હરિબળ ગીતા

ગ્રંથ મહિમા

 

શરણાગતિ પ્રધાન આ અદ્‌ભુત ગ્રંથ સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીની કલમે સં.૧૮૯૮માં રચાયો છે. ૩૮ વર્ષ સુધી સાધુ જીવનનો અનુભવ થયા પછી, સ્વામીએ ૭૬ વર્ષની પૌઢ અવસ્થાએ આ ગ્રંથ લખ્યો છે. એટલે આ ગ્રંથમાં લેખકની પીઢતા તથા પક્વતા સવિશેષ નીખરી છે.

આ ગ્રંથમાં શ્રીહરિના બળની ગાથા વર્ણવવામાં આવી છે, તેથી ‘હરિબળગીતા’ આવું અન્વર્થ નામાભિધાન પણ અતિ યોગ્ય છે. આશરો, શરણાગતિ, પ્રપત્તિ, ભગવન્નિષ્ઠા અને આત્મસમર્પણ આ બધા શબ્દોનો અર્થ ઘણો જ મળતો છે. બીજાં તમામ સાધનોમાંથી ઉપાયપણાની બુદ્ધિનો ત્યાગ કરી ભગવાનનો જ સાધન તથા સાધ્યસ્વરૂપે સ્વીકાર કરવો, એ જ શરણાગતિનું સાચું રહસ્ય છે. પુરુષોત્તમની પ્રાપ્તિ પુરુષોત્તમની કૃપાથી જ થાય છે. એટલે જ આ ગ્રંથમાં બીજાં તમામ સાધનો કરતાં શરણાગતિની અતિ શ્રેષ્ઠતા વર્ણવવામાં આવી છે.

સાધનબળિયા માણસો કરતાં આશરાવાળા ભક્તો ભગવાનને વધુ વહાલા લાગે છે. કેમ જે, બીજાં સાધનોમાં સ્વબળ તથા અહં જીવતાં રહે છે, જ્યારે શરણાગતિમાં પોતાના અનન્ય આધાર તરીકે પ્રભુને જ સ્વીકારવાના હોય છે. તેમાં પરમાત્માનું પ્રધાનપણું તથા પોતાનું અહંશૂન્યપણું આપોઆપ આવી જાય છે, ને તે પ્રભુને અત્યંત પ્રિય છે. એટલે જ આશરાવાળા ઉપર શ્રીહરિનો સર્વશ્રેષ્ઠ રાજીપો થાય છે. વચનામૃત ગઢડા પ્રથમ ૩૩માં પણ મહારાજે સમગ્ર સાધનોનો રાજીપો એક આશરામાં જ બતાવ્યો છે. આ રાજીપાના પ્રતાપે જ શરણાગત જીવનાં તમામ પુણ્ય, પાપ અને દોષોને બાળી શ્રીહરિ તેને પોતાની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવી આપે છે. આ બાબત સ્વામી આ રીતે જણાવે છે:

એમ જીવને જગદીશ છે, જનક જનની સમાન ।

નિષ્કુળાનંદ એહ નવ તજે, નિશ્ચે જાણો નિદાન ॥ (૨૧/૮)

પોતાના જાણી નવ પરહરે, કરે પ્રીતે કરી પ્રતિપાળ ।

અવગુણ ન જુવે અર્ભકના, જેમ જનની જાળવે બાળ ॥ (૨૨/૬)

ઘણા ભક્તો પોતામાં રહેલા દોષો જોઈને હિંમત હારી જાય છે કે, મારો મોક્ષ થાશે જ નહીં. આવું માનીને નિરાશ થઈ ભગવાનની ભક્તિમાંથી પાછા પડી જાય છે. આવા ભક્તો માટે આ ગ્રંથ સંજીવની સમાન છે. આ ગ્રંથ મુમુક્ષુઓને બળિયા અને હિંમતવાન બનવાની જોરદાર ઉર્જા પૂરી પાડે છે.

