વચનવિધિ
ગ્રંથ મહિમા
પુરુષોત્તમ નારાયણને પામવાનો અસાધારણ ઉપાય છે પરાભક્તિ. આ ભક્તિનું એક અનિવાર્ય અંગ ધર્મ છે. ધર્મ એટલે ભગવાનની આજ્ઞા. તમામ મનુષ્યોના આચાર માટેની જે જે આજ્ઞાઓ છે તેનું યથાર્થ પાલન કરવું તે ધર્મનું પાલન કર્યું કહેવાય છે.
આ ધર્માનુષ્ઠાનના મુખ્ય બે ફળ છે: પરાભક્તિની સિદ્ધિ અને પ્રભુની પ્રસન્નતા. ભક્તિની સિદ્ધિ થયા પછી પ્રસન્ન થયેલા પ્રભુ પોતે રાજી થઈને જીવને પોતાની પ્રાપ્તિ કરી આપે છે; તેને જ આત્યંતિક મોક્ષ કહેવાય છે. આ રીતે મુમુક્ષુઓ માટે ધર્મનું અંગ અતિ અગત્યનું છે.
ભગવાનની આજ્ઞારૂપ આ ધર્મ મુમુક્ષુઓના જીવનમાં અતિ દૃઢ થાય તથા તેના ફળરૂપે તેઓ કાયમી મહાસુખિયા થાય તે ઉદ્દેશથી સદ્ગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ આ ‘વચનવિધિ’ ગ્રંથનું નિર્માણ કર્યું છે. વચન એટલે મહારાજની આજ્ઞા. વિધિ એટલે તેનું વિધાન અથવા પ્રતિપાદન. ભગવાનની આજ્ઞાઓ વિષેનું જેમાં સર્વાંગી વિધાન બતાવવામાં આવ્યું છે તે ગ્રંથ એટલે ‘વચનવિધિ.’
આ ગ્રંથના મુખ્ય ચાર વિષયો છે: (૧) વચનમાં વર્તવાના ફાયદા. (૨) વચન લોપવાથી થતું નુકસાન. (૩) આજ્ઞાની દૃઢતા કરવાના ઉપાયો. (૪) આજ્ઞાને લોપાવનાર વિમુખોનો ત્યાગ.
આ ચારેય વિષયોને સ્વામીએ અસરકારક શૈલીમાં દૃષ્ટાંતો સહિત સુંદર રીતે વર્ણવ્યાં છે. આજ્ઞામાં વર્તવાના મુખ્ય બે ફાયદા બતાવ્યા છે: (૧) સુખ (૨) મોટ્યપ.
આજ સુધીમાં જે કોઈ સુખ તથા મોટાઈ પામ્યા છે તે પ્રભુની આજ્ઞામાં વર્તવાથી થતી પ્રભુની કૃપાથી જ પામ્યા છે. તેના દૃષ્ટાંત રૂપે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ધામના મુક્તો તથા બીજા અનેક ભક્તોને સ્વામીએ બતાવ્યા છે.
रक्षितोऽयं धर्मो रक्षति सर्वान् આ ન્યાયે ધર્મનું રક્ષણ કરવાથી સહુ કોઈનું સર્વપ્રકારે હિત થાય જ છે, એમ સ્વામી ભારપૂર્વક જણાવે છે. નાના કે મોટા કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રભુની આજ્ઞા બહાર જાય છે ત્યારે તેમને અસહ્ય દુઃખો આવે છે તે પણ તેમણે બ્રહ્માદિ દેવો તથા સીતાજી અને રાધાજી વગેરે ભક્તોના પુરાવા આપીને સિદ્ધ કરી આપ્યું છે.
આજ્ઞા પાળવાના ઉપાયોમાં (૧) ભગવાનનો મહિમા દૃઢ કરવો. (૨) સાચા સંતનો નિર્માની થઈને મન, કર્મ, વચને સમાગમ રાખવો – આ બે સાધન મુખ્ય દર્શાવ્યાં છે.
સાચા સંતની વ્યાખ્યા આ ગ્રંથમાં આવી કરવામાં આવી છે:
સંત સાચા તે સંસારમાં રહે હરિવચને હમેશ રે ।
આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશ રે ॥ (પદ: ૭/૧)
જેમ ભગવાનની આજ્ઞા પાળી અને તેમને રાજી કરવા, તેમ જ એવા સાચા સંત, જે ભગવાનનું સ્વરૂપ છે, તેમની સાથે કેવી રીતે વર્તવું, કેવી રીતે તેમની પણ આજ્ઞા પાળી અને રાજી કરવા પણ સ્વામીએ આદેશ કર્યો છે:
સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુંજી
કરિયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી (૨૬/૧)
આવા સંતના સમાગમની અનિવાર્યતા પૂ. સ્વામી વેધક ભાષામાં વર્ણવે છે:
મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ ।
નિષ્કુળાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઈને દોષ ॥ (૨૫/૮)
ભગવાનની આજ્ઞા તોડનારા તથા તોડાવનારા વિમુખો છે. નિષ્કુળાનંદ સ્વામીએ તેની ઓળખાણ આપી તેના ભયંકર દુઃખોનું વર્ણન કર્યું છે. પછી આ કુકર્મીઓથી છેટે રહેવાની આગ્રહભરી ભલામણ કરી છે. છેલ્લે વિમુખોથી વેગળા રહી, સંતનો સમાગમ કરી અક્ષરધામ મેળવી લેવાની ટકોર કરી છે.
આમ શ્રીહરિના સાચા સત્સંગી બનવા માટે પ્રાથમિક તબક્કામાં આ ગ્રંથ અતિ ઉપયોગી છે. આ ગ્રંથમાં કુલ ૫૨ (બાવન) કડવાં તથા ૧૩ પદો છે.