ગુણગ્રાહક
ગ્રંથ મહિમા
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં જગતની જે કોઈ વસ્તુમાં સારા ગુણો છે તે બતાવી તેના ફાયદા જણાવ્યા છે. ગુણિયલ જીવ-પ્રાણીમાત્રને સહુ કોઈ પસંદ કરે છે, દુર્ગુણીને નહિ. માટે ડાહ્યા માણસોએ પ્રભુને પ્રસન્ન કરવા માટે જીવનમાં સારા સદ્ગુણો અવશ્ય કેળવવા જોઈએ. ગુણ ગ્રહણ કરવાની બાબતમાં સ્વામીએ તેમનો સિદ્ધાંત જણાવ્યો છે કે, જેનાથી ભગવાન શ્રીહરિ રાજી થાય તથા જે તેની સેવામાં કામ આવે તે જ સહુથી શ્રેષ્ઠ ગુણ, વસ્તુ કે વ્યક્તિ છે. જો પ્રભુ અર્થે કામ ન આવે તો જગતની દૃષ્ટિએ ગમે તેવું સારું ગણાતું હોય તો પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તે બિલકુલ નકામું છે. માટે ભગવાનના ભક્તોએ પોતાનું તન, મન, ધન અને આત્મા સહિત સર્વસ્વ શ્રીહરિની સેવા અર્થે જ કરી રાખવું તે સર્વોત્તમ ગુણ છે.
હિન્દી ભાષામાં રચાયેલા આ ગ્રંથથી ભગવદ્ ભક્તોની દૃષ્ટિ ગુણગ્રાહક તથા ભગવાનના સંબંધવાળી દિવ્ય બને એવો હેતુ જણાય છે. આ ગ્રંથના કુલ ૧૦૧ દોહા છે.