આ ગ્રંથ દ્વારા નિષ્કુળાનંદ સ્વામીએ તે સ્પષ્ટ કરી દીધું છે કે, “જીવનો મોક્ષ સાધનોથી નહિ પણ, શ્રીહરિની દયાથી જ થાય છે. જીવનો મોક્ષ કરવા માટે ભગવાનને તેમના દૃઢ ભરોસાની જ અપેક્ષા છે. બીજાં સાધનો તો તેમની પ્રસન્નતા માટે કરવાનાં હોય છે. માટે જે જીવને ભગવાનનો જોરદાર ભરોસો છે, તેનો ભગવાન મોક્ષ, કરશે જ.”

વચનામૃત ગઢડા મધ્ય ૬૬માં મહારાજે પણ આ વાત કરી છે, “કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે... અને એ સાધન છે, તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે.” જીવ ગમે તે સાધન કરે, પણ તેનું ફળ તો પ્રભુ આપે તો જ મળે છે. કેમ કે, કર્મો સ્વયં નાશવંત તથા નિર્જીવ વસ્તુ છે, તે સ્વતંત્ર રીતે કોઈને કશું જ ફળ આપી શકે નહિ. માટે લાખ સાધનો કર્યાં પછી પણ જીવની શુદ્ધિ તથા મુક્તિ તો પ્રસન્ન થયેલા પ્રભુની કૃપા થકી જ થાય છે, સાધનોથી જ નહીં. આ વિષે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે જે:

તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય ।

તેને ભરોસે ન ભવ તરે, જાય જનમ અમૂલ્ય ॥ (૩/૪)

અચળ આશ્રય ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ ।

એવા જન જે જગમાં, તે પામે પરમ કલ્યાણ ॥ (૩/૭)

જે જીવ પોતાનું અહં તથા સાધનબળ છોડી શ્રીહરિને શરણે થાય છે તથા ભગવાનની જેમ મરજી હોય તેમ જ રહે છે, તેનાં પાપ તથા વાસનાને ખુદ ભગવાન જ નાશ કરી દે છે. અર્જુનજીએ ભગવાનની મરજીથી મહાભારતના યુદ્ધમાં અનંત જીવોને મારી નાખ્યા, તો પણ કાંઈ જ પાપ ન લાગ્યું. જ્યારે ભરતજીએ પોતાની લાગણીને વશ થઈ દયાખાતર મૃગલીના બચ્ચાને મોતમાંથી બચાવ્યું તથા અપાર પ્રેમ આપ્યો તો પણ મૃગ જેવો તુચ્છ જન્મ આવ્યો. માટે શરણાગતિ સમાન પાપથી બચવાનો અને પ્રભુને પામવાનો બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. ગીતામાં પણ કહ્યું છે જે:

सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।

अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥

[ગીતા: ૧૮/૬૬]

શરણાગતને સાધન તથા સાધ્ય તે બન્ને એક શ્રીહરિ જ હોય છે. આવો આશરો અખંડ સ્મરણમાં રાખવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની શરૂઆતમાં ભગવાનના નામજપનો ઉપાય સૂચવ્યો છે. આ ઉપાય તપ-તીર્થાદિ જેમ સ્વતંત્ર સાધનરૂપે નહિ, પણ શરણરૂપ શ્રીહરિનાં અખંડ સ્મરણ માટે કરવાનો હોય છે.

અહીં એક પ્રશ્ન થાય છે કે, જે પ્રભુની શરણાગતિ સ્વીકારે તેને બીજાં કોઈ સાધન કરવાનાં હોય છે કે નહિ? જો અન્ય ઉપાયો કરવાના જ હોય તો પછી શરણાગતિનું મહત્ત્વ શું? જો કાંઈ જ કરવાનું ન હોય, તો શું શરણાગતને સદા ખાઈ-પીને સૂઈ રહેવું જોઈએ? આનો ઉત્તર એ છે કે, ભગવાનની જેમ મરજી હોય તેમ, તેમના સુખાર્થે તત્પર રહેવું તે શરણાગતનું કર્તવ્ય છે. એટલે આશ્રિતોએ પ્રભુની આજ્ઞા તો અવશ્ય પાળવી જ જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ આ બાબતને આ રીતે જણાવી છે:

હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવાં સર્વે સાધનજી ।

તેમાં કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી ॥ (૯/૧)

શાસ્ત્રોમાં શરણાગતિનું પૂર્ણ સ્વરૂપ છ અંગોએ સહિત આ રીતે બતાવવામાં આવ્યું છે:

