કલ્યાણ નિર્ણય

ગ્રંથ મહિમા

પોતાનું આત્યંતિક કલ્યાણ કરવા ઇચ્છતા મુમુક્ષુઓ માટે આ ગ્રંથ અતિ મહત્ત્વનો છે. શ્રીસ્વામિનારાયણ ભગવાન તથા તેમના મળેલા સંતના આશરે આત્યંતિક કલ્યાણ સુધીની પ્રાપ્તિ પામી ચૂકેલા સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામી મહાવિજ્ઞાની સંત છે. જીવનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય, તેના ઉપાયો અને તેના અવરોધો આ તમામ બાબતની તેમને પૂરેપૂરી અનુભૂતિ છે. તેથી જ તેમણે આ ગ્રંથમાં કલ્યાણ વિષેની સર્વાંગી છણાવટ પોતાની આગવી શૈલીમાં અદ્‌ભુત રીતે રજૂ કરી છે. મુમુક્ષુને મોક્ષ માટે જે જે બાબત જરૂરી છે તેના સ્પષ્ટ નિર્ણયો આ ગ્રંથમાં આપ્યા છે. તેથી આ ગ્રંથનું નામ ‘કલ્યાણ નિર્ણય’ સાર્થક થાય છે.

મોક્ષને ઇચ્છતો એક મુમુક્ષુ તથા આત્યંતિક મોક્ષને પામી ચૂકેલા એક મુક્ત સંત તે બે પાત્રોના સંવાદરૂપે આ ગ્રંથ રચવામાં આવ્યો છે. તેમાં પ્રશ્ન-ઉત્તરસ્વરૂપે આટલા વિષયો ચર્ચાયા છે:

(૧) કલ્યાણ એટલે શું? તે એક જ પ્રકારનું હોય છે કે તેમાં અનંત ભેદ છે? સદ્‌ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ મહામુક્તરૂપે રહીને તેનો જવાબ આપ્યો છે: “જીવ જે કાંઈ સ્તરે ઊભો હોય અને તે સ્તરથી ઉર્ધ્વગતિ પામે છે તે એક પ્રકારનું કલ્યાણ કહેવાય છે. તેમાં અસંખ્ય ભેદો છે.” કોઈને ચપટી લોટ આપવાથી ‘कल्याणं भवतु’ આવો આશીર્વાદ મળે તે પણ એક કલ્યાણ છે; પરંતુ ખરેખર સાચું અને સર્વશ્રેષ્ઠ કલ્યાણ તો આ જ છે:

જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે ।
તેહ વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે ॥ (૨-૨૪)

જે એક વાર પામીને પછી ક્યારેય ન ટળે એવું જે સર્વશ્રેષ્ઠ કલ્યાણ તે જ આત્યંતિક કલ્યાણ છે.

(૨) આ આત્યંતિક કલ્યાણ મળે કેવી રીતે? તેનો ઉપાય શું?

મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે ।
તેહ વિના તો કોટિ ઉપાયે રે, આત્યંતિક કલ્યાણ ન થાયે રે ॥ (૨-૧૮)

અહીં સ્વામી સ્પષ્ટ સમજાવે છે કે આત્યંતિક કલ્યાણ કાં તો પ્રગટ ભગવાન કાં તો તેઓના મળેલા સંત થકી જ થાય છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે યોગી ગીતામાં (અને યોગી વાણીમાં) ‘મળેલા’નો અર્થ કર્યો છે: “ભગવાનને મળેલા એટલે શું? એકાત્મભાવને પામેલા. બસ્સો વરસ પહેલાંના નંદ સંત અત્યારે કોઈ નથી. મહારાજનો અભિપ્રાય પ્રવર્તાવે તે મળેલા. તેની હજારો પેઢીઓ હાલે તોય મળેલા કહેવાય.”

(૩) ભગવાન પ્રગટ ન હોય ત્યારે કોઈ સંત કે શાસ્ત્રને સેવીએ તો શું કલ્યાણ ન થાય? ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વરતાલ ૧૦માં કહ્યા મુજબ ભગવાન પ્રગટ ન હોય ત્યારે ભગવાનના મળેલા સંત દ્વારા કલ્યાણ થાય છે. ભગવાનના મળેલા સંત તો પ્રગટ જ હોય છે, પણ તેઓની ઓળખાણ ન હોય તો મૂર્તિ દ્વારા પણ (કાળાંતરે) કલ્યાણ થાય. માટે બીજા મૂદ્દામાં ભગવાનના મળેલા સંત તે એક અનાદિ અક્ષરબ્રહ્મ જ છે જે ગુરુરૂપે પૃથ્વી પર પ્રગટ વિચરતા હોય છે.

(૪) ભગવાન પ્રગટ ન હોય પણ તેના કુળના જે હોય તેને સેવવાથી મોક્ષ થાય કે ન થાય? ભોળા ભગતની આ ભ્રમણા ભાંગવા સ્વામી કહે છે:

કેડ્યે રહ્યું તે કુળ કહેવાય રે, તેથી કલ્યાણ કે દી ન થાય રે. (૮-૧૮)

પ્રભુના કુળના હોય કે ન હોય પણ મોક્ષ થાય કોના થકી? તો:

હોય આજ્ઞાકારી અંગ રે, કે દી ન કરે આજ્ઞાનો ભંગ રે ।
એવા થકી થાય કલ્યાણ રે, કહું બીજાની સાંભળ્ય સુજાણ રે ॥ (૮-૨૧)

(૫) જેઓ ખોટા આડંબરથી જગતમાં મોટા કહેવાય છે એવા ગુરુઓ કે ધર્માચાર્યોથી પણ મોક્ષ ન થાય. કેમ જે, ભોગ-વિલાસી ગુરુઓ સ્વયં નરકને પામે છે. એવા ગુરુને જે સેવે છે તે પણ યમપુરીના જ અધિકારી બને છે.

(૬) જેને સાક્ષાત્ શ્રીહરિ મળી ગયા હોય તેને હવે કેમ જીવવું? તેની અલૌકિક રીત સ્વામીએ નિર્ણય-૧૩માં સુંદર રીતે વર્ણવી છે.

(૭) કોઈ પ્રગટ પ્રભુની સાથે જ રહેતા હોય, પણ જો પ્રભુની આજ્ઞામાં ન રહેતા હોય ને મનસ્વીપણે વર્તતા હોય તો તેવા મનમુખીથી પણ કોઈનું કલ્યાણ ન થાય.

આવા મોક્ષોપયોગી અનેક મુદ્દાઓ ઉપર નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં સૈદ્ધાંતિક નિર્ણયો આપેલા છે. આ ગ્રંથ રચનાનો સમય તથા સ્થાન વિષેની માહિતી ઉપલબ્ધ નથી. આ ગ્રંથમાં ૧૮ નિર્ણયો (અધ્યાયો) છે. તેના સોરઠા, દોહા અને ચોપાઈ ત્રણેય મળી કુલ ૫૪૨ કડીઓ છે.

 

 

Apr 8, 2019: Translation summaries of Nirnay 1 to 8 available.

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★