ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૬

સ્વભાવ

... સર્વ જીવ વિષયના કીડા છે તે મરીને તેને જ પામશે. જીવ માત્રને વાસના પણ તેની જ છે. સૃષ્ટિ કરતાં આવડે, બીજાના પેસાબ બંધ કરતાં આવડે પણ પોતાના સ્વભાવ ટાળતાં ન આવડે. માટે સ્વભાવ ટાળીને મહારાજને સંભારીએ તો અંતરમાં ટાઢું થાય. (૩૧)

પ્રકરણ/વાત: ૧૩/૧૩૦

... કૃપાનંદ સ્વામી કહેતા જે, “એક રહેણી, એક ભાવ, એક રુચિ ને એક ત્યાગ તે સારધાર નભવા બહુ કઠણ છે.” જ્યારે ક્રોધ આવે ત્યારે બોલવા-ન બોલવાનો વિવેક ન રહે. માટે પોતામાં જે સ્વભાવ વસતા હોય તે દરવાજે ઊભા રહીને જોવા, પછી તે જેવી રીતે ટળે તેવો સંગ કરવો, શાસ્ત્ર વાંચવાં, તેવાં કીર્તન ગાવાં, તેવાં જ નિયમ વૃદ્ધિ પમાડવાં, તેવું જ શ્રવણ વધારવું ને તેવું જ મનન કરવું. તે સ્વભાવ કોઈને કામનો, કોઈને લોભનો, કોઈને સ્વાદનો, કોઈને માનનો, કોઈને વધુ બોલ્યાનો હોય એ બધા સ્વભાવ સમજીને ટાળે ત્યારે ટળે. માનનો સ્વભાવ હોય તો ‘મોહનને ગમવાને ઇચ્છો માનુની,’ એવાં નિર્માનીપણાનાં કીર્તન ગાવાં. ને સ્વાદનો સ્વભાવ હોય તો ‘જીભા જોને રે, જીભા જોને,’ એવાં કીર્તન ગાવાં. ને કામનો સ્વભાવ હોય તો ‘વાય વાય કુમતિ મતિ તારી,’ એવાં કીર્તન ગાવાં. જે જે જાતનો સ્વભાવ હોય તેને ટાળ્યાના ઉપાય જેમ કહ્યા હોય તેવાં કીર્તન શીખવાં ને ગાવાં, પણ શત્રુ બીજો પીડતો હોય ને કીર્તન બીજાં ગાય ત્યારે તે સ્વભાવ કેમ ટળે? (૩૨)

૧. સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન - કીર્તન મુક્તાવલી ૧/૪૨૪

પ્રકરણ/વાત: ૧૪/૮

બાર કોશે બોલી બદલે, તરુવર બદલે શાખા;

બુઢાપણમાં કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા.

માટે હવે તો સ્વભાવ માત્ર મૂકી દેવા. ‘સ્તુતિ-નિંદા’નું લોયાનું સત્તરનું વચનામૃત વંચાવીને કહ્યું જે, આ બધી વાતું જ્યારે હૈયામાં ઊતરે ત્યારે જેમ દર્પણમાં દેખાય છે તેમ પોતાનું વરતાઈ આવે છે. આવા જોગમાં આળસ કરીને બેસી રહેશું ત્યારે ખોટ ક્યારે ટળશે? મોરે તપ કર્યાં હતાં પણ કોઈને આવો સત્સંગ મળ્યો નથી. આ સત્સંગ યજ્ઞ, વ્રત, તપાદિકે કરીને મળે તેવો નથી. ઉગ્ર તપ કર્યાં, દિવસની રાત્રિ કરી, રાફડો થઈ ગયા તો પણ કહે, “મને પરણાવો!” માટે કરોડ જન્મે કરીને મહારાજનું વચન, મહારાજની ઉપાસના ને મહારાજના સાધુ એ ત્રણમાં જ જીવ જોડી દેવો. દેહ પડી જાશે તો બધું અધૂરું રહેશે. આ ધર્મશાળા પણ અધૂરી રહેશે. જેને સત્સંગનો મમત્વ નહિ તેની તો વાત જ નોખી. ‘વાસુદેવ હરે’ થાય ત્યારે જમી આવે ને પછી બળદ પૂછડાં ઝાટકે તેમ એ લૂગડાના કટકે માખીયું ઝાટક્યા કરે ને આસને બેસી રહે કાં ગોખે સૂઈ રહે તેમાં જીવને શું સમાસ થાય? (૩૩)

પ્રકરણ/વાત: ૧૪/૧૪૦

આપણે આવો જોગ મળ્યો છે પણ જો મન બળવાન થઈ ગયું, ઇંદ્રિયું બળવાન થઈ ગઈ કે સ્વભાવ બળવાન થઈ ગયા તો સત્સંગમાં રહેવાશે નહિ. માટે આ દેહને સત્સંગના કામમાં લાવવું ને સત્સંગીને અર્થે ઘસી નાખવું. સત્સંગને જાણે છે, સાધુને જાણે છે ને ભગવાનનો નિશ્ચય છે પણ જ્યાં સુધી સ્વભાવ છે ત્યાં સુધી સુખ નહિ આવે, માટે સમાગમ કરીને સ્વભાવ ટાળવો. (૩૪)

પ્રકરણ/વાત: ૧૫/૪૪

Vat Selection


Type: Keywords Exact phrase