યમદંડ
ગ્રંથ મહિમા
સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ તેમની ૩૮ વર્ષની ઉંમરે સંવત ૧૮૬૦માં અસાર સંસારનો ત્યાગ કર્યો. શ્રીહરિએ તેમને કચ્છના આધોઈ ગામમાં ભગવાં વસ્ત્ર પહેરાવ્યાં. ત્યાર બાદ તે જ સમયે અને તે જ સ્થાનમાં પ્રગટ પ્રભુએ ‘યમદંડ’ નામનો આ ગ્રંથ રચવાની આજ્ઞા કરી. નિષ્કુળાનંદ સ્વામીએ કાળા અક્ષર કુહાડે માર્યાની (બિલકુલ અભણ હોવાની) પોતાની હકીકત જણાવી.
તે વખતે મહારાજે તેમને આશીર્વાદ આપ્યો. પછી પ્રભુના પ્રતાપે સ્વામીએ જીવનમાં સૌથી પહેલો આ ‘યમદંડ’ ગ્રંથ બનાવ્યો છે.
આ જીવ એક સમુદ્ર જેટલું માતાનું ધાવણ ધાવી ગયો છે, છતાં હજુ ભગવાન ભજી પોતાનું કલ્યાણ કરવા તત્પર બનતો નથી. કારણ કે, તેને ગર્ભવાસ, યમયાતના અને ચોરાશીનાં દુઃખોનું ભાન નથી તથા શ્રીહરિના શાશ્વત સુખનું જ્ઞાન નથી. આ જ્ઞાનભાન કરાવવા માટે જ શ્રીહરિએ નિષ્કુળાનંદ સ્વામીને ગરુડપુરાણ મુજબ ‘યમદંડ’ ગ્રંથ રચવાની આજ્ઞા કરી હતી.
આ હેતુને ધ્યાનમાં રાખી સ્વામીએ આ ગ્રંથમાં ગર્ભવાસ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ પછીનાં અસહ્ય દુઃખો તથા તેના કારણભૂત પાપકર્મનું મૂર્તિમંત વર્ણન કર્યું છે. તેને વાંચી-સાંભળી અનેક જીવો અધર્મનો ત્યાગ કરી સાચા ભક્ત થયા છે. એટલું જ નહિ પણ આજ સુધીમાં અનેક આત્માઓ સંસાર છોડી સંત બની ગયા છે.
નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં યમપુરીના દારુણ દુઃખથી બચવા માટે કુસંગનો ત્યાગ કરી સાચા સંતનો સમાગમ કરવાની ભલામણ કરી છે. તથા પ્રગટ પ્રભુ કાં પ્રભુને પામેલ સંત થકી જ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ બતાવી છે.
જેને પ્રગટ હરિ તથા તેના મળેલ સાચા સંત મળી જાય તેને જીવનમાં કેવો કેફ તથા આનંદ હોય છે તેની પ્રતીતિ માટે આ ગ્રંથનું છેલ્લું ઘોળ રાગનું પદ ખાસ વાંચવા-વિચારવા જેવું છે. નિષ્કુળાનંદ સ્વામીએ માનો સ્વાનુભૂતિરૂપી શાહીથી જ આ પદ આલેખ્યું હોય તેમ જણાય છે.
સ્વામીના પૂર્વાશ્રમના સાસરાનું ગામ આધોઈમાં રચાયેલા આ ગ્રંથમાં ૨૦ કડવાં અને ૧ ધોળ પદ છે. કુલ ૧૧૧૯ ચરણ ઉપલબ્ધ છે.