ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૬

સ્વભાવ

... પોતાના સ્વભાવ હોય તે ફજેત કર્યા વિના રહેતા નથી. તે ગમે તેવો સ્વભાવ હોય પણ ખરાબ કરવાનો છે. તે આગળ પણ દુર્વાસાદિકને ઘણા નડ્યા છે. આપણામાં પણ વૈરાગાનંદ, હરિહર્યાનંદ એવાને સ્વભાવ નડ્યા છે. માટે ભગવાન ભજવા હોય તેને પોતાના સ્વભાવ મૂકવા. (૨૧)

પ્રકરણ/વાત: ૧૧/૨૨૮

પ્રભુ ભજવાને મારગે ચલાય નહિ ને દેહ, લોક, ભોગ ને પક્ષ તેના મારગે ચલાય છે. ને મહારાજે કહ્યું છે તેમ જે ન કરે પણ કોઈકનાં દુઃખ હોય તે હૈયામાં ઘાલે. આ તો ‘ભેંશ ચઉટે ને કજિયો ઘેર,’ તે માટે એવાં દુઃખ ઊભાં કરીને હૈયામાં ઘાલવાં નહિ. તે દર્શને આવે જાય તેના કજિયા, રસોઈ દે તેમાં કજિયા. મુક્તિજીવનદાસ, શ્વેતવૈકુંઠદાસ, ઉત્તમચરણદાસ આદિ ચાર સાધુનું મંડળ વંથળી ફરવા ગયું. ત્યારે દેવજીભાઈ સાધુ માટે સીધું મૂકી ગયા ત્યારે એક કહે ખીચડી કરશું, બીજો કહે ખીચડી નહિ દાળભાત કરશું, ત્રીજો કહે શાક ને રોટલા કરશું અમથો કુટારો કોણ કરે. એમ ચારેનું મળતું ન આવ્યું એટલે મેડે ચડી ચાર ચૂલા કરી ચારેએ નોખું રાંધવા માંડ્યું. ત્યાં દેવજીભાઈ દર્શને ગયા તે ધર્મશાળામાં સાધુ દીઠા નહિ એટલે ભંડારને મેડે ચડ્યા તો ચાર ખૂણે ચાર ચૂલા દીઠા. તે જોઈને મનમાં વિચાર થયો જે, આ મંડળથી દેશમાં સમાસ નહિ થાય એમ ધારી જૂનેગઢ કાગળ લખ્યો ને સવારના પહોરમાં ગાડું જોડાવી લાવ્યા ને કહે જે, “મહારાજ, જૂનેગઢ પધારો. અમે તમારો મહિમા રોજ ઘેર ગાઈએ છીએ જે, બસેં સાધુ એક રસોડે જમે છે એવો સંપ આપણા સાધુમાં છે. તેથી અમારા ઘરમાં પણ ત્રીસ માણસ એક રસોડે જમે છે. તે આ જો તમારી વાત સાંભળશે તો અમારા ઘરમાં પણ નોખા ચૂલા કરશે. માટે ચાલો અમારુ ગાડું ને આ સાથી આપને જૂનાગઢ મૂકવા આવે છે ને આ કાગળ સ્વામીને દેજો.” એમ રસોઈના કજિયા. ગૃહસ્થને પણ કજિયા થાય છે. એક કહેશે જે રસોઈ દે તેના પણ કજિયા થાય છે. એક વખત મહારાજ પાસે ગામડાના હરિભક્ત ગયા તેમને મળીને રસોઈ દેવી હતી ત્યારે મહારાજ કહે જે, “મંદિરનું કામ ચાલે તે ઘી-ગોળ કડિયાને દેવાં છે. તે દઈએ ને તમારી રસોઈ દાળ-રોટલા કરી અમે પીરસીએ ને તમારી લાડુની-ચૂરમાની રસોઈ અમે પાકી માની લેશું.” ત્યારે સૌએ હા પાડી પણ એક બ્રાહ્મણે ના પાડી જે, “મહારાજ, એમ નહિ. પાકી રસોઈ કરો ને સાધુને તમે લાડુ પીરસીને જમાડો.” ત્યારે મહારાજ કહે, “બહુ સારું. લાવો રસોઈના રૂપીઆ.” પછી રૂપીઆની ઢગલી કરીને હરિજનને મહારાજે પૂછ્યું જે, “આ રૂપીઓ કોનો છે?” “આ બ્રાહ્મણનો.” પછી મહારાજે તેમાંથી તે રૂપીઓ બ્રાહ્મણને આપીને કહ્યું, “આમાં તમો કહો તેની રસોઈ કરીએ.” પછી બ્રાહ્મણ ભોંઠો પડ્યો ને કાંઈ બોલ્યો નહિ. એમ એક રૂપીઆના ભાગમાં બધાંને ઠોઈ રાખ્યા. મહારાજની મરજી પ્રમાણે રસોઈ કરવાની ના પાડી. એવા ય રસોઈ કરવાના કજિયા થાય છે. (૨૨)

