ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૫

વ્યવહાર અને સત્સંગ

મનુષ્યને રાખવાં તેમાં કેટલાકને તો પાઘડી બંધાવીને માથાં કાપવા મૂકીએ એવા હોય. તે ઉપર રોળાનંદની વાત કરી કે, તે અસુર હતો ને જુક્તિ કરી મહારાજે ધોળાં પહેરાવી પોતાના પાળા ભેગો ભેળવીને કાઢી મૂક્યો. એક વાણિયાના ઘરમાં ચોર ચોરી કરવા ગયો. તેમાં ચોરને વાણિયે માર્યો. પછી ડાહ્યો તે વિચાર્યું અને તેની શેરીનો જમાદાર તેને બહુ હેરાન કરતો તેથી છાનોમાનો ચાવડી પાસે તે મડદાને મૂકીને પછી ગોકીરો કર્યો અને કહે, “જમાદારે ચોર માર્યો.” તે આડોશી-પડોશીને ખબર પડી ને દરબારમાં પણ વાત જાહેર થઈ. પછી દરબારે તે જમાદારને પાઘડી બંધાવી. તે વાતની વાણિયાની સ્ત્રીને ખબર પડી તેથી કહ્યું કે, “ચોર તમે માર્યો ને પાઘડી આપણને હંમેશ દુઃખ દે છે તે જમાદારને મળી.” ત્યારે તે વાણિયે કહ્યું જે, “ધોતલીના ધોળ હવે ગવાશે! ઉતાવળ કર મા.” પછી તે મરનાર ચોરના ભાઈને ખબર પડી કે જમાદારે તેના ભાઈને માર્યો ને તે વેરથી જમાદારને લાગ આવે મારી નાખ્યો એટલે જમાદારને ઘેર રોકકળ થઈ તે વાત વાણિયાની વહુએ વાણિયાને કહી. ત્યારે કહે, “ધોતલીના ધોળ ગવાણા?” એમ પરબારું સૂડ નીકળ્યું... (૩૧)

પ્રકરણ/વાત: ૧૦/૨૦૮

... કેટલાંક વચને કરીને સત્કાર કરીને રાખ્યા જેવા હોય ને કેટલાક પદાર્થ આપીને રાખ્યા જેવા હોય ને કેટલાક વઢીને પણ રાખ્યા જેવા હોય, માટે એ સર્વે વાત મોટેરાએ જાણવી જોઈએ. ને સૌ કરતાં ત્યાગ, વૈરાગ્ય ને ધર્મ અધિક પાળે ને ભગવાનની અખંડ સ્મૃતિ રાખે એવો મોટેરો હોય તે સમાસ કરે. પણ સત્સંગની પુષ્ટિ એકલા ગામ-ગરાસ ને દ્રવ્ય વડે થતી નથી... (૩૨)

પ્રકરણ/વાત: ૧૦/૨૦૮

... ગૃહસ્થને બાજરો કમાઈને સમાગમ કરવો ને બાર આના આવરદા સંસારમાં વાપરવી ને ચાર આના સત્સંગમાં વાપરવી ને સંસારમાં બહુ તાણ હોય તો સત્સંગમાં બે આના તો વાપરવી જ. તો જ ભગવાન રાજી રહે અને તે વિના તો જગતના જીવ કુટાઈ મરે છે ને વિષયનું કોઈ વાતે સરૂ આવે તેમ નથી. ધોળકાનાં કેળાં, અવલની ખાંડ, ને મેળાવની તમાકુ ને ચોરવાડનાં નાગરવેલનાં પાન એ સર્વે મુલકમાં ચાલ્યાં જાય છે ને સર્વે ઠેકાણે તેની જ વાતુ છે. માટે લોકના ફેલમાંથી રોટલા પેદા કરીને સાધુ સમાગમ કરવા ઉપર તાન રાખવું. (૩૩)

પ્રકરણ/વાત: ૧૦/૨૨૩

મોક્ષ ઉપર તાન છે એવાં શાસ્ત્ર છે તે પણ આજીવિકાને અર્થે વાપરે છે. તેમ જ કથા, કીર્તન, ને વાતુ તે જન્મમરણને છેદે એવાં છે તો પણ આજીવિકાને અર્થે થાય છે. પણ મોક્ષ પરાયણ ન કરે. કોઈને બુદ્ધિ હોય, વિવેક હોય ને તે સત્સંગના કામમાં ન આવે તો તે દીવાનના જેવી બુદ્ધિ કહેવાય, જેને મહારાજે મુશલાગ્ર કહી છે ને નાથ ભક્તની કુશાગ્ર બુદ્ધિ કહી છે. તે દીવાન નરકે ગયો ને નાથ ભક્ત મહારાજ પાસે ગયા. રૂપીઆ હોય, બુદ્ધિ હોય, કુટુંબ હોય, દેહ સાજું હોય પણ સત્સંગના કામમાં ન આવે તો તે બધી માયા છે. (૩૪)

પ્રકરણ/વાત: ૧૦/૨૩૩

પોતાની વૃત્તિમાંથી શેર અન્ન પેદા કરીને પ્રભુ ભજવા એવી તો જીવને દાનત જ નથી. ને ભગવાનને નથી ભજતા તે સર્વે જનાવર છે. માણસનો તો આકાર માત્ર છે. જેમ ઢોરને શીંગ ને પૂંછ તેમ એને દાઢી ને મૂછ, પણ જેવા સીદી ભાવડા એવા માણસ છે. તે કોઈના હાથમાં કુહાડો, કોઈના હાથમાં પરોણો, કોઈના હાથમાં સોય, કોઈના હાથમાં કલમ, પણ કોઈના હાથમાં માળા નથી. આ જીવ મૂરખ છે તે ન કર્યાની ક્રિયા કરે એવો છે. ને સતે લીધો ને પંજે વેંકો. બે રૂપિયા ખોટ થઈ તોય નીંગરો ખડ્યો પણ હલફલ તો શીખ્યો? તે શું જે, આ સત્સંગમાં ને કથાવાર્તામાં અથડાઈએ તો કોઈક દિવસ સમજાઈ જાય. (૩૫)

૧. રૂપિયા સાતે લીધું ને પાંચમાં વેચ્યું, ભલે ખોટ ગઈ પણ વેપાર કરવા તો શીખ્યો.

પ્રકરણ/વાત: ૧૧/૧૪૫

ઈટોલાના હરિભક્તે રસોઈ દીધી તે આઠસો રૂપિયાની ચાર રસોઈ દીધી ને કહે, “મહારાજ, આમાં તો મારે આઠસો રૂપૈયા જોયા.” પછી મહારાજે એના ઘરનો હિસાબ ગણાવ્યો તે રળ્યું ખપ્યું બધું ઘરમાં નાખ્યું તેનું કાંઈ નહિ ને આઠસો તે ઓલ્યા કરતાં ઝાઝા થઈ પડ્યા! તે આવરદા બધી ઘરકામમાં કાઢે છે તેનું કાંઈ નહિ ને સંતસમાગમમાં પાંચ દિવસ રહે તો કહેશે જે વ્યવહાર કેમ ચાલે? ને લૂગડામાં ને ખાવામાં આવરદા પૂરી કરે તેનું કાંઈ નહિ. તે ડચકે આવ્યા સુધી એ વાતનું ભજન થાશે. (૩૬)

પ્રકરણ/વાત: ૧૧/૩૭૩

જીવના હૈયામાં છાજની પેઠે વ્યવહાર છવરાણો છે તે માનસી પૂજા ટાણે રુંધો તો ખબર પડે ને વ્યવહારમાં રાખો તો કાંઈ નહિ, ને ભજન કરે ત્યારે બહારની ઉપાધિ માંહી નડે. ભણનારા જેમ શબ્દનું નક્કી કરે છે તેમ સમજણનું નક્કી કર્યું હોય તેને તેમાં દુઃખ દેખાય. તે ધૂડ ખાધાનો મનસૂબો થાતો નથી ને સોઢીમાં રહેવાનું મન થાતું નથી. (૩૭)

પ્રકરણ/વાત: ૧૧/૩૮૪

મોક્ષને માર્ગે ચાલ્યા છે તેમાં પણ હજાર વિઘન છે, તે જેને જ્ઞાનનાં લોચન ઊઘડે તેને ખબર પડે. માટે ભગવદીમાં જીવ બાંધવો. આ ક્રિયા છે તેનો તો પાર આવે તેમ નથી. એક ઘોડે બેસવું ને હજાર ઘોડાના પાવરા ભરવા એ કેવું સુખ? લોમશૠષિએ પર્ણકુટિ ન કરી તે ગાંડો હશે? માટે ત્યાગી, ગૃહી જેને જેટલો વહેવાર હોય તે કરીને પ્રભુ ભજવા મંડી જાવું. તે ઉપર ડેડાણના વાણીઆની વાત કરી, તે કો’કની પાસે ચાર હજાર રાળ માગતો હતો તે લેવા ગયો એટલે મારી નાખ્યો. એટલે તે પણ ભૂત થયો. રૂપૈયા તો એવા છે. (૩૮)

પ્રકરણ/વાત: ૧૧/૩૮૯

... બધાય વિષયમાં જોડે. તે શિવલાલને જૂનાગઢના મારગે ન ચાલવા દીએ, ને મુંબઈ જાય તો ભાતું કરી આપે પણ આ મારગ તો કોઈને ગમ્યો નથી. તે દ્રવ્ય છે, સ્ત્રી છે, વેવાર છે તે નાખી દેવું નથી પણ ભગવાનને રાખીને એ કરવું. ને વર કેડે જાન રાખવી એ સિદ્ધાંત છે. અમે પણ ત્રેવડ રાખીએ છીએ. માટે વ્યવહાર તો જેમ થાતો હોય તેમ થાય પણ ભગવાનને મુખ્ય રાખવા ને પછી બીજું કરવું. તે એક બ્રાહ્મણ બે પોર જ રળે તો પણ રોટલા મળતા. ત્યારે આપણને કેમ નહિ મળે? ને કદાપિ માનસી પૂજા ન કરીએ, માળા ન ફેરવીએ ને કદાપિ રૂપૈયા વધ્યા તેણે કરીને શું શાન્તિ? આ વ્યવહાર તો પ્રથમ મહારાજ આવ્યા ત્યારે શું હતું? ને હવે કેટલો વ્યવહાર વધ્યો છે? ને આપણે બધાય મળીને રૂપૈયા ભેગા કરવા માંડીએ તો તે કદાપિ થાય તો પણ જેવો કથાવાર્તાએ કરીને સમાસ થાશે તેવો નહિ થાય. તે ગોપાળાનંદ સ્વામી કહેતા જે, રૂપૈયા તો થાય પણ ચોર કૂંચી માગે ને ન અપાય તો મારી નાખે. ને વાતુ વાતુમાં પણ ફેર છે. તે એક વાતે ચોટાય ને એક વાતે ઉખડાય. તે હંસની ચાંચમાં એવું જે, દૂધ ને પાણી નોખાં કરી નાખે. તેમ એક જગત પ્રધાન કરી દે ને એક તો એ કઢાવી નાખે. તે જેમ આંખ્યમાંથી કણું કાઢે તેમ જીવમાંથી દોષ કાઢી નાખે, એ સર્વ વાતુમાંથી થાય છે. પણ એ મારગે જીવ ચાલતા નથી ને આવો અભ્યાસ પડ્યો નથી... (૩૯)

પ્રકરણ/વાત: ૧૨/૫૩

દસ મહિના વ્યવહાર કરવો ને બે મહિના સમાગમ કરવો, તે શું જે, સમાગમ કરવો ને પ્રભુ ભજવા ને કોઈને દોષ ન આવે એમ વર્તવું તે વરજાંગજાળિયાવાળા અરજણભાઈ આહિર છે તે ખેતી કોઈ પાસે કરાવે છે. પ્રભુ ભજવા તેમાં કોઈ વાતની ખોટ નહિ આવે. કદાપિ રૂપિયા વધ્યા તો આપણા જીવમાં શું સમાસ થાશે? ને એંશી વરસ કેડે કોઈને ગરજ નહિ રહે. ને જીવવું તે પણ દહાડા પૂરા કરવા જેવું છે. (૪૦)

પ્રકરણ/વાત: ૧૨/૭૫

Vat Selection


Type: Keywords Exact phrase