હોત ને નોકર તરીકે રાજાને બોલાવ્યો હોત તો રાજગાદી ન મળત. માટે શિક્ષાપત્રીનો દરરોજ પાઠ કરવો. (૨૨)

પ્રકરણ/વાત: ૯/૧૬૦

... માટે જેટલો વહેવાર હોય તેટલો ઘડી - બે ઘડી કરીને પછી ભજન કરવું. શિવલાલભાઈના દીકરા છગનલાલને ચાર પેઢી સુધી ખૂટે એમ નથી પણ આંહીં ન રહેવાય. વળી ભગા શેઠ કોચવાય. માટે રૂપિયા ખાધા ખૂટે એમ ન હોય તો પણ તેના ઘઉં લઈને ભજન કરે એવો તો કોઈ જડે જ નહિ. (૨૩)

પ્રકરણ/વાત: ૯/૨૨૫

સર્વેનું સ્વાર્થનું હેત છે. કાયટું કરે ત્યારે બધા ભેળા થઈને માટી કરે જે, બાપનું કારજ વારે વારે આવતું નથી માટે પાંચ પૈસા જોતા હોય તો લઈ જાજે. પછી સાકરનાં સાટાં કરે તે અંતે દુઃખ થાય, તે શું જે, બોરડી વાઢ્યા કરે ને પાલો વેચીને પેટ ભરે. માટે શિક્ષાપત્રી વિચારવી. અન્ન-દ્રવ્યનો સંગ્રહ કરવો. બે રૂપિયા હોય તે નાતીલાને ખવરાવીએ ત્યાર પછી રોવું પડશે. એક બ્રાહ્મની મા મરી ગઈ તેનો દાડો કરવાની ત્રેવડ નહોતી. ત્યારે લાજ કહે, “હું તો જાઈશ.” તો કહે, “કાં?” એટલે કહે, “તારી માની નાત કર તો રહું.” પછી ઘરેણું ગાંઠું વેચી નાત કરી ને લાજ રાખી. ત્યાં તેનો બાપ મરી ગયો. એટલે લાજ તો જોડા પે’રીને ચાલી. ત્યારે કહે, “કેમેય રહે?” તો કહે, “તારા બાપની નાત કર તો રહું.” પછી ઘર વેચીને નાત કરી ને લાજ રાખી. પણ તે તો ઘડીક રહી. કેમ જે, બ્રાહ્મણ જમવા બેઠા ત્યારે કહે, “લ્યો સંકલ્પનું પાણી.” એટલે તે કહે, “હવે ટીપે પાણીએ શું થાય? મારે તો મોભારા સુધી પાણી ફરી વળ્યું છે!” પછી ખાવા કાંઈ રહ્યું નહિ. એટલે અંતે લાજ તો ઠામુકી ગઈ. પણ આગળથી લાજને રજા આપી હોત તો ઘડીક જંત પણ પાછી આવત ખરી. માટે પહોંચ પ્રમાણે વિચારીને કરવું. (૨૪)

પ્રકરણ/વાત: ૯/૨૭૧

લાલેભાઈએ સાથી રાખ્યો પણ તે દુર્જન નીકળ્યો. પછી તેને કાઢવા માંડ્યો ત્યારે કહે, “જાઉં નહિ ને કાઢો તો બારવટે નીકળીશ.” પછી દેશકાળી, તે ચારશેં-પાંચશેં કોરી દઈ જેમ તેમ કરી વળાવ્યો. માટે દુર્જન સાથે વહેવાર ન કરવો. એવા નીચ જરૂર ભૂંડું કરે. તે કૂતરું રીઝે તો મોં ચાટે ને ખીજે તો કરડે. (૨૫)

પ્રકરણ/વાત: ૧૦/૭૬

... આ મંદિર તો સોનાને પતરે મઢાશે ને ગાડીએ રૂપિયા ચાલ્યા આવશે અને સાધુને ધર્માદા માટે કહેવું ને માગવું નહિ પડે, પણ વહેવારિક બુદ્ધિવાળા મોટા થઈ બેઠા છે અને મહારાજની આજ્ઞા લોપે છે. તે ધ્યાન, ભજન, કથાવાર્તા કરી ભગવાનપરાયણ વર્તતા નથી અને દ્રવ્યની હાયવોય કર્યા કરે છે. ને જો કોઈક કહે તો સોરી પાડે છે કે, “દેવમંદિરનો વહેવાર માળા ફેરવે ન ચાલે!” પણ અમારું તો અહીં ભગવાને કથાવાર્તાથી જ ચલાવ્યું છે. તે પ્રથમ આ મંદિર કરવા આવ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામી નિરંતર વાતુ જ કરતા. અને તુલસીના માંજર મૂર્તિ ઉપર ચડાવી શિખર કરતા. ને કોઈકે પૂછ્યું જે, “સ્વામી, શું કરો છો?” ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે જે, “મંદિરનું શિખર કરીએ છીએ!” ત્યારે અખતર ડાહ્યા કહે જે, “ગોપાળાનંદ સ્વામી મંદિર કરવા નથી આવ્યા પણ વાતુ કરી રમત કરવા આવ્યા છે.” પણ મોટાની ક્રિયા જીવ શું જાણી શકે? અમે પણ પ્રથમ અહીં આવ્યા તે વખતે પાણા ભાંગવા હથોડી પણ ન હતી. તેથી પાણેથી પાણો ભાંગતા અને ધર્માદા માટે કોઈને ઉપદેશ કર્યો નથી ને આફુંડું આટલું થઈ ગયું છે. અને હજુ સૌથી સર્વોપરી બધે પ્રકારે થાશે. અમે તો દુર્જનનો સંગ મુકાવી સત્સંગ પ્રધાન કરાવી ભગવાનપરાયણ કરીએ છીએ અને જ્યારે તેવા શુદ્ધ હરિજન થાશે ત્યારે વગર કહ્યે સત્સંગ વગર બીજે નહિ જ વાવરે. એથી મંદિરને સમાસ છે અને જીવ અને સત્સંગ વૃદ્ધિ પામે છે. મહારાજે એમ જ કર્યું છે ત્યારે આટલું બધું થયું છે પણ બીજી રીતે કર્યું નથી અને અમે પણ એ જ રીતે કરીએ છીએ કે ભગવાન મુખ્ય અને વહેવાર પછી. (૨૬)