પ્રકરણ/વાત: ૧૧/૩૨૬

છેલ્લા પ્રકરણનું તેત્રીશનું વચનામૃત વંચાવીને વાત કરી જે, ધન ને સ્ત્રીનો તો પ્રસંગ નથી, પણ દેહાભિમાન ને સ્વભાવ તો ભેળા જ છે. તે હવે એનો જ કુટારો રહ્યો. ને જેમ કોથળીમાં રૂપિયા છે તેમ દેહાભિમાનમાં સ્વભાવ છે. તે કેટલાકે તો સ્વભાવ મૂકી દીધા તે પણ જોયા. ને કેટલાકને સ્વભાવ લઈ ગયા તે પણ જોયા. (૨૩)

પ્રકરણ/વાત: ૧૧/૩૩૫

એક જણને ‘નાગ’ નામનો દીકરો હતો. તેનો બાપ નાગ પાસે ગયો ત્યારે તેને કોઈએ પૂછ્યું જે, “આ કોણ છે?” તો કહે, “નાગનો બાપ છે.” ત્યારે તે રિસાણો ને ચાલી નીકળ્યો ને કહે, “શું હું મારા દીકરાના નામથી ઓળખાઉં. મારું તો કાંઈ નહિ?” એવા તો જીવના સ્વભાવ છે. (૨૪)

પ્રકરણ/વાત: ૧૧/૩૯૨

ક્રોધનો સ્વભાવ હોય પણ જો સત્સંગની ગરજ હોય તો ક્રોધ મુકાય. તે દુર્વાસા ક્રોધી હતા પણ ગરજ હતી તો ક્રોધ મૂકીને કદળી સાથે કામ લીધું. તેમ સત્સંગની ગરજ હોય તો ક્રોધ પણ મુકાય. પછી લોભની વાત કરી જે, પાળાને રૂપૈયા મુકાવવાનું કહ્યું ત્યારે ભગુજી જે મહારાજની સેવામાં રહેતા તે ઘણી સેવાનો ત્યાગ કરીને ઓલી કોરે ગયા. તે લોભ મુકાય, માન મુકાય, ક્રોધ મુકાય ત્યારે સત્સંગનો મહિમા જાણ્યો કહેવાય. (૨૫)

પ્રકરણ/વાત: ૧૨/૫૧

વૃંદાવનદાસે પ્રશ્ન પૂછ્યો જે, “કઈ રીતે અહંમમત્વ ન થાય?” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “ભગવાનનું કર્તાપણું રહે ને મોટપ રહે તો અહંમમત્વ ન આવે.” માટે આપણી બુદ્ધિ પ્રમાણે કહેવું. તે બધાની રુચિ મળતી કેમ આવે? બધાનું પાધરું કેમ પડે? મંદિરમાં કેટલાક કહે છે જે, “સ્વામી કરે તે ઠીક” ને કેટલાક “ઠીક નથી” એમ કહે છે. અમે “દરવાજો સામસામો ન કરવો” એમ કહ્યું. ત્યારે સૌ કહે, “ઠીક થાતું નથી ને મોતિયું પણ નહિ મળે.” પછી અમે હજામત કરાવવા બેઠા ત્યારે સવજી કડિયો દર્શને આવ્યો. તેને અમે કહ્યું જે, “સવજી, આ દરવાજો સામસામો કરીએ તો જ મોતિયો મળે?” ત્યારે કહે, “સામસામો ન કરીએ તોય મોતિયો મળશે.” ત્યારે અમે પૂછ્યું જે, “તમે મેળવી દેશો?” તો કહે, “હા.” પછી તો અમે હજામત કરાવતાં ઊઠ્યા ને સવજીને મળ્યા. તે ખબર પડી ત્યારે બીજા આવીને કહે, “એમ તો થાય, લ્યો અમે કરી દઈએ.” ત્યારે કહ્યું જે, “એ તો મોજ લેવાવાળો લઈ ગયો. અમે કહેતા હતા ત્યારે કેમ હા પાડી નહિ?” (૨૬)

