હૃદયપ્રકાશ
ગ્રંથ મહિમા
પુરુષોત્તમની પ્રાપ્તિ એટલે પુરુષોત્તમની અખંડ અનુભૂતિ. આત્મામાં પરમાત્માના સાક્ષાત્કાર માટે અંતરની શુદ્ધિ અનિવાર્ય છે. મેલા મનમંદિરમાં મહારાજ ક્યારેય પ્રકાશતા નથી. માટે દરેક મુમુક્ષુઓએ પોતાના હૃદયની શુદ્ધિ કરવી જરૂરી છે.
સદ્ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામી આ ‘હૃદયપ્રકાશ’ ગ્રંથમાં હૃદયને પ્રભુની પધરામણીનું પાત્ર બનાવવાનો પ્રકાશ પાડે છે. તેથી તેનું ‘હૃદયપ્રકાશ’ એવું સાર્થક નામાભિધાન કર્યું છે.
નિષ્કુળાનંદ સ્વામીએ ગુરુ-શિષ્યના સંવાદમાં રચેલા આ ગ્રંથમાં એક અદ્ભુત મનોવિજ્ઞાન લગાવ્યું છે.
આપણું હૃદય જન્મોજનમથી જગત સંબંધી ભૂંડા વિષયોથી ભરપૂર થઈ ગયેલું છે. નવ શત્રુઓનું રાજ આપણા હૃદયમાં ચાલે છે: પાંચ જ્ઞાનેન્દ્રિયોનું તથા ચાર અંતઃકરણનું. અંતઃકરણના ચાર દેવતાઓ તેના ખાસ સાથીદાર-પ્રધાનો છે. આ બધાએ ભેગા થઈને આપણા અંતરમાં અહં-મમત્વ અને જગતનું જ્ઞાન ભરી દીધું છે તે ભગવાનને પગ દેવાની પણ જગ્યા નથી.
આ બધી ચર્ચા શરૂઆતના નવ પ્રસંગોમાં કરી છે. પછી દસમા પ્રસંગમાં સ્વામીએ હૃદયમાંથી જગતનું જ્ઞાન કાઢવા માટે પાંચ ઉપાયો બતાવ્યા છે: (૧) વૈરાગ્ય (૨) પ્રભુની પરાભક્તિ (૩) વિષય ત્યાગના નિયમો (૪) મોટા સંતનો સંગ (૫) આત્મનિષ્ઠાની દૃઢતા.
વૈરાગ્ય, ભક્તિ અને આત્મજ્ઞાન તરત થાય તેવા નથી. માટે નિયમો સહુ કોઈના તારણહાર છે.
આ બધાં સાધનો કેવળ સ્વપ્રયત્નથી જ સિદ્ધ થવાં અશક્ય છે. પરંતુ જો શ્રીહરિ તથા સંતનો ભરોસો રાખી તેના બળે પૂરતો પ્રયત્ન કરે તો પ્રભુજી જરૂર તેને સહાય કરી સાધનો પૂરાં કરી આપે છે. આવો સાર અગિયારમા પ્રસંગમાં જણાવ્યો છે.
બારમાં પ્રસંગમાં મહારાજની મૂર્તિ ધારી સંકલ્પને મારવાની રીત શીખવી છે તથા પ્રભુને દોષ નહિ દેતા તેમને પ્રસન્ન કરવાનો દાખડો કરવાની ભલામણ કરી છે.
તેરમાં પ્રસંગમાં મૂર્તિના સાક્ષાત્કારની સ્થિતિવાળા તથા આશરાની દૃઢતાવાળાનાં લક્ષણ જણાવી તે બન્નેનું કલ્યાણ જણાવ્યું છે. તેમાં પણ ભગવદ્ આશરો તે ભવસાગર તરવાનો સહુથી સારો ઉપાય છે, તેમ જણાવ્યું છે.
ભગવાનના ભક્તને પણ દેહ છે ત્યાં સુધી વિષય તો ભોગવવા જ પડે છે. એમાં પણ જેને વૈરાગ્યાદિ સાધનો નબળાં હોય તેવા ભક્તો માટે છેલ્લા બે પ્રસંગોમાં અતિ સરલ ઉપાય બતાવ્યા છે. ઇન્દ્રિયો-અંતઃકરણ દ્વારા જે કાંઈ ક્રિયા થાય તેમાં સર્વત્ર શ્રીહરિનો સંબંધ જોડવાની જોરદાર ટેક્નિક બતાવી છે.
આમ, માયિક વિષયોનો સંગ છોડી અખંડ ભગવત્પરાયણ રહેવા માટે આ ગ્રંથ અતિ ઉપયોગી છે.
આ ગ્રંથ સંવત ૧૮૯૬ અષાઢ સુદ-નીમી એકાસશીએ વરતાલમાં રહીને પૂર્ણ કર્યો છે.