વૃત્તિવિવાહ
ગ્રંથ મહિમા
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં જીવના રાગાત્મકભાવનો સદુપયોગ દર્શાવ્યો છે.
અનાદિથી આ જીવને કોઈને પરણવાનો શોખ છે. સ્વામી કહે છે – પરણવા જેવા પુરુષ એક પુરુષોત્તમનારાયણ જ છે, બીજા બધા જ અબળા છે; તેને પરણવાથી કશું જ મળવાનું નથી. વળી અંતે રંડાપો તો ખરો જ; માટે પ્રભુને જ પોતાનો સાચો પતિ માની તેની સાથે પૂર્ણ પ્રેમ કરી લેવો જોઈએ.
આપણી ચૈતન્યવૃત્તિરૂપી કન્યાના શ્રીહરિ સાથે વિવાહ કરાવવાની આ ગ્રંથમાં અદ્ભુત ‘સાયકોલોજી’ બતાવી છે. લગ્ન કરતી વખતે જે જે વસ્તુ તથા વિધિઓનો ઉપયોગ હોય છે તે તમામને સ્વામીએ આધ્યાત્મિકરૂપમાં ઘટાવી દીધું છે.
આ ગ્રંથમાં કુલ ૨૦ પદ છે. તેના રાગ-ઢાળ પણ અતિ પ્રસિદ્ધ લગ્નગીત જેવા જ છે. નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્યમૂર્તિ સંતે જીવના ભલાને માટે આવા ગ્રંથો બનાવી અનહદ ઉપકાર કર્યો છે.
વિવા’ વરણવ્યો પદ છંદ વિશમાં રે,
કહ્યું સંક્ષેપ સર્વેનું રૂપ રે... અલોકી꠶
વર નર તો એક નારાયણ છે રે,
બીજા સર્વે છે સખીને સ્વરૂપ રે.. અલોકી꠶ (૮)
આ ગ્રંથની કુલ ૧૨૦ કડીઓ છે. ગ્રંથ રચનાનો સમય તથા સ્થાન ઉપલબ્ધ નથી.