પ્રકરણ/વાત: ૧૦/૭૭

ગૃહસ્થને બાઈડી, છોકરો, રૂપીઆ ને સાજું દેહ એ પ્રભુ ભજ્યામાં ઉપયોગી છે. તે બાઈડી હોય તો વર્તમાન પળે ને રૂપીઆ હોય તો વહેવારે સુખી રહેવાય ને સમાગમ કરવો હોય તો થાય ને છોકરો હોય તે ઘરનું કામ કરે ને દેહ સાજું હોય તો માળા ફરે, સારા સાધુની અનુવૃત્તિ પળે ને સમાગમ થાય. એમ ભગવાનના ભક્તને બધી વાત સવળી છે ને વિમુખને બધું અવળું છે ને બંધનકારી છે. (૨૭)

પ્રકરણ/વાત: ૧૦/૧૫૦

દીકરો કામ કરનારો થાય કે નાનો ભાઈ કામ કરનારો થાય તોય હાથપગ પછાડવા એ અજ્ઞાન છે. ઘરડાંને એમ રહે છે જે, ‘છોકરાંને કાંઈ આવડતું નથી,’ તે શું જે, પોતાને કરવાનો રાગ છે ને કરે છે ને છોકરાને કરવા દે નહિ. તે ઉપર ભગા શેઠની વાત કરી જે, વાસીદુ પણ ઉપર ઊભા રહીને વળાવે. (૨૮)

પ્રકરણ/વાત: ૧૦/૧૫૩

જ્યારે પોતાને જ્ઞાન થાશે ત્યારે જ વિષય ખોટા થાશે. તે ઉપર હીરા પારખ્યાની મામા-ભાણેજની વાત કરીને કહ્યું જે, જ્યારે પોતાને એનો અનુભવ થાશે ત્યારે ખોટાને વિષે કાંઈ સત્યતા રહેશે નહિ. વળી વાત કરી જે, રામાનંદ સ્વામીએ મયારામ ભટને પરણવાની ના પાડી તે ન પરણ્યા. ને ગણોદના ખત્રી જમાભાઈ પરણવા જાતા હતા તે જાન બાસેટી ત્યારે ભાદરને કાંઠે ફૂલવાડીમાં મહારાજ ને સંત હોવાથી, જાણે દર્શન કરતો જાઉં, તે ગયા, પગે લાગી ઊભા રહ્યા, ને જાણે જે મહારાજ રજા આપે કે ‘જાઓ’ ત્યારે જાઉં. પણ મહારાજે તો ‘જાઓ’ એમ ન કહ્યું. પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “આ જમાભાઈને રજા આપો. જાન ઊભી છે.” પછી મહારાજ કહે, “જાઓ, ભાઈ, જાઓ. પરમેશ્વર શું ભજશો! પરણેતર કેડે પડ્યું!” એ સાંભળીને જમા ખત્રીને એમ થયું જે, ‘મહારાજને ન ગમ્યું.’ પછી એક દીકરો થયો ને દીકરાને છાપનું કામ આવડ્યું એટલે કહ્યું કે, “હવે હું છાપનું કામ નહિ કરું. મંદિરમાં બેસી માળા ફેરવીશ.” તે દીકરો નાનો પણ ડાહ્યો તેથી કહે કે, “બાપા, આજ સુધી તમે પોષણ કરી મોટો કર્યો ને હવે હું રળીને ખવરાવીશ. સુખેથી મંદિરમાં કથાવાર્તા કરી માળા ફેરવી સુખિયા રહો.” પછી ઝુણોભાઈ ને જમો ખત્રી વચનામૃત લઈને એવી જ્ઞાનવાર્તા કરે કે તેમાં સર્વોપરીપણું ને પ્રગટ પ્રમાણ ભગવાન ને પ્રગટ અક્ષરનું નિરૂપણ કરે ને મહારાજનાં બધાં વચન બરાબર જેમ નિશાન પર છે તેમ જ સમજે. એમ લઈ મંડે તો જ આ અક્ષરપુરુષોત્તમનું ખરેખરું જ્ઞાન થાશે અને ક્યાંઈ સુખ નહિ મનાય. બાઈડી ધૂડની, છોકરાં ધૂડનાં, દેહ ધૂડનો એમ સર્વે એવું જણાશે. (૨૯)

પ્રકરણ/વાત: ૧૦/૧૫૪

શિવલાલ ઘરમાં રહેતા પણ ત્યાગી હતા. ને ઘરમાં રૂપીઆ, સ્ત્રી, છોકરાં વગેરે હતાં પણ કોઈ વાત નડી નહિ. માટે આસક્તિ વિના ભોગવવું તે તો જેમ તાવ આવ્યો હોય ને અન્ન ખાય તેમ ભોગવે તે કાંઈ ભોગવ્યું ન કહેવાય. માટે ગુણાતીતના સંબંધથી ગુણાતીત થાશો ત્યારે જ દોષમાત્રનાં મૂળ ઊખડી જાશે. (૩૦)

પ્રકરણ/વાત: ૧૦/૧૭૫

Vat Selection


Type: Keywords Exact phrase