પ્રકરણ/વાત: ૧૨/૧૩૯

કલાભાઈને અભેસિંહભાઈ ઉપર ઈર્ષા. તે સરકારમાં ચાડી કરવા ગયા જે, “સાહેબ, એ તો તમારું પણ નહિ માને ને તેડાવશો તોય નહિ આવે.” પછી સાહેબે પટાવાળાને તેડવા મોકલ્યો તે અભેસિંહભાઈ પૂજા કરતા હતા તે સિપાઈને કહે, “સાહેબને કહો હમણાં આવે છે.” પણ પૂજા કરતાં વાર લાગી એટલે કલાજીએ સાહેબને કહ્યું જે, “એ તો ઊંધો છે. તમારુંએ ન માન્યું.” એટલે સાહેબે ફેર બીજું માણસ મોકલ્યું ને જમ્યા વગર ગયા. સાહેબ કહે, “અમારા હુકમ પ્રમાણે કેમ ન આવ્યા?” ત્યારે દરબારે સાહેબને કહ્યું જે, “સાહેબ, મારે પૂજાનો નિયમ છે તે હું પરમેશ્વરની પૂજા કરતો હતો ને પૂજાની સમાપ્તિ થઈ નહોતી તેથી મેં ‘હમણાં આવું છું’ એમ કહ્યું હતું ને બીજું માણસ આવ્યું ત્યારે પૂજાની સમાપ્તિ કરી જમ્યા વગર આવ્યો છું.” એ સાંભળી સાહેબ ઘણો જ ખુશી થયો ને કહે જે, “પરમેશ્વરની બંદગી કરતાં ઊઠ્યા નહિ એ સારુ છે.” ને કલાભાઈને ખીજ્યા જે, “તું ઈર્ષા કરે છે. મારું વચન ન માન્યું એવું ક્યાં છે? એ તો ખુદાની બંદગી કરતા હતા.” એમ કહી ઘણો જ ઠપકો દીધો. માટે કળાહોળનો પાર આવે નહિ. અને આપણે તો જ્ઞાન, વૈરાગ્ય રાખીને સુખિયા રહેવું. કજિયા તે ઘરોઘર છે. કોઈને વાત સારી લાગે ને કોઈને ન લાગે. જીભ છે તે કેમે બોલાય જાય. માટે શબ્દ છે તે આકાશનો ભાગ જાણી કોઈ સામું જોવું નહિ. ને આંહી અમારે દર્શને આવે તે પણ કોઈને ઘરના મનુષ્યને પણ નહિ ગમતું હોય, પોતાના શિષ્ય ક્યાંય બેસવા જાય તે પણ નહિ ગમતું હોય. તે શું જે, અહંમમત્વ આવ્યો. અમારે તો સ્વભાવ પડ્યો તે કોઈને ગમે કે ન ગમે પણ કહ્યા વિના રહેવાય જ નહિ. (૨૭)