आनुकूल्यस्य संकल्पः, प्रातिकूल्यस्य वर्जनम् ।

रक्षिष्यतीति विश्वासो, गोप्तृत्ववरणं तथा ॥

आत्मनिक्षेपकार्पण्ये, षड्विधा शरणागतिः ।

(૧) आनुकूल्यस्य संकल्पः: શરણરૂપ શ્રીહરિને જેમ સુખ થાય તેમ તેમની મરજીમાં અનુકૂળ થઈને રહેવાનો પાકો ઠરાવ રાખવો.

મેલી ગમતું નિજ મનનું, કરે ગમતું તે ગોવિંદ તણું ।

જેમ વાળે તેમ વળે વળી, મૂકી મમત આપણું ॥ (૧૦/૫)

(૨) प्रातिकूल्यस्य वर्जनम्: પ્રભુને જે જે નથી ગમતું, તે બધું શરણાગતે છોડી દેવું. તેમણે જે જે કરવાની ના પાડી છે તે ન જ કરવું.

(૩) रक्षिष्यतीति विश्वास: આજ સુધીમાં મેં પ્રભુના અનેક અપરાધો કર્યા છે, હજુ પણ મારામાં અનંત દોષો ભર્યા છે; છતાં પણ શરણાગતપાલક અને સર્વશક્તિમાન એવા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરશે જ. અને તેની પ્રાપ્તિ મને તે પોતે જ કરાવી આપશે. આવો મહાવિશ્વાસ રાખવો.

સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં જાણ્ય ।

દૃઢ ભરોસો ઘર્મનંદનનો, અતિ અંતરમાંઈ આણ્ય ॥ (૫-૧)

(૪) गोप्तृत्ववरणम्: રક્ષા કરવાની પ્રાર્થના કરવી જે, “હે હરિ! અખંડ આપના ગમતાંમાં જ રહેવાય તેવી આપ જ કૃપા કરીને મારી સર્વ પ્રકારે રક્ષા કરશોજી.”

(૫) आत्मनिक्षेप: આત્માએ સહિત પોતાના સર્વસ્વનું સમર્પણ કરી દેવું. સર્વના માલિક શ્રીહરિને જ માની, અહં-મમત્વ રહિત થઈ અખંડ તેમની સેવાપરાયણ વર્તવું.

(૬) कार्पण्यम्: પોતાને વિષે સર્વ પ્રકારનું દીનપણું માનવું, “હે મહારાજ ! હું તો સર્વથા પરાધીન એવો અનન્યગતિ આપનો રાંક સેવક છું. મારી પાસે કોઈ જ બળ કે સાધન નથી. આપ જ પરમ કરુણા કરીને મને નિભાવી લેજો, ને આપનો જ થઈને સદા રહું એવી કૃપા વરસાવજો.”

કેનેક બળ અન્ન ધન રાજ્ય તણુંજી, કેનેક બળ વળી વિદ્યાનું ઘણુંજી ।

કેનેક બળ દેહ દેખી આપણુંજી, એહ માંહેલું બળ નથી મારે અણુજી ॥ (૩૮/૧)

લાજ મારી છે હરિ તમારે હાથજી, મુજ અનાથના તમે છો નાથજી ।

સંકટમાંહિ સ્વામી રેજો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી ॥ (૪૦/૧)

જીવાત્માઓ અનાદિથી ભગવાનના દાસ જ છે. તે શાસ્ત્રો પણ કહે છે:

दासभूताः स्वतः सर्वे ह्यात्मानः परमात्मनः ।

આ રીતે આ છએ અંગોએ સહિત ભગવાનનો આશરો સ્વીકારવો અને એક ભગવાનનું જ બળ રાખવું તે આ ગ્રંથનો મુખ્ય ગલિતાર્થ છે. આ ગ્રંથનો શ્રેષ્ઠ મહિમા તથા ફળ લેખક શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ કડવું-૪૪, પદ-૧૧માં કહ્યાં છે.

આ ગ્રંથમાં ૪૪ કડવાં, ૧૧ પદ અને કુલ મળી ૪૦૦ ચરણો છે.

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