પ્રકરણ/વાત: ૧૨/૧૪૦

કેટલાક ચોરવા શીખે છે. વૈષ્ણવના મંડપમાં પટેલે ઝાઝો શીરો કરાવ્યો પણ ભીતરિયાએ ખાઈને રસ્તામાં ખાવા સારુ એક સૂંડલો ભરી શીરો ઊંચો ટાંગી દીધો એટલે વાંસેથી સાથીને ખાવા ન મળ્યું ને કહે જે, “થઈ રહ્યું છે.” રાત્રે સાથી નીરણ કરવા ગયો ત્યાં માથે સૂંડલો ભટકાણો ને જોયું તો શીરો દીઠો તે પટેલને દેખાડ્યું. પટેલ કહે, “શીરો લઈ લ્યો ને માંહીં છાણ ભરીને હતો તેમ મૂકો.” તે તેમ કરીને સૂઈ ગયા. ભીતરિયા તો સવારમાં જાગ્યા કે તરત વહેલા ચાલી નીકળ્યા ને એક જણ સૂંડલો લઈને આગળ નીકળી ગયો. પછી વારાફરતી બધા ઉપાડતા ગયા તે એક જણ કહે, “આમાં તો બહુ ભાર છે.” ત્યારે બીજો કહે, “ફૂલ્યો હશે.” ત્રીજે કહે, “વાસી થાય તેમાં ભાર થાય.” પછી ફૂલવાડી આવી ત્યાં નહાયા, ધોયા ને કેળના પત્ર કાપી પતરાળાં ગૂંથી જમવા બેઠા, પણ જ્યાં શીરામાં હાથ નાખ્યો ત્યાં છાણ દીઠું તે કહે, “ભૂંડી થઈ!” છતું થયું ને વળી ભૂખ્યા પણ મુવા ને ચોર પણ ઠર્યા! કોળીના છોકરાની વાત કરી. તેની માએ ચોરી કરતાં શીખડાવેલ. પછી મોટો થયો ત્યારે મોટી ચોરીયું કરવા માંડી, તેમાંથી ફાંસીની સજા થઈ પછી કહે, “મારી માને મારે મળવું છે.” તે મળવા ગયો એટલે નાકે બટકું ભર્યું ને કહ્યું જે, “તેં જ મારું ભૂંડું કર્યું.” એમ કેટલાક ચોરી કરે છે ને કેટલાક શીખડાવે છે... (૨૮)

પ્રકરણ/વાત: ૧૨/૧૫૫

... ગધેડાને ને ઊંટને ભાઈબંધી થઈ ત્યારે ગધેડે કહ્યું જે, “હું રોજ લીલું ખેતર ખાઉં છું ને, ઊંટભાઈ, ચાલો તમે મારી સાથે.” પછી ગયા ને ખાવા માંડ્યું ત્યારે ગધેડો કહે, “મને તો ભૂંકણ આવ્યું છે.” ત્યારે ઊંટ કહે, “કેમે રહેવાય?” ત્યારે તે કહે, “મારાથી તો રહેવાય નહિ.” પછી તો તે ભૂંક્યો ને ભાગી ગયો તે સાંભળી ખેતરવાળો આવ્યો તે ઊંટને ખૂબ માર્યો. આઘે જતાં નદી આવી ને ઊંટ કહે, “હું તો નહિ ડૂબું ને નદી ઊતરી જાઈશ.” ત્યારે ગધેડો કહે, “મને તારી પીઠ ઉપર બેસવા દેશે?” તો કહે, “હા.” તે તેની પીઠ ઉપર બેઠો ને અર્ધી નદીએ ગયા ત્યારે ઊંટ કહે, “મને તો લોટણ આવ્યું છે.” ત્યારે ગધેડો કહે, “લોટો તો હું મરી જાઉં.” ત્યારે ઊંટ કહે, “તારું ભૂંકણ ન રહ્યું તો મારું લોટણ ન રહે.” એમ કહી પાણીમાં લોટ્યો તે ગધેડો પાણીમાં તણાઈ ગયો ને મરી ગયો. તેમ એવો હોય તે બધાને દુઃખ કરે. ને ગાધડકાનો બ્રાહ્મણ માંગરોળ ગયો ત્યારે કે’, “મારી તો પૂજા ગઈ,” તે રોવા લાગ્યો ને ખાધું નહિ, પછી પૂજા લીધી ત્યારે છાનો રહ્યો. અમદાવાદમાં એક જણે ઢોંગ કરીને ચરણારવિંદ લીધાં. એવા દંભી થાય માટે સહુને ઓળખવા. આપણી સભાયું આંહીં થાય છે ને એવા હશે તેની સભાયું નોખી થાય છે. માટે મોરે જેમ દીન જાગ્યું હતું તેમ દીન જગાવાનું છે. (૨૯)

પ્રકરણ/વાત: ૧૨/૧૫૫

ત્યાગીમાં કેટલાક રાગી છે ને રાગીમાં કેટલાક ત્યાગી છે ને સૌ સૌની રુચિ નોખી છે તે એક રુચિવાળા હજાર ભેળા રહે તો પણ કજિયો ન થાય ને બે રુચિવાળા ચાર ભેળા હોય તો પણ કજિયો થાય ને અકોણાય તો મહારાજને ન ગમે. તે અકોણું ઢોર પણ કોઈને ગમતું નથી. (૩૦)

પ્રકરણ/વાત: ૧૩/૮૨

Vat Selection


Type: Keywords Exact